ગુજરાતી નિબંધ-સંપદા/મયૂર ખાવડુ/નરસિંહ ટેકરીની ભૂતકથાઓ
મયૂર ખાવડુ
મારા અસ્થિપિંજરના કારાગૃહમાં કેદ થયેલું ટેણિયું મુક્કીઓ મારી ભાગી છૂટવા ધમપછાડા મારે છે. હું આંખ મીંચું છું અને કોશેટોમાંથી ફૂટી નીકળેલું કાળું પતંગિયું એની પાંખોને ફફડાવે છે. હું નર છું અને નર પતંગિયાની પાંખમાં અંકાયેલી જીવનરેખાઓ લાંબી હોતી નથી. ક્યારેક એવું લાગી આવે છે કે સૃષ્ટિમાં વસતી નર જાતિને અતીતરાગની કાળકોટડીમાં નિવાસ કરવાનો શ્રાપ મળ્યો છે. એમ જ દિવસના કોઈ એકભાગમાં સ્મૃતિઓ એકધારી ઊલટી કરી મસ્તિષ્કના હોજને ખાલી કરી નાખે છે. ગળામાં અટવાયેલો એનો તૂરો સ્વાદ દિવસ અને રાત્રિ મને મારી જવાબદારીનું ભાન કરાવે છે. મૃત્યુ સમયે પણ પેલી ફ્લૅશલાઈટ થતી હશે અને એમાં ગમતાં અને બાળપણનાં તીવ્ર વેગે પસાર થઈ ગયેલાં દૃશ્યોનું એક વખત આચમન કરવાનો લહાવો મળતો હોવો જોઈએ. મૃત્યુ હજુ નજીક હોય એવું લાગતું નથી, પણ સ્મૃતિઓના ભયાવહ અરણ્યમાં પેલી ફ્લૅશલાઈટ રોજ થોડી થોડી થયા કરે છે. કોઈ અગમ્ય પીંજરામાં પુરાયેલી છે. પીંજરું એક ડબ્બામાં સાચવી રાખ્યું છે. એ ડબ્બામાં ભરેલાં મધુર સ્મરણોની અંદર નેવાધાર વરસાદ ઝીંકાય છે. ડબ્બો છલકાય છે. એમાંનું પાણી ડબ્બાની બહાર નીકળી મારી ચંદ્રકાય આંખની ભૂમિ પર ત્રાટકી પડે છે. આંખની ઉપર બેસેલાં સ્મરણોનાં માથાં ભીંજાવા લાગે છે. એને ભાગવું છે, પણ ભાગી નથી શકતા. કાતર જીવડાના ડાંગા જેવી દેખાતી મારી કીકીઓના વાળ અપંગ બની ગયા છે. હિંમત કરું છું, પણ આંખ ઊઘડતી નથી. બધું સ્થિર થઈ ગયું છે. ક્યાંક હીંચકા ખાતાં, ક્યાંક દોડતાં, ક્યાંક રમતાં, ક્યાંક ઝઘડતાં, ક્યાંક ગારો ખૂંદતાં, ક્યાંક ભૂતથી ભાગતાં, ક્યાંક ઘરેથી ભાગી જવાની હઠ લઈ બેસેલાં, ક્યાંક નદીમાં છીછરું પાણી શોધી તરતાં એ સ્મરણોની ઝાંય ડહોળાવા લાગે છે. એના પાણીમાં મારું માથું ખોસી દે છે અને હું શ્વાસ લેવા તરફડિયાં મારવા લાગું છું. આ જુઓને નરસિંહ ટેકરીનાં સ્મરણો મારી પાંપણની ટેકરી ઉપર ચાડિયા બનીને કતારમાં ઊભાં છે. અને હું પંખીની માફક એ ચાડિયાથી ડરું છું. સ્મૃતિના ખેતરમાં વાવેલા સંસ્મરણપાક પર ચાંચ મારવાનું મન નથી થતું. બાળપણનો અસબાબ તો હોય એવો ને એવો જ જોવાની શ્રદ્ધા કોને ન હોય? મેં હજુય એ આસ્થાના દીવાને મારા બેય હાથેથી બૂઝવા નથી દીધો. એવા તાનમાં ને તાનમાં કે હજુય ત્યાં એવું ને એવું હશે. કંઈ બદલ્યું નહીં હોય. તાફતે વાવાઝોડાના વિનાશથી બચ્યા પછી તેની ઝલક જોવા માટે નીકળવાનું થયું તો કારમાંથી ડોકિયું કરતાં મને હતું એવું ને એવું જ ચિત્ર દેખાયું. જાણે એ જગતને કોઈએ મારા માથે થંભાવી ન રાખ્યું હોય, પણ અંદરખાને તો કેટલુંય બદલાઈ ગયું છે એવો ગોકીરો કાને અથડાતા જીવ ચૂંથાવા લાગ્યો.
•••
અમારી નરસિંહ ટેકરીનાં બે ભુજાબળ એટલે રામદેવપીરનું મંદિર અને શંકરબાપાનું મંદિર. રામદેવપીરના મંદિરમાં ભાતભાતના ધમપછાડા કર્યા છે. આળોટ્યા છીએ. ઘરની છાતી સામે પીઠ દેખાડતી એની દીવાલ વચ્ચેની શૂન્યવત્ જગ્યા પર પગની પાનીને ચોંટાડીને ઉપર ચડ્યાનો હરખ હજુય એવો ને એવો તાજો રાખ્યો છે. શંકરબાપાના મંદિરની બાજુમાં વડલાનું ઘેઘૂર ઝાડ. ટણપા જેવું! એની ઉપર અમાસની અંધારી રાત્રે બેસતા ઘેંટાની વીતકકથા અમે આખી નરસિંહ ટેકરીમાં ફેલાવીને રાખી દીધેલી. રાત્રે ઘેંટાની સાથે એક દીવો પણ થતો. બીજું કંઈ યાદ હોય કે ન હોય પણ આકાશમાં જોઈએ અને ચંદ્ર ન દેખાય તો અંદરથી ખળભળી ઊઠીએ કે આજે વડલાના ઝાડની ઉપર ઘેંટું ઊભું થશે અને એની સાથે દીવો પણ ઝગમગતો હશે. બીજા દિવસે ત્યાં જઈએ તો ન હોય ઘેટું કે ન હોય દીવો. તોય કોઈ બોખી ડોસીની જીભમાંથી અમાસની રાત્રિએ લપસી ગયેલી આ ભૂતકથાને અમે એટલી પંપાળીને જિવાડી કે દિવસે ન થાય એટલી રાત્રે અને રાત્રે ન થાય એટલી દિવસે એની વાતો થતી. એની ચરબી વધતી જ ગઈ. વધતી જ ગઈ. રામદેવપીરના મંદિરની સામે એક મકાન બનતું હતું. ત્યારે તો કોઈ એમાં નિવાસ કરવા ન અાવ્યું એટલે ખાલી ભૂખરા પાણા ચણીને ઊભું કરી દીધેલું. રાત્રે થપ્પો’દા રમતાં અને રમત રમતમાં કેટલાક છોકરાઓ એ ઘરમાં બનાવેલા ભંડકિયામાં ઘૂસી જતા. ત્યાંથી બિહામણા અવાજોનું આક્રમણ અમારા કાનમાં થતું. જેની ઉપર દાવ ચગ્યો હોય એ છોકરાને બીજા દિવસે તાવ ચડી જાય. એની વેવલી ફરિયાદ કરવા આવે. એમાં પેલું નામ અમારું જ હોય. જ્યાં અંદર થપ્પો કરવાને આંખો નાખે ત્યાં કાનિયા અને દિપલાની ભયભીત કરી દેતી ભૂતવાણી ભંડકિયાના ગૂઢ અંધકારમાંથી સળવળતી બેઠી થાય. છોકરાની છાતીમાં ડૂમો ભરાય. એના દેહના ભાથામાં સુષુપ્ત થઈ પડેલી એક એક રુવાંટીઓનાં બાણ ઊભાં થઈ જાય. અંદરથી ખૂંચે. બીકની બળતરાનો પ્રસવ થાય. પેટમાં દુઃખે. સબાકા નીકળે. મૂંઢ લવકારો નીકળે. દેહ આખો ધગવા લાગે. જાણે હોલિકા દહનનું લાકડું હોય. ત્યાં હાઉક... એવો કાળમીંઢ શબ્દ કાનમાં ધગધગતા સીસાની જેમ ગરકી જાય અને પેલો છોકરો જ્યાં ભાગીને રામદેવપીરના મંદિરની બાજુમાં થપ્પો કરવા જાય ત્યાં સુધીમાં તો દિપલો કાં કાનિયો બેમાંથી એક જણ ત્યાં બટાઝટિયું બોલાવતાં પહોંચી ગયા હોય. ‘હવે ત્યાં કોઈ સંતાતા નંઈ હો... બાકી ના બેનના સમ આપી.’ એવી આક્રંદ કરતી વાણી એના ગળામાંથી સોંસરવી નીકળે. એ મકાન બનીને તૈયાર થયું. એમાં રહેવા મા ને દીકરો આવ્યાં. એ બહેનનો મોટો દીકરો કંઈક અવગતે ગયેલો અને એને ત્યાં ઘરની બાજુમાં જ બેસાડવાનો હતો. વિધિ થઈ. ભૂવા આવ્યા. ડાકલાં વગાડ્યાં. અડધી નરસિંહ ટેકરી આ ખેલ જોવા પહોંચી ગઈ. એમનાં સગાંમાંથી કોઈ ભાઈ મનમૂકીને ધૂણ્યા. અને એવા ધૂણ્યા કે વાત જ જવા દ્યો. મોટા મોટા પાણા ઉપર થાપા મારે. જોર જોરથી એવા રાંકા અવાજ કાઢે કે જાણે છાતીમાંથી વરાળું બાજુમાં જ પથ્થરથી ગોળ કૂંડાળું કરી એમને ત્યાં વિસામો ખાવા બેસાડ્યા. એ રાતે છોકરાની મા ખૂબ રડેલી. નરસિંહ ટેકરીની બાઈના સાડલાની કોર પણ ભીંજાઈ ગયેલી, પણ અમારી ટોળકીના મનમાં તો એક જ વાત રમતી હતી કે અહીં ભૂત હતું એ વાત તો સાચ્ચી. નરસિંહ ટેકરીનું સ્મશાન એટલે વેતાળનું ઘર! સંધ્યા ટાણે એની માથે વડવાંગડા એનો પોતીકો અંધકાર લઈ ઊડતાં હોય. ચીબરીઓનો કલુષિત ધ્વનિથી બધુંય થંભી જાય. સ્મશાનની પછીતે દીપડો કે સિંહ કે કૂતરાઓનું ઝુંડ ભૂંડનો શિકાર કરી ગયું હોય. એના વધેલા માંસના લોચાને ચૂંથતા કાગાડાઓને જોઈ અમને રાત્રે બિહામણા સ્વપ્નો આવે. ભૂંડનું માંસ અમને ચુડેલના વાંસા જેવું દેખાય. કહેવાય છે કે એ સામી મળે તો પાછા પગે ચાલતી પકડવાની, નહીં તો ભરખી જાય. જીવ અવગતે જાય. રામદેવપીરના ઓટલે બેઠાં બેઠાં ગઢવીબાપા ત્યાં સફેદ સાડલો પહેરીલી ચુડેલ થાય છે એવી વાતો કરી અમારા ટોળાને ભયભીત કરી દેતાં. પછી નવરાત્રિ ઉપર એ રસ્તે કોઈ જાય છે કે નહીં એની એક-એક અને બે-બે રૂપિયાની શરતું લાગતી. ગઢવીબાપા પોતાની પોથીમાંથી અમને ભૂતઅનુભવો ભણાવતા. એક વાર એ કોઈ બસમાં બેસીને જતાં’તા. વચ્ચે એક લાલ રંગની સાડી પહેરેલી બાઈ રાડો નાખે. છાતીનાં પાટિયાં બેસી જાય એવું રડે. બસમાં બેઠેલા કેટલાક ભાઈને થયું કે એનેય જગ્યા દઈએ. પણ કન્ડક્ટરે ના પાડી દીધી. અને પછી ઉમેર્યું કે ઈ અપ્સરા જેવી બાઈ તો ભૂત હતી. લગનના ટાણે જ એનો ભરથાર ભરથું થઈ ગયો પછી એય ગુજરી ગઈ અને હવે ભાઈડા ગોતે છે. અમે ભણવા જતાં ત્યાં ત્રણ માળિયું એક મકાન આડું આવતું. એમાં અમે કોઈને કોઈ દિવસ રહેતા જોયા નહીં. અમારામાંથી કોઈ એક જબાદિયાએ કથા ઘડી કાઢી કે ત્યાં એક બાઈ થાય છે. નિશાળે જવાનો એ એક જ ખહુરિયો રસ્તો. આખોય ધૂળિયો માર્ગ અમને ચીટલા ભરતો બીવડાવે. શિયાળાના અંધકારમાં નિશાળે જવું ન ગમે. માવઠું આવે, જાય અને કપાળે પરસેવાનું તળાવ ભરાય. મકાનની આડે આવતા બોરડીનાં ઝાડ અંધકારમાં તીણો તીણો બેસૂરો સાદ કરે. અમને બોર ખાવા લલચાવે. જમીનની માટીમાં અમારા ટાંટિયા રોપાઈ ગયા હોય એવું લાગે. એક ચોમાસે નરસિંહ ટેકરીમાં બારેમાઘ ખાંગા થયા. જ્યાં જોઉં ત્યાં અડધું પાટલૂન ડૂબી જાય એટલું પાણી વહે. ગાજર ઘાસની સાથે ફૂટી નીકળેલા દેડકાનું ડ્રાઉં ડ્રાઉં સંગીત સંભળાય. હિરણ નદીમાં ધોધમાર પૂર આવ્યું ગામડામાં રહેતા વિદ્યાર્થીઓ પહોંચી ન શકે. અમે તો રહીએ ત્યાં ને ત્યાં. એ કપાતર પૂર અમારા વિદ્યાભ્યાસની આડે ક્યારેય કાળી બિલાડી બનીને ન ઊતર્યું. નિશાળ પાછી માલેતુજારોના વિસ્તારમાં. અમારા પાડોશી જિગાભાઈ એની રીક્ષા લઈ મૂકવા આવ્યા. ગધની રિક્ષા એ જ જગ્યાએ ખોટકાણી જ્યાં પેલું ઘર. મને ધક્કો મારવાનું કીધું. હું અને પ્રતીક ઊતર્યા. ભરવરસાદમાં રિક્ષાને ધક્કો મારી ગારામાંથી બહાર કાઢી. રિક્ષા નીકળી ગઈ. પ્રતીક ઝડપભેર એમાં સવાર થઈ ગયો. હું બેસવા જાઉં તો મને પેલા ઘરમાં કોઈ દેખાયું. હું બી ગયો અને ઠેકડો મારીને રિક્ષામાં. નિશાળમાં સાડા નવના ટકોરે રિસેસ પડતી. અમે મિલના મેદાનમાં જતા. એ મિલ ભેંકાર. કોઈ ત્યાં ન જાય. ત્યાં એક મિત્રે ભોંયરું શોધી કાઢેલું. એ ભોંયરામાં કબૂતરોનાં પીછાંનો ઢગલો હોય. એક દહાડે અંદર ગયા તો કબૂતર ઊડ્યું અને અમે ફફડીને ભાગ્યા. પણ અમારો પેલો દોસ્તાર તો ઉસ્તાદ દરજ્જાનો શૂરવીર. એ સીધો ગયો અને ભોંયરાની બીજા બાજુથી નીકળ્યો. પછી અમેય નીકળ્યા. પછી તો રોજ અમે ત્યાં જતાં અને અમારી શૂરવીરતા દર્શાવતા. ગ્રીષ્મની ગરમીમાં ઘર આખું તપે. શરીર બળે. અમે રાતના અગાશી ઉપર ઊંઘવા જઈએ. વડલાની ડાળીઓ ચોખ્ખી દેખાય. હિરણ દેખાય. હિરણની ઉપરનો પુલ દેખાય. ઝાડવાં હિલ્લોળે ચડે. પવનને મસ્તીનો કેફ ચડે. રામદેવપીરના મંદિરની ધજાનો ફફડાટ સંભળાય. છાતી સુધી ગોદડું ઢાંકીનેય અમારે તો વાત તો ભૂતડાંઓની જ કરવાની. બાજુના ઘરમાં મુંબઈ ચાલ્યા ગયેલા. હું અને પ્રતીક ઠેકડો મારી એમના બંધ ઘરમાં ઘૂસતા. દાડમ અને જામફળીનાં ઝાડમાંથી ફળો ચોરી લાવતા. એમના ઘરને અજવાળાનો આભડછેટ. આજે કહી શકું કે ત્યાં રહેતી બિલાડી સ્ટીવન કિંગની નવલકથા ‘પેટ સિમેટરી’નું સ્મરણ અપાવતી. એય અમારા કોમળ હૈયામાં એના નહોરથી બીકનાં બખિયાં ભરતી. દાંતિયાં કરતી. નરસિંહ ટેકરીમાં અમારા દિવસો ભરાતા જતા હતા. અને છેલ્લે છેલ્લે અમારા એક મિત્રને પેશાબ કરવા જતાં સમયે ખોંખારો ન ખાતાં વળગાડ લાગેલો એવી વાત કાને પડેલી. માંડ એનો છુટકારો થયેલો. મનેય નરસિંહ ટેકરીની કપોળકલ્પિત કથાઓનો વળગાડ છે. સપનામાં આવે છે. ઊંઘમાંથી જગાડી મૂકે છે. પરસેવે રેબઝેબે હું ઊઠું છું અને પછી મરક મરક હસું છું.