ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/છાયાચિત્રનો જન્મ
૧૬
કિશનસિંહ ચાવડા
□
છાયાચિત્રનો જન્મ
◼
ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા • છાયાચિત્રનો જન્મ - કિશનસિંહ ચાવડા • ઑડિયો પઠન: અનિતા પાદરિયા
◼
હિમાલયમાં જ્યારે લાંબો અને એકધારો વસવાટ થાય છે ત્યારે ધીરે ધીરે એ વાત સ્પષ્ટ થતી જાય છે. પહેલી વસ્તુ એવી બને છે કે જેની અપૂર્વ ક્રિયાશીલ અને સંવેગભરી શાન્તિમાં માણસ પોતાની જાતને મળતો થાય છે. બીજી વાત જાણે આ શાન્તિના સંદર્ભમાં બને છે. માણસના અંતરની ધરતી ઉપરનું કામના અને વાસનાઓનું તાંડવ આપોઆપ પાંખુ થતું જાય છે. આવી અવસ્થામાં માણસને જાણે પોતાનો સથવારો, પોતાનું આગવું સાંત્વન અને પોતાનો અનન્ય સ્નેહ એ ત્રણેય સ્વરૂપો છતાં થઈને જાણે એને એક નવા જીવનની ભેટ ધરે છે.
અને ત્યારે એને એમ લાગે છે કે જાણે સમસ્ત પ્રકૃતિ અભિનવ સ્વરૂપે વિલસી રહી છે. એના પોતાના અંતરમાં જે પ્રકાશ પથરાતો જાય છે તેને કારણે પોતાનાં જીવનનાં ઘણાં સ્થાનો જ્યાં એણે કોઈ દિવસ દ્રષ્ટિ નથી કરી ત્યાં એની નજરે ઘણી નવી વસ્તુ અને વસ્તુસ્થિતિ દેખાય છે. અને પછી ધીરે ધીરે એક એવી અનુભૂતિ સઘન થતી જાય છે કે એ પોતે પોતાની સ્વકેન્દ્રીતતાનાં બંધનો અને મર્યાદાઓમાંથી છૂટતો જાય છે. સ્વાર્થની સંકુચિતતાનું વિષ ઊતરતું જાય છે. નવી વિશાળતા, નવી ઉદ્દાતતા અને નવી વિનમ્રતાના અપૂર્વ અને તદ્દન અભિનવ સંવેદનો થવા માંડે છે. સમગ્ર ચેતના જાણે પ્રેમના અમૃતથી સિંચાતી જાય છે. જીવનની અખિલાઈ જાણે આળસ મરડી બેઠી થઈને પોતાને એના અદ્ભુત આલિંગનમાં સમાવી રહી છે એવો એક વિલક્ષણ અને કદી ન થયેલો અનુભવ થવા માંડે છે.
પછી એને અંશમાં-ટુકડામાં-મર્યાદામાં-સ્વાર્થમાં-સંકુચિતતામાં અને અસમતામાં રસ નથી પડતો. એટલે એક પ્રકારની અન્યમનસ્કતા કે ઉદાસી આવી જાય છે, પહેલાનો સ્વભાવ પોતાનો ખેલ ખેલે છે પરંતુ માણસ જો જરાક જાગ્રત અને સ્વસંવેદનશીલ હોય છે તો આ તત્કાલિન અવસ્થામાંથી પોતાના વિશ્વાસ અને આશાસ્પદ સ્નેહના બળે મુક્તિ મેળવી લે છે. આવી મુક્તિમાં એને પછી વારંવાર જીવન સન્મુખતાના સૌન્દર્યનો અનુભવ થવા માંડે છે. અને ત્યારે જીવન એ કેવળ વ્યાખ્યા કે વ્યાખ્યાન મટીને, દૃષ્ટિ કે દર્શન મટીને, વૃત્તિ કે વલણ મટીને, મૂલ્ય કે મહત્તા મટીને જીવન પોતે બની રહે છે.
કેવો અદ્ભુત હોય છે એ અનુભવ! ઊંચા પહાડ પરથી આકાશની નિકટતા સહજ ભાવે વરતાય છે. સ્થૂલ અંતર ઘટતું નથી. અંદરની આત્મીયતા બંધાવાને કારણે આંતરિક સખ્ય અનુભવાય છે. આ અનુભવને લીધે આકાશ, સૂર્ય, ચંદ્ર, તારાઓ એ સૌની નવી એળખાણ થાય છે. ગગનનો નર્યો વિસ્તાર આપણી બાથમાં લઈ લઈએ એવી મિત્રતા જાગે છે. પછી આકાશ એ કેવળ વિરાટ વિસ્તાર નથી રહેતો. ભાવનારૂપ ધારણ કરે છે. સ્નેહથી રસાઈને એ રૂપ આપણી સાથે ગોઠડી કરે છે. ત્યારે એકલા હોઈએ તોય એકલતા લાગતી નથી.
દરેક ઋતુમાં હિમાલય પોતાનું નોખુંઅનોખું સ્વરૂપ દેખાડે છે. છતાં હેમની ઋતુમાં એના રૂપની રમણીય ભવ્યતાનું પોત અનન્ય હોય છે. કારતક વદ બારસની રાત હતી. સાડા સાત હજાર ફૂટની ઊંચાઈએ ડિસેમ્બરની આકરી ઠંડી વરસતી હતી. રાતનું ટેમ્પરેચર ત્રીસ–પાંત્રીસ થઈ જાય. રાત્રે પડતું ઝાકળ સવારમાં ઠરીને હિમ (ફ્રોસ્ટ) થઈ જાય. ઉત્તર પૂર્વનો પવન નીકળે. દિવસ પણ ઠંડો જ ઊગે, ને દિવસે સૂર્ય કેવળ પ્રકાશ આપે. ગરમીની હુંફ નહીં. એવી એ શીતળ રાતે તારાઓની જે અદ્ભુત મહેફિલ જામે, તેની સુન્દરતા જોવાનું મન તો ઘણું થાય. પરંતુ બહાર નીકળીને એની સાથે સંતલસ કરતાં કરતાં ઠરી જવાય. છતાં એ આકાશનું સૌંદર્ય એના વિસ્તારમાં નાની મેાટી પૃથ્વી જેવા અગણ્ય તારકો, એમનાં તેજસ્વી રૂપ, એ રૂપની મર્યાદા વડે સમગ્ર વિસ્તારને આંતરતું એનું ગૌરવ, એ બધી લીલા કવિતા જેવી લાગે.
સૂર્યના ઝળહળતા પ્રકાશમાં અંધારું ટકતું જ નથી. ચંદ્રના શીતળ તેજમાં એ માથું ઊંચકતા સંકોચ પામે છે. પરંતુ તારાઓના આછા અસ્પષ્ટ અજવાળામાં પોતાની જાતને મુક્તિથી રોળને અંધકારને આનંદ આનંદ થાય છે. વદ બારસની એ માઝમ રાતે અંધારાની અજવાળાની સાથેની જે અભિરામ મૈત્રી ભરી ગુફતેગુ નીરખી તે અવર્ણનીય છે. સાક્ષાત કરીએ તો જ જણાય. શબ્દોમાં એ અનુભૂતિને મૂકીએ તો વિરોધાભાસ જ લાગે. અંધારાનું અજવાળું ત્યારે અનુભવ્યું. જેણે જાણ્યું જોયું ના હોય તે આ જીવનનો સાક્ષાત્કાર કેમ માને.
આ અનુભવની અંતર્ગત એક બીજી ઘેરી અનુભૂતિ થાય છે. એકલતાનો અવિશ્વાસ નથી રહેતો. આપણે છીએને એવા બહુવચનના સથવારાનો અને સખ્યનો વિશ્વાસ બેસે છે. પોતાના હૃદયના ધબકાર સંભળાય છે એટલી શાન્તિ, રાતના શ્વાસોચ્છવાસ સંભળાય એટલું એકાન્ત, અને પ્રકૃતિના વિરાટ મંદિરનો શંખધ્વનિશ્રુતિ સાંભળે એવો જંપેલો સોપો, એમાં પોતાને પોતાનો સહવાસ, આવા અપૂર્વ જીવન સન્મુખતાના શ્રદ્ધાન્વિત આનંદની એ વાત કેમ કહેવાય? એવી જ મુશ્કેલી એક છાયાચિત્રના જન્મના આલેખનની છે. ચન્દ્રનો ઉદય તો ઘણીવાર જોયો છે પણ તે રાતે લાગ્યો એટલો પાસેથી ઉદય પામતો કદી જોયો નથી. અમારી કુટિરની પાછળની ગિરિમાળા પર ઓકનાં તોતીંગ અને ઘટાદાર વૃક્ષોનું વન છે. એ વૃક્ષોની પાછળથી ચન્દ્રે ડોકિયું કર્યું ત્યારે તો એવું જ લાગ્યું કે જાણે ઝાડ પર ચઢીને એને સ્પર્શી શકીએ. ચાંદનીનો અણસારો તો પહેલાં મળી ગયો હતો. સંધ્યાના ઉજાશમાં એણે પોતાના આગમનનો સંકેત ઉતાર્યો હતો. જ્યાં રાત પડી ત્યાં એણે પોતાની જિંદગીની માધુરીનો વિસ્તાર કરવા માંડ્યો. અમે એક મોટી પથ્થરની છાટ પર બેસીને આરતીની રાહ જોતાં હતાં. કેવળ તારાઓના ઉજાશવાળી અંધારિયાની રાત, અને ચંદ્રની યાત્રા સાથે ચાંદનીથી મઢાતી ઘેરાતી શુક્લ પક્ષની રાતના વ્યક્તિત્વમાં ફેર છે. એમ તો રોજ રાત પડે છે પણ રોજની રાત જુદી હોય છે. એ રાતમાં શાંતિ તો જાણે વાસકસજ્જા, એના શ્વાસમાં વાટ જોવાની મુગ્ધતા વરતાય. આખું વન એનો વાસ જંપના આધારનો એને સહવાસ. પવન પણ વાય નહિ. કેવળ પોતાની હારીનો મૂક સંકેત કરે.
અમે બેઠાં હતાં ત્યાં આછો ઉજાશ હતો. હજી અજવાળું પથરાયું નહોતું. સામેના મંદિર પરનો સુવર્ણકળશ ચાંદનીથી રસાતો જતો હતો. અકસ્માત મારી નજર નીચે જમીન પર પડી. અજવાળાની ચાદર પર અસ્પષ્ટ છાયાની એક આકૃતિ ઉપસતી આવતી હતી. જેમ જેમ ચંદ્ર ઉપર આવતો ગયો તેમ તેમ પેલી છાયાઓ સ્પષ્ટ થતી ગઈ. અંધકારનો રંગ ઘન બનતો ગયો. ધીરે ધીરે શાખાઓ છતી થતી ગઈ પછી થડ ઉપસી આવ્યું. થડ પર કરેલો માટીનો લેપ પણ આકાર પામ્યો. આખું વૃક્ષ અંધકારના રંગની પીંછી વડે જાણે રેલાઈ રહ્યું. અજવાળામાં રસળેલી અંધારાની કવિતા.
ચાંદનીના ઊજળા રંગની ભોં ઉપર અંધકારના કાળા રંગ વડે જરદાળુના શુષ્ક વૃક્ષનું સમગ્ર સંપૂર્ણ છાયાચિત્ર રચાઈ રહ્યું. વૃક્ષની શુષ્કતા પ્રતિબિંબમાં ઊતરીને એકલતા બની ગઈ. પલ્લવોની ગેરહાજરી એકાન્તમાં પલટાઈ ગઈ.
એ એકાન્તમાં મારા હૃદયના ધબકાર સાંભળુ ના સાંભળુ ત્યાં આરતીનો ઘંટારવ થયો.
કુમાઉપ્રદેશના અંદરના પહાડોની રમણીયતા વર્ષાઋતુમાં બહુરૂપી બનીને પ્રગટ થાય છે. અત્યાર સુધી મને એમ હતું કે, હિમાલયના ગિરિપ્રદેશનો સર્વોત્તમ પ્રવાસ સમય એ હેમની ઋતુ છે. પણ આ ત્રણ ચાર વર્ષના અનુભવ પછી એમ લાગે છે કે રંગવૈવિધ્ય અને જીવન ઐશ્વર્યની દૃષ્ટિએ અહીંની પ્રકૃતિ પાવસની મોસમમાં જ પોતાનું અંતરકાવ્ય વહાવે છે.
આકાશમાં વાદળાંઓની કૌતુકમય રમણા, એમનું ધારાવાહી વરસવું, ધરતીને જીવનપ્રેમથી ભિંજવીને નવાજી નાખવાની એ સહજ સ્નેહભરી ઉદારતા અને સમસ્ત નિસર્ગને નવડાવીને નીતર્યાં લાવણ્યે મઢવાની એમની કામણગારી કસબી કારીગીરી, એ નરી પ્રેમમુક્તિની જાણે જીવનલીલા હોય એવી ઊંડી લાગણી થાય છે. હરીયાળીનો એ સુગંધમય અદ્ભુત ઉન્મેષ માત્ર નજરબંદી જ નથી કરતો; અંતસ્તલને પણ અડકે છે.
એક દિવસ નમતી સમી સાંજે પહાડના એક શિખર પરથી માઈલો સુધી લંબાઈ અને પહોળાઈને વ્યાપીને પડેલા ખીણેાના શાન્ત વિસ્તારની સાથે ગુફતેગો કરતો હતો. ગગનનો અનંત વિસ્તાર એ વાત જ જુદી છે. પણ જ્યાં કોઈક ઠેકાણે પૃથ્વી પર એ કોઈ ગિરિમાળાથી અંતરાઈને વિસામો લે છે ત્યાં એની વિચારશીલ વ્યગ્રતા જોવાનો આનંદ તદ્દન અવનવો છે. બહારનો એ કાવ્યમય વિસ્તાર જોતાં જોતાં નજર ઠરી ગઈ ત્યાં જ યાદના આકાશમાં જાણે એ જ વિસ્તારના ભાઈબંધ, તળેટીના સપાટ વિસ્તારનો સ્મૃતિતારક ઊગી નીકળ્યો.
અને મન કેટલાય વર્ષોની ભૂતકાળની યાત્રા કરી આવ્યું. એ યાત્રા જ્યાં થોભી ગઈ અને નિરાંતનો શ્વાસ લેવા બેઠી. એ ઘટના જાણે બની હતી એવી જ માનસપટ ઉપર ચિતરાઈ ગઈ. સ્પષ્ટ અને રેખાબદ્ધ. કોણ હતો એ ચિત્રકાર? હું નહોતો! ઘટના જેમ આપોઆપ બની હતી તેમ એનું ચિત્ર પણ આપમેળે ઊપસી આવ્યું. પાંત્રીસ ચાળીસ વરસ પર આ પ્રસંગ બન્યો હશે, તે રાત્રે અમે ત્રણ ચાર મિત્રો રાવળપિંડીથી પેશાવર આવ્યા હતા. ક્રાંતિકારી જીવનના એ જવાબદાર દિવસો હતા. માતૃભૂમિની મુક્તિને કાજે મૃત્યુનું પડીકું ચોટીએ ચડાવ્યું હતું. એટલે જિંદગીનો મુક્ત વિહાર હતો અને બેખુદ વ્યવહાર હતો. નિર્ભયતાના નશા વડે જીવન તરબતર હતું. કશું જ અશક્ય નહોતું લાગતું. આદર્શના કેફની શક્તિ મુસીબતોની ઘોડેસ્વારી કરતી રહેતી. એમાં એક મોજ હતી.
પેશાવરથી કેટલા માઈલ દૂર, એ આજે બરાબર યાદ નથી; પણ નર્યા રણ જેવા સૂકા વિસ્તારમાં એક ઝૂંપડીમાં રાત વીતાવી હતી. રાત્રે કશું જ સ્પષ્ટ નહોતું. એ સ્થાન, પ્રદેશ અને વાતાવરણ કશાનો જ ખ્યાલ નહોતો આવ્યો. વહેલી સવારે એક અતિશય કોમળ અને લયબદ્ધ રણકારે નિદ્રાને સ્પર્શ કર્યો. શ્રુતિ પ્રથમ જાગી. પછી દૃષ્ટિ ઊઘડી. દેહ આખો, પળવારમાં સજ્જ થઈને ઊઠ્યો. બહાર નીકળીને જોયું તો દિગ્મૂઢ થઈ જવાયું.
ઉષાનું અજવાળુ આટલું રંગદર્શી, આટલું રોમાંચક અને આટલું નયનમુગ્ધ કદી જોયું નહોતું. ઉપર નવ આકાશની અનંત વ્યાપકતા અને ધરતીના પટ પર પથરાયલો અને આગળ જતાં ખૈબરઘાટ આગળ થંભી જતો વિસ્તાર કાળપુરુષના ચોકીદાર જેવો લાગતો હતો. જે સુકોમળ મધુર રણકારથી શ્રુતિ જાગી હતી, દૃષ્ટિ ઉઘડી હતી અને દેહ સજ્જ થઈને ઊઠ્યો હતા તે રણકાર છંદદેહ ધારણ કરીને પાસે ને પાસે આવતો હતો. રણકારની પાછળ વિસ્તારમાં આળોટતો હતો અને સ્વૈરવિહાર કરતો અસ્પષ્ટ અવાજ આવતો હતો. દૂર ક્ષિતિજમાં જ એક આકૃતિ ઊપસી આવી. આકૃતિ જેમ જેમ પાસે આવતી ગઈ તેમ તેમ છંદ સ્પષ્ટ અને શુદ્ધ થતો ગયો. છાયાચિત્ર જેવો લાગતો એ આકાર સ્પષ્ટ થતાં જ રોમાંચ થઈ ગયાં.
એક સાંઢણી ધીરી ગતિએ આવતી હતી. એની ડોકની ઘંટડીનો જ એ મધુર કોમળ અવાજ હતો. પાસેથી સંભળાયો છતાં એનું માધુર્ય ઘટ્યું નહીં. અસવારનું ગીત ઘંટડીના રણકાર સાથે તાલરમત રમતું હતું. અસવારની પાછળ દૂધના બે દેગડા દેખાતા હતા, સાંઢણીની ચાલ, ઘંટડીનો સૂર અને અસવારના ગીતનો લય બધું મળીહળી ગળીને અંતરમાં ઊંડા પડઘાં પાડતું હતું.
પુશ્તુ ભાષામાં ગીત હતું. શબ્દ સમજાતો નહોતો. સૂર સંભળાતો હતો અને વાતાવરણમાં વિખરાઈને અનંત સાથે ઓગળી જતો હતો. પણ એ લયના લાવણ્યથી સમગ્ર અંતઃકરણ ભરાઈ ગયું હતું. સંવેદનશીલતા ગદગદ થઈને આકુલ થઈ રહી હતી. એક અભિરામ ભાવજગત જન્મ્યું હતું. જેવું આ અનંત આકાશ છે તેવું અનંત જીવન છે. ખૈબરે જેમ વિસ્તારને આંતર્યો છે તેમ આ ધરતી પર વ્યક્તિએ જીવનને આંતર્યું છે. આ અંતરાયનો પડદો ઊંચકીને એને પેલે પાર જિંદગીને લઈ જવાની છે.
ઉષાના તેજસ્વી થતા અજવાળામાં જતી સાંઢણી, અસ્પષ્ટ થતો આથમતો લયવાહી અવાજ અને ડોલતો અસવાર એ બધું સપનાની અપાર્થિવ રમણીયતા જેવું પાછું અદૃશ્ય થઈ ગયું. રહ્યો માત્ર શાન્ત પથરાયેલો વિસ્તાર! એ વિસ્તારમાંથી મને સમેટીને ઉષાની એ અજવાળાયેલી તન્હાઈને અંતરમાં સમાવીને ઝૂંપડીમાં લઈ આવ્યો. ભાવજગત હતું, વાસ્તવિક જગત પણ હતું. ક્યાંય વિસંવાદ નહોતો.
[સમુદ્રના દ્વીપ, ૧૯૬૮]