ગુજરાતી નિબંધ-સંપદા/ગુલામ મોહમ્મદ શેખ/ઘેર જતાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ઘેર જતાં

ગુલામ મોહમ્મદ શેખ

ઘર છોડ્યા પછી પાછા જવાની ઇચ્છા કરવી તે પગમાં મૂળ ઉગાડી જાતને જૂની માટીમાં રોપવા જેવું છે. છતાંય ઘેર ગયા વિના છૂટકો નથી. પણ કયું ઘર, કોની પાસે જવાનું હવે? હું જ્યારે જ્યારે કાઠિયાવાડ જાઉં ત્યારે આવા વિચારો મને બાઝી પડે છે. વિરમગામથી ગાડી બદલાય ત્યારે જ જે જમીનમાં, હવાની અંદર મેં મારું બાળપણ ગાળ્યું છે તેની સ્મૃતિઓ ઝાંખરાની જેમ વળગવા માંડે છે. વહેલી સવારમાં વિરમગામ સ્ટેશનના પ્લૅટફૉર્મ પર કાબરોનો અસહ્ય કલબલાટ, લોકવાણીનો ફેર અને લાલ ડબ્બાઓમાંથી ડોકાતી કાંટાળ જમીન પર લથ્થડિયાં ખાતો પીળો તડકો — આ બધું અહીં ઊંઘમાં સંભળાય, દેખાય અને આંખ ઊઘડે એ પહેલાં તો રેલગાડીની સરસરાટ કરતી જીભ મને કીડાની જેમ ઊંચકી મારા બાળપણ ભણી ખેંચી જાય.

આવળ-બાવળની આછેતરી ઝાડીઓ, રસ્તે આવતાં ગામડે બેઠેલી સૂનમૂન ઝૂંપડીઓ અને અતિવૃષ્ટિની ઉઝરડાયેલી ગાભણી જમીન જોતાં મારા માથામાં વેદનાના ટશિયા ફૂટે છે. ગાડી ચાલતી જાય છે તેમ પગના તળિયે અને હથેળીમાં સળવળાટ થાય છે. લાલ, કાળોતરી અને ભૂખરી માટીનું સગપણ ચામડીનાં છિદ્રો વાટે પ્રગટે છેઃ મને થાય છે કે ગાડી છોડીને ઊતરી પડું, રસ્તો આંતરી ખેતરનાં ઢેફાંમાં જઈને પડું, આળોટું, મારું મોં ખેડેલી ભોંયના વાટામાં ભેરવી ઊંડો ઊતરું જેથી મારા માથાના ટશિયા એના પેટમાં ઊતરે અને એના રેલામાંથી મૂળ ફૂટે…

રેલગાડીનો મારા બાળપણ સાથે અવિસ્મરણીય સંબંધ છે. કદાચ મને વધારેમાં વધારે તિરસ્કાર હતો રેલગાડીથી. બાળપણથી જ મને લાગતું કે એ માણસના મનને એક ભૂમિમાંથી બીજી ભૂમિમાં રોપવાનો દાવો કરતી રાક્ષસી છે (જોકે એનું બિહામણું સ્વરૂપ, ખાસ કરીને અંધારી રાતે ગામડાના એકલદોકલ સ્ટેશને કલ્પવાનું મને ગમતું) કારણ કે એનું પાશવી સ્વરૂપ હજુ મને વળગેલું લાગે છે. ગાડીમાં બેસું અને મન ઉત્તેજિત થાય, વિચારોનો કેફ ચડે. જાણે કે મન ભૂવા જેવું થઈ ધૂણે અને લાકડાની કઠણ પાટલીએ બેઠાં બેઠાં ભૂતકાળની સ્મૃતિઓ ભૂતડાંની જેમ ઊભી થાય.

રેલગાડીની ચીસ અમારા નાનકડા ઘરની બારીએથી સંભળાતી તેમ અત્યારે એનો વિચાર કરતાં મને ધ્રૂજતા પુલના થડકારા સંભળાય છે. રાતના પેશાબને બહાને ઘરની બારીએ બેસીને વંડી પાછળના અંધારા ઘાસમાં છછુંદર અને ગરોળીઓના સળવળાટની રેખાઓ કલ્પવાની જાણે મને આદત પડી ગયેલી. તારોડિયાંના અજવાળે ગાયકવાડી ઘોડારના ઘોડાની હણહણાટી પરથી એની પૂંછડીનો વાંકડિયો થડકાર દૂરની ગાડીની સીટીના રેલા સાથે હું જોડી દેતો ત્યારે મારી આંગળીઓ અજાણ્યે જ બારીના લાકડા પર કૂંડાળાં કર્યે જતી. કોઈક વાર ગાયકવાડી વંડીની પેલી પારના પુલ પરના સળિયા પાસેથી પસાર થતી અંધારી આકૃતિ જોતાં મનમાં ફડક પેસતી, તો કોઈક વાર વંડીની અંદરના અંધારાનાં પડ ઉકેલતાં બધું ભુલાઈ જતું. દિવસે વંડીની એક બાજુએ ઊગેલ બોરડીના થડને બથમાં ઝાલી અમે કાંટા વીંધતાં વીંધતાં ઉપર ચડતા, બોર પાડતાં, ખાતાં અને ઠળિયા નીચે ચરતાં ઢોર અને નીચે રખડતી વાઘરીવાડની છોકરીઓ ઉપર ફેંકતાં તે બધું રાતે જાણે જડવત્ અંધારામાં ગોઠવાઈ ગયું હોય તેમ લાગતું, પણ દિવસ અને રાતના ફરકે બોરડી, ઢોર અને છોકરીઓને પાણામાં પલટાવી નાખ્યા હોય તેવું ભાન થતાં મન હેબકાઈ જતું. પણ આમ હેબકાઈને બેસવું, દિવસના અનુભવને રાતના અંધારામાં શિલ્પવત્ કરી નિશ્ચલ ઘાસમાં ફરતાં જીવડાંની હરફરના અવાજને સાંભળી રહેવું — એ બધું આજે જાણે મારા પગ નીચે બાઝેલી વીસ વરસની ધૂળમાં કોઈ વાર વરતાઈ જતાં મૂળિયાંમાં મગફળી જેવા ફળનો સંપુટ થઈને બાઝેલું છે. જ્યારે જ્યારે હું રેલગાડીમાં બેસું છું ત્યારે મારા પગમાં બાઝેલી ધૂળમાં થઈને ઝણઝણાટી ઊપડે છે, તેથી દરેક રેલગાડી કાં તો ઘરની નજીક જતી દેખાય છે અથવા ઘરથી દૂર. ઘરની ધ્રુવ રેખાની આજુબાજુ રેલગાડીઓ ભમ્યા કરે છે.

આ ઘરની અંદર મેં અંધકાર અને તડકાની બન્ને બાજુઓ ઉથલાવી ઉથલાવીને જોઈ છે. કદાચ મારું આખું બાળપણ એ પ્રવૃત્તિમાં જ વીત્યું છે. રાતના બારીએ બેસતી વેળા વંડીની પેલી પારની દુનિયા સાથે આ પારની દુનિયાના પડછાયા પણ ડોલતા. વંડીની જમણી બાજુએ લીમડો, એમાં કસાઈ છોકરાઓએ છરાથી કરેલા ઘા અને એમાંથી ટપકતો ગુંદર અમે ફૂટેલી શીશીઓમાં ભેગો કરતા. કસાઈના છોકરાઓ છરાઓ લઈને અમારા ઘર આગળથી નીકળતા અને આજુબાજુનાં ઘરોના પગથિયે ઘસતા-સજાવતા જેથી બધાંનાં ઘરનાં પગથિયે લીસ્સી ઘીસીઓ પડી જતી, જ્યાંથી ઊતરતી વખતે ઘરડાં માણસો લપસી પડતાં અને અનેક તકરારો થતી. પણ લીમડો કસાઈખાનાને દરવાજે જ અને અમારા ઘરની બરાબર પછવાડે. મારી બારીએથી લીમડો, એના પર છરાના ઘા, ડાઘ અને એમાં જામી ગયેલા તથા ટપકતા ગુંદર પર બણબણતી માખીઓ અને કસાઈખાનામાં ઘરાકોના, કસાઈઓના અને માંસ કપાવાના અવાજોનો કલબલાટ દિવસે અને રમઝાન મહિનામાં રાત્રે પણ સંભળાતો. કસાઈખાનું બંધ હોય ત્યારે એના બે ગંદા ઓરડામાં ગંધાતા ઝાડના થડિયા પર કપાયેલા માંસની વાસ જાણે કે હજારો મરેલાં જાનવરોના કકળાટવાળું, વંડીના ભરડે ભીંસાયેલું, લીમડાને ભેટમાં ખોસી ઊભેલું કસાઈખાનું તારોડિયાંના પ્રકાશવાળા આકાશની સામે, વાર્તામાંની કોઈ રાક્ષસી ઇમારત જેવું લાગતું. આજે વિરમગામ સ્ટેશને પ્લૅટફૉર્મના છાપરાની અંદર બેઠેલાં અસંખ્ય પંખીઓનો કલબલાટ સાંભળું છું ત્યારે મને કતલખાનાની અંદર થતા અવાજોની યાદ આવી જાય છે. વિરમગામ સ્ટેશનેથી જ જાણે ઘર સાથેનો દોર બંધાઈ જાય છે.

ઘેર જવું તે જાણે આ બધું ખોળવા જવું; અંધકારને ખોળવો, તડકાને ખોળવો. સવારમાં ઊઠતાંવેંત ગોદડાના રૂની વચ્ચેના કપડાની ભાતમાંથી તડકો ટપકાંવાળી ચોરસ રેખાએ દેખાતો અથવા ઓટલે બાપુએ વુઝૂ કરેલું તેના રહી ગયેલ ખાબોચિયામાં અરીસાની જેમ આંખને આંજી દેતો દેખાતો. પછી તો જેમ દિવસ ચડતો જાય તેમ ગારના પડનાં ચોસલાં કરતો, બારણાની જાળીના સળિયાના પડછાયાને ભોંય પર ખેંચી લાંબા કરતો અને સંડાસને બહાને હું નદી પાર કરી સામેનાં ખેતરો લગી રખડવા જતો ત્યારે રેતીમાં ગેલ કરતો દેખાતો. નદીની રેતીમાં ચાલતા ખૂંચી જતા પગ, છીછરી નીકના પાણીમાં ભીંજાતા પગ, લીલમાં ખરડાયા પછી સૂકી રેતીમાં સાફ થઈ જતા પગ હું નદી પારના તોતિંગ પોલાદી પુલના માળખા પર મૂકતો ત્યારે એની ઠંડકથી ધ્રુજારી આવી જતી. ચડતા સૂરજના તાપથી ટાઢક લેવા હું પુલ નીચે બેસતો ત્યારે ઘણી વાર કસાઈવાડાનાં ઘેટાં-બકરાંનું ટોળું ફરવા નીકળતું અથવા છાંયે બેસતું.

સૂરજ માથે ચડતો તેમ ઘરની અંદરના ઓરડે અંધારું લીંપાઈ જતું. નળિયાં વચ્ચેના પોલાણમાંથી આગની ટશર જેવી ચાંદરડાંની લીટીઓ જમીન પર પડતી તેને હું ગણતો અને ચાંદરડાંને ગાર પર ચાલતાં જોઈને ઘૂંટણે હાથ વીંટી બપોર વીતવાની રાહ જોતો. બહાર તડકો રમરમ્ કરતો વરસતો. ગાયકવાડી વંડીની પેલી પારની બોરડીના કાંટામાં અટવાયેલાં છોકરાં. નીચે ઘાસમાં અવળસવળ ફરતી ખિસકોલીઓ, આમતેમ રખડતાં કૂતરાં, બોર ખાવા ટાંપી રહેલી વાઘરીવાડની લઘરવઘર છોકરીઓ અને ઉમ્બરાની બહાર, બધ્ધે-બધ્ધે રમરમતો તડકો.

ઉંબરે બેસી સામેના રસ્તાની બત્તીના તાર પર એકપછી એક આવીને બેસતાં પંખીઓ જોતાં સાંજ પડતી. ભૂરા રંગ પર તાણેલી આછી પેન્સિલની લીટી જેવા તાર પર કાબર, કબૂતરો, કાગડા અને મોડી સાંજે ચામાચીડિયાં બેસતાં, ઊડતાં, દૂર દૂર સમડીઓ બબ્બેની જોડમાં અથવા એકલી તરતી. બીજાં પંખી આમતેમ ઝુંડમાં ઊડી જાતજાતની ભાત રચતાં. સાંજ પડતી અને એક જાતની શાંતિની લેરખી વાતી. વાળુ ટાણે તો માત્ર ચારે બાજુથી ટિપાતા રોટલાનો ક્રમબદ્ધ અવાજ, ધુમાડાની અને શાકભાજીની નળિયાંનાં પોલાણોમાં થઈને ફેલાતી વાસ. પણ માણસો શાંત થતાં તેમ કસાઈખાનાને લીમડે બેઠેલા અસંખ્ય કાગડાઓ ઊડાઊડ અને કલબલાટ કરી મૂકતા. સાંજ જાણે કે ઉપરથી આવતી અને ઘરના બારણાના ઉપરના પાટિયેથી ઊતરતી; ત્યાં જાણે કે મચ્છર એને સૂંઘતાં સૂંઘતાં ગણગણતાં અને મા મને લોબાનનો ધૂપ દેવા કોડિયું દેતી. મચ્છર કાળું દેખીને કે અંધારું દેખીને બેસે એવી માન્યતા એટલે ઘરને ખૂણે ખૂણે હું લોબાનનો ધુમાડો પહોંચાડતો. ત્યાર બાદ જ બારણાના ઉપરના પાટિયે લટકાવવા માટે ફાનસ સળગાવાતું. ફાનસ સળગે અને બારણાનો આકાર બદલાય, એના પ્રકાશમાં બારણાંના બધા સળિયાની એક બાજુએ સફેદ લીટીઓ દોરાઈ જાય. બારણાની બહારનો, સાંજનો લાલભૂરો અંધકાર પથ્થર જેમ ઘટ્ટ થતો જતો હોય ત્યારે ફાનસનું અજવાળું છત પર કૂંડાળું કોતરે. બત્તી બારણે લટકે એની બેય બાજુ આછાં આછાં જીવડાં ભમે. ભાઈઓ બન્ને બાજુથી માથાં સંભાળી આવે ત્યારે એમનાં મોં પર એક બાજુથી પડતો પ્રકાશ, દિવસના થાકની રેખાઓને બદલી નાખે, શેતરંજી પર એક થાળમાં જમવા બેસીએ ત્યારે ફાનસ પણ બાજુએ બેસે, ઊઠીએ ત્યારે પાછું લટકે, બે ઓરડા વચ્ચેના ઉંબરે, તે છેક સવાર લગી.

આ ફાનસ, બારણું, બારણાના સળિયા, રાતે પથારીમાં પડીએ ત્યારે આજુબાજુ આત્મીય જનની જેમ બેઠા હોય. ધીમા કરેલ ફાનસને લીધે પડછાયા ઓગળી જાય અને કોઈ વાટને ઊંચી કરે તો જાદુઈ કરામતની જેમ સળિયાના પડછાયા જીવતા થઈને લાંબા-ટૂંકા થાય અને ખરબચડી દીવાલો પર ખિસકોલી જેવા લસરે. મોડી રાતે અંધારું તમરાં સાથે ગણગણતું હોય ત્યારે ફાનસનું ટમટમિયું અજવાળું ધીમે ધીમે ઓગળી જતું લાગે. રાતની સૂમસામ ગલીઓ, માત્ર કોઈ રડ્યાખડ્યા માણસોનાં પગલાંનો અવાજ અથવા અંધારાં જેટલી જ ઘાટી શાંતિ. અથવા કોઈક વાર મોડી રાતે ઘોડાગાડીનો, ઘોડાના ડાબલાનો અવાજ — મોડી રાતની ‘મિક્સ’ કોઈક પૅસેન્જરને ગામને આ છેડે ઉતારે. સૂમસામ અંધારામાં થતો ઘોડાગાડીનો, ઘોડાના ડાબલાનો એ અવાજ ટપટપટપટપ હજુ પણ મારા કાનના કોઈ ખૂણે ચોંટી રહ્યો છે. હું પણ હવે કોઈક વાર ઘેર જાઉં ત્યારે રાતની મિક્સમાં જ પહોંચું છું ત્યારે એ જ મડદાલ ઘોડા જોડેલી ગાડીનો અવાજ લઈને ઊતરું છું.

પણ આ બધુંય તે ઘર છૂટ્યા પછીનું ઘર. આમ તો આ બધું મારા શરીરથી ખૂબ વિખૂટું પડી ગયું છે. આજે હું ઘરથી દૂર બેસી મારું શરીર અંધકારના દરિયામાં એકલવાયું તરતું જોઉં છું ત્યારે અંધકાર ઓળખાતો નથી. વીસ વરસ પહેલાંના ઘરના અંધકારમાં હું તરતો હતો ત્યારે મારું શરીર મને ઓળખાતું નહોતું કારણ કે અંધકાર અને હું અભિન્ન હતા. પરંતુ આજેય મોડી રાતે હું અચાનક જાગી જાઉં છું ત્યારે ધોળેલા ઓરડાની બારીમાંથી ચમ્પાના પાંદડાંની પીઠનો અંધકાર ને એની પાછળ સૂતેલું તારોડિયું આકાશ મને હેબકાવી નાખે છે. અહીંયાં ફાનસનું આછું અજવાળું નથી. વીજળીનો પ્રકાશ કરવાની હિમ્મત નથી. મારા ઘરનાં બંધ બારણાં બહારની લાદી પર ઘેરો અંધકાર લીંપાયેલો છે. એના ઉપર થઈને માતેલ સાપણ જેવી હવા ધીમે ધીમે ખસે છે. પાસેના લીમડાની ડાળીએ બેઠેલી ચીબરી ઝરેરાટ કરી ઊઠે છે… ‘ઊહાપોહ’, ડિસેમ્બર ૧૯૭૦