ગુજરાતી નિબંધ-સંપદા/યજ્ઞેશ દવે/મારે આંગણ ટહુકાનાં તોરણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મારે આંગણ ટહુકાનાં તોરણ

યજ્ઞેશ દવે

પોર્ટિકોના છજા પર ઝૂકેલી પડદાવેલમાં બુલબુલે ફરી માળો બાંધવો શરૂ કર્યો છે. પહેલી વાર માળો બાંધ્યો ત્યારે તે ઘરમાં હું એકલો જ રહેતો હતો તેથી અવરજવર નહીંવત્ રહેતી, ને ઘર લગભગ બંધ જેવું જ. રજામાં કલ્પના, કાર્તિક આવ્યાં’તા ત્યારે તેમને સૂચના આપી હતી કે એવી રીતે અવરજવર કરવી કે બુલબુલને ડિસ્ટર્બ ન થાય. કાર્તિકને ખાસ સૂચના આપી હતી કે પોર્ચ પાસે રમવું નહીં. તેણે તે પાળ્યું. માળામાં ઈંડાં મૂક્યાં’તાં ત્યારે માળા પાસેથી પસાર થઈએ તો બુલબુલ તેની નારાજગી ઊડીને વંડી પર બેસી ચિક્ ચિક્ તેવા હળવા અવાજથી કરતાં. ઈંડા સેવાઈને બચ્ચાં નીકળ્યાં ને તેમનો અપત્યભાવ ગાઢ થયો. માળાની નીચેથી પસાર થાવ એટલે કાબર લેલાની જેમ બંને દેકારો કરી મૂકે. લોકોને અને મને ગાઈ-વગાડીને કહે કે જુઓ મારા માળા પાસે એક ક્રૂર ઘાતકી બેશરમ પારધી ઊભો છે. એક વાર બચ્ચાં કેવડાં થયાં છે તે જોવા માળામાં હાથ નાખેલો તે બુલબુલ જોઈ ગયેલી. પછી તો તેની વેરવૃત્તિ એટલી તીવ્ર બની કે મને જોતાં જ દેકારો કરી મૂકે અને એમાંય કૂંડાને પાણી પાવા જેવા કામસર પણ જો ત્યાં રોકાયાં તો ખલાસ. પાછળ પડી પજવે. ચાંચ મારવા લગભગ ખાબકે જ. એક વિચિત્ર પ્રકારના દાવ પણ તે અજમાવતું. બચ્ચાં થયા પછી હું માળા પાસે જઈ ચડ્યો હોઉં તો પાસેની કરેણ પર બેસી તેની ડાળ પગથી પકડી લટકતું બીજી ડાળ પકડતું, પડતું લસરતું જાય. તો વળી ઘડીકમાં ત્યાંથી ઊડી સામે નીચે ભોંય પર બેસી, ચાંચો ખોલતું શિખાઉ બચ્ચાંની જેમ અણઘડ પાંખો વીંઝતું જમીન પર લસરતું ઢસડાતું જાય. આ બધી પ્રયુક્તિઓના બે હેતુઓ હતા. એક તો એમ કરીને તે માળા તરફથી મારું ધ્યાન બીજે ખસેડવા મને માળો ભૂલવવા માગતા હતા અને બીજું તેનાં શિખાઉ બચ્ચાં જેવાં વર્તનથી એવો ડોળ કરતાં હતાં કે હું જે બચ્ચાંને શોધું છું તે તો તેઓ પોતે જ છે — માળો તો ખાલી છે. હું પણ તેમને ઉલ્લુ બનાવતો. મને ખબર છે કે આ જે નખરાં કરી રહ્યાં છે તે તો બચ્ચાં નથી પણ બુલબુલ દંપતી છે અને માળામાં તો બચ્ચાં છે જ. તેમની પ્રયુક્તિ ફળી છે તેવું તેમને લાગે તેથી માળા પાસે ફરકતો નહીં. આમ એક દિવસ માળામાં ન સમાતાં બચ્ચાં જમીન પરથી વંડી સુધી ને ત્યાંથી બદામની ડાળ સુધી ઊડ્યાં. એ દિવસ બચ્ચાંઓનો સહુથી આનંદનો દિવસ હતો અને બુલબુલ કદાચ ઉદાસ હશે. તેમના ઊડી જવાથી તેમની સાથે મારો એક અંશ ઊડી ગયો. હું લગભગ ખાલી થઈ ગયો. મારી સાથે કાયમ રહેતું કોઈ ઘર છોડીને જાય તેવી લાગણી થઈ.

અત્યારે ક્યાંકથી નાનકડી વાંકડી સળીઓ લઈ ફરી માળો બનાવવો શરૂ કર્યો છે. સળીઓને લટકતી વેલમાં કમાન વાળી ગોઠવતા જાય છે. ઊંડા છાલિયા જેવો, નારિયેળની કાચલી જેવો તેનો માળો બનતો જાય છે. હવે લગભગ બંધાવા આવ્યો છે. હવે અંદર રંગરોગાન ને ફર્નિચરની ગરજ સારતા ઊન-સુતરના રેસા દોરા પીંછાંના અસબાબથી માળાને સુંવાળો બનાવતાં જાય છે. પોતે અંદર બેસી આમથી તેમ ફરી તેના પેટથી અને પાંખથી માળાને ગોળાઈ આપતું રહે છે. રોમૅન્ટિક કવિઓ એક જ શબ્દ અમસ્તો જ ઘણી વાર વાપરતા હોય છે કે ‘ટહુકાનું તોરણ’ – આજે મારા ઘરે તો ખરેખર ટહુકાનું તોરણ બંધાયું છે. આ એ જ બુલબુલની જોડી હશે? બીજી હશે? ગમે તે હોય, આટલી અવરજવર રહેતી પોર્ચમાં… તેમણે માળો બનાવી અમારા પર વિશ્વાસ મૂક્યો છે અને અમારું આતિથ્ય સ્વીકાર્યું છે તેનો આનંદ છે.

ઘરની અંદર પણ એક ચકલા-ચકલીએ તેનો ઘરસંસાર શરૂ કરવા પ્રયત્ન આદર્યો છે. જોકે જગ્યા એવી પસંદ કરી છે કે માળો બંધાય તે કરતાં તો કચરો વધુ પાડે છે. તેમની પ્રિય જગ્યાઓ અભરાઈ, ઢળેલા ફોટાઓ, વળીઓ, મીટર બૉક્સ વગેરે તો ઘરમાં છે નહીં તેથી જે જગ્યા અનુકૂળ આવી છે ત્યાં કામે લાગી ગયાં છે. તેમનું ઘર બંધાતું હોય તો ભલે કચરો પડે તેમ ગણી રોજ કચરો પડવા દેતો. પણ બે દિવસની રજા બાદ કામવાળાં બહેન આવ્યાં ને તેમણે નીચે પડેલો કચરો તો શું પણ અડધીપડધી ઘરવખરી જેવો કાચો માળો પણ વાળી ઝૂડી નાખ્યો. ત્યાર પછી એ ઘરભંગ ચકલીઓ આ તરફ ફરકી નથી. આપણે ઘર તો લઈએ છીએ, બાનાખત, દસ્તખત, સહી-સિક્કા કરી આપણું તો કરીએ છીએ; રાચરચીલું વસાવી પરણીને રહીએ તો છીએ પણ ઘર તો ઘર ત્યારે જ બને છે જ્યારે કોઈ ચકલી તેમાં માળો બાંધે. ઘર બંધાવ્યે છ છ વરસ થયાં કોઈ ચકલીએ હજી માળો બનાવી મને અનુગ્રહિત કર્યો નથી. કોઈ દિવસ તેને પણ મારામાં અને મારાં બાળકોમાં વિશ્વાસ બેસશે ત્યાં સુધી અમે રાહ જોઈશું.

કબૂતર પણ આપણી સાથે હળી ગયેલાં ખરાં. માનવ-વસ્તીથી આઘાં ક્યાંય ન જાય. સાવ ગાઢ જંગલમાં તમને બીજાં પક્ષીઓ મળે પણ આપણાં રોજ-બરોજનાં કબૂતરો ઝાઝાં ન દેખાય. તેમની આપણી સાથેની મૌન માયા બારીની પગથી બહાર, કે બાલ્કનીની પાળી પર તે શાંતિથી ઘૂઘવી તેનો પ્રેમ, આત્મગૌરવ, શાંત મસ્તી અને વિશ્વાસની આપણને પ્રતીતિ કરાવે. ચકલીની જેમ તેમની સહજ આવનજાવન આપણા દીવાનખાના કે રસોડા સુધી નહીં. ચકલી તો જન્મથી જ અધિકારિણી. જે ઘરમાં જાય તે પોતાનું જ હોય. કોણ જાણે ક્યાંથી કેટલો આનંદ કેટલી ઊર્જા તેના નાનકડા વટાણા જેવડા હૃદયમાં ભર્યાં હશે કે આખો દિવસ કૂદતી ને ગાતી ફર્યા કરે છે! કોયલ દૈયડ જેવો મધુર કંઠ ભલે ને ન હોય. કોયલનો કંઠ તો ચૈત્રમાં ખૂલે તો અષાઢ આવતાં બંધ થઈ જાય પણ ચકલીઓ તો બારેમાસ ગાતી જ હોય. એ ફરકડી ફર્ ઊડતી આમતેમે નાનકડી ડોક કરી નાચતી ચીંચીં કરતી હોય. એ ચકલી આમ પાછી મનસ્વિની. મનમાં હોય તો અને મનમાં આવે ત્યારે આવે. નાચે કૂદે ને ઊડી જાય. તે અધિકારિણી પરંતુ તેના પર આપણો અધિકાર નહીં. સારું થયું કે પ્રકૃતિએ માણસોને લોભાવે તેવું કશું તેને આપ્યું નથી તેથી, તે મનસ્વિની મુક્ત રહી શકી છે. ઈશ્વરે ન કંઠ આપ્યો, ન કલગી, ન પિછવાઈ જેવાં રંગીન પીંછાં, કે ન તો નૃત્ય શિખવાડ્યું ને છતાં તેનું સ્વાભિમાન તો જુઓ! આપણે તેને દબદબા આમંત્રણ આપી પૂછવું પડે…

ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહીં? આવશો કે નહીં?

બેસવાને પાટલો, સૂવાને ખાટલો, ઢોલિયા ઢળાવો, બત્રીસે ભોજન પીરસાવો તો પણ તે આવે પણ ખરી અને ન પણ આવે. છતાં મને ખાતરી છે કે તે આવશે અને મારા ઘરમાં માળો બાંધશે. મારા શૈશવમાં તેને જોઈ હું બોલી ઊઠતો હતો… ‘મોટાભાઈ ચકી’, બારીમાંથી કશોક દોરો ચીંથરું ચીંદરડું લાવતી ઊડતા લિસોટા જેવી ચકલીએ પ્રથમ વિસ્મય મારી આંખમાં આંજ્યું છે. અનહદ આનંદથી મારા નાનકડા આખા શરીરને ભરી દીધું છે.

એ પછી હું ઠરેલ ઠાવકો થયો છું. ચકલીઓની આવ-જા ચાલુ જ છે. તેને જોવાની મને ફુરસદ હોય ન હોય તેની તેને ક્યાં પડી છે? તે તો મનસ્વિની… તેનામાં મસ્ત. મારો અઢી વરસનો દીકરો, સદેહે વિષ્ણુનાં દર્શન કર્યાં હોય તેવા રોમાંચ સાથે કૂદીને બોલી ઊઠે છે… ‘પપા ચકી પપા ચકી…’ હા માળી ચકલી. મનના તો કયા માળીએ તું ચડી ગયેલી કે ઊડી છેક આટલા વરસે? આ વરસો દરમ્યાન ઇન્ડોનેશિયાનો મોર, દક્ષિણ અમેરિકાના રંગીન ફુવારા જેવાં પક્ષીઓ ચિલોત્રો, દૂધરાજ, પીળક જોયાં છે પણ જે આનંદ ચકલીને જોવામાં આવતો તે ક્યાં? પહેલવહેલી પેન્સિલ હાથમાં લઈ ચાંચ, આંખ, પેેટ ને પાંખ-પગવાળું ચિત્ર તેનું જ દોર્યું છે. ચકલીને હું વિનવું છું કે મારા ઘરમાં માળો બાંધ. મારા છોકરાઓ જ્યારે ચાંચાળા પાંખાળા થઈ ઊડી જશે, આરામખુરશી પર બેઠો બેઠો કશુંક વાંચતો હોઈશ, આકાશમાં જોતો જોતો ધોળા વાળ પસવારતો હોઈશ, ત્યારે તો તું જ આવશે ને મારી પાસે? તો અત્યારે આ રીસ શા માટે, ઓ માનુની?!