ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/ટ્રેજેડીનાં જૂજવાં રૂપ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૧૫
ચંદ્રવદન મહેતા

ટ્રેજેડીનાં જૂજવાં રૂપ





ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા • ટ્રેજેડીનાં જૂજવાં રૂપ - ચંદ્રવદન મહેતા • ઑડિયો પઠન: કિરણ પટેલ



એક દિવસ રીટા અમને લાઇડન જતાં પહેલાં હારલેમ પાસે એક નાનું ગામડું છે ત્યાં લઈ ગઈ. એ ગામડાનું નામ સ્પાર્ડન. અહીં એક નાનું મજાનું સ્મારક બતાવવા એ લઈ આવી હતી. પેલા નાના છેકરાની વાત : બંધમાં બાકોરું પડ્યું એટલે એમાંથી દડદડ વહેતું પાણી ગામમાં ફરી વળી તેને તારાજ ન કરી મૂકે તે માટે પેલો નાનો છોકરા એમાં આંગળી ભેરવી અને પછી પેાતાની પૂંઠ દબાવી ઠૂંઠવાતો આખી રાત બેસી રહ્યો અને ગામલોકને બચાવી લીધું. વાત કાલ્પનિક, પણ મુલ્કમશહૂર, જગમશહૂર પણ કહેવાય એવી. કર્તાકારવતાઓએ એ વાતને બાળબચ્ચાંઓનાં અને કિશોર- કિશોરીઓનાં મગજમાં ઊગતી વયમાં ઠસી જાય અને જિંદગી સુધી ભુલાય નહિ એટલા માટે એને ડોશીમાની વાતથી માંડી પાઠ્ય પુસ્તકોમાં, અભ્યાસક્રમમાં, કહાવત-કથાવટમાં એવી તો મ્હલાવી બહલાવી મઢી દીધેલી કે ખોટી છતાં સૌ ખરી જ માને અને દેશદાઝની અગનજ્યોત પ્રજ્જ્વળતી રહે. સૌ કોઈ દેશમાં એ પ્રમાણે જ થાય.

સવારે લાઇડન. ત્યાં જમી રૉટરડામનું એક થીએટર અને મ્યૂઝિયમ જોવા જતા હતા. ૧૯૪૦માં સતત આગવર્ષાએ સાતઆઠ લાખની વસ્તીવાળા આ શહેરને બાળીને ખાખ કરી નાખ્યું હતું. કુદરત જો વિસુવિયસનું મોં ફાડી ચોગમ કિલોના કિલો સુધી આગના પ્રચંડ કોઠ ફોડી ધૂંઆધાર કરી નાખે, ધગધગતા અગનરસની નદી વહેવડાવે, તો કુદરત સાથે સરાસરી કરનાર માણસ પણ એ દિશામાં ગાંજ્યો જાય એ કેમ બને? હિટલરે વેરેલા એ સર્વનાશનું કારણ નદી; એક નહિ બે નદી : જર્મનીમાંથી અહીં વહી આવતી આપણી ર્હાઈન, અને બેલ્જિયમમાંથી આવતી માસ. એ બે નદીઓએ રૉટરડામ અને ડોડરેચ વચ્ચે જે પ્રકારની હાથગૂંથણી કરી છે એ જોતાં તો એમાંથી એ બેને ક્યાં છૂટી પાડવી એ એક ભારે કોયડો બની રહે છે. પરિણામે રૉટરડામ દુનિયામાં બીજા નંબરે આવતું મોટામાં મોટું બંદર બની રહે છે. નદીમુખે આવું બંદર હિટલરથી કેમ સહ્યું જાય? બહારથી આવતો શસ્ત્રસરંજામ અહીં જ ખડકાતો જાય, એટલે એણે એક જ દિવસમાં શહેર, બંદર અને ગોદીના ભુક્કા ઉડાવી દીધા! ર્હાઈનની છાતી ઉપર જ ત્રાટકીને એ અવદશાનું સ્મારક ખડું કરી દીધું છે. એ પરથી આટલો માર પડતાં પણ ભોંય પડતો માનવ નિરાધાર નથી એનો મર્મસૂચક અને દર્દજનક ખ્યાલ આવે છે.

ગ્રીસમાં નાટકના બીબામાં ભારોભાર ટ્રૅજેડી કંડારાએલી મળે છે. એમાં શાપ, દેવોની અવકૃપા, માનવ અને અમાનવ વચ્ચેનો સંઘર્ષ, દુઃખની પરંપરા, એમ જાતજાતનાં લક્ષણો છણાએલાં આજે આપણી સમક્ષ મોજૂદ છે. માનવી એમાં રિબાય છે, દુઃખોની સામે લડે છે, પડેઆથડે છે, સંતાપના અગ્નિમાં જળે છે, ને એવી જાતજાતની અનુભવપરંપરામાંથી પસાર થતાં એ વીરલો લોકોની દયા-અનુકંપા પણ પ્રાપ્ત કરે છે. ગ્રીક ટ્રૅજેડીને રાસેં અને કોરનીલે ફ્રાન્સમાં અપનાવી, શેક્સપીઅરે નવા ઘાટઠાઠ આપી ઇંગ્લાંડમાં વિકસાવી, ઈબ્સનસ્ટ્રાઇન્ડબર્ગથી ઇલિયટ કલોડેલ બ્રાખ-સાર્ત્ર સુધી સૌએ પોતપોતાની મતિ અનુસાર અને મઠારી; પણ આજે હવે અભ્યાસી વિવેચકો ટ્રૅજેડીના બંધનો અંત આવ્યાની વાત સ્વીકારે છે. ‘સર્ચ ઑવ ટ્રૅજેડી’ ‘ક્વેસ્ટ ઑવ ટ્રૅજેડી’ અને તાજેતરમાં ‘ડેથ ઑવ ટ્રૅજેડી’ આ છેલ્લા દાયકાનાં ત્રણ સંશોધન-પુસ્તકોનો એ જ એક સૂર છે, કે ઈશ્વરમાંથી શ્રદ્ધા ચળી જતાં, નાસ્તિકવાદ વધતાં, હવે નાટકના બીબામાં ટ્રૅજેડીનો પહેલાં જેવો ઘાટ ઘડાવો અશક્ય છે. બને; એ ખરું પણ હોય; પરંતુ શહેરોનાં શહેરોનો નાશ કરવો એ એકની ટ્રૅજેડી નહિ પણ અનેક સામાન્ય માણસોની ટ્રૅજેડી નહિ કહેવાય? અને એ જ ઘવાએલા ચીંથરેહાલ થએલા માણસો શહેરની નવેસરથી પાછી બાંધણી કરે છે, એ પણ એમની વીરતા ન કહેવાય?

‘ડેથ ઑવ ટ્રેજેડી’માં એના લેખક જ્યૉર્જ સ્ટાઇનર પુસ્તક પૂરું કરતાં પોતાનો એક અનુભવ ટાંકે છે. તાજેતરમાં જ એ ભાઈ પોલૅન્ડના પ્રવાસે જતા હતા. એક ખંડિયેર જેવા સ્થાનમાંથી ટ્રેઇન પસાર થતી હતી ત્યારે સાથીદાર પ્રવાસીઓમાંના એક પોલૅન્ડવાસીએ એને કહ્યું : ‘આ એ જ ટેકરી. અહીં એક મઠ હતો. જર્મનોએ જે રશિયન અફસરોને પકડેલા એમને અહીં કેદમાં રાખેલા. લડાઈના અંત ભાગમાં એટલે કે લગભગ ૧૯૪૪માં જર્મન લશ્કર પીછેકદમ કરતું મૉસ્કોથી પાછું ફરતું હતું ત્યારે આ કેદખાનામાં કોઈ ને કશો ખોરાક પહોંચતો નહિ. દરવાનોએ તો આસપાસનાં ગામડાંમાંથી લૂંટી લાવી ચલાવ્યું, પણ રખેવાળીમાં રાખેલા કૂતરાઓને કાંઈ ખાવાનું મળ્યું નહિ અને એ ભૂખ્યા ડાંસ થઈ ગયા. એટલે જર્મન રખેવાળોએ એ કૂતરા પેલા કેદીઓ ઉપર છૂટા મૂકી દીધા અને એમ કૂતરાઓનાં પેટ ભરાવ્યાં! કૂતરાઓ તો કેદી અફસરો ઉપર તૂટી જ પડ્યા અને એમાંના ઘણાને તો જીવતા જ ખાધા. આખરે પેલા રખેવાળોને પણ જ્યારે નાસવા વારો આવ્યો ત્યારે તેઓ બચેલા કદીઓને એક ભોંયરામાં પૂરી, તાળું મારી નાઠા. એમાંથી ભૂખમરાથી પિડાતાં એકબીજા પર ઘૂરકતાં અને આખરે એકબીજાને મારી ખાતાં છેવટે બે જણા જીવતા રહ્યા હતા, ત્યારે સોવિયેટ લશ્કર કૂચ કરતું આવી ચડ્યું. એમણે ભોંયરું ખોલ્યું ત્યારે હાડકાંનાં મુડદાંઓ ઉપર ફક્ત બે રશિયન અફસરો માંડ જીવી રહ્યા હતા. એમની પાસેથી હકીકત સાંભળી. એમને તરત પેટપૂરું ખાવાનું આપવામાં આવ્યું. પછી? પછી એમને રાતે ખૂણામાં લઈ જઈ ગોળીથી વીંધી નાખી એમનાં પણ મુડદાં પાડવામાં આવ્યાં! કારણ? રખેને લશ્કરના બીજા માણસો જાણે કે એમના અફસરોના આવા હાલ થયા હતા એ દહેશતથી પેલા બેને મુડદાં ભેગા કરવામાં આવ્યા, અને પછી આખો મઠ તરત બાળી નાખવામાં આવ્યો, આ યે એક આ જમાનાની ટ્રૅજેડી. અને એવી તો કેટલી સર્જાતી હશે! ખરું, પણ એમાં શ્રદ્ધાની, ઈશ્વરના અસ્તિત્વની કે દૈવી કોપ કે શાપની વાત ગૂંથવામાં નથી આવી. ઉપરના જેવા તો કંઈક કથા-કિસ્સાઓ બન્યા જ કરે છે અને બન્યા કરશે એવું લાગે છે.

શું થાય? કંઈ નહિ થાય! સ્વિત્ઝરલૅન્ડ, જર્મની ઘૂમી અહીં સુધી ર્હાઈન દોડી આવી છે. એને પડખે જ, એની આસપાસની ભૂમિ ઉપર કેટલાં લોહી રેડાયાં હશે અને કરુણાજનક કિસ્સાઓ બન્યા હશે એનો અંદાજ કોણ કાઢી શકે? એ લોહી રેડાયાં, નદીમાં વહ્યાં અને અહીં થઈ સાગરમાં યે ભળ્યાં. એમાંથી કંઈક કવિઓએ ગીતો ગાયાં, ગાથાઓ ઘડી, રોમાંચક સંગીત સરજ્યું, એ પણ આ ર્હાઈને સાંભળ્યું; અને સાગરને મળવાના સ્થાનક ઉપર, નદીમુખ આગળ જ ઉપરથી અગનવર્ષા પણ ઝીલી, કોનો વાંક? માનવ માનવનો સંહાર કરતો જ આવ્યો છે. એમાં માનવનો વાંક કે એવાં ચોકઠાં ગોઠવનાર વિધાતાનો વાંક? ઈશ્વરમાં શ્રદ્ધા રાખનાર મોરારજી દેસાઈ કહે છે કે જો મહાભારતનું યુદ્ધ ન ખેલાયું હોત તો ભારતનો ઇતિહાસ વળી જુદો જ લખાયો હોત. બરાબર; અને એ યુદ્ધનો પ્રસંગ ન સાંપડ્યો હોત તો કદાચ કર્મયોગનું નિરૂપણ કરનારી ગીતા પણ કૃષ્ણે ન ગાઈ હોત. અને ગીતા વિનાનું ભારત તે વળી કેવુંક થાત! ‘જો અને તો’- ના આવા બુદ્ધિના સટ્ટાને અંત જ નથી. ઘટના બન્યે જાય છે, માણસ અટકાવવા ધારે તો યે બને છે; અને બનાવવા મથે તો બનતી પણ નથી. પણ એ બધાંમાંથી અંતે સાર એક જ મળે છે કે માણસ પડ્યો-પટકાયો ત્યાંથી પણ ઊભો થવા હામ ભીડે છે. ભસ્મીભૂત ભંગારમાંથી પણ નવું રૉટરડામ એક દાયકામાં ખડું કરી દીધું, જૂના ઘાની એકેએક નિશાની ભૂંસી નાખી. એ જ ર્હાઈનને ફરી શણગારી. અહીં જ અપરંપારના પહોળા રસ્તા બાંધી, ફરી ઇમારતો ચણી, જૂનવાણી ધરતી ઉપર તદ્દન નવી જ ઢબનું નૂતન શહેર સરજી ફરી વ્યવહાર શરૂ કરી દીધો છે.

અને એ થકી પણ અદકી અને સગવડ ભરેલી, કાચ લોખંડ અને લક્કડ, તાણ્યા તુણ્યા કાચ, અને સેળભેળમાંથી ઘટાવેલા પદાર્થોમાંથી આંખને ઠારે એવા ઘાટની નાટકશાળાઓ પણ એણે બાંધી. આ થકી યા આ સ્થાને નહિ જ બંધાય, એવું કહેનારા ત્યાં નથી. નાટકશાળાની તે વળી જરૂરત શી એવી ચર્ચા કરનારા તો ત્યાં નથી જ નથી. નાટકશાળામાં આટલી સગવડ વળી શાની હોવી જોઈએ, એવું પૂછનારા યે નથી. નાટકશાળા એટલે નાટકશાળા. એમાં શું શું હોવું જોઈએ એ વિષે આપણે વિચારી ગયા છીએ એટલે અહીં લંબાણ નહિ કરીએ.

આપણે રૉટરડામના શૉબર્ગ થીએટરમાં ‘હેન્રી ધ ફોર્થ’નું નાટક જોવા જઈને બેસીએ એ પહેલાં ત્યાંના બોયમેન્સ મ્યૂઝિયમમાં વૉન ડર નીરનીયા ટીશ્યાં કે રેમ્બ્રાંની એકાદ ચિત્રકૃતિ કે રોદાં યા માઇલોલની થોડીક શિલ્પકૃતિઓ જોઈ લઈએ. વૉન ડર નીરનું ‘સંધ્યા ટાણે પવનચક્કીઓ’નું ચિત્ર જુઓ તો ખરેખર આપણે ડૉન કિહોટેની મનેાદશાવાળા ન હોઈએ તોપણ દૂરથી એ રાક્ષસો જેવી જ લાગે. એવાં બધાં ચિત્રો જોઈ નાટકશાળા તરફ વળીએ. રૉટરડામનું શૉબર્ગ થીએટર એટલે આરામથી બેસી નાટક જોવા માટે બારસો ને સાઠ બેઠકો! ઉપરની ત્રીજી ગૅલેરીના દાદરા ચડવાની હિંમત નહાતી, એટલે ત્યાંની ત્રીજી બાલ્કનીની બારમી હાર, એટલે કે પહેલીથી ચુમ્માળીસમી હારમાં બેસીને કેવું દેખાય કે કેટલું સંભળાય એનો મને અનુભવ નથી; પરંતુ ત્યાં બેસનારાઓ પણ હતા અને શાંતિથી સાંભળતા હતા, એટલે માઈક્રોફોનના કૃત્રિમ સાધન વિના પણ ત્યાં અવાજ રેલાવી શકાતો હશે એ દેખીતું છે. પારીસમાં થીએટર દ શાલિયો નામની એક જૂની ઇમારત છે ત્યાં ‘થીએટર નૅશનલ પૉપ્યુલર’ નામની સંસ્થાના સંચાલક, અજીબ પ્રોડ્યુસર અને નટ ઝ્યાં વિલરે, ફ્રાન્સના પ્રખ્યાત અભિનયકલાના ખાં ગણાતા ઝ્યાં લૂઈ બારો, ચાર્લ્સ ડલિન અને લૂઈ જોવે જેવા શિક્ષકો પાસે બેસી-શીખી, સાથે કામ કરી સારી ખ્યાતિ સંપાદન કરી છે. પોતે ફ્રેન્ચ, પણ ૧૯૪૫માં ઇલિયટનું ‘મર્ડર ઇન ધ કૅથેડ્રલ’ અંગ્રેજીમાંથી ફ્રેન્ચમાં ભજવી માનચાંદ મેળવ્યા ત્યારથી તો એની કીર્તિનો વાવટો આજ સુધી ઊંચે ને ઊંચે ફરકતો રહ્યો છે. પોતે ફ્રેન્ચ છતાં જર્મની, ચેકોસ્લોવાકિયા, ગ્રીસ, સ્વિત્ઝરલૅન્ડ, ઇટાલી, બેલ્જિયમ અને ઇંગ્લંડમાં એડિનબરઅ ફેસ્ટિવલમાં નાટકો કરી એણે ભારે નામના મેળવી છે. યુરોપ જાઓ તો પારીસ તો જવાના જ; તો ટી. એન. પી. (થીએટર નૅશનલ પોપ્યુલેર)માં જઈ વિલરને શેકહૅન્ડ કરી આવજો અને નાટકની ટિકિટ ખરીદજો. માણસ તો અચ્છો છે જ’ પણ કામ અજબગજબનું કરી શકે છે. નટ-નાટકશાળા માટે એણે પોતે નિશ્ચિત આદર્શો વિચાર્યા છે, અને એ સિદ્ધ કરવા એ જહેમત કરે છે. નાટકમાંનું રહસ્ય, એનું તત્ત્વ, એનો નક્કર સંગીન મર્મ એ બહાર લાવે, રજૂ કરે, મૂળ વાતને બરાબર વળગી રહે, એને પ્રગટ કરે. અભિનય કરતાં પણ એ જ ધ્યેય ધ્યાનમાં રાખે. લેાકમાનસને નાટકશાળા વગર ચાલે જ નહિ એવું કરી મૂકે. છાપું, નળમાં પાણી, રાંધવાનો ગૅસ યા વીજળિક શક્તિ, ઘરમાં સ્વચ્છતા એ બધાં જીવનમાં જેટલાં નિત્યપયોગી છે એટલી જ મહત્ત્વની નાટકશાળા છે એવું એ મનાવે. ત્યાં ગયા વગર લોકને ચેન ન પડે એવું એણે કરી મૂક્યું છે. ‘ના, ફક્ત મારાં જ નાટક જોવા આવે એવું કહેવાનો મારો આશય છે જ નહિ; સારી રીતે ભજવાતી કોઈ પણ અચ્છી નાટકકૃતિઓ તેઓ જોતા થાય, એટલું જ માગું છું’ એમ કહે છે. ખરેખર, જબરો માણસ છે એ. એટલે કે એનામાં અખૂટ શક્તિ અને તાજગી છે. થીએટર દ શાલિયોમાં નાટક થાય, પછી ખવાય, નાચવું હોય તો નચાય, નાટક ન હોય ત્યારે નાટકનું પઠન થતું હોય તો એમાં હાજરી અપાય, કવિતા વાચન થાય, કંઈક રમવું હોય તો રમાય, ચર્ચા થાય અને વચ્ચે વચ્ચે ‘શિનેમું’ જોવું હોય તે પણ જોવાય! આ બધા માટે ટિકિટો સસ્તી. ખૂબ જ સસ્તી. કાળાંબજાર જેવું નામનિશાન નહિ. એ થાય છે એવું લાગે કે વિલરે તાબડતોબ એના ઉપાયો શોધી અમલમાં મૂક્યા જ હોય. એને સરકારની મદદ, પોલીસની મદદ, મિત્રોની મદદ અને પોતાનામાં કૌવત-કરામત, પછી શું જોઈએ?

પરદો ખૂલ્યો. રીટા ટ્રોમવેલનો કેટલો આભાર માનું? એ સાથે ન હોત તો વિલર સાથે મને કોણ ભટકાવત? ઠાવકી, દેખાવડી, નાટકની શોખીન, ભણેલીગણેલી, એકાદ એમ્બૅસીમાં એ રીટા કામ કરે. એ જ્યારેજ્યારે મારી સાથે આવતી ત્યારે મારું મન એટલું કચવાએલુ રહેતું હતું! પણ એ હસીને કહેતી, ‘તમે શા માટે એટલી બધી ચિંતા કરો છો? કાલે સાંજે તો અમે પાછાં મળીશું જ.’ એને એક બૉયફ્રેન્ડ; મારી સાથે નાટકમાં આવવાનું હોય ત્યારે રીટા એ ફ્રેન્ડને ના પાડે; એમ એમની જુદાઈ મને ગોઠવતી નહોતી. હું કહું, આપણે ત્રણ ટિકિટ લઈએ; તો એની પણ ના. આખરે એક દિવસ નાટક પછી અમે ત્રણે સાથે જમ્યાં. મેં ટ્રેઇન પકડી, અને એનો બૉયફ્રેન્ડ એને મુકામે મૂકવા યા ફરવા ગયો ત્યારે મારો જીવ હેઠો બેઠો. આપણે ત્યાં બે સખીજીવડાનો મેળ જામતાં એમને મળતાં અટકાવનારા, બેના લાગણી-વિકાસમાં ફાચર મારનારા, પ્રણયપંથમાં કાંટો પાથરનારાં કૈંક માબાપો વડીલો અને મિત્રોનાં વર્તન જોઈ જોઈ હું આ પાઠ શીખ્યો હતો, કે ક્યાંક બે જીવડા આ દુખિયારા સંસારમાં ઘડીભર સુખી થતા હોય તો ભલે મળે; એમાં આપણે ક્યાં વચ્ચે અંતરાય રૂપ થવું? હેન્રી ચોથા તરીકે હાથમાં તલવાર લઈ, રાજવી ઝબ્બો પહેરી, ત્રિકોણ મુખડામાંની ચમકતી આંખો વિસ્ફારિત કરી વિલરે રંગભૂમિ સચેતન કરી ત્યારે મન ભારે આનંદની ઊર્મિથી સભર થઈ ગયું. આ તે નટ અને એનો અભિનય! આ ઇંગ્લંડનો રાજા હેન્રી નહિ; અને, એના લેખક પણ શેક્સ્પીઅર નહિ. આ તો ૧૮૬૭માં જન્મી ૧૯૩૬માં અવસાન પામેલા પ્રખ્યાત નાટકકાર લ્યુઇજી પિરૅન્ડેલોની કૃતિ. ગમ્મત તો જુઓ, કે મૂળ નાટક ઇટાલિયનમાં, ભજવે છે મશહૂર નટ તે ફ્રેન્ચ, અને ભજવાય ડચ પ્રજાની સમક્ષ હૉલૅન્ડમાં; અને એ જોવા જનારાઓમાં એક તે ગુજરાતી! કઈ ભાષા છે એની કાઈ ઝગડપંચાત પણ નથી કરતું. ભારતમાં પિરૅન્ડેલોનું ‘છ પાત્રો નાટકકારની શોધમાં’ એ નાટક લોકપ્રિય થઈ ભજવાતું રહ્યું છે. એની આ કૃતિ પણ પંકાએલી છે. સત્ય એટલે શું? લ્યો, સવાલ કાઢ્યો! જાણે હું એનો જવાબ જાણું છું; અને તમે વળી એનો જવાબ જાણે જાણતા હશો. પિરૅન્ડલો કહે છે કે દરેક વ્યક્તિનું વ્યક્તિગત સત્ય; એ વળી એના સંજોગો પ્રમાણે નોખું નોખું; બે વ્યક્તિ વાચા દ્વારા એકબીજીને કંઈ જ કહી શકે નહિ! કહે, સમજે, એમ વ્યવહાર ચાલે છે; પણ વાચા એ છે નબળું માધ્યમ; એક કહે ત્યારે એના મનમાં શું હોય, અને બીજો પોતાની મતિ અનુસાર સમજે શું? જિંદગી જ જ્યાં અસત્ય માયાજાળ છે ત્યાં વળી સત્ય ક્યાં શોધવા જઈએ? છતાં માણસ પોતા તેમ જ બીજા માટે પોતાની આસપાસ આ જ સત્ય છે એવી એક સૃષ્ટિ સરજવા વલખાં માર્યા જ કરે છે અને આખરે એમાં ફસાએલો રહે છે.

પણ પરદો ખૂલ્યો ત્યાર પછી આપણે આ શા લપલપાટમાં દાખલ થઈ ગયા! વીસ વર્ષનો હતો ત્યારે આ એક ઉમરાવ ઘોડા ઉપરથી ગબડી પડ્યો હતો, અને એ પછાડને પરિણામે એના મગજમાં એક એવો ભ્રમ ભરાઈ બેઠો હતો કે પોતે જર્મનીનો ૧૦૭૭ની સાલમાં થયેલો રાજા ચોથો હેન્રી જ છે! આ માન્યતાને લઈ એણે એની આખી રહેણાક પણ એ પ્રકારની જ કરી નાખી હતી. એક કિલ્લામાં ઘોડેસવારો અને સાથીદારોને લઈ એ રહેતો. એ જેમ માનતો તેમ એની આસપાસના પણ એને હેન્રી ચોથો જ મનાવતા. આવા ભ્રમમાં જ એ જીવતો. એક દિવસ એની ઉમરાવજાદી ભત્રીજી એક નવા ડૉક્ટરને લઈને એને મળવા તેમ જ એને તપાસાવવા ચડી આવે છે; અને ડૉક્ટર એને કહે છે કે તમે હેન્રી ચોથા થવાનો જાણી જોઈને ઢોંગ જ કરો છે; બાકી તમારું ડાગળું ખસી ગયું છે ને એથી આવું માનો છે એ વાત આખી ખોટી! ‘ઢોંગ’ શબ્દ સાંભળી રાજા ઉશ્કેરાયો, અને તરત પેલાને કટાર ભોંકી ઠાર કરી નાખ્યો. માણસ પોતાનો ઓળો ઊભો કરી, એ ઓળો જ સાચો એવું મનાવવાના સતત પ્રયત્ન કરતો હોય છે; એમ પોતે હેન્રી નથી છતાં હેન્રી છે એ જ ભૂત જીવનભર એણે ચલાવ્યા કર્યું. એવી માન્યતામાં એ પોપની પાસે પણ જાય છે અને જાતજાતનાં કરતૂકો કરી બેસે છે. જગત જ ભ્રમ, તો જીવન પણ ભ્રમ જ છે, સકળ માયાનો ખેલ છે. ઝ્યાં વિલર પોતાની બે આંખ મારફત જ બનાવટી હેન્રીને સાચા હેન્રીના સ્વરૂપમાં છતો કરે છે. આંખ ઉપરાંત અત્યંત સુરીલો મીઠો અને સંવેદનશીલ એનો અવાજ શ્રોતાઓનાં જિગરને રસમાં તરબોળ કરી નાખે છે. આ સાદશક્તિથી જ મેાટા ભાગના નટોએ પ્રેક્ષકોની દુનિયા સર કરી છે. નાટકની દૃષ્ટિએ આ કૃતિમાં શેક્સ્પીઅરની તોલે પહોંચે એવો સંઘર્ષ નથી. માનવીએ પોતાની આસપાસ ગૂંથેલી માયાજાળ, અને એમાં છેદ પડતાં માનવીના પ્રત્યાઘાતો,—બસ. પરંતુ વિલર્સ એ કૃતિને જે રીતે સજીવન બનાવે છે એમાં જ એનો કલાકિસબ છે.

[રૂપ ગઠરિયાં, ૧૯૬૬]