ગુજરાતી નિબંધ-સંપદા/પ્રીતિ સેનગુપ્તા/કેટકેટલા ઈશ્વરો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કેટકેટલા ઈશ્વરો

પ્રીતિ સેનગુપ્તા




ગુજરાતી નિબંધસંપદા • કેટકેટલા ઈશ્વરો - પ્રીતિ સેનગુપ્તા • ઑડિયો પઠન: અનિતા પાદરિયા


ઘર્ષણ વગરનો કાળ, યુદ્ધ વગરનું વિશ્વ — ઓહો, શું આવાં કલ્પન પણ આપણે કરી શકીએ છીએ? બહુ-સહસ્ર વર્ષો પહેલાંનું જીવન પણ ક્યાં શાંત, સંયત ને નિર્દોષ હતું. જગતનો ઇતિહાસ આરંભથી જ સંઘર્ષયુક્ત અને લોહિયાળ રહ્યો છે.

સમકાલીન જગતમાં જે બધું બનતું દેખાય છે, તેનું અચરજ પારાવાર છે. અત્યારે કૌટુંબિક સ્તરે ભાઈ-ભાઈમાં ઝઘડા છે, સામાજિક સ્તરે પાડોશી-પાડોશીમાં વિખવાદ છે, કેટલાયે દેશોમાં પોતાની જ પ્રજાની અંદરોઅંદર કાપાકાપી થઈ રહી છે, તો અનેક મહારાજ્યો એકમેક પર અણુબૉમ્બની ધમકી બતાવતાં તોળાઈ રહ્યાં લાગે છે. કદાચ બ્રહ્માંડમાં ગ્રહો પણ પરસ્પર ભટકાઈ પડવા તત્પર હોય.

હોય પણ ખરા. કશું કહેવાય નહીં. મશીનોની મદદથી હવે ‘હાથ’ લાંબા થયા છે, અંતર ઘટેલાં જણાય છે અને કોઈ પણ વ્યક્તિ કે સમાજ કે દેશ સહેજમાં અન્યને મારી — અથવા તારી — શકે છે.

જ્યાં વ્યક્તિગત રીતે પણ શાંતિ મેળવવી કઠિન બનતી ગઈ છે તેવા જગતમાં સર્વત્ર અને સતત થતા દેખાતા વિરોધો અને વિચ્છેદોનાં કારણ જુઓ તો મુખ્યત્વે ત્રણ હશે — સંપત્તિ, સત્તા અને ત્રીજું — કેવું આશ્ચર્ય — ધર્મ. જે અભ્યાસ તેમજ આચરણ દ્વારા સહિષ્ણુતા, પ્રેમ, સમભાવ જેવા ગુણોનો પ્રચાર કરે છે તેને નામે તદ્દન અસહિષ્ણુ અને અત્યંત હિંસક વ્યવહાર દુનિયાભરમાં કેમ થતો રહેતો આવ્યો છે?

અલબત્ત, આ પ્રશ્ન જ રહેશે. એની ચર્ચા અહીં તો નથી જ થવાની. આમેય, જો કદાચ એનો કોઈ જવાબ હોઈ પણ શકે — તો એ અતિજટિલ તથા અનિર્ણાયક હોવાનો.

પણ ઇન્ડોનેશિયાના પૂર્વ તિમોર ટાપુ, લૅબૅનોન, બૉસ્નિયા જેવા અમુક દેશોમાં બનતા ગયેલા બનાવો — અરે, અંદર અંદરની ખૂનામરકી — એ મારું ધ્યાન ખ્રિસ્તી ધર્મ પ્રતિ ખેંચ્યું છે. અંગ્રેજીની એક કહેવત પ્રમાણે, ‘જે (પેલી તરફ) જાય છે, તે (આ તરફ) પાછું આવે છે.’ આવું કંઈક ‘ક્રિશ્ચિયાનિટી’ની બાબતે બન્યું છે કે શું?

બે હજાર વર્ષથી તો એ ધર્મ પ્રચલિત છે જ, પણ સાથે જ, એ હકીકત કેમ ભુલાય કે એના પ્રથમ પ્રણેતાને જ લોકો સમજ્યા નહોતા. એ ધર્મની શરૂઆત જ ધર્મગુરુનો ભોગ લઈને થઈ હતી. જાણે ત્યારથી એનો માર્ગ આગ્રહપૂર્વકના ‘પરિવર્તન’નો બન્યો. પાંચસોથીયે વધારે વર્ષ પહેલાં, સ્પેનના રાજા ફર્ડિનાન્ડ અને રાણી ઇઝાબેલાએ — સ્પેનને કૅથોલિક મહારાજ્ય બનાવવાની અભિપ્સાને કારણે — નિશ્ચિત તારીખ સાથેનું ફરમાન કાઢેલું કે ‘ઑગસ્ટની ૨જી, ૧૪૯૨ સુધીમાં બધા યહૂદીઓએ ક્યાં તો ‘ક્રિશ્ચિયાનિટી’નો અંગીકાર કરવો, ક્યાં તો દેશ છોડીને ચાલી જવું.’ આ હુકમનું પાલન નહીં કરનારને માટે સજા હતી મોતની.

આ જ હકૂમતના આશ્રયે ક્રિસ્ટોફર કોલંબસ ધનવાન અને અવનવાં સ્થાનો—જેવાં કે ઇન્ડિયા, કૅથે (ચીન), ઝિપાન્ગો (જાપાન) — શોધવા નીકળેલા. વળી, એ પોતે ચુસ્ત ખ્રિસ્તી હતા. ‘માલિક’ માટે ધન-સંપત્તિ અને પોતાને માટે ગૌરવની પ્રાપ્તિની આશાની સાથે સાથે, તે સ્થાનોના લાખો આત્માઓના ધર્મ-પરિવર્તનની શક્યતાની પણ કોલંબસને મોટી આશા હતી.

બનવાકાળે કોલંબસ પશ્ચિમ ગોળાર્ધમાંના જે ટાપુઓ પર પહોંચ્યા ત્યાંની આદિ-પ્રજા નિર્દોષ હતી, કુતૂહલ-સભર હતી ને શાંતિનું જીવન જીવતી હતી. એ જન-સમૂહ પર ‘ક્રિશ્ચિયાનિટી’ લાદવામાં શી મુશ્કેલી? સમજાવટ અને ઉપદેશથી નહીં માનનારા માટે શસ્ત્રો અને બળજોરી ક્યાં ન હતાં?

દુનિયાભરમાં ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે સદીઓથી અનેક પ્રયત્નો થતા રહ્યા છે ને એ દરમિયાન આ ધર્મ પોતે જ કેટલો છિન્ન-વિચ્છિન્ન થઈ ગયો છે તે જોવા જેવું છે. ધર્મોને નામે જો કોમી રમખાણો તેમજ યુદ્ધો સુધ્ધાં થાય છે, તો એ બધાંમાં નાના પંથો તથા માન્યતા-ફેરને લીધે ફાટફૂટ પણ પડતી જ જાય છે. એકનું પરિણામ કરુણ આવે છે, ને બીજાનું હાસ્યાસ્પદ.

જે પશ્ચિમનો, ને કદાચ ‘પારકો’ કહેવાય તે ખ્રિસ્તી ધર્મ અત્યારે અનેક વડવાઈઓમાં વહેંચાઈ ગયેલો છે. પવિત્ર ધર્મ-ગ્રંથ પણ જૂના અને નવા ‘ટેસ્ટામેન્ટ’નાં બે જુદાં વ્યાખ્યાકરણ પામી ગયો છે. ‘બહારનાં’ ને જરાતરા ફેર લાગે તેવી બાબતો શ્રદ્ધાળુઓ માટે ઘણી અગત્યની હોય છે અને તે-તે પંથના મૂલાધારરૂપ હોય છે. કોઈ પેટાધર્મમાં પણ ત્રણ કે ચાર કે વધારે ફાંટા પડતા જોઈને આપણે નવાઈ પામીએ છીએ, શંકા કરવા માંડીએ છીએ, તો આ તો જગતના મુખ્ય ત્રણ ધર્મોમાંનો એક છે. એમાં કેટકેટલી શાખાઓ પડેલી છે, તે જાણીને તો આશ્ચર્યનો પાર નહીં રહે.

એ બધી શાખીઓની અંદરના ભેદ-તફાવત આપણે સમજી નહીં શકીએ અને બધાં નામોની સમજૂતી પણ કદાચ હું નહીં જ આપી શકું, પરંતુ માત્ર માહિતીની દૃષ્ટિએ પણ આ યાદી રસપ્રદ છે. ‘ક્રિશ્ચિયાનિટી’નો મુખ્ય તથા બૃહદ અંશ ‘રોમન કૅથોલિક’ છે. એનું સત્તા-કેન્દ્ર રોમ શહેરમાં આવેલી ‘વેટિકન સિટી’ નામના વિભાગમાં સદીઓથી સ્થાપિત છે. નામદાર પોપ એના સર્વોચ્ચ અધિપતિ છે. જોકે સમગ્ર ખ્રિસ્તી ધર્મના એ નિઃશંક છત્રધારી છે. એમનું એક કામ સતત બધી શીખાઓને પ્રસન્ન રાખવાનું હોય તેવું લાગે છે. રોન કૅથોલિક પંથ ‘લૅટિન ચર્ચ’ પણ કહેવાય છે. એમાંના ‘બિશપો’ની નિમણૂક પોપ દ્વારા થાય છે. એમાંના અત્યંત પુણ્યશાળી અને ધર્મનિષ્ઠ બિશપના મૃત્યુ પછી એમને ‘સેઇન્ટ’ની પદવી અર્પવી કે નહીં, એનો નિર્ણય પણ પોપ કરે છે. મધર ટેરેસા પાસે ‘બિશપ’નું શીર્ષક ન હતું, છતાં એમનાં અસાધારણ કાર્યો તથા કરુણાને કારણે એમને પણ ‘સેઇન્ટહૂડ’ (sainthood) અર્પણ કરવાની વાત ચાલી રહી છે.

‘ગ્રીક ઑર્થોડૉક્સ’નું બીજું નામ ‘ઈસ્ટર્ન ઑર્થોડૉક્સ’ છે. નામ સૂચવે છે તે પ્રમાણે એ સ્થપાયો ગ્રીસમાં. અન્યત્ર, ઘણી મોટી સંખ્યામાં આરબો આ પંથમાં આસ્થા રાખે છે. આમાંથી ફૂટેલી શાખા તે ‘મેલ્કાઇટ’ અથવા ‘ગ્રીક કૅથોલિક’. એના સદસ્યોની સંખ્યા ખાસ્સી ઓછી છે.

‘આર્મેનિયન ચર્ચ’માં શ્રદ્ધા રાખનારા મુખ્યત્વે તળ-આર્મેનિયન લોકો હોય છે, તો ‘કૉપ્ટિક ઑર્થોડૉક્સ’ના લગભગ બધા સદસ્યો ઇજિપ્તમાં વસે છે. ‘સિરિયન ઑર્થોડૉક્સ’નું કહેવું છે કે એ સૌથી પ્રાચીન ક્રિશ્ચિયન ચર્ચ છે. આ જ પ્રજાનું એક જૂનથ બસો-ત્રણસો વર્ષ પહેલાં સિરિયાથી વહાણમાં નીકળીને કેરળના કિનારે પહોંચ્યું હતું. અત્યારે ત્યાં જે સંખ્યા રહી હશે તે સાવ નાની હશે ને કદાચ ત્યાંના સમાજથી કિંચિત્ વિયુક્ત હશે. ‘મૅરોનાઇટ’ કહેવાતા પંથનું મૂળ પણ સિરિયામાં છે. એ રોમને — એટલે કે નામદાર પોપના નિયમનોને — વફાદાર છે. કદાચ તેથી જ અસંખ્ય શ્રદ્ધાળુઓથી એ ભર્યો-ભાદર્યો થયેલો છે.

‘ઇથિયોપિયન ઑર્થોડૉક્સ’ પંથ ગુણાંકની દૃષ્ટિએ ખાસ્સો સાધારણ છે, પણ એના સદસ્યો ઊંડી શ્રદ્ધા ધરાવતા હોય છે ને અત્યંત ચુસ્ત રીતે ધર્મના ક્રિયા-કાંડનું પાલન કરતા હોય છે. કોઈ પણ જાતની બાંધ-છોડ કે સમાધાન કરવા કરતાં આ લોકો જીવતા બળી મરવાનું પસંદ કરતા હોવાનું સાંભળ્યું છે.

‘રશિયન ઑર્થોડૉક્સ’ પંથ રશિયન ભક્તોની સાથે સાથે દુનિયામાં ઘણી જગ્યાએ પ્રસર્યો. સુંદર, સપ્રમાણ ઘુમ્મટોથી યુક્ત એનાં ચર્ચ ખૂબ આકર્ષક હોય છે ને તરત ઓળખાઈ જાય છે. આ ચર્ચ અંદરથી આમ તો સાદાં હોય છે, પણ લગભગ દરેકમાં ‘વિશિષ્ટ કળાકૃતિ’ કહી શકાય તેવાં ધાર્મિક ચિત્રો, ઈશુ અને માતા મૅરીનાં કાષ્ઠ-શિલ્પ વગેરે ‘પધરાવાયેલાં’ હોય છે.

‘રોમાનિયન ઑર્થોડૉક્સ’ ચર્ચ પણ ઘણું પ્રાચીન છે. સામ્યવાદી સરકારની નીચે એ દબાયેલું ને શુષ્ક-સંયત રહ્યું. એમાં પૂજા ને આરતીટાણે ઉચ્ચારાતાં પ્રાર્થના-સ્તવનો બરાબર સંસ્કૃત શ્લોકોનો જ ધ્વનિ સર્જે છે અને ઉપસ્થિત પ્રત્યેકને ભાવવિભોર કરી દે છે.

‘પ્રોટેસ્ટન્ટ’ જનપ્રિય અને શક્તિશાળી પંથ છે. ‘રોમન કૅથોલિક’નો એને હરીફ કહી શકાય. આ બે મુખ્ય પંથનાં માનનારાં વચ્ચે દેખીતું વૈમનસ્ય હોય છે. આયરલૅન્ડના ઉત્તર ભાગમાં તો વળી આને કારણે કેટલી હત્યા થતી રહેતી આવી છે. ‘પ્રોટેસ્ટન્ટ’ની અંદર પાછી અનેક પ્રશાખાઓ છે — એપિસ્કોપલ, ઍન્ગ્લિકલ, લ્યુથરન, બેપ્ટિસ્ટ ઇત્યાદિ.

નાના નાના બીજા કેટલાયે પેટા-પંથો અસ્તિત્વમાં છે: ‘ઍપોસ્ટોલિક ચર્ચ ઋફ ધ ઈસ્ટ’, ‘ચર્ચ ઑફ ગૉડ’, ‘ચર્ચ ઑફ લૅટર-ડે સેઇન્ટ્સ’ વગેરે. જાણે ખ્રિસ્તી ધર્મના કણ. આ બધા સિવાય, કેટલાક પંથ અમેરિકામાં શરૂ થયેલા દા.ત., મૉર્મોન. ૧૮૩૦માં એની સ્થાપના થયેલી. ચોથી સદીમાં થઈ ગયેલા એક ઉપદેશક દ્વારા સોનાનાં પતરાં પર લખાયેલું પુસ્તક — નામે ‘બુક ઑફ મૉર્મોન’ — એમનો મુખ્ય ધર્મગ્રંથ છે. એના સદસ્યો અમેરિકામાં બહોળા પ્રમાણમાં છે.

૧૯૧૦ના અરસામાં સ્થપાયેલા ‘જેહોવાહ્સ વિટનેસિસ’ (Jehovah’s Witnesses) કહેવાતા પંથના સભ્યો યુદ્ધનો વિરોધ કરે છે અને ધર્મ-સ્વાતંત્ર્યનો આગ્રહ રાખે છે. ‘સેવન્થ ડે એડ્વન્ટિસ્ટ’ પંથ શનિવારને મુખ્ય દિવસ ગણે છે, ને સપ્તાહની મુખ્ય પૂજા યોજે છે.

કેટકેટલા સંપ્રદાયો, દરેકનો પોતાની ધર્મ-સરણી માટેનો આગ્રહ. એમાંથી નિપજતી જીદ કે પોષાતું અંધ-ઝનૂન ને પછી ઝઘડા કે કત્લેઆમ. એ દરેક ‘ઈશ્વર એક છે’ને બદલે ‘એક જ ઈશ્વર છે — અમે જેમાં માનીએ છીએ તે’ — એમ કહેવા માંડે છે. જો એ દરેકનો પોતાનો આગવો ઈશ્વર હોય — તો એ શક્ય છે (છે?) કે બધા ઈશ્વરો વચ્ચે પણ વિખવાદ થવા માંડ્યા હોય. શું તેથી જ નહીં હોય જગતમાં અસ્તવ્યસ્તતા? અંધાધૂંધી? જેનો અંત કે ઉપાય ના દેખાતો હોય તેવી મુશ્કેલીઓ? અનવરત ઘર્ષણ?