ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ દલાલ/મુંબઈ એટલે મુંબઈ એટલે મુંબઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મુંબઈ એટલે મુંબઈ એટલે મુંબઈ

સુરેશ દલાલ

આપણે મુંબઈને કયે ખૂણેથી જોઈશું? હકીકતમાં આખા મુંબઈને જોઈ શકીએ એવો અહીં એકે ખૂણો નથી. મુંબઈ તો ઉઘાડું બજાર છે. કોઈ શહેર આટલું વહેલું જાગતું નહીં હોય અને આટલું મોડું સૂતું નહીં હોય. મુંબઈ આપણને એ વાતની પ્રતીતિ કરાવે છે કે નગરજીવનમાં જીવનનું નહીં પણ નગરનું મહત્ત્વ હોય છે.

ટ્રામના પાટા તો ક્યારનાય ઊખડી ગયા છે. ગોકળગાયની ગતિએ ચાલતી વિક્ટૉરિયા રહી છે અને ચાલવાની મજા વધારવાના ઉદ્દેશથી જ કદાચ હાથગાડીઓ પગમાં અવારનવાર અટવાય છે. આ વિક્ટોરિયા અને હાથગાડીની સામે લોખંડની ખિસકોલી જેવી અમદાવાદની રિક્ષાઓ મૂકી જોવા જેવી છે. બે માળના મકાન જેવી નંબરધારી બસો અને ડ્રાઇવરના મિજાજ અને મીટર પર ચાલતી ટૅક્સીઓથી આખું નગર ખખડે છે.

ઍરપૉર્ટ પર તો કામધેનુનું ધણ પડ્યું હોય એમ કેટલીયે કાર પડી હોય છે. માણસની ચાલ પણ ઍરપૉર્ટ પર બદલાઈ જતી હોય છે. પરદેશ જનારાઓની સંખ્યા એટલી બધી વધી ગઈ છે કે હવે સ્વદેશમાં રહેનારાઓના ફોટા છાપામાં છાપવાનો વખત આવે તો નવાઈ નહીં. પાર્કિંગ પ્લેસમાં આળસુની અદાથી પડેલી ગાડીઓને જોઈએ તોપણ મુંબઈના વૈભવનો ખ્યાલ આવે. ઝૂંપડપટ્ટીઓ અને ચાલીઓ તો મુંબઈના વૈભવને ઉપસાવવા માટે હોય, જેમ કરુણને ઉપસાવવા માટે હાસ્યની જરૂર હોય, એમ લાગે. મુંબઈનાં પરાંના કેટલાક રસ્તાઓ રેઇનકોટ પહેરેલી છોકરીઓ જેવા એકસરખા જ લાગશે. પરાની ગાડીમાં માણસ લટકીને ટકી રહે છે. પત્તાંની રમત અને ભજનમંડળી પરથી પણ લોકલ ઓળખાઈ જાય છે. ઊભા રહેવાની જગ્યા ન હોય તોપણ માણસ હાથ પહોળા કરીને છાપું વાંચવામાં પાવરધો થઈ ગયો છે. સિનેમાનાં ગીતો એ કૉલેજિયનોનો જ ઇજારો નથી, પણ મુંબઈના ભિખારીઓ પણ પોતાની બાપીકી મિલકત હોય એમ ગાતા હોય છે. પિપરમીટવાળા ખાસ લયમાં લલકારીને પિપરમીટ વેચતા રહે છે. છાપાંવાળા, ફુગ્ગાવાળા અને બેસુમાર ગરદી તથા ઘોંઘાટથી મુંબઈ ઘેરાયેલું છે.

ઘોંઘાટમાં જ આનંદ આવે એવી અહીં માન્યતા છે. શરદપૂનમે ખુદ ચાંદને પણ આકાશમાંથી ચાલી જવાનું મન થાય એટલી હદે ટ્રક ભરેલાં પિપૂડાં વાગતાં હોય છે.

અર્જુનને કુરુક્ષેત્ર જોતાંવેંત જેવો ભય થયો હતો એવો ભય સૌ કોઈને પ્રથમ વાર મુંબઈ જોતાં થાય. પણ જેમ જેમ મુંબઈનું વિશ્વરૂપ દર્શન થતું જાય તેમ તેમ ભયમાં વિસ્મય અને અહોભાવ ઘૂંટાતાં જાય. યુરોપના કવિ એરિક કેસનરે ‘નગર સંસ્કૃતિ’ માટે જે કહ્યું છે તે મુંબઈને આબેહૂબ લાગુ પડે છે : ‘વેપારીઓ સોદા કરે છે. પૈસો જાણે એના પર ફરજ લાદી હોય એ રીતે ફરતો ફરે છે. કારખાનાં ઊભાં થાય છે અને ભાંગી પડે છે. દુનિયા ફરતી રહે છે. આપણે પણ સાથે સાથે ફરીએ છીએ એટલે એ ફેરફારને જોઈ શકતા નથી. પારકે પૈસે બૅન્ક-બુક બોલે છે અને બૅલેન્સશીટ મૂંગાં રહે છે.’

મુંબઈના પ્રત્યેક લત્તાને પ્રત્યેક સમય પૂરતું વ્યક્તિત્વ હોય છે. સોમથી શનિવાર સુધી ફાઉન્ટનનું વ્યક્તિત્વ જુઓ — એક ક્ષણે એમ જ થાય કે આખી વસ્તી ઠલવાઈને અહીં જ પડી છે. આટલા બધા માણસો અને આટલાં બધાં વાહનો રાત પડતાં ક્યાં અલોપ થઈ જતાં હશે? રવિવારે તો ફાઉન્ટનની ગલીઓ કોઈ ત્યક્તા જેવી લાગે.

તમારી સંકલ્પશક્તિ કેટલી છે એનો ખ્યાલ મેળવવો હોય તો ક્રાફર્ડ માર્કેટ પાસેથી પસાર થાઓ. ખરીદી ન કરવાના સંકલ્પોને ઓગાળવાની શક્તિ ત્યાંના વાતાવરણમાં છે. કાલબાદેવી પર તો પુસ્તકો, ચશ્માંની દુકાનો, પાનની દુકાનની ચાડી ખાતા અરીસાઓ, નાનીમોટી હોટલો, આ બધાંનું ‘કોકટેલ’ છે.

વૉશબેસિન પાસે લટકતાં ટૂથબ્રશોએ દાતણને લગભગ દેશવટો દીધો હોવા છતાં દાતણનો મહિમા છેક ભૂંસાઈ નથી ગયો એનો ખ્યાલ સૌથી વિશેષ ભૂલેશ્વરમાં આવે. રાઇટ ઍન્ગલ પર ધોતિયાનો છેડો ઊંચો કરીને દોડતા ‘સજ્જનો’ને તમે ભૂલેશ્વરમાં જોઈ શકશો. ભૂલેશ્વરમાં ભગવાન અને માણસ બંનેની હકડેઠઠ ભીડ હોય છે. સારું ડ્રાઇવિંગ કરવાનો મનમાં ફાંકો અને ફિશિયારી રાખતા હોય એવા સારથિઓને ભૂલેશ્વરમાં મૂકી દેવા જોઈએ.

મુંબઈની ભૂગોળ એવી છે કે એમાં જાણે ભૂ પણ નથી અને ગોળનું ગળપણ પણ નથી. અને છતાં મુંબઈ છોડવું કોઈને ગમતું નથી. પ્રત્યેક વ્યકિત છેવટે એવો એકરાર કરશે કે હું મુંબઈને ખૂબ ધિક્કારું છું કારણ કે હું મુંબઈને ખૂબ ચાહું છું. આ વિરોધો અને વિરોધાભાસ એટલે તો મુંબઈ અને મુંબઈના માણસો. અકસ્માત ન થયો હોય એવો એકે અક્સ્માત મુંબઈમાં હજી સુધી કદાચ ક્યારેય નહીં થયો હોય!

મુંબઈના માણસોની જેમ મુંબઈના વરસાદનું પણ ઠેકાણું નથી. ઓચિંતા બંધાતા અને ઝડપથી વિકસતા તથા અચાનક તૂટી જતા સંબંધની જેમ મુંબઈનો વરસાદ સંબંધ બાંધે છે પણ ખરો અને પછી છત્રી લઈને નીકળીએ ત્યારે એ સાવ કોરોધાકોર થઈ જાય છે.

હાથમાં મરેલા ઉંદર જેવા ‘પોર્ટફોલિયો’ સાથે દોડતા માણસનું દૃશ્ય જોવા જેવું છે. આ દૃશ્ય ક્યારેય અદૃશ્ય થવાનું નથી. એટલે જ્યારે ફુરસદ મળે ત્યારે જોઈ શકશો.

પણ અહીં કોઈને ફુરસદ મળતી નથી. મુંબઈમાં માણસને ટાઇમ નથી એટલું કહેવાનો પણ ટાઇમ નથી. અને છતાંયે પોતાને કયું કામ છે એનો સ્પષ્ટ ખુલાસો પણ બહુ ઓછી વ્યક્તિઓ પાસે હશે!

‘હેંડો’ અને ‘હાલો’ બોલતા માણસોનાં બાળકો ‘જૅક ઍન્ડ જિલ, વેન્ટ અપ ધ હિલ’નું ગીત ગાય છે. અને ઓળખીતા-પાળખીતા આવે ત્યારે ગાવા માટે તૈયાર ન હોય તોપણ ફરજિયાત રીતે આ કવિતા બાળકો પાસે અભિનય સાથે ગવડાવવામાં આવે છે. ઘરે ઘરે ગૅસ આવવાને કારણે મધ્યમ વર્ગ સુધીની પ્રજાનાં સંતાનોને સગડી કે ચૂલો એટલે શું તેનો ખ્યાલ આપવો પણ મુશ્કેલ છે. ફોન, ડાયરેક્ટ ડાયલિંગ, ટ્રાન્ઝિસ્ટર, ટેપરેકર્ડર, ટી.વી. અને નવી મૉડેલની ગાડીની વાત કરતી વખતે વાત કરનારના ચહેરાને એક જુદો જ ‘મેકઅપ’ મળે છે. ટાઇટ પૅન્ટ, લૂઝ શર્ટ, મીની સ્કર્ટ તથા લુંગીનું આ શહેર છે.

અહીં સાંજે ધાર્મિક પ્રવચનો પણ ચાલે છે. અને સાંજ ઢળ્યા પછી નાઇટક્લબો! નાઇટક્લબનો માણસ પ્રવચનમાં પણ મળે છે. અને ખુદ ધાર્મિક પ્રવચનકાર પણ નાઇટક્લબમાં મળી જાય તો એને જીવનની સ્વાભાવિકતા તરીકે સ્વીકારી લેવાની આપણી તૈયારી હોવી જોઈએ. ન્યાત ભૂંસાતી જાય છે અને જાતજાતની ક્લબની નાતા વિનાની નવી નાત ઊભી થાય છે.

મુંબઈ બધું જ ખાય છે : માણસ અને પૈસો એનો મુખ્ય ખોરાક છે. બાકી ભેળપૂરી, ઈડલીઢોસા, વેજ અને નૉનવેજ સુધી એનું ‘મેનુ’ વિસ્તરે છે. ડ્રિંક્સની પાર્ટીઓમાં સુરાપાન કરતા દેવોની જેમ લહાવો લૂંટાય છે. ભરેલી બૉટલોની પાસે ખાલી ગ્લાસ જેવો માણસ — અને આખો દેશ પડ્યો છે. મંદિર, મસ્જિદ, દેવળ, દેરાસર, અપાસરા અને અગિયારીનું સ્થાન હોટલ્સ, બૅન્ક્‌સ, કૉલેજ અને થિયેટર્સ લેતાં જાય છે. હોટલ્સ ગ્રેડ્સ નક્કી થયા છે, પણ માણસોના ગ્રેડ્સ નક્કી કરી શકાતા નથી. સ્કોર પૂછવો એ અહીંનો વહેવાર અને તહેવાર છે. બ્લડપ્રેશર અને ડાયાબિટીસ એ વાતના મુખ્ય વિષયો છે. ઍન્ટિક્સને એકઠાં કરવાં, આર્ટ ગૅલરીમાં નિયમિત જવું, હાથમાં ગાડીની ચાવી રમાડતાં, ઉસ્તાદી સંગીતમાં હાજરી પુરાવવી એ સુધરેલા દેખાવા માટે અનિવાર્ય છે. શાસ્ત્રીય સંગીતને સમજ વિના સાંભળનાર એક વ્યક્તિ સવારના પહોરમાં દિલથી ડોલતી હતી. એમને એમ કે રેડિયો પર કોઈક ઉસ્તાદનું ગળું રેલાતું હશે. પાછળથી ખબર પડી કે પાડોશી કોગળો કરતા હતા.

રાતોરાત પૈસાદાર થયેલા માણસો ગર્ભશ્રીમંતો રહે એ વિસ્તારોમાં રહેવા જાય છે. ‘દેશી હારમોનિયમ પર વિલાયતી સંગીત’ અહીં વાગતું હોય છે અને છોકરાંનાં બાળોતિયાં ‘ઇન્ટરનૅશનલ ફ્લૅગ્સ’ હોય એમ બહાર સુકાતાં હોય છે.

રેસકોર્સ અને રાણીબાગ બંને તુલા રાશિના છે. અને છતાં રાણીબાગનાં પ્રાણીઓ પણ શરીરને સપ્રમાણ જાળવી શક્યાં નથી. રેસકોર્સ પર તો માણસો પાસે સમતુલા સિવાયનું બધું જ હોય છે. સરઘસ અને સરકસ સાથે મુંબઈને લોહીની સગાઈ છે અને હડતાલ એ મુંબઈનો તાલ છે.

મુંબઈનો ટ્રાફિક, એનાં સિગ્નલો અને પોલીસો આ બધું જોઈને એલિયટની પંક્તિ યાદ આવે :

A thousand policemen directing the traffic Cannot tell you why you come or where you go.

મુંબઈને કયે ખૂણેથી જોઈશું? મને લાગે છે કે મરાઠી ભાષાના કવિ સદાનંદ રેગેની કવિતાના ખૂણેથી મુંબઈ જોવા જેવું છે :

અહીંયાં ગુલમહોર યોગ્ય કાળે ફૂટે બાજુમાં જ વહેતી હોય છે ઠંડાં પાણીની ગટર. અહીંયાં કેશિયો પર ધમધમતી હળદ છાંયડે આવે ફકત ભેળપૂરીવાળા. અહીંયાં આંબો મ્હોરે નવવધૂ જેવો લગ્નમાં આવે આંધળા ભિખારીઓનું ટોળું. અહીંયાં પીપળો થેઈ થેઈ નાચતો હોય છે. પગમાં તેના હોય છે કોહ્યલું ઈંડું. અહીંની સવાર ઊઠે છે ૯-૫૫ની વાટ જોતાં. અહીંની બપોર ડબ્બાનું એઠુંજૂઠું ખાય છે. અહીં થાય સંધ્યાકાળ, પણ નહીં સાંધ્યદીપની વેળ. અહીં હોય છે રાત્રિએ ફોરસ રોડ પર વરઘોડિયાનું સંગીત. અહીંયાં સૂર્ય ભાગે……. અહીંયાં ચંદ્ર શરમિંદો…. અહીંનાં નક્ષત્રોમાં નિયમિત દારૂભઠ્ઠીની દુર્ગંધ. અહીંયાં હોય છે આંખમીચકારાનાં ખાબોચિયાં. અહીંના કુત્તાઓનું હનીમૂન બારે માસ!

મુંબઈ જેવું વિશાળ શહેર, એમાં ભરચક લત્તાઓ, એમાં એક નાનકડી સાંકડી ગલી, એમાં એક ચાર મજલાનું મકાન, મકાનની લગોલગ લગનની વાડી, વાડીમાં પીપળાનું ઝાડ, પીપળાના ઝાડમાં ભેરવાયેલા ફાટેલા પતંગો, અને ચાર માળના મકાનમાં રહેતા માણસોનો બબ્બે ઓરડીઓમાં સચવાયેલો સંસાર….

મકાનને દાદરે બેસી વાડીમાં ઘણી વાર જોયા કર્યું છે. લગ્નની મોસમમાં દરરોજ નવો માંડવો અને નવા વરરાજા… સવારના પહોરથી વાતાવરણમાં સાડીશેલાંના રંગ… ધોતિયું, કફની, સફેદ ટોપી અને સફેદ ચંપલ… પરણનાર કે પરણનારનાં ખૂબ નજીકનાં સગાં વસ્ત્રો પરથી ઓળખાઈ જાય. વાજાંવાળાઓ… લાઉડસ્પીકર… વરઘોડો આવે ત્યારે મુકાતી લગભગ એક જ રેકર્ડ… ઘૂંઘટકે પટ ખોલ રે તોહે પિયા મિલેંગે… પછી રાતનો સમય, બત્તીઓ… અને પછી કન્યાવિદાય… આંસુઓ… શિખામણો.. શણગારેલી મોટર અને… આમ ને આમ સંસારની શરૂઆત… ફ્લૅટમાં કે ઓરડીમાં…

વાડીમાં પીપળો એમ ને એમ ઊભો છે. કેટલાંયે લગ્ન… જમણ… રિસેપ્શન… વાદવિવાદ… નાનામોટા ઝઘડા… સામસામા વહેવાર… દંભ… માણસનાં નાનાં મન… એની ઈર્ષાઓ…એની પ્રદર્શનવૃત્તિ, મોટાઈના ખોટા ખ્યાલ… રોશની અને એ પછીનો અંધકાર… ધામધૂમ અને એ પછીનો સૂનકાર.

ચાર માળના મકાનના પગથિયે પગથિયે શૈશવે કૂદકા-ભૂસકા માર્યા છે, કિશોરાવસ્થાએ તંબૂ તાણ્યા છે. પ્રત્યેક ઓરડીનો જુદો જુદો સંસાર જોવા મળ્યો છે — તો આખા માળાનું સામૂહિક જીવન પણ જાણવા મળ્યું છે. દાદરાની વચ્ચેની જગામાં છૂટક કામ કરતા ઘાટીઓ પણ પોતાના એશઆરામની પળોને પાનતમાકુથી લાલમલાલ કરી મૂકતા કે બીડીના ઠૂંઠાથી તેજીલી કરતા જોયા છે.

પ્રત્યેક ઓરડીનું વ્યક્તિત્વ જુદું. બહારથી બધી જ સમાન લાગે એ તો માત્ર આભાસ. કોઈકને ઘરે આંગણે તોરણ લટકે, તોરણના પોપટ બોલકા લાગે અને ઓરડીના માણસો મૂંગા. કોઈકે તોરણમાં ‘વેલકમ’ શબ્દોને ગૂંથ્યા હોય, પણ પોતે જ બહાર ને બહાર હોય. કોઈકનાં બારણાં બાંડાં જ હોય. ઉંબરા તો પ્રત્યેક ઓરડીના પૂજાય. સામેના પીપળાને કંકુના છાંટા તો નિયમિત મળે. દિવાળીમાં સાથિયા તો પ્રત્યેક આંગણે હોય જ અને જો ભૂલેચૂકે અડોશપડોશમાં કોઈકનાં મન ઊંચાં થયાં હોય અને થોડાક સમય માટે બોલવા વહેવાર ન રહ્યો હોય તો દિવાળીટાણે ફાફડા, ગોબાપૂરી, ઘારી-ઘૂઘરા એ બધું એકમેકના ઘરે ઢંકાય — એમ પાછો વાણીવહેવાર શરૂ થાય.

મોટાઓની તકરાર ખાસ ન હોય પણ સીદીબાઈને સીદકાં વહાલાં — એમ છોકરાંઓની બાબતમાંથી જ કાંઈક ચકમક ઝરે. ઉપલા મજલા પર રહેનારાઓને નીચલા મજલાવાળા પ્રત્યે એક સામાન્ય ફરિયાદ રહે. પાણીનો ધોધ છૂટો મૂકે એટલે ઉપર પાણી ચડતાં વાર લાગે. પાણી ચડે કે ન ચડે — સ્ત્રીઓનું મોઢું ચડેલું રહે. અને અમુક સમયે તો યુદ્ધ જેવી કટોકટી ઊભી થાય. છાપાં પણ દરેક ઓરડીમાં ન આવે. આમ એકમેકના ઘરે આવવા-જવાનો કે લેવડદેવડનો વહેવાર સવારથી શરૂ થાય. કોઈને લેવામાં કે આપવામાં શરમસંકોચ નહીં. કોથમીર, લીંબુ કે લીમડાથી માંડીને એકાદ વાટકી ઘી-તેલની પણ લેવડદેવડ થાય, પણ એનો એક મલાજો રહે. કેટલીક લીધેલ વસ્તુઓ એ જ માપમાં પાછી વાળવામાં આવે. ઉદાર સમજણના ધોરણે સામૂહિક જીવનની કળા ઘણીયે વાર મુંબઈના આવા માળાઓમાં જોવા મળે.

હવે તો રેડિયો ઓરડીએ ઓરડીએ આવી ગયો હશે. પણ પહેલાં તો જો એકાદ ઓરડીમાં રેડિયો આવે તો જાણે કે છોકરો જન્મ્યો હોય એમ આસપાસના પડોશીઓ હરખ કરી જતાં, તો કોઈ વળી કહેતું કે ક્યાંક તડાકો પડ્યો હશે, બાકી નોકરું કરનારને ત્યાં એમ ઓચિંતો રેડિયો ક્યાંથી?

પ્રત્યેક પડોશીની આંખમાં બાઇનોક્યુલરના કાચ હોય જ. કોને ત્યાં કોણ આવ્યું, કેમ આવ્યું, ક્યારે આવ્યું? આવનાર વ્યક્તિ કેટલા કલાક બેઠી — એનો બધો જ હિસાબ — અત્યારે રાજકારણમાં જેમ એક દેશ બીજા દેશની હિલચાલની ચોકી કરે છે એમ કર્યા કરે.

વૅકેશનમાં તો આખો માળો માળાના છોકરાઓનો થઈ જાય. દાદરના કઠેડા પર લસરવાથી માંડીને બધી જ રમતો અને મસ્તીતોફાનો આરંભાઈ જાય. કોઈકના ઘરના આગળા બહારથી બંધ કરી દેવામાં આવે. અંદર પુરાઈ જનાર વ્યક્તિ બૂમાબૂમ કરી મૂકે ત્યારે નિર્દોષ ભાવે જાણે કશું જ બન્યું ન હોય એમ આગળા ખૂલે. લખોટી, કોડી, પત્તાં, કૅરમ બોર્ડની મોસમો આવે ને જાય. હારનાર જીવ મોટપણમાં બને છે એમ મારામારી પર આવી જાય. પછી થોડીક જીભાજોડી, થોડીક હાથચાલાકી, ફરી પાછી સંધિ. ઠાકોરનો ‘ખટમીઠા સોબતીઓ’ શબ્દપ્રયોગ એટલા માટે જ કદાચ બહુ ગમી જાય એવો છે.

કોઈકને ઘરે ઠાકોરજીની રાજસેવા જેવું હોય તો એનો પ્રસાદ આખા માળાને વારતહેવારે મળે. કોઈક નવરાત્રિના ગરબા ગવડાવે તો એની લહાણી માળાને ઘરદીઠ મળે. કોઈકને ત્યાં ઘરનો માણસ રોજના સમય કરતાં ક્યારેક અતિશય મોડે સુધી ન આવ્યો હોય તો આખો માળો ચિંતા કરે. ક્યાંક અકસ્માત તો નહીં થયો હોય ને! તો કોઈક કહે કે ‘ના, શેઠના કામે ક્યાંક જવું પડ્યું હશે. આખરે નોકરી છે. કંઈ ના પડાય છે?’ એમ કહી કોઈ ચિંતાને ઓછી કરવાના પ્રયત્નો કરે.

આ તો મુંબઈનો માળો આપણે ઉપર ઉપરથી જોયો. અંગત અને બિનંગતનો અહીં સમન્વય થયો હોય છે. કશું ખાનગી રહેતું નથી. પ્રત્યેક માળામાં એક વ્યક્તિ તો એવી હોય છે જે માળાના છાપાની ગરજ સારે.

અને ઓરડીમાં તો જોવા જેવું ખાસ છે પણ નહીં. ભાંગ્યાંતૂટ્યાં ‘ફર્નિચર’ની વચ્ચે માણસને ટૂંટિયું વાળીને સૂવું પડે છે. લંબાવીને સૂવા માટેનો અવકાશ ઈશ્વર આપે છે ત્યારે કદાચ શ્વાસ હોતા નથી.

સામૂહિક જીવનની નાનકડી વિદ્યાપીઠ જેવો મુંબઈનો માળો છે.