ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/વિક્ટોરિયા સરોવર અને કીસુમુ
૨૪
ચંદ્રકાન્ત પંડ્યા
□
વિક્ટોરિયા સરોવર અને કીસુમુ
તા. ૨૭ જુલાઈએ બપોરે સાડા ત્રણે ગૌતમ વૈદ્ય અને એમના મિત્ર ભગવાનજી સાથે અમે કીસુમુ જવા નીકળ્યા. ભગવાનજી ઉતાર-ચઢાવ રસ્તા ઉપર સો કિલોમીટરની ગતિથી કાર હાંકતા હતા. કારની બંધ બારીના કાચમાંથી નજર કરતાં કારની બહારની બધી વસ્તુઓ, ડુંગરો, વૃક્ષો, ખેતરો, એમાં ચરતી ગાયો, તાર ટેલિફોનના થાંભલા બધા ઝપાટાબંધ પાછળ દોડતા નજરે પડતા હતા. ત્યારે મારું મન પણ ધરમપુરના અમારા બાળપણનાં – અતીતનાં સ્મરણોના રઝળપાટે ઊપડ્યું હતું. બુચાભાઈ અને હું બન્ને વિધવા માના દીકરા. બન્ને રખડેલ, તોફાની, ભણવામાં ‘ઢ’. બન્નેના બાપ વંઠેલ દીકરાની ચિંતા કરતા મર્યા. બંનેની માએ સંઘર્ષો-દુઃખનાં દળણાં દળી દળી – પેટે પાટા બાંધીને દીકરાઓને ઉછેર્યા. એ બુચાભાઈએ નાના ભાઈઓને પાંખમાં લઈ ઠેકાણે પાડ્યા. પરદેશ ખેડી લાખો રૂપિયા કમાયા. જ્યારે મારા ઉપર ઈશ્વરની કેટલી બધી કૃપા ઊતરી છે! મારી લાયકાત કરતાં મને ઘણું બધું મળ્યું છે. માન-પ્રતિષ્ઠા, મિત્રોનો પ્રેમ... અને શું નહિ?
‘પંડ્યા સાહેબ, બહુ નસીબદાર છો તમે, મિત્રપ્રેમનું કેવડું મોટું વરદાન પામ્યા છો!’ કહી મહેશભાઈએ વિચારતંદ્રામાંથી મને જગાડ્યો. ‘નંદી હિલ જવાને માર્ગ’ બતાવતું પાટિયું આવતાં ગૌતમભાઈ કહે, ‘આ નંદી હિલમાં નંદી નામની જનજાતિ રહે છે. એમનો ધંધો ગોપાલનનો, એમનો પહેરવેશ આપણા સૌરાષ્ટ્રના રબારીઓ જેવો. આ પ્રજાના રીતરિવાજો-પહેરવેશ બધું જોતાં આ પ્રજાનો યુગો પહેલાં સૌરાષ્ટ્ર સાથે કોઈ સંબંધ હશે. યુગો પહેલાં પૃથ્વી ઉપર ધરતીકંપ થયો હશે એ પહેલાં ભારત-આફ્રિકા એક જ ભૂભાગ હતા. ભૂકંપ બાદ એશિયા અને આફ્રિકાના બે અલગ અલગ ટુકડા થતાં વચ્ચે હિંદી મહાસાગર રચાયો. એને પૂર્વ છેડે આપણા ગિરનારનો ભાગ અને પશ્ચિમ છેડે આફ્રિકાના મસાઈ મારા વિસ્તાર બન્યા. બંને વિસ્તારો વચ્ચે ઘણી સમાનતા છે. સૌરાષ્ટ્રમાં ગિરનાર અને આફ્રિકાના આ વિસ્તારમાં સિંહની વસ્તી છે. પરંતુ એ વિષય ઇતિહાસકારાનો રહ્યો.’ ગૌતમભાઈ આ વિસ્તારની માહિતી આપતા હતા. મખમલી ગાલીચો :
ધરતીમાતા હર સ્થાનમાં હર સમયે રળિયામણી છે. એનાં વિવિધ રૂપોમાં પ્રત્યેક સમયે માતાની ગોદનું વહાલ ભર્યું છે. જગન્માતાનો વત્સલ ચહેરો વિશ્વમાં સ્થળે સ્થળે પ્રકટ થતો અનુભવી શકાય. પરંતુ આપણા સંકુચિત માનસે પૃથ્વીના ટુકડા કરી એક ટુકડાને ચાહવાનું શરૂ કર્યું. અખિલ પૃથ્વીના એક અંશને ‘સારે જહાંસે અચ્છા’ કહીને વતનપ્રેમ ભલે વ્યક્ત કરાવે પરંતુ કવિ ઇકબાલે ગાયેલું એ ‘હિન્દુસ્તાન’ આજે નથી રહ્યું. આજે તો એના એક ટુકડાની પ્રશસ્તિ કરી રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરીએ છીએ. અને કોણ જાણે આવતી કાલે આજે છે એવું હિન્દુસ્તાન હશે ખરું? પછી ‘સારે જહાંસે અચ્છા’ આપણે કયા હિન્દુસ્તાનને ગાઈશું? આ તો રાજકારણીઓએ એક અખંડ વિશ્વને ખંડોમાં વિભાજિત કરી, વળી એ વિભાજિત ટુકડા ઉપર એક ભેદરેખા ઊભી કરી. આપણે એક જ ધરતીમાતાનાં સંતાનો છીએ એ સંકુચિત સ્વાર્થમાં આપણે ભૂલી ગયાં અને ભાઈ ભાઈ વચ્ચે ધર્મને નામે, પ્રદેશને નામે, ભાષાને નામે, રંગના નામે વેર ઘૂંટ્યાં!
એલ્ડોરેટથી કીસુમુ જતાં માર્ગમાં ધરતીનું જે વત્સલ અને રળિયામણું સ્વરૂપ જોયું ત્યારે ઉપરના વિચારોમાં મન પરોવાઈ ગયું હતું. એલ્ડોરેટથી નંદી હિલ સુધીનો માર્ગ એટલે ચાના વિશાળ મખમલી બગીચાનો વિસ્તાર. માઈલો સુધી વિસ્તરેલા ચાના બગીચાઓની હરિયાળી; આંખોને નર્યાં હેતનું અમૃતપાન કરાવતી હતી. વચ્ચે ક્યાંક કાયા ઉપર રાસાયણિક પ્રયોગ કરી ગુણવત્તા પ્રમાણે ચાને જુદી કરી પૅકિંગ કરવાની ચાની ફૅક્ટરીઓ અમે જોઈ. ખેતરોમાં ચાનાં પાન વીણતી શ્યામસુંદરીઓ જોઈ.
નંદી હિલની ટેકરીઓવાળો પ્રદેશ પૂરો થયો. અને હવે તળભૂમિ પ્રદેશ શરૂ થયો. કીસુમુ સુધીનો એ આખો પાટો શેરડીનાં ખેતરોનો છે. આ ખેતરો શીખો, ચરોતરના પાટીદારો અને પોરબંદરના મેર જાતિના લોકોની માલિકીનાં છે. અહીં વચ્ચે વચ્ચે ખાંડનાં કારખાનાંઓ પણ છે જે હબસીઓની સહકારી મંડળીઓ ચલાવે છે.
કીસુમુ-વિક્ટોરિયા સરોવર :
સાંજે સાડા પાંચે કીસુમુ પહોંચ્યા. અંધારું થાય એ પહેલાં લેઈક વિક્ટોરિયા જોઈ લેવું એવું ગૌતમભાઈનું સૂચન હતું. એટલે વિશ્વમાં મીઠા પાણીના બીજા નંબરનું સરોવર જોવા અમે ઊપડ્યા.
કીસુમુ શહેરની સીમમાં ‘ડુંગા’ નામના વિસ્તારમાં વિક્ટોરિયા સરોવરના કિનારે એક પંજાબીની ‘હૉટલ ડુંગા’ વિક્ટોરિયા સરોવરના સહેલાણીઓ માટે બ્યૂટી સ્પૉટ ગણાય ત્યાં અમે પહોંચ્યા. અને સરોવર નહિ, આ તો જાણે દરિયો જ જોઈ લ્યો! આ વિશાળ જલરાશિની ભવ્યતા સૂર્યાસ્તના સમયને કારણે વધુ નીખરી હતી. પશ્ચિમાકાશમાં સૂર્યાસ્તની વિવિધરંગી છટા સરોવરનાં શાંત જલમાં પ્રતિબિંબિત થઈ એની રમણીયતામાં નવા રંગો પૂરતી હતી. એ રંગલીલા નિહાળતાં ‘અદ્ભુત’ એવો ઉદ્દગાર નીકળી પડ્યો. કિનારે કેટલાક માછીમારો પાણીમાં જાળ બિછાવી માછલાં પકડતા હતા. દૂર ક્ષિતિજે સ્ટીમર જેવું કશુંક દેખાતું હતું. યુગાન્ડા અને ટાન્ઝાનિયા જવા માટે અહીં ફેરી સર્વિસ ચાલે છે, એ પણ હોઈ શકે. આ સરોવરમાં હીપોપેાટેમસ જોવા પર્યટકો આવે છે. હૉટેલો એની જાહેરાતો આપે છે. અમે હૉટેલમાં ચા પીતાં પીતાં હીપો જોવા કલાકેક ફાંફાં માર્યા પરંતુ એકે હીપો નજરે પડ્યો નહિ. સમગ્ર કેન્યામાં દુકાળ પડે અને પાણીની તંગી પડે ત્યારે એક માત્ર કીસુમુમાં પાણીની તંગી વિક્ટોરિયા સરોવરને કારણે ક્યારે ય પડી નથી.
વિક્ટોરિયા સરોવરથી પાછા ફરતાં ગૌતમભાઈ એમના એક મિત્ર જગદીશ બાદિયાણીને ત્યાં અમને લઈ ગયા. જામખંભાળિયાના લુહાણા જ્ઞાતિના જગદીશ બાદિયાણી ત્રણ પેઢીથી પૂર્વ આફ્રિકામાં સ્થાયી થયા છે. જ્યારે આફ્રિકામાં અંગ્રેજોનું રાજ હતું ત્યારે ઊંડાણના કોઈ ગામમાં એમની કરિયાણાની દુકાન હતી. કેન્યા સ્વતંત્ર થયા પછી એશિયનોને માટે ગામડાંમાં રહેવું બિનસલામત બન્યું. એટલે સૌએ ગામડાં છોડ્યાં અને શહેરમાં ધંધાર્થે વસવાનું નક્કી કર્યું. કીસુમુ બે લાખની વસ્તીવાળું કેન્યાનું ત્રીજા નંબરનું શહેર છે. પરંતુ અહીં પણ હિંદીઓની ઝાઝી સલામતી નથી. ગુજરાતીઓની વસ્તી સારી. ધંધા-પાણીમાં જલસા, પરંતુ ક્યારે શું બને એનું કશું કહેવાય નહિ! બધા જ અધ્ધરશ્વાસે જીવે. કાળી પ્રજાને હિંદીઓની સમૃદ્ધિની ઈર્ષા આવે છે. અમારા દેશમાં અમને લૂંટીને આ લોકો પૈસાદાર થયા છે એવું તેઓ સમજે છે. ભારતીઓને ‘મોઈન્દા’ એવા તિરસ્કારભર્યા શબ્દોથી એ બોલાવે અને ઓળખે. જગદીશભાઈ આ પ્રકારની માહિતી આપતાં અમને કહે કે મારા મોટાભાઈથી કાળી પ્રજાનો આ તિરસ્કાર સહન ન થયો એટલે દેશમાં ચાલ્યા ગયા. ત્યાં મુંબઈમાં ફેક્ટરી નાંખી છે ખરી, પરંતુ ધંધામાં ઝાઝા કસ નથી. લેબર પ્રોબ્લેમ અને સરકારની દખલગીરી ઘણી એવું લખે છે.
[ઘડીક સંઘ શ્યામ રંગનો, ૧૯૮૬]