ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/બ્રાહ્મી ઉત્સવો ને નાટ્યપ્રવૃત્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૧૪
વિજયરાય વૈદ્ય

બ્રાહ્મી ઉત્સવો ને નાટ્યપ્રવૃત્તિ

રંગૂન

તા. ૨૬ઃ૩ઃ૩૧

આજના ‘રંગૂન ગેઝેટ’માં બ્રહ્મી ઉત્સવો વિશે એક સરસ લેખ છે. મેં અનાયાસે એ જોયો અને ગેઝેટનું પાનું કાન્તિભાઈના૧ માયાળુ સહકારથી પામી શક્યો, રોટરી ક્લબ માટે અહીંના પ્રચારખાતાના ઉપરીઅધિકારી ઉ ખિન્ માઉએ તૈયાર કરેલા નિબંધનો એ વૃત્તાંત છે. તેને જ આધારે આ આખો ખંડક લખું છું. જૂના જમાનામાં તે વરસના બારેબાર માસમાં એક કે વધુ સાર્વજનિક ઉત્સવો આવતા ને ઉજવાતા. હવે ઉત્સવમહિમા એવડો અસાધારણ નથી રહ્યો. જેને અખિલ બ્રહ્મદેશી કહીએ, તેવા છથી આઠ ઉત્સવો જ હવે પળાય છે. આમાંના કેટલાક અમુકઅમુક પેગોડાની સ્થાપના કે એવા પ્રસંગ સાથે સંબંધ ધરાવે છે તે કેટલાક નિરાળા હોય છે. પણ હરકોઈ ઉત્સવ વખતે પેગોડા સુધીની યાત્રા તો બહ્મીઓએ કરવાની હોય જ હોય.

દરેક બ્રહ્મી ઉત્સવ ઘણે ભાગે પૂનમે જ આવે છે. તેમાંના સૌથી પહેલો તે, એ લોકોના નૂતન વર્ષે આવતા ચૈત્રી૨ પૂનમનો ઉપર્યુક્ત જલોત્સવ. એ ઉત્સવ મૂળે બૌદ્ધધર્મી છે કે કેમ, એ વિશે બ્રહ્મી શાસ્ત્રવિશારદોમાં મોટો વિવાદ ચાલે છે. પણ એટલું તો ચોક્કસ કે આજના બૌદ્ધ બ્રહ્મી પ્રજાજન તેને ત્રણ દિવસ સુધી ધાર્મિક ઉત્સવ લેખે પાળે છે. જેમાં “ઘણી પ્રવાહી સાહેબસલામી પ્રવર્તે છે” એ આ જલોત્સવ ઊર્ફે ‘થિંગ્યાન’ ઉત્સવ સબંધી આખ્યાયિકા એવી છે કે, ઘણા પુરાતનકાલને વિશે સુરલોકમાં એ મહાન ‘નટ્’ વીરો અર્થાત્ દેવો ઇન્દ્ર (‘થગ્યામિન’) અને બ્રહ્મા વચ્ચે ગણિતના કોઈક કોયડાને અંગે તકરાર ઊભી થઈ. તકરારમાં ઇન્દ્ર જીત્યા ને બ્રહ્મા હાર્યા. પણ ઇન્દ્રરાજને સૂક્ષ્મ વિજયથી સંતોષ ન થયો; સ્થૂળ વિજય પણ તેમણે વાંછ્યો. બ્રહ્માજીનું માથું (બ્રહ્મદેશી બ્રહ્માને માથું એક જ હશે એમ લાગે છે) ઉડાવી દેવાનો સુલતાની હુકમ કાઢ્યો. એ એમણે કાઢતાં કાઢ્યો તો ખરો ને અમલમાં ય મુકાવ્યો, પણ પોતાને જ એ ભારે પડ્યો; કારણ, પહેલી આફત તો એ આવી કે બ્રહ્માનું મસ્તક ન સંઘરી શકાયું સમુદ્રથી કે આકાશથી, તેમ નહિ પૃથ્વીથી પણ; તે બીજી આફત એ કે, માંડમાંડ એ વર્ષદીઠ એકેક અપ્સરાને કબજે તો સખનું રહેતું થયું, પણ, તાગુ માસમાં જ્યારે એ મેનકાના હાથમાંથી ઉર્વશીના કે તેના હાથમાંથી તિલોત્તમાના હાથમાં જાય, ત્યારે, ઇન્દ્રદેવે વતન છોડીને અવની પર ઉતરવું પડતું – તે સિવાય તો મસ્તક એમને કોઈક રીતે ખૂબ જ દુઃખદાયી નીવડતું. ઇન્દ્રના અવનીઅવતારનો એ પ્રસંગ એટલે થિંગ્યાનનો ઉત્સવપ્રસંગ. દરવરસે એ ઉત્સવ જે દહાડે હોય, તે દહાડાનાં ધનમકર ગણીને બ્રહ્મી જોષીરાજો વર્તારા કાઢે છે કે આ ખેપે ઇન્દ્રદેવ અશ્વારૂઢ બનીને ઉતરવાના છે કે વૃષભારૂઢ, હાથમાં જલકુંભ રાખશે, ‘જલતી નિશાની’ જેવી મશાલ રાખશે, કે પછી, ભાલું યા દંડ. તેમનાં વર્ષવર્ષનાં એ વાહનાદિકને આધારે વર્ષના વર્ષાદ તથા પાક પરત્વે પણ ભવિષ્યો ભાખવામાં આવે છે. વળી એવું પણ માનવામાં આવે છે કે દેવ પેાતાની બગલમાં બે પોથીઓ દાબીને જ હેઠા ઊતરે છે – એક સુવર્ણની, બીજી શ્વાનચર્મની. થિંગ્યાન દરમ્યાન જે બ્રહ્મીઓ ડાહ્યાડમરા બનીને વર્તે તેમનાં નામ પહેલીમાં તથા મસ્તીખોરોનાં બીજીમાં નોંધે છે. દરેકને ઘટતું કર્મફળ પણ મરણોત્તર આપે છે.[1] [2]

કાસો એટલે વૈશાખ. તેની પૂનમે એટલે કે બુદ્ધજયંતીને દિવસે પણ બ્રહ્મીઓ મહોત્સવ ઊજવે છે. એ જ દિવસે, દિવ્ય જ્ઞાન લાધતાં, શાક્યમુનિ બુદ્ધભગવાન બન્યા અને તેમનો નિર્વાણદિન પણ એ જ. આ કારણોએ, કાસોં ઉત્સવનો મહિમા મોટો છે. વળી જ્ઞાનપ્રાપ્તિ વડના ઝાડ નીચે થએલ, તેથી આ ઉત્સવની સાથે વડને પણ જોડવામાં આવ્યો છે. કાસોંને દહાડે આવો ઉત્સવ હોવાથી તેમ જ વૈશાખી તાપમાં ઠંડક થવા ને પામવા માટે લોકો વડની પૂજાઅર્ચા કરે તથા તેને પાણી પણ ઘણું પાય છે, પાણી પાવાનાં એ પાત્રોને ‘ન્યાઉં - યે - ઓહ’ એટલે કે ‘વડના ઝાડને પાણી પાવાનાં ઠામ’ કહે છે. આ વિશે અઢારમી સદીના બ્રહ્મી કવિ લેત્વેથોંદ્રાનો રચેલો એક શ્લોક છે. તેને બ્રહ્મદેશના કાથા જિલ્લાની મેઝા નામની ટેકરીઓવાળા પ્રદેશમાં દેશનિકાલ કરવામાં આવ્યો હશે; ત્યાંના લોકોને આ ઉત્સવ ઊજવતા જોઈને તેણે જે ગાયું અને એ ગીતનુ જે અંગ્રેજી કોઈક મિ. લ્યુસે કર્યું, તેનું ગુજરાતી કૈંક આવું થાય :

ન્યૌં - યે તણો ઉત્સવ આવતો જવ, મેઝા પ્રજા ભક્તિભરેલી સૌ તવ; સાષ્ટાંગ કર્તી વટવૃક્ષને, વળી સિંચે તહીં વારિ ફરીફરી લળી.

વટોત્સવ પછી બે મહિને – ‘આષાઢસ્ય ર્પૂનમદિવસે’ – બ્રહ્મી ચાતુર્માસની શરૂઆત થાય છે. આષાઢના આ ‘વઝો’ ઉત્સવથી માંડીને ચાર માસ સુધી ફુંગી સાધુઓ વિશેષ સાધુત્વ ધારણ કરે છે અને સંસારીઓમાં પણ કેટલુંક સાધુત્વ પ્રસંગોપાત્ત પ્રગટે છે. આ મહિનાઓમાં પરણવાની મનાઈ છે; ઘરફેરવણી થઈ શકતી નથી; રંગીલી ખાણી-પીણીનો પણ નિષેધ છે. બધા જ ફુંગીઓને ચારે માસ મઠનિવાસી બની ભગવાન તથાગતના પુણ્યનામનું સ્મરણ કર્યા કરવાનું હોય છે. એ ધર્મધુરંધરોએ જેમ એટલા માસ બને તેટલા ઉપવાસી ફલાહારી કે નિરામિષાહારી રહેવાનું તેમ એમનાં અ-સાધુ દેશજનોએ પણ બને તેટલાં વધુ ધર્મીલાં બનીને જીવવાનું હોય છે. તેમના આનંદ માટે કોઈ જાતના ‘પોએ’ (ઉત્સવ) આ ચાર માસમાં હોતા નથી. આ સ્થિતિમાં અપવાદ એટલો કે માંડલાં કે માંડલે પાસેના એક સ્થળે ‘તાઉંબ્યો નટ્ પોએ’ ઉજવાય છે. ઉત્સવદિને મુખ્ય વિધિ એ કે, મનુષ્ય હતા પણ પછી દેવપદને પામ્યા એ બે ભાઈઓ શ્વેપિંગ્યી અને શ્વેપિંગેનું પૂજન તાઉંબ્યોના મંદિરમાં કરવું તથા ડુક્કરનું માંસ ન ખાવું. એ ભાઈઓ દેવપદ એવી રીતે પામ્યા કે પ્રમાણમાં નજીવા ગુના માટે-મંદિર બાંધવા દરેક પ્રજાજને લાવવાની હતી એ એકેક ઈંટ તેઓ ન લાવી શકવાથી – રાજા અનવરાતે એમનો ઘાતકીપણે વધ કરેલો, તેઓે શાંતિથી મોતને ભેટેલા ને એ એક પ્રકારના સ્વભોગના બદલામાં પ્રજાના દેવો ગણાઈ પૂજાવા લાગ્યા.

ચાતુર્માસની પૂર્ણાહુતિ દીપોત્સવ અથવા તો ‘થડિંગ્યુત્ પોએ’થી થાય છે; ત્યાર પછી એક મહિને ‘તઝાઉંમોં પોએ’ આવે છે; અને, છેલ્લો મહત્ત્વનો એ ‘તબાઉં પોએ.’ પોતાનાં માતુશ્રીને તથા બીજાને ધર્મબોધ કરવા બુદ્ધ સ્વર્ગમાં ગએલા ત્યાંથી તેઓ થડિંગ્યુતને દહાડે પાછા ફર્યા ત્યારે તેમનો માર્ગ ઉજાળવા દીપકો પ્રગટાવવામાં આવેલા તેથી એ દીપોત્સવ ઠર્યો; બુદ્ધને માટે એક જ રાતમાં એક આખું ચીવર વણી નાંખવું પડે એવો વિકટ પ્રસંગ એમનાં માતાને આવેલો જે દિવસે, એ તઝાઉંમોંનો ઉત્સવ – એમ જ હવે એ રીતે ફુંગીઓ માટે કન્યકાઓ ચીવર વણે છે; અને તબાઉં એટલે પાક લણાઈ રહ્યાનો ઉત્સવ – ચોખા પુષ્કળ પાક્યા હોય ને એમાંથી વેચીસાટી પૈસા પણ તુર્તના જ પેદા કર્યા હોય, એટલે બ્રહ્મીઓ ઘણા અમનચમનમાં આ દહાડો ગાળે છે. પરંતુ, ફીલ્ડિંગ હૉલ જેવા બ્રહ્મી સંસ્કૃતિના અભ્યાસીએ એમના બધા ઉત્સવો વિશે જે કહ્યું છે તે આને માટે પણ ખરૂં છે કે, બ્રહ્મીઓના દરેક ઉત્સવમાં નિર્દોષ અમનચમન હોવા છતાં, ધર્મતત્ત્વ તેમાંથી નાબૂદ થતું નથી : એ મંદિરોમાં જ, ભક્તિભાવે અને પુણ્યદાન સહિત જ ઉજવાતા હોય છે.

રંગૂન

તા. ૨૭ઃ૩ઃ૩૧

હમણાં લગભગ રોજ ફુરસદ પ્રમાણે સવારસાંજ થોડું થોડું ‘બર્મા ઍઝ આઇ સૉ ઇટ’ વાંચુ છું. અત્યાર લગીમાં બ્રહ્મી કેળવણી તથા ધર્મ વિશે જે જોએલુંસાંભળેલું ડાયરીમાં નોંધ્યું છે તેના પૂરક જેવું કેટલુંક એમાંથી મળે છે; બ્રહ્મી નાટકો અને રંગભૂમિ વિશેનું બધું તેમાંથી પહેલીવાર જ જાણ્યું. છેક પ્રાચીન કાળથી બૌદ્ધ સાધુઓ બ્રહ્મી બાળકોને લખતાંવાંચતાં શીખવતા આવ્યા છે; (એ વખતે લખાતું તાડપત્રો પર). આ કારણે, ૧૯૨૧માં બ્રહ્મદેશમાં કેળવણીનું પ્રમાણ પુરુષોમાં ૫૭.૬ ટકા અને સ્ત્રીઓમાં ૧૨.૩ ટકા હતું; એ જ વર્ષે એ પ્રમાણ હિંદમાં અનુક્રમે ૧૬.૧ અને ૨.૩ ટકા હતું. બ્રહ્મદેશની કેળવણીની એ પ્રાચીન સંસ્થાને અર્વાચીન દૃષ્ટિએ સુધારવાના સરકારના પ્રયત્નો નકામા ગયાનું ગ્રાન્ટ બ્રાઉન નોંધે છે. તેના કહેવા પ્રમાણે, હવે બુદ્ધિશાળી બ્રહ્મીઓ સાધુ બનતા નથી પણ નોકરી ધંધામાં પડે છે; અને જેઓ સાધુ થાય જ છે, એ કાં તો અજ્ઞાન હોય છે, નહિ તો જ્ઞાનદાન કરવા અનિચ્છુક. પણ પ્રજા—ખાસ કરી, ગામડાની – તો નવા યુગના કેળવાયલા મહેતાજીઓ અને જૂની પ્રણાલીના ફુંગી ગુરુઓ, બેઉને સમાન ભાવે પોષતી હોય છે. સરકારી કેળવણી હિંદની ઢબની શહેરોમાં અને કેટલીક ગામડામાં છે. પણ એ સગવડનો લાભ પૂરતા પ્રમાણમાં લહેરી સ્વભાવના બ્રહ્મી કદાચ નહિ લેતા હોય એમ લાગે છે; કારણ ગયા અઠવાડિયાનાં છાપાંમાં છપાયલા ‘બર્મન સિવિલ એંડ સહૉર્ડિનેટ’ પરીક્ષાઓના પરીક્ષકોના રીપોર્ટમાં દરવર્ષ પ્રમાણે આ વખતે પણ ફરિયાદ થઈ છે કે બ્રહ્મી ઉમેદવારો નથી પૂરતા પ્રમાણમાં બુદ્ધિમાન કે કાળજીવાન કે ખંતીલા.

આ દેશનો હાલનો બૌદ્ધધર્મ, તેના અસલ શુદ્ધ સ્વરૂપ કરતાં જુદો છે. તેની પર વૈદિક કે પૌરાણિક દેવકથાશાસ્ત્રની, તેમાંની માન્યતાઓ અને ક્રિયાવિધિની, ઓછીવધુ અસર થઈ છે. કેટલીક ભૂતપ્રેત-પૂજા (‘એનિમિઝમ’) પણ પ્રવર્તે છે. બીજું, મૂળ બૌદ્ધ ધર્મ જે ત્યાગ વૈરાગ્ય અને ઊંચી નીતિમત્તા શીખવે છે તેના કેટલાક પાલનની સાથેસાથે જ, આ કલાશોખી બ્રહ્મી બૌદ્ધોના ઉત્સવાદિકમાં આનંદ-ઉલ્લાસ પણ ઘણા પ્રમાણમાં વર્તાય છે. ઉત્સવોમાં બ્રાઉન બેને પ્રાધાન્ય આપે છે : જલોત્સવ અને પ્રકાશોત્સવ કે દીપોત્સવ (તેના મતે, આમાંનો એક્કે મૂળે બ્રહ્મદેશી નથી પણ અસલ વતનીઓની સંસ્કૃતિમાંથી ઊંચકી લઈ, બ્રહ્મી બૌદ્ધોએ તેને અપનાવ્યો છે.) પહેલો ઉત્સવ ચૈત્રી પૂનમે અને બીજો દીવાળીએ આવે છે. વરસાદ વૈશાખમાં શરૂ થવાનો – (રંગૂનમાં ૧૦૦ ઈંચ; મેમ્યોમાં ૩૫૦ ઈંચ)—તેના આગમન સાથે જલોત્સવને સંબંધ છે (એ વખતે, વરસાદને આરાધતા એવા લોકો, તેને આણવા એકબીજા પર ખૂબ પાણી છાંટે છે) અને પ્રત્યાગમન પ્રકાશોત્સવને સાથે છે. કુદરતી રીતે જ જલોત્સવ દહાડે અને દીપોત્સવ રાતે ઉજવાય છે. દીપોત્સવીમાં કાગળનાં અને બીજાં રંગીન ફાનસોમાં ઘેરઘેર તેમ જ પેગોડામાં દીવા કરવામાં આવે છે અને એવા જ મીણબત્તીના દીવા નાના શા તરાપાઓ પર ગોઠવીને નદીમાં વહેતા મૂકે છે. નદીના પ્રવાહ અને વમળો સાથે એ દીવા વહે કે ફરે ત્યારે મનોહર પ્રકાશમાન આકૃતિ નદીના પટ પર રચાય છે.

*

બ્રહ્મીઓમાં પ્રબળ નાટ્યવૃત્તિ છે. દેશના જે પ્રદેશોમાં ગામડાં નાનાં ને બહુ છૂટાંછવાયાં છે, ત્યાં પણ સૂકી ઋતુમાં ભમતા નટોની કોઈ ને કોઈ મંડળી હોવાની જ. કૈં પણ સહેજ બહાનું મળે તો બ્રહ્મીઓ નાટક કરે જ : પછી એ પ્રસંગ સાધુદીક્ષાનો હોય કે બાળકની કાનવિંધણક્રિયાનો, લગ્ન ઉત્સવ કે મરણનો; રાજરાજેન્દ્રના રાજ્યારોહણદિનનો કે અમલદારી મુલાકાતનો. આ કારણે ઘણાખરા બ્રહ્મીઓ આજન્મ નટ અને અનુકરણકાર હોય છે. અને નાટક બહુધા આમ વાતાવરણમાં જ સર્વત્ર હોવાથી, બસ્તી છોકરાં પણ, ગોરો સાહેબ કાળા હિંદી પાસેથી રૂવાબબંધીથી વ્હિસ્કીસોડા માગતો હોય, તેનો પાઠ ઘટતા રંગો અને અભિનય સહિત આપણને મજા પડે તેવી રીતે ભજવી જાણતાં હોય છે.

નીચેરા (‘લોઅર’) બ્રહ્મદેશના વધારે વસ્તીવાળા અને સમૃદ્ધિમંત પ્રદેશમાં હવે દરેક નાના શહેરને પેતાની કાયમી નાટકશાળા થઈ ગઈ છે. પણ વધારે પ્રચલિત એવી અહીંની રાષ્ટ્રીય નાટકશાળા એ તો, ખુલ્લામાં વાંસ તાડપત્રી વગેરેથી બનાવેલ છપ્પર. સૌ તેમાં મફત જાય. ધાર્મિક વૃત્તિનો બ્રહ્મી જેમ પેગેડા બાંધવામાં, તેમ વ્યાવહારિક વૃત્તિવાળો નાટકશાળા-ઉપર કહી તેવી કાયમી, પાકી-ચણાવવામાં પોતાની લક્ષ્મી વાપરે છે.

જેવી નટમંડળી, તેવા તેના એક આખી રાતના ભાડે રાખ્યાના દામ : રૂ. ૫૦-૬૦થી માંડીને રૂ. ૩૦૦ લગી. ખરૂં નાટક મધરાત પહેલાં ભાગ્યે શરૂ થાય ને મળસ્કા લગી ચાલે. આમ આખી રાત નાટક જોવામાં ગાળવા માટે પ્રેક્ષકો નાની સાદડીઓના વીંટા બગલમાં મારીને જ નાટકશાળામાં આવે ને તેની પર નાટક જોવા બેસે કે પગ લંબાવીને પડે. ખરૂં નાટક શરૂ થયા પહેલાં પ્રેક્ષકોને – ખાસ કરી, બાળકોને — રીઝવવા એક પ્રકારનો પૂર્વરંગ ભજવાય. તેમાં બેંડ વાગે, અને, દેવ તે મનુષ્ય વચ્ચેની મધ્યવર્તી જેવી બાળા શક્રાદિક દેવોની (‘થાડ્યા’ એમનું બ્રહ્મી નામ છે.) પ્રાર્થના કરે. પછી દેવોનાં સ્તોત્રો ગવાય અને નાચ થાય. દેવો પછી વારો રાજા અને રાજદરબારનો. એ લોકો દરેક નાટકમાં હોવાના જ. એ દૃશ્યમાં પહેલાં તો રાજાના મંત્રીઓ રંગભૂમિ પર ભેગા મળે અને રાજ્યમંત્રણાઓ ચલાવે; વળી રાજાના ખવાસો (‘પેજીસ’) મશ્કરાનો પાઠ પણ ભજવે. આ રમુજી પ્રવેશ પછી ખવાસો, વડારણોને (‘મેઇડઝ ઑફ ઑનર’) બોલાવવા જાય; અને ત્યાર પછી, સૌ સાથે રાજાને મળવા મહેલમાં જાય. પ્રવેશ એક પછી બીજો બદલાયો છે એમ સૂચવવા પડદા જેવું કૈં નહિ; સીનસીનરી યે ખાસ નથી હોતા. પ્રવેશ બદલાવવાનો હોય ત્યારે તેમ થવાની નિશાની એ જે, કાં તો અમુક નટો રંગભૂમિ છોડી જાય કે નાચગાન સહિત ત્યાં જ ગાળકુંડાળામાં ફરે. ઉપલા દાખલાની વાત કરીએ તો, તેવે વખતે, ખવાસો એમ ગાળ ફરે, મંત્રીઓ ચાલ્યા જાય, તે વડારણો રંગભૂમિ પર પ્રવેશે એટલે ખવાસો ફરતા અટકે અને મંત્રીઓ પાછા દાખલ થાય. પછી સિંહાસન પર રાજા આવીને બેસે. આ ‘સિંહાસન’ એટલે આપણાં જૂનાં કુટુંબોમાં હોય છે તેવો અસલ જમાનાનો ઊંચો મોટો પૈડાંવાળો લોખંડી ચીપદાર ને ખીલાદાર પટારો. અંગ્રેજ લેખકે એને ‘પ્રોપર્ટી બોક્સ’ કહ્યો છે. (નાટક ચાલે તેટલો બધો વખત એ પટારો ઘણું કરીને આચ્છાદિત દશામાં, રંગભૂમિ પર જ હોય છે.) દરબાર શરૂ થતાં, રાજા મુખ્ય પ્રધાન, કોટવાલ અને ખાતાંના પ્રધાનોને રાજકાજ વિશે પ્રશ્નો કરે છે. ત્યાર બાદ — રાજા જ્યારે પોતાનું નામ રાજ્ય અને રાજ્યધાની પ્રેક્ષકોને જાહેર કરે ત્યારે — ખરૂં નાટક શરૂ થાય છે. તેનું વસ્તુ જાતકકથાઓમાંથી, ગૌતમબુદ્ધના જીવનમાંથી કે બ્રહ્મી દંતકથા અને ઇતિહાસમાંથી લીધેલું હોય છે. ઇતિહાસવાળા વસ્તુમાં ઘણે ભાગે, પ્રજાના પ્રારંભયુગોનાં સાહસો કે ત્યારના બીજા પ્રાથમિક ધર્મો સામેની બૌદ્ધ ધર્મની લડતને લગતી બીના હોય છે.

નાટકોમાં નટોએ કરવાનાં સંભાષણ પહેલેથી સુનિશ્ચિત હોતાં નથી. નટો નાટકનું વસ્તુ જાણતા હોય અને સંભાષણ શું અને કેવાં, તેનો માત્ર સર્વ સામાન્ય ખ્યાલ તેમને અપાય. તેમાં વધઘટ અને ફેરફાર તેઓ સ્વેચ્છાથી અને ઔચિત્યપૂર્વક કરી શકે. ગાયનો અલબત્ત અગાઉથી નકકી થયાં હોય, પણ તેને નાટ્યવસ્તુ સાથે કશો સંબંધ ન મળે.

શેક્સ્પીરીઅન નાટકોની જેમ કરુણરસિક પ્રસંગોની વચ્ચે વિનોદ- પ્રસંગો બ્રહ્મી નાટકોમાં હોય છે ખરા, પણ તેમાં પરસ્પર સંવાદિતા એવી સરખી જ હોય. મૂક અભિનયો પણ થાય છે અને તેને બ્રહ્મીઓ નાટકો કરતાં ઊંચી કક્ષાના ગણે છે. ધંધાદારી નહિ એવા બાલનટો પણ પેગોડામાંના નાનામોટા ઉત્સવ વખતે સારાં નાટકો કરે છે.

બ્રહ્મી ભાષામાં ‘નાટક’ માટે ‘ઝટ્’ શબ્દ છે. બ્રાઉન એને ‘જાતક’ ઉપરથી આવેલો માને છે; પણ, દેવવાચક ‘નટ્’ ઉપરથી તે આવેલ હોવાનો વધુ સંભવ છે.

બ્રહ્મી નાટકો મોટે ભાગે સંગીતનાટકો વધુ અંશે હોય છે. સંભાષણ ચાલે તેટલી જ વાર સંગીત બંધ રહે. સંગીતમાં મુખ્ય હોય છે વાદ્ય એટલે નાનાંમોટાં અઢાર નગારાં કે પડઘમ. વગાડનારની ફરતાં કુંડાળામાં એ ગોઠવેલાં હોય. તે હાથ વતી વખતોવખત એને વગાડે તેમજ ઠેકા ને તાલ બરાબર આવે માટે ભાત અને રાખનું કૈંક મિશ્રણ તેની પર ચોપડતો રહે. આ સિવાય પાંચ મોટાં પડઘમ, પિત્તળના ઘંટોનું ચક્ર, એક જાતનું પ્રાથમિક રણશિંગુ અને ખંજરીઓ પણ એ સાજમાં હોય. તાલ માટે બાંબુની પટ્ટીઓ હોય. એવી બાંબુની ચીપોનું એક વાજીંત્ર (‘હાર્મોનિકોન’) પણ બનાવે છે.

ગીતોની ભાષાની રચના તેમ જ શબ્દો બહુ પ્રાચીન છે. જે માણસ અર્વાચીન જ બ્રહ્મી ભાષા જાણતો હોય, તેને એ ગીતો ન સમજાય. આજનાં બ્રહ્મીબ્રહ્મિણીઓને સુદ્ધાં તેમાંના અર્થનો ઝાંખો જ ખ્યાલ હોય છે.

કેટલાંક ગીતો અતીવ સુન્દર છે. પ્રાચીન બ્રહ્મી સાહિત્યમાં જો કૈં યે ખરેખર સાચવી રાખવા જેવું હોય, તો તે આ ગીતો છે. વિરહ પ્રકૃતિવર્ણન કે પ્રેમનાં એ ગીતો પ્રજાની સર્વસામાન્ય મતા છે.

ગીતોમાંથી દરેક નટે પોતાપૂરતી સરસ ચૂંટણી કરી હોય છે અને નાટકમાં જ્યાં જે ઉચિત હોય ત્યાં તે એમાંથી ગાય છે.

[ખુશ્કી અને તરી, ૧૯૩૩]

નોંધ

  1. ૧. રા. કાન્તિલાલ માધવલાલ દેસાઈ, અહીંની હિંદી દેશી વેપારી ચેમ્બરના મંત્રી. તેમણે, તથા બીજા અનેક સહાનુભાવકો ઉપરાંત, રા. ઇંંદુલાલ લાખિયા, રા. ઇંદુલાલ ચુ. મહેતા અને રા. દુર્લભરામ વખારિયાએ જે તનતેાડ મહેનત કરી, તેથી જ અહીં સારૂં ફંડ થયું એટલું આભારપૂર્વક નોંધ્યા વિના ન જ ચાલે
  2. ૨. ચૈત્રનું બ્રહ્મી છે ‘તાગુ.’