ગુજરાતી નિબંધ-સંપદા/મયૂર ખાવડુ/ગોળો

ગોળો

મયૂર ખાવડુ

ઢાંકણું ખોલ્યું ત્યારે ખબર પડી કે છેલ્લા કેટલાય સમયથી અંધકાર, વંદા અને ઝીણી મચ્છીઓને પોતાના સૂકુંભટ ઉદરમાં સંગ્રહીને પડેલું ઘરનું માટલું તેનાં આગમન સમયનો ચળકાટ ગુમાવી ચૂક્યું છે. એની આસપાસની પોપડીઓ ઉખડી ગઈ છે. કલાકારની કલાત્મકતાનો છેદ ઉડી ગયો છે. જે અજાણી ઉર્વરામાંથી જન્મ્યું ત્યાંની શીતક ગંધ તેના મોઢામાંથી આવી રહી છે. કોરાં માટલાની અંદરનાં બ્રહ્માંડમાં કાળું ટપકું દેખાયું અને સ્મરણ થયું દાદાજીની પીઠ પર માંકડ જેવા દેખાતા તલનું. જેને ખોતરી ખાવાની નખને તીવ્ર તૃષ્ણા હતી. માટલાની આજુબાજુ હાથ ફેરવ્યા તો ઠંડીનો નર્યો કોઠો લાગતો હતો. ખબર નહીં ક્યારે, પણ એનાં કાઠલાને ફાંસી આપવી હોય એમ સફેદ રંગનો રૂમાલ મેં જકડીને બાંધી દીધેલો. જેથી વંદા અને મચ્છીઓની પ્રજાતિ ત્યાં પોતાનું આવાસ ન બનાવે. ને તોપણ ખોલ્યું ત્યારે ખબર નહીં ક્યાંથી આ અગમ્ય બ્રહ્માંડમાં તેનો પ્રવેશ થઈ ગયો. કાઠલાની આજુબાજુ જમણા હાથની ટચલી આંગળી ફેરવી તો કંકુ જેમ ધૂળ ચોટી ગઈ. એ ધૂળ કે વૃદ્ધાવસ્થાના કારણે શરીરનો ધીમેધીમે ત્યાગ કરી રહેલી તેની ચામડી, એ સમજાયું નહીં!? વૉશબેસિનમાં નવજાત શિશુની જેમ બેસાડ્યું અને પાણીનો ફૂંવારો ચાલુ કર્યો. પ્રથમ વરસાદ જેવી માદક સુગંધ રસોડાના ખૂણાઓમાં વઘારની જેમ ફેલાઈ ચોંટવા લાગી અને ઘડીભરમાં અલોપ પણ થવા લાગી! આ સોડમ ભાગી છૂટે એ પૂર્વે માટલાની અંદર જીભ ફેરવવાની એષણા ઉદ્દીપ્ત થઈ ગઈ. ઉનાળાનું માવઠું ગઈકાલે જ પૂર્ણ થયું હતું. અમદાવાદના સાઉથ બોપલની માટી પર પડેલા ઝરમર વરસાદે એવી બીન બજાવેલી કે સુગંધ સાપની જેમ એકાએક બેઠી થઈ હતી અને ફોંયણાને રાફડો સમજી ઘુસી ગયેલી. થોડી ક્ષણો માટે માટલાનું કોતરકામ જોઈ કલાકારની ચિત્રવિદ્યા પર આંખો સલામીના ભાખોળિયા ભરવા માંડી. એની ઉંમરનું ગણિત માંડવા તર્જનીને વાંકીવાળી ઠપકારી. કાને એની ઉંમરનું પારખું કર્યું અને સંદેશ પહોંચાડ્યો કે હજુ આયખું પૂરું થયું નથી. માટલાનું કામ પૂરું કરીને હું મારા ઓરડા ભણી ચાલ્યો. ત્યારેય હું એકલો તો નહોતો જ, એક ઓસાણ આંગળી પકડીને મારી ભેગુંભેગું ચાલતું હતું. નરસિંહ ટેકરીનાં અમારા ઘરની ઓસરીમાં આવેલું પાણિયારું નીત્ય ઠંડુઠંડુ રહે. એની ઉપર પાડોશી તોલાબાપાની ફાંદ જેવા બે મસમોટા માટલા. માટલું નહીં ગોળો! ચાલો એને ગોળા જ કહીએ. ત્યારે નાના માટલાઓનો જન્મ નહોતો થતો. બેફામ ઉનાળામાં કેરીની હરરાજી થતી હોય અને તૂટેલા રસ્તાની બીજી બાજુ, બસ સ્ટેન્ડની સામે, સારણની નજીકમાં, મસ્જિદના ખૂણે, જોધપરા આસિફના બાગની નજીક, મિલના મેદાનની એક ચોક્કસ જગ્યાએ, નવજીવન સ્કૂલના છેડા પાસે જ્યાં તાલાલાનો કેડો આવી જાય ત્યાં માટલાઓ કતારમાં મોઢું ઉઘાડી તરસ્યા પડ્યા હોય. એની અંદર આંખો પરોવું તો હર્યુંભર્યું રણ દેખાઈ. પાણીનાં બે છાંટા પડે ત્યાં એનાં પાતાળમાં ટીપું ઓલવાઈ જાય. જાણે નીચે જગરું સળગાવીને રાખ્યું હોય. ન સંભળાય એવો, પાણી પીવાનો પારેવા જેટલો નિક્ષિપ્ત ફફડાટ એની અંદર પૂરાયો હોય. શિયાળાના આથમવાના દિવસો ઓરા આવતા જતાં હોય અને ગધેડાઓ પીઠ પર માટીની ગુણ્યો લઈ નીકળે. નરસિંહ ટેકરીમાં જ્યાં ત્યાં પડેલાં ધૂળનાં ઢેફાં એનાં પસાર થયાના સગડ બતાવતા હોય. બડીકો લઈ પાછળ દોડતાં અમ તોફાની બારકસો એ મૂંગા જીવની ઠેકડી ઉડાવીએ, પણ ત્યારે ખબર નહીં કે આ બિચારા ગદર્ભોની માથે જ ગ્રીષ્મનો આખો ભાર નંખાયો છે. બાપુજી ભાવતાલ મુદ્દે ભારે જક્કી. અંતે તો શિક્ષકજીવ એટલે કરકસર કરવાની પહેલાંથી ટેવ. બે ગોળા લેવામાં એ આખો જમાનો માથે લે ને પછી બે ગોળાઓની ગળચી ઝાલીને નરસિંહ ટેકરી સુધી ખેંચી લાવે. સુદૃઢ બાવડા ને પાંખી કાયાનું આ જ દમામદાર રહસ્ય. રામદેવ પીરનાં મંદિરની બાજુમાં ઊભા ઊભા અમે જોતાં હોઈએ ત્યારે બાપા તો ગીરના સિંહે બકરીઓની બોચી પકડી હોય એવા લાગે અને પેલા રતાશ રંગના ગોળા તો જાણે અજાણ્યા જાનવરનું લોહીયાળ શરીર. બાનો હાથ જાડો. આંગળીના ટેરવાથી ગોળાઓની એવી રીતે તપાસ આદરે જાણે મા દીકરા માટે પુત્રવધૂ ખોળતી હોય. મંદિરની બાજુમાં જ ગોળાની ધોલથપાટ શરુ થાય. ડંકીએથી સીંચીને લાવેલા પાણીથી એનો ભૂખ્યો કોઠો ભરાય. ગોળો ઊંચો-નીચો થાય. ફળિયામાં ગોળગોળ ફરે, જાણે પૃથ્વીમાં ભૂકંપ આવ્યો હોય એવો લાગે! પાણી નથી ઝરતુંને? એનું બારીક નજરોથી પારખું લેવાતું જાય. બાનો ભર્યોભાદર્યો, બરછટ, પાડાનું બરડ માંસ ચીરેલો અને તાજી પડેલી કરચલીવાળો હાથ એનાં પેટમાં ઘુસે ત્યારે નક્કી ગોળાને પાંચ ફેંણવાળો સાપ જ્યાં ત્યાં ડંખતો હોય એવી તીખી વેદના થતી હશે. બાનો હાથ વલોણું લેતો હોય એવો લાગે. સોની બજારેથી લીધેલો ને કોણીએથી લસરીને કાંડે અડુંઅડું થવા આવેલો પાટલો ઠણકઠણક વાગતો હોય ત્યારે બેસૂરા સંગીતથી ગોળાને કરમની કઠણાઈ બેઠી હોવાનો ભાસ થાય. કામ પૂરું થાય ને પાણી ઢોળાય ત્યારે એની અંદરનું કસ્તર ઉલટી કરતું બહાર નીકળે અને નરસિંહ ટેકરીના બકરી ને સાંઢીયાની લીંડી જેવડાં કાળમીંઢ પથ્થરોને ટાઢા કરતું જાય. એ પછીનું દૃશ્ય તો અદેખાઈ પમાડતું. અભેરાઈ ઉપર હોળી પછી ઉટકવાની રાહ જોઈ બેઠેલા તાંબા, પિત્તળ ને ટીનનાં વાસણોની કતારો વચ્ચેથી એ વરરાજા જેવા ઠાઠમાઠ સાથે ગૃહપ્રવેશ કરે. ઉનાળાના આકરા તાપથી તપી ગયેલા કાંધી ઉપરના વાસણો વધારે તપી ઉઠે. એકબીજા સાથે નજીવા અથડાઈ ટનટન અવાજ કરી વાસણવાણી દ્વારા કૂથલી કરે. ગોળો ઝરે છે કે નહીં એ માટે આખી રાત એને તપશ્ચર્યા કરવાની રહે. પાણિયારાની છાતી ઉપર આખી રાત સૂનમૂન બેઠાં હોય, કે આવતીકાલે શું પરિણામ આવશે? હાથ અડીએ તો હિમાલય જેવા ટાઢાબોળ લાગે. એનાં મોઢામાં ભોડું નાખીએ તો સસલાની ચતુરાઈ અને સિંહની મૂર્ખતાની બાળવાર્તા યાદ આવે. પહેરણ ઉતારી એને છાતી સરસું ચાંપી દેવાનું મન થાય. મને એની કાયા પર કરાયેલા કલાકારીના કામણમાં ભારતીની સાડીનો હળવો હળવો અણસાર આવ્યે રાખતો. અને એનો કાઠલો પણ ભારતીનાં હોઠ જેવો કમાનાકાર. રાતના અંધકારની આછી ઝાંયમાં એનો ઉભાર એનાં ઢગરા જેવો દેદિપ્યમાન થાય. વચ્ચે મૂકેલું ટપકું એટલે જાણે એની વર્તુળાકાર નાભી! ભારતીના ઘરનો ગોળો જ એનાં શરીરને અભળાવતો. હાંડો ને બેડું ઘરમાં રઝળતા મૂકી એ ગોળો લઈ ડંકીએ ઉપડતી. ડંકીએથી જઈ પાછી આવે ત્યાં સુધીમાં ગોળાનાં મોઢામાંથી ઊછડેલા પાણીએ શ્રીફળનો પ્રસાદ ચાખી લીધો હોય. ભીની થયેલી કાખ જાણે પાણીનું ખાબોચિયું ને એમાંથી નીતરતું પાણી કેડે કંદોરો બાંધી આપી અગાધ ખીણમાં ઉતરી જાય. ઘરે પહોંચે ત્યાં સુધીમાં તો ગોળો એને નસકૂસ વિનાની કરી નાખે. બીજા દહાડે ઘરનો ગોળો પાછો ઉટકાઈ નવોનક્કોર થાય. માથે ગરણી મૂકાઈ. હાંડાનું પાણી એમાં ગૂબગૂબગૂબગૂબ કરતું ધૂબાકા મારે. છબછબ કરતાં કેટલાંક ટીપાં એનાં શરીરને નવડાવતા જાય ને બપોર થતાં તો ઠંડું પાણી ગળા નીચે ઉતરે. એનાં સુશોભનમાં વૃદ્ધિ કરતો પીવાનો ટબૂડિયો ગ્લાસ બાજુમાં પડ્યો રહે. માથે પ્રવીણ ડાહ્યાભાઈ પરમાર એવા શબ્દો ત્રોફાવેલા હોય. ગોળાની અંદર કોકડું વળીને કેવો સનેપાત ભર્યો પડ્યો છે એની એ એકને જ ખબર. વારેઘડીએ અંદર દર્શન કરવાનો એને લ્હાવો મળતો રહે. રાત થતાં થતાં એ આખું પાણી અમારા પેટમાં સ્વાહા થઈ જાય. ગોળો તળિયાઝાટક!