ગુજરાતી નિબંધ-સંપદા/યજ્ઞેશ દવે/ક્યાં ગઈ એ કુંજડીઓ?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ક્યાં ગઈ એ કુંજડીઓ?

યજ્ઞેશ દવે

ઊંઘ હજી અડધીપડધી જ આવી છે. કહો કે આવી જ નથી. કારણ કે ઊંઘ કઈ ક્ષણે આવી છે તે ખબર નથી પડતી અને તે એક ક્ષણમાં જ આવે છે. કલાકોને ક્ષણમાં પલટી નાખતી ક્ષણ. બાકી તો ઊંઘવા માટે આપણે પડ્યા રહીએ છીએ બંધ આંખે — વિચારોમાં કે વિચારહીન. એવી જ એક મોડી રાતે વાંચી લીધા પછી ઊંઘના સીમાડા પર સૂતો છું પથારીમાં. અહીં નહીં; રાજકોટમાં, મારા એ મકાન-માલિક તે ઘરને વેચી શકશે નહીં. રવેશ ખુલ્લો છે. શરદ ચાંદની ફરશ પર સૂતી છે. પાસેનો પીપળો જો એકાદ લ્હેરખી આવે તો બોલી ઊઠે છે બાકી બધે શાંતિ. વાણી વિચારનો ડહોળ નીચે તળિયે બેસવા લાગ્યો છે. તરલ મનની સપાટી પર ઝૂલું છું. ઓચિંતી જ દૂર આકાશમાંથી ક્રેં…ક્રેં…ક્રેં… પરિચિત અવાજની ઊડતી ટોળી ઘરનાં નળિયાં પરથી પસાર થાય છે ને મને લાગે છે કે મારી કુંજડીઓ જાણે મારા ઘરમાં જ ઊતરશે.

કુંજડીઓ હળવી પાંખો ફફડાવતી ઊડી જાય છે. પવન ચાંદનીના આકાશમાં ધજાની જેમ ફરકતી જતી કુંજડીઓ ‘V’ આકારમાં કળાય છે. મધ્ય એશિયાથી સીધી જ ચાલી આવતી હશે? કે પાસેનાં ખેતરોમાંથી ઊડી હશે? દૂર ચાલી જશે કે આજી, લાલપરી, સાત હનુમાનના તળાવમાં ઊતરશે? ઊભો થઈ રવેશમાં જઉં છું. જોઉં છું તો તે ક્ષિતિજ પર ટપકું થતી જતી ઊડી જાય છે. તેમનો હળવો ક્રેંકાર પણ ક્ષીણ થઈ વિલીન થઈ જાય છે. તે ગઈ. મારી ઊંઘ પણ.

આજે અત્યારે અમદાવાદમાં એ કશું નથી. અહીંના આકાશમાં એ કુંજડીઓ જોઈ નથી. પણ હજીય દૂરથી આવતો ક્રેંકાર, તેમની પાતળી લાંબી નમણી ડોક, ડોક નીચે ઝૂલતું પિચ્છ, લાલ ચંપા જેવી આંખ, પવનમાં ફરકતાં ડોકના મુલાયમ પીંછાં ક્યાંક ફરફરે છે મનમાં.

શિયાળાની સવારના નવ-દશ વાગ્યાના કૂણા તીખા તડકામાં લાલપરીનું પાણી દર્પણ થઈ જાય છે. બિંબમાલાના હલબલ ઝબકારા તળાવમાં ઊભેલી હજારો કુંજડીઓ ડોક પર, રાખોડી પાંખ પર ઝગમગે છે. દૂર મારી સામે જ તિર્યક્ થઈ એક પછી એક ઊતરવા લાગે છે. ક્યાં ગઈ તે કુંજડીઓ? અમદાવાદના ઝુમાં પાંજરાની જાળી પાસે ઊભેલી, આકાશને ખોઈ બેઠેલી, વરસોથી એકબીજા સાથે રહેવાથી આકરી થઈ ચીડિયણ ચાંચો મારતી, વસ્તુરૂપ થઈ ગયેલી કુંજડીઓ મારી કુંજડીઓ નથી.

નથી તો નથી. અફસોસ શું કરવો ભાઈ? આખી પૃથ્વીને ધમરોળતા હજાર હાથી જેવા ડાઇનૉસોર ન ગયા? માડાગાસ્કરનું ‘ડોડો’ પક્ષી ન ગયું? ગયું તે ગયું જ. આ પૃથ્વીની રંગભૂમિના નેપથ્યમાં જ નહીં પણ ભૂમિ પરથી ગયું. ઉપર ગયું કે અંદર ગયું ન જાને! પણ ગયું. કોઈ આહ્વાને દેવ કે પિતૃઓ ભલે ફરી અવતરે પણ તે ડોડો પક્ષી તો નહીં જ. તે તો સમૂળગું ગયું. ઠામકું ગયું. Extinct. Completely extinct તે તો આવે ને જાય. આપણે વળી ક્યાં વચ્ચે માયા રાખવા બેસીએ? છતાં મન છે તો માયા પણ ખરી જ ને! વનમાંથી તો ગયાં પણ મન પણ ગયાં. પહેલાં તો આપણા ઉંબરા સુધી ઝૂકેલા વનને તો ખદેડી મૂક્યાં શહેર-ગામના સીમ-સીમાડા બહાર.

વનમાંથી તો ગયું બધું પણ મનમાંથી પણ ગયું? ત્યાંથી પણ દેશવટો? નજરથી વેગળા તે વેગળા? વચ્ચે કોઈ લેખમાં નરોત્તમ પલાણે ચિંતા કરેલી કે આજના સાહિત્યમાં ક્યાંય વૃક્ષો, પક્ષીઓ, પ્રાણીઓ, જંતુઓ ડોકાય છે ખરાં? યુધિષ્ઠિર તો સ્વર્ગમાંય તેમના કૂતરાને સાથે રાખવાનું ન ભૂલ્યા જ્યારે આપણા સાહિત્યમાં તો બિચારું ચકલું ય ફરકતું નથી. ત્યાં તો ઠાંસોઠાંસ માણસો. હકડેઠઠ માણસો. માણસો જ માણસો. માણસો પોતાથી, પોતાની વાતથી શું કંટાલી જતા નહીં હોય?

માણસોની કરમકથનીથી કંટાળું છું માટે જ તો જઉં છું ઉમાશંકરના ‘પંખીલોક’ પાસે. ‘પૃથ્વીના ભીતરી મૌનનો ભાસ્વત ઉત્સવ જાણે સ્તોત્ર છોળે પ્રત્યેક પરોઢે પંખીલોકમાં અંતરિક્ષે ઊજવાય.’ રાજેન્દ્ર શાહના ‘શ્રાવણી મધ્યાહ્ન’ પાસે. જ્યાં બપોરની અલસ વેળા પણ ગોકળગાયની જેમ સરકે છે જ્યાં ‘ઊડે હુલાસમય ખંડન કીર લેલાં’ અને તળાવમાં મસ્તીથી બેઠેલી પરમ શાંતિના પર્યાય સમી ભેંસો, ને એ ભેંસોની નિશ્ચલતાથી દેડકાંઓને મન સુંવાળો ખડક બની ગયેલી ભેંસોની પીઠ પર દેડકાંઓ રમે છે તે પણ નોંધ્યું છે.

‘ત્યાં પંક માંહિ મહિષીધણ સુપ્ત બેઠું દાદુર જેની પીઠ પે રમતાં નિરાંતે.’

હું જાઉં છું વોલ્ટ વ્હિટમેન કે ઉશનસ્ પાસે. જ્યાં કાળનું પર્યાયવાચી ઘાસ, લગભગ ઈશ્વરની સાર્વત્રિકતાથી બધે હાજર છે. સાંજના રતુંબડા પ્રકાશમાં ઘાસ બીડમાં નાજુક ફૂનગીઓ ડોલે છે. જીવનાનંદદાસે સાંભળ્યો છે તે ઘાસમાતાનો અવાજ ને આવતા જન્મે તેની કૂખે જન્મવાની ઇચ્છા કરી છે. રવીન્દ્રનાથ વાતો કરે છે. કૃષ્ણચુડા, અપરાજિતા અને સપ્તપર્ણ સાથે.

એથીય દૂર જાઉં છું કાલિદાસની સૃષ્ટિમાં જ્યાં કેટલાંક વૃક્ષો, તો મેં નામથી જ માણ્યાં છે. કુટજ, કુરવક, પ્રિયંગુલતા-સ્વનામધન્ય. જ્યાં જનપદ વધૂઓ જોઈ રહે છે ગર્ભધાન પામેલી બલાકા પંક્તિને. બાણની સૃષ્ટિમાં પડ્યું છે બધું અડાબીડ એકમેકમાં વીંટળાયેલું ગૂંથાયેલું. શાલ્મલી એક ઝાડને પણ વ્યક્તિગત રીતે ઓળખે છે. આપણે કહીએ પવન વાય છે પણ બાણનો એ પવન કેવો છે ને ક્યાં ક્યાં થઈને આવે છે. જુઓ. આ બાણનો પવન. ‘હીમના કણોવાળો, કમલવનને કંપાવી દેતો, કામક્રીડાથી ખિન્ન થયેલી ભીલડીઓના સ્વેદજલની કણિકાને હરી લેતો; વનમહિષના વાગોળવાથી થતાં ફીણનાં બિન્દુઓને સાથે લાવતો, લતાઓને નૃત્યના ઉપદેશ આપતો, પુષ્પગંધથી ભ્રમરોને તૃપ્ત કરતો, રાત્રિને અંતે શીતલ થયેલો, પવન આપણને રમાડે કે આપણે પવનને!’

પડ્યું છે બધું લોકગીતોમાં ‘મોર જાજે ઉગમણો દેશ…’ ઠૂમરી ખયાલની ચીજોમાં ‘કોયલિયા મત કર પુકાર… કેતકી ગુલાબ જુઈ ચંપક બની ફૂલેં…માં મનનું વેન ભુલાવવા મનને આ બધાં રવાડે ચડાવું છું ને ફરી અચાનક જ કુંજડીઓ ઝબકી જાય છે. ક્યાં ગઈ તે કુંજડીઓ?