ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/એલિસસ્પ્રિંગ – ઑસ્ટ્રેલિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૨૮
સ્વામી સચ્ચિદાનંદ

એલિસસ્પ્રિંગ

અમે એલિસસ્પ્રિંગ હવાઈ મથકથી સીધા ફરવા નીકળ્યા. આ શહેર માત્ર ત્રીસ હજારની વસ્તીવાળું છે. મધ્ય ઑસ્ટ્રેલિયાની મધ્યમાં અને ઑસ્ટ્રેલિયાની પણ મધ્યમાં આવેલું છે. રણમાં હોવાથી અહીં નોકરી-ધંધા ઓછા છે, જેથી વસ્તી ઓછી છે. અહીં માત્ર અગિયારથી બાર ઈંચ જ વરસાદ થાય છે. તેમાં પણ આ વર્ષે તો વરસાદ આવ્યો જ નથી. પાસેની નદી તદ્દન સૂકી છે. આ લોકો બોર કરીને પાણી મેળવે છે. પહેલાં અહીં ટેલિગ્રાફિક સ્ટેશન હતું. અહીંથી છેક લંડન અને ભારત સુધી ટેલિગ્રામ કરવામાં આવતા. અહીં ટેલિગ્રામ ઑફિસનો મોટો સાહેબ રહેતો હતો તેની પત્નીનું નામ એલિસ હતું, તેના નામ ઉપરથી આ શહેરનું નામ એલિસસ્પ્રિંગ રાખવામાં આવ્યું છે.

પત્નીની ખરી મૂડી તેના પતિનો પ્રેમ છે. પ્રેમ પ્રાપ્ત કરીને પત્ની, પતિને પ્રાપ્ત કરી લે છે. અને પતિને પ્રાપ્ત કરવો એટલે પતિનું સર્વસ્વ પ્રાપ્ત કરવું. પણ આ બધું સર્વસ્વ આપ્યા પછી જ મળતું હોય છે. સર્વસ્વ આપ્યા વિના સર્વસ્વ પમાતું નથી. આ રણમાં એલિસે પોતાના પતિને એટલો બધો પ્રેમ આપ્યો હશે કે પતિએ પોતાનું નામ ન રાખતાં પત્નીનું નામ રાખીને પત્નીને અમર કરી દીધી. સ્પ્રિંગ એટલે ઝરણું. અહીં નજીકના નાના પર્વતમાંથી પાણીનું નાનું ઝરણું આવે છે. આ ૨ણ માટે તે દુર્લભ કહેવાય. અહીંની ત્રીસ હજારની વસ્તીમાં પંદર ટકા એબોરિજિન – મૂળ વસતી રહે છે. પણ તે નદીના કાંઠે કે કોઈ વૃક્ષ નીચે પડ્યા હોય છે. અમે ધ્યાન આપ્યું તો તેમનાં કેટલાંય ટોળાં દેખાયાં. એ જ ગોળમટોળ પેટવાળા, અસ્વચ્છ, એદી, દાઢી વધારેલો દેખાવ. આ લોકો ટીનના ડબ્બા જેવા વાસણમાં જે કાંઈ રાંધવું હોય તે લાકડા વગેરેથી રાંધીને ખાઈ લે છે. બહુ જ દારૂ પીએ છે. જે વૃક્ષનાં થડ કાળાં હોય ત્યાં તે રહેતા હશે તેમ માનવું. આપણે ત્યાં પણ ડફેર કોમ લગભગ આવી રીતે રહે છે અને લૂંટફાટ-શિકાર વગેરે કરીને જીવન જીવે છે. પણ ડફેરો તો દેખાવડા હોય છે, જ્યારે આ દેખાવડા નથી હોતા. સરકાર ઘણી મદદ કરે છે તો પણ બહુ થોડા જ સુધર્યા છે. બાકીના ભણતા જ નથી, બસ દારૂ પીને પડ્યા રહે છે. અમે જોયું કે લોનમાં કેટલાક આદિવાસી લોકો પડ્યા છે. આજે રવિવાર છે. લોકો ક્રિકેટ જોવા માટે ઘરમાં પુરાઈ રહ્યા છે, કારણ કે અહીં ચારે તરફ રણ છે. એટલે ઉષ્ણતામાન વધારે રહે છે, એટલે બધાં ઘરો બંધ બારણાંવાળાં અને A.C. સિસ્ટમવાળાં હોય છે. અહીં બરફ નથી પડતો તો પણ શિયાળામાં ઉષ્ણતામાન છેક ઝીરો સુધી પહોંચી જાય છે. આ શહેરના મુખ્ય ચાર રોડ છે અને તેને ક્રોસ કરનારા પાંચ રોડ છે. આ શહેર આજુબાજુનાં દૂર દૂરનાં ગામડાંઓનું મુખ્ય કેન્દ્ર છે. અહીં બાર પ્રાથમિક શાળાઓ છે, પાંચ હાઈસ્કૂલો છે અને એક યુનિવર્સિટી પણ છે. બસો બેડની એક હૉસ્પિટલ પણ છે. અહીં રોયલ ફ્લાઈંગ ડૉક્ટર્સનું પણ કેન્દ્ર છે. જે પોતાનાં હેલિકૉપ્ટરોના દ્વારા દૂરદૂરથી દરદીઓને અહીં લઈ આવે છે અને દવા કરે છે. અહીંથી પંદરસો કિ.મી. ઉત્તરમાં ડાર્વિન બંદર છે અને તેટલા જ કિ.મી. દક્ષિણમાં જઈએ તો એડીલેડ આવે છે. આ શહેર મધ્યમાં છે. એક ટેકરા ઉપર અમે ચઢ્યા ત્યાં ચર્ચ છે. ચર્ચ ઉપર બે ધ્વજો લહેરાય છે. એક ઑસ્ટ્રેલિયાનો અને બીજો ઉત્તરી પ્રાંતનો છે. પ્રત્યેક પ્રાંતને પોતાનો અલગ ઝંડો હોય છે. ચોકની વચ્ચે શહીદોનું સ્મારક પણ છે. બીજા વિશ્વયુદ્ધમાં જે શહીદ થયેલા તેમની સ્મૃતિમાં આ સ્મારક બન્યું છે. બીજા વિશ્વયુદ્ધ વખતે અમેરિકાએ જે ઍરબેઝ બનાવેલો તે પણ છે. હવે તેનો ખાસ ઉપયોગ થતો નથી.

૧૯૩૦માં અહીં રેલવે સ્થાપિત થઈ. પેલા ઝરણાના પાણીના કા૨ણે લોકો રણમાં વસ્યા. તાર ઑફિસ પણ કામ કરવા લાગી. આ ભાગથી શહેર દોઢસો ફૂટ નીચું છે. એટલે જો એકબે ઈંચ વરસાદ થાય તો પણ નદીમાં એટલું બધું પૂર આવે કે શહેરની કારો કે માણસોને ઘસડી જાય. આમ આ રીતે આ નગર પૂરનગર ગણાય છે. જે લોકોને ઉલૂરૂ જવું હોય તેના માટે આ સ્થળ માધ્યમ છે. અહીંથી જવાય. અમારે ઉલૂરૂ જવાનું છે. આ નામ એબોરિજિન લોકોનું છે. આદિવાસીઓ વધુ ભણતા નથી તેથી પછાત રહી જાય છે.

આ ભાગમાં જ્યારે અંગ્રેજો આવેલા ત્યારે આદિવાસીઓમાં જુદી જુદી બસો ભાષાઓ બોલાતી હતી. પણ હવે કેટલીક જાતિઓ નષ્ટ થઈ જવાથી તથા કેટલીક એકબીજામાં ભળી જવાથી હવે માત્ર સાઈઠ ભાષાઓ બોલાય છે. આદિવાસીઓ પ્રકૃતિપૂજક હતા. અર્થાત્ સૂર્ય-ચંદ્ર, તારાઓ, પર્વતો, નદીઓ વગેરેની પૂજા કરતા, હજી પણ કરે છે. આદિવાસીઓમાં લવમેરેજનો રિવાજ નથી. વડીલોના દ્વારા નક્કી થયેલાં લગ્નો થાય છે અને નજીકના સગામાં લગ્નો થતાં નથી. તેમ કરવાથી સંતાન સારું થતું નથી તેવી માન્યતા છે.

સ૨કા૨ ચલાવવા માટે સંદેશાવ્યવહાર જરૂરી છે. પ્રથમ અહીં ઘોડા-ખચ્ચરો વગેરેનો ઉપયોગ થતો પણ તે બહુ સફળ ન રહ્યો, કારણ કે તેમની જરૂરિયાતો પૂરી કરી શકાતી નહિ. એટલે કરાંચીથી હજારો ઊંટો અહીં લાવવામાં આવ્યા હતા, કારણ કે ઘાસ પાણીની બાબતમાં તે વધુ સગવડવાળા હતા. આ રણ પ્રદેશનો બધો વ્યવહાર ઊંટો ઉપર ચાલતો. પણ હવે બધા ઊંટોને રણમાં છોડી મૂક્યા છે જે હવે જંગલી ઊંટો તરીકે જીવી રહ્યા છે. અહીંના આદિવાસીઓ આમ તો શાંત પ્રકૃતિના હોવાથી અંગ્રેજોને શાસન ચલાવવામાં ખાસ વાંધો આવતો નહિ, પણ કોઈ કોઈ વાર જો કોઈ અંગ્રેજ આદિવાસીની છોકરીને ભગાડી લાવતો કે કોઈ સ્ત્રી સાથે કાંઈ છેડછાડ થતી ત્યારે આદિવાસીઓ ઉશ્કેરાઈ જતા અને તોફાન મચાવી દેતા. તેવા સમયે તેમનો સામનો કરવા માટે પણ તારવ્યવસ્થા જરૂરી હતી. આપણે વિચારવું જોઈએ કે અઢારમી શતાબ્દીના ઉત્તરાર્ધમાં જ્યારે અહીં કશી જ વ્યવસ્થા ન હતી ત્યારે આ બળબળતા રણમાં અંગ્રેજોની પ્રથમ પેઢી કેવી રીતે રહી હશે, અને કેવી રીતે શાસન સ્થાપિત કર્યું હશે? આને ખરી રાષ્ટ્રીય તપસ્યા કહી શકાય. જેમાંથી આવનારી પેઢીઓને સુખદ જીવન અને આવડો મોટો દેશ મળ્યો.

ટેલિગ્રાફના કાર્યાલયનો જીર્ણોદ્ધાર કરીને તેને સ્મારક તરીકે સાચવી રાખ્યું છે તે અમે જોયું.

જ્યાં લાંબા સમય સુધી એકલા પુરુષો રહેતા હોય છે અને જો તે સત્તામાં હોય તો જે કાંઈ પ્રાપ્ત સ્ત્રીઓ હોય તેમની સાથે તેમનો સંબંધ થઈ જ જતો હોય છે. આ રીતે ગોરાઓના સંબંધથી ઉત્પન્ન થયેલો જુદો બાળવર્ગ અહીં રખાતો, તેને ભણાવવામાં આવતો અને પદો ઉપર પણ બેસાડવામાં આવતો. આ ટેલિગ્રાફ કાર્યાલય વચ્ચે આ કામ માટે વપરાતું હતું, પણ હવે એ બધું બંધ થઈ ગયું છે. બ્રિટિશરોએ આદિવાસીઓને સામ, દામ, દંડ અને ભેદ એમ કૂટનીતિથી વશમાં કર્યા હતા. તેમના સરદારોને દારૂ વગેરે પિવડાવીને કે બીજી સગવડો આપીને વશમાં કરતા, જે વશ ન થતા તેમનો નાશ કરી નાખતા. આ રીતે આ મૂળ પ્રજા હવે ઘણી ઓછી થઈ ગઈ છે.

અમેરિકનોએ બ્રિટિશ સત્તા પાસેથી આઝાદી મેળવી હતી તેમ અહીંના ઓસ્ટ્રેલિયનોએ પણ બ્રિટિશરો પાસેથી આઝાદી મેળવી છે. પણ તે માટે યુદ્ધો થયાં નથી. બ્રિટિશરો પોતે સમજી ગયા હતા કે હવે આપણાથી રાજ્ય કરી શકાશે નહિ, એટલે સોંપી દીધું હતું. તેમ છતાં આજે પણ પ્રતીક તરીકે બ્રિટનની રાણી જ અહીં સર્વોપરી ગણાય છે. તેની જ સહીથી કાયદા ચાલે છે. નવો કાયદો પાસ કરવા માટે લંડન મોકલીને રાણીની સહી કરાવવી પડે છે. આ દેશ કૉમનવૅલ્થનો હિસ્સો છે.

અમે ફરી રહ્યા છીએ ત્યાં અમારી દૃષ્ટિ એક કાંગારૂ ઉપર પડી. તે દૂર અમને જોતું ઊભું રહ્યું હતું. થોડી વારમાં ડુંગરામાં પેસી ગયું પણ વળી પાછું બહાર આવ્યું અને લાંબો સમય ઊભું રહ્યું. આકાશમાં કાળી સમડીઓ ઊડી રહી છે.

પ્રાચીનકાળમાં જ્યારે અહીં અંગ્રેજો રહેતા હતા ત્યારે પ્રાણીઓનો વધ કરીને તેના ચામડાને તથા માંસ વગેરેને અલગ કરવા માટે બનાવાયેલો માંચડો હજી પણ ઊભો છે તે જોયો. અમારો કોચ કૅપ્ટન એટલે કે બસ ડ્રાઇવર જ્યારે જ્યારે બસ ઊભી રહે છે ત્યારે બન્ને પગથિયે બે પગ લૂછણિયાં જરૂર મૂકી દે છે, જેથી લોકો પગ લૂછીને બસમાં ચઢે અને કચરો ન લાવે. પોતાની બસ ચોખ્ખી રાખવાની લગભગ બધા જ કોચકૅપ્ટનો કાળજી રાખતા હોય છે.

હવે અમે શહેરમાં આવી ગયા છીએ અને રોડ ઉપર જ સુપર માર્કેટ હોવાથી ઘણા લોકો ખરીદી માટે ગયા. અમારામાં ઘણા તીખું ખાવાની આદતવાળા છે. મહારાજ જે મરચાં નાખે છે તેમાં લાલ કલર તો છે પણ તીખાશ નથી એટલે પ્રવીણભાઈ કોટકે સુપર માર્કેટમાંથી મરચાં લીધાં. એક ડૉલરનું એક લીલું મરચું પડ્યું. લીંબુ ૪૦ ડૉલરનાં એક કિલો, ધાણા-આદુ ૫ણ ૪૦ ડૉલરનાં કિલો. શાકભાજીની ખેતી કરવા જવાનું મન થઈ જાય તેવું છે ને? બધે ફરીને સૂર્યાસ્ત થતાં થતાં નોવોટેલ હોટલમાં આવી પહોંચ્યા. રસોઈ કરીને મહારાજ તૈયાર જ છે. બધાંને લીલાં મરચાં સાથે જમવાની મજા આવી. ૧૩-૨-૦૪


[પૂર્વમાં નવું પશ્ચિમ, ૨૦૦૪]