ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/સ્ટે્રટફર્ડના સાહિત્યતીર્થમાં
૨૩
ધીરુભાઈ ઠાકર
□
સ્ટ્રૅટફર્ડના સાહિત્યતીર્થમાં
શેક્સપિયરની જન્મભૂમિ સ્ટ્રૅટફર્ડ-અપૉન-ઍવોનનું મને લંડન આવ્યો ત્યારનું આકર્ષણ હતું. ત્યાં જવાનો કાર્યક્રમ વહેલો રાખી શકાયો હોત. પરંતુ કોઠારી આવવાના હતા એટલે તેમને સાથે લઈને જ જવું એમ અમે નક્કી કર્યું હતું. તે મુજબ શનિવારે (તા. ૨૪ મે) સવારે વહેલાં તૈયાર થઈને અમે – કોઠારી, હું. દિલીપ, ગીતા ને નેહ – કારમાં સ્ટ્રૅટફર્ડ જવા નીકળ્યાં.
રસ્તામાં ઑક્સફર્ડ આવતું હતું. હજુ બે દિવસ પહેલાં જ હું ઑક્સફર્ડ જઈ આવેલો. એટલે ભોમિયાની હેસિયતથી કોઠારીને મેં ત્યાંની કૉલેજો બતાવી. પછી આગળ ચાલ્યાં. રસ્તાની એક બાજુ વિશ્રાંતિસ્થાન જેવી લાગતી જગા પર થોભીને બપોરનું ખાણું મોટરમાં બેઠાં બેઠાં જ લીધું. દોઢ વાગ્યાના અરસામાં સ્ટ્રૅટફર્ડ પહોંચ્યાં.
ઍવોન નદીના તટ પર આવેલા આ શાંત અને રમણીય જનપદમાં પ્રવેશતાં મને આનંદરોમાંચ થઈ આવ્યો. બ્રિટિશ સામ્રાજ્ય અને શેક્સપિયર એ બેમાંથી પસંદ કરવાનું આવે તો સામ્રાજ્યને એક કોર મૂકીને બ્રિટિશ પ્રજાએ જેને પસંદ ક૨વાની ઇચ્છા કરેલી તે મહાન શબ્દસ્વામી શેક્સપિયરની આ જન્મભૂમિ મને શ્રીકૃષ્ણના ગોકુળિયા ગામ જેવી રળિયામણી લાગી. મોહક નદીકિનારો, મોકળાશવાળા રસ્તા, જૂનાં બેઠા ઘાટનાં મકાનો અને હસમુખાં માણસો આ નાનકડી નગરીનું સૌમ્ય-મધુર વ્યક્તિત્વ ઉપસાવી આપતાં હતાં. આ જગપ્રસિદ્ધ સાહિત્યતીર્થના દર્શને આવેલા યાત્રાળુઓનાં ટોળાં જાનપદી વસ્તીથી જુદાં તરી આવતાં હતાં.
કાર પાર્ક કરીને અમે હેનલી સ્ટ્રીટ પરના શેક્સપિયરના જન્મસ્થાન તરફ ગયા. બે માળનું સાદું મકાન. આગળના ભાગમાં રિસેપ્શન હતું. તેમાં શેક્સપિયરને લગતાં પાંચ સ્થાનોમાં જવા માટેની ટિકિટ મળતી હતી. દરેક જણના ત્રણ પાઉન્ડ આપીને ટિકિટ લીધી. મકાનમાં ગયાં. પહેલો જ રૂમ શેક્સપિયરના બેસવાના મુખ્ય ખંડ તરીકે વપરાતો હશે એમ લાગ્યું. લાકડાની ફ્રેમવાળી દીવાલ, લાકડાની છત, લાકડાનાં બારીબારણાં અને ફર્નિચર પણ લાકડાનું. મકાનની બાંધણીમાં એ વખતે સાગ વધુ વપરાતું હશે. જમણી બાજુએ દીવાલમાં ઊંચે અગ્નિસ્થાન હતું. રૂમની છો તૂટેલી હતી. રૂમમાંની સત્તરમી સદીની હાથાવાળી એલિઝાબેથન ચૅર ધ્યાન ખેંચતી હતી.
આ ખંડને અડકીને જ રસોડું હતું. તેની ભોંય પથ્થરની. દીવાલમાં મોટો ચૂલો, સાથે ધુમાડિયું જોડેલું. અભેરાઈ પર જૂના વખતનાં કડાઈ, કડછો વગેરે રાંધવાનાં સાધનો ગોઠવી રાખ્યાં હતાં ચૂલાની પાછળ ડાબી બાજુએ ભઠ્ઠી હતી. નાનાં છોકરાં ચૂલાને અડવા ન જાય તે માટે એક વિચિત્ર પ્રકારનું લાકડાનું “બેબી- માઇન્ડર” વચ્ચોવચ્ચ હતું. ઊભા થાંભલાને જોડેલા આડા લાકડાને છેડે બાળકને પકડમાં લેવાનો લોખંડનો ગાળો હતો.
આ રૂમમાં બારણું છે. તેમાંથી મ્યુઝિયમમાં જવાય છે. આ મ્યુઝિયમવાળો મકાનનો પશ્ચિમ ભાગ મૂળ વિલિયમ શેક્સપિયરના પિતા જ્હૉન શેક્સપિયરની દુકાનનો હતો. પછી ત્યાં ‘સ્વાન ઍન્ડ મેઇડનહેડ’ નામનું વિશ્રાન્તિગૃહ ચાલ્યું, હવે અહીં શેક્સપિયરના સમયનાં પુસ્તકો, દસ્તાવેજો, ચિત્રો, ફર્નિચર વગેરેના નમૂના પ્રદર્શિત કરેલા છે. એમાં શેક્સપિયરના હસ્તાક્ષરમાં તેનાં નાટકોની હસ્તપ્રતો, તેના કુટુંબની મિલકતના દસ્તાવેજ, તેનું વંશવૃક્ષ વગેરે મૂકેલાં છે. પરંતુ બધામાં ધ્યાન ખેંચે તેવું એક પોસ્ટર લાગ્યું. તેમાં શેક્સપિયરના આ જ મકાનના લિલામ અંગેની જાહેરાત સચોટ ભાષામાં કરેલી હતી. આ રહ્યા એ શબ્દો :
“Shakespear’s House
Stratford-on-Avon
At the Auction Mart, London
On Thursday, ૧૬th of September, ૧૮૪૭...
The Truly Heart-stirring Relic
Of a most glorious period, and of
England’s Immortal Bard
The Most Honoured Monument of
The Greatest genius that ever lived."
આ જાહેરાત મુજબ કેટલીક વ્યક્તિઓએ એકત્ર થઈને ત્રણ હજાર પાઉન્ડમાં આ મકાન ખરીદીને રાષ્ટ્રને અર્પણ કર્યું હતું.[1] રાષ્ટ્રીય સ્મારક તરીકે તેની એક ટ્રસ્ટ દ્વારા જાળવણી કરવાનો પ્રબંધ થયેલો છે.
મ્યુઝિયમમાં સીડી છે. તે પર થઈને મજલે જાઓ એટલે શેક્સપિયરના જીવન અને કાર્યને લગતાં ચિત્રો, હસ્તપ્રતો, પ્રશસ્તિપત્રો વગેરે ગોઠવેલાં જોવા મળે. તેમાં શેક્સપિયરનું તૈલચિત્ર છે. અહીં શેક્સપિયરના વખતનું એક મેજ પણ છે.
મ્યુઝિયમની પડખેના ખંડમાં કવિનું જન્મસ્થાન છે. આ ખંડમાંનું લાકડકામ મૂળ મકાનનું જ છે એમ કહે છે. તેની ભોંય લાકડાની છે. પથ્થર અને ઈંટનું અગ્નિસ્થાન છે. જૂની બારી છે. તેની પ્રાચીનતા અને રહેનાર કુટુંબની સાધારણ સ્થિતિ સૂચવતાં હતાં. તેમાં જૂના સમયનાં વાસણ અને રાચરચીલું હતાં. વળી એક મદ્યપાન કરવાનું મોટું ચામડાનું પાત્ર હતું, જે એક હાથે ઊંચું કરીને મોઢે માંડવામાં આવતું. તેના પરથી અંગ્રેજીમાં એવી કહેવત પ્રચલિત થઈ હતી કે To drink to the elbow એમ દિલીપે અમને સમજાવ્યું.
અહીંથી અમે શેક્સપિયર જેમાં પાછળથી રહેતો હતો તે નવું ઘર (ન્યૂ પ્લેસ) જોવા માટે ગયાં. તેમાં પણ શેક્સપિયરનાં પુસ્તકો, રાચરચીલું, પોશાક વગેરેનું પ્રદર્શન હતું. વળી તે જમાનાનાં રાજકીય અને સાંસ્કૃતિક પરિબળોનો પરિચય આપતાં ચિત્રો, નકશા, આકૃતિઓ વગેરે સાધનો પણ મૂકેલાં હતાં. તેની પાસે જ શેક્સપિયરની પુત્રી સુસન્નાનું મકાન છે તે જોયું. શેક્સપિયરની માતાનું મકાન મૅરી આર્ડન્સ હાઉસ, સ્ટ્રૅટફર્ડથી ચારેક માઈલને અંતરે એકાંતમાં આવેલું છે. તેની પણ અમે પાછા ફરતાં મુલાકાત લીધી. તેના તબેલામાં જૂના જમાનાનાં વાહનોના નમૂના સાચવેલા જોવા મળ્યા.
સ્ટ્રૅટફર્ડ છોડતાં પહેલાં નદીકિનારે આવેલું સ્ટ્રૅટફર્ડ થિયેટર જોવા ગયાં. શાંત-૨મણીય ઉદ્યાનના સાન્નિધ્યમાં આ થિયેટર બાંધેલું છે. તેની બાજુમાં કલાકેન્દ્ર છે. થિયેટરમાં ‘હેન્રી આઠમો’નો નાટ્યપ્રયોગ ચાલુ હતો એટલે અંદરથી જોવાની તક મળી નહીં. પરંતુ બહા૨ની લાઉન્જ અને કૅન્ટીનની વ્યવસ્થા ઘણી સુઘડ હતી. આ થિયેટરથી પાંચસો વારને અંતરે ‘ધી અધર પ્લેસ’ નામનું બીજું થિયેટર છે. અમે ત્યાં ગયાં. માંડ ત્રણસો પ્રેક્ષકો બેસી શકે તેટલું પ્રેક્ષાગૃહ છે. રૉયલ શેક્સપિયર કંપનીના શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે આખા વર્ષ દરમ્યાન નાટકો ભજવવાની જાહેરાત થયેલી તેમાં અમુક આ નાનકડી રંગશાળામાં પણ રજૂ થવાનાં હતાં તે હું જાણતો હતો. નાની એમેટર મંડળીઓ અહીં અવારનવાર નવાં નાટકોના પણ અખતરા કરે છે. પરંતુ સ્ટ્રૅટફર્ડની થિયેટરપ્રવૃત્તિ ધમધમતી રહે છે શેક્સપિયરનાં જ નાટકોથી. બજારમાં એક સ્થળે મીણનાં પૂતળાંનાં દૃશ્યો (ટેબ્લો) ગોઠવેલાં હતાં. તેની એક પાઉન્ડની ટિકિટ લઈને અમે જોવા ગયાં તો તેમાં શેક્સપિયરનાં નાટકોમાંથી ઉત્તમ દૃશ્યો (દા.ત., ‘હૅમ્લેટ’માંથી ‘ટુ બી ઑર નૉટ ટુ બી-વાળું’, ‘મૅકબેથ’માંથી ડંકનના ખૂનનું, ‘ઑથેલો’માંથી ડેસ્ડિમોના સૂતી છે તે વગેરે) પસંદ કરીને તેને ભજવનાર ઉત્તમ નટોનાં (દા.ત., સર લૉરેન્સ ઑલિવિયર) મીણનાં પૂતળાં ઊભાં કરીને વીજળીની કરામતથી ધ્વનિપ્રકાશ દ્વારા આબેહૂબ દૃશ્યની જીવંત અસર ઊભી કરતાં હતાં. એક દૃશ્ય ઉપરથી આખા નાટકનો ખ્યાલ ઊભો થાય એવી કલાત્મક ગોઠવણી કરેલી હતી. આમ સ્ટૅટફર્ડની હવામાં સર્વત્ર શેક્સપિયરની સુગંધ આવ્યા કરતી હતી.
પાછાં વળ્યાં ત્યારે શેક્સપિયરની એ માદક સુગંધથી ચિત્ત તરબતર થઈ ગયું હતું. સાંજે સાડાસાતે અમે લંડન પહોંચ્યાં. કોઠારીને ક્રેનલી ગાર્ડન હોટલ પર મૂકીને ઘેર પહોંચ્યાં ત્યારે પણ મારું ચિત્ત તો સ્ટ્રૅટફર્ડના સાહિત્યતીર્થમાં જોયેલાં દૃશ્યોથી ઘેરાયેલું હતું.
[સફરમાધુરી, ૧૯૭૭]
સંદર્ભ
- ↑ * શેક્સપિયરના મકાનના લિલામની જાહેરાતે બ્રિટનમાં સારી પેઠે ઊહાપોહ મચાવેલો. લંડનના ‘ધી ટાઇમ્સ’ પત્રને આ જાહેરાતમાં ‘કાનને કર્કશ લાગે તેવું કશુંક અભદ્ર’ દેખાયેલું. વળી કોઈ સટ્ટાખોર માણસોના હાથમાં પડે અને પાયામાંથી ઉખેડીને જંગલી પ્રાણીઓ, રાક્ષસો કે વહેંતિયાંની વણજારની માફક તે મકાનને પૈડાં ગોઠવીને અમેરિકા જેવા દેશમાં કોઈ ગબડાવી જાય એવી ધાસ્તી તેણે વ્યક્ત કરી હતી. અગ્રલેખમાં તે પત્રે આ ઐતિહાસિક ઇમારતની પવિત્રતા નષ્ટ ન થાય, તેને આંચ આવે નહીં કે તેને કોઈ ઉખેડી ન જાય તેની તકેદારીના પગલા તરીકે તે મકાન બ્રિટનમાં જ ખરીદાઈને સુરક્ષિત રહે તેવી જોરદાર અપીલ કરી હતી. તેને પરિણામે કમિટીઓ રચાઈ હતી અને ત્રણ હજાર પાઉન્ડમાં તેની ખરીદી થઈ હતી.
લિલામના દૃશ્યનો હેવાલ આપતાં ઇલસ્ટ્રેટેડ લંડન ન્યૂસે લખેલું : “એક વાગ્યે મિ. રૉબિન્સ મોટા કોલાહલની વચ્ચે મંચ પર ચડ્યા પછી તેમણે કવિ શેક્સપિયરના વસિયતનામામાં દર્શાવેલી મકાનના વેચાણની શરતો વાંચી સંભળાવી. ત્યાં એક જણે તેમને પૂછ્યું. “આ મકાન કવિ જન્મ્યા હતા તે જ છે એની ખાતરી શી?’ મિ. રૉબિન્સે કહ્યું, “તેમના પિતા આ મકાનમાં રહેતા હતા એટલે કવિ પોતે અહીં જ જન્મેલા અને જિંદગીનો મોટો ભાગ તેમણે અહીં જ ગાળેલો. જેમને ખાતરી ન થતી હોય તે વેગળા રહે.” ૧૫૦૦ પાઉન્ડથી શરૂ થઈને ૨૦૦૦ અને ૨૧૦૦ પાઉન્ડ આગળ ઑફર અટકી. તે પછી શેક્સપિયર સ્મારક સમિતિ તરફથી ૩૦૦૦ પાઉન્ડ બોલવામાં આવતાં તાળીઓના ગડગડાટ વચ્ચે મિ. રૉબિન્સે તેનો સ્વીકાર કર્યો હતો. શેક્સપિયરના વારસો પાસેથી આ મકાન મિ. રૉબિન્સના પિતાના કબજામાં ૧૮૦૬માં આવ્યું હતું. – શેક્સપિયર્સ બર્થપ્લેસ : એ હિસ્ટરી ઍન્ડ ડિસ્ક્રિપ્શન – લેખક લેવી ફૉક્સ