ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/શ્રીકૃષ્ણ-સંબંધી પુરાવશેષોની શોધમાં
૩૪
નરોત્તમ પલાણ
□
શ્રીકૃષ્ણ-સંબંધી પુરાવશેષોની શોધમાં
◼
ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા • શ્રીકૃષ્ણ-સંબંધી પુરાવશેષોની શોધમાં - નરોત્તમ પલાણ • ઑડિયો પઠન: પાર્થ મારુ
◼
સામાન્યતઃ વિદ્વાનોનું એવું વલણ છે કે શ્રીકૃષ્ણના કોઈ અવશેષો મળતા નથી, પરંતુ અમારી પગપાળા યાત્રાએ અમને સંખ્યાબંધ સંકેતો એવા આપ્યા છે, જેમાં શ્રીકૃષ્ણ-સંબંધી પુરાવશેષો નોંધી શકાયા છે. ૧૯૬૯માં ઉજવાયેલી ગાંધી શતાબ્દી નિમિત્તે અમે પોરબંદરથી દ્વારકાના પગપાળા પ્રવાસનો આરંભ કર્યો. આ પછી જેમ સમય મળ્યો તેમ સૌરાષ્ટ્રનો આખો દિરયાકિનારો પગપાળા ચાલ્યા. આમ તો આખો સૌરાષ્ટ્ર જુગજૂનો પ્રદેશ છે. તેમાંય દ્વારકા, સોમનાથ તથા ગિરનાર માનવ- સભ્યતાના અજબગજબના રહસ્યો ધરાવે છે. આ ‘રહસ્યો’ સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી પ્રાપ્ત થતા ‘પુરાવશેષો’ છે. પુરાવશેષો બે પ્રકારના હોય છે : એક ફોસિલ એટલે કે અશ્મિભૂત અવશેષો - હાડકાં, પથ્થર કે ધાતુના ઓજારો, ગુફાઓ, ગુફામાં દેખાતી કુદરતી રેખાઓ અથવા આદિમાનવીએ દોરેલી રેખાઓ-ચિત્રો, ઈંટ-પથ્થરના બાંધકામો, ઠીકરાં, માળાના મણકા કે માટીની પકવેલી મૂર્તિઓ (ટેરાકોટા), મંદિર, મૂર્તિ, પગથિયાંવાળી વાવ, પાળિયા, સિક્કા, અભિલેખો, હસ્તપ્રતો, જૂનાં પુસ્તકો વગેરે. આ બધા પુરાવશેષો છે અને તે બધા પ્રત્યક્ષ પદાર્થના રૂપમાં જોવા મળે છે. પુરાતત્ત્વનો બીજો પ્રકાર વાઙ્મય સ્વરૂપે હોય છે, જેમ કે વ્યક્તિનામ, ગામનામ, નદી-પર્વત કે વિશિષ્ટ સ્થળનાં નામ તેમજ મૌખિક પરંપરાનું કંઠસ્થ સાહિત્ય. આ સાહિત્ય વાર્તા, દંતકથા, ગીત કે ટુચકારૂપે લોકમાનસમાં જળવાયેલું હોય છે. પ્રાચીન ટીંબો અભ્યાસનું ક્ષેત્ર છે, તેમ તે ટીંબાનું નામ તથા તે વિશેની કથા પણ અભ્યાસનો વિષય છે. લોકસાહિત્યના વિદ્વાનો જેને ‘ફોકલોર’ અર્થાત્ ‘લોકવિદ્યા’ કહે છે, તે આપણા પ્રાચીન ઇતિહાસ માટે અત્યંત મહત્ત્વનો એક પુરા-પ્રકાર છે. સૌરાષ્ટ્રનો એક હજાર કિલોમીટરનો દરિયાકિનારો પગપાળા ચાલતાં આમાંના જે પુરાવશેષો અમારી આંખ અને કાને ચડ્યા તે અમે નોંધતા રહ્યા છીએ. આ પગપાળા પ્રવાસના મુખ્ય ચાર યાત્રીઓમાંના ત્રણ – મણિભાઈ વોરા, મોહનપુરી ગોસ્વામી અને વશરામભાઈ ખોડિયાર આજે લાંબા પ્રવાસે ઊપડી ગયા છે અને ચોથો હું આજે એંશી વર્ષની ઉંમરે આ લખી રહ્યો છું. આ પ્રવાસના ખંડસમયના યાત્રીઓ તે પ્રભાસપાટણના બાલુભાઈ જોશી, કેશોદના રાજેન્દ્રસિંહ રાયજાદા અને જામનગરના રસિકભાઈ મહેતા આજે હયાત છે. આ આખો પ્રવાસ કટકે-કટકે કુલ છ વર્ષે પૂરો થયો. સરસ્વતી, વેણુ વગેરે નદીઓ પગપાળા ચાલ્યા તેમ ગિરનાર, બરડો, ગોપ, આલેચ અને ઓસમના ડુંગરાઓનો પણ પગપાળા પ્રવાસ કર્યો, રાજુલા, તળાજા અને શેત્રુંજાના ડુંગરો આખેઆખા પગપાળા ફરી શક્યા નથી, પણ મુખ્ય મુખ્ય સ્થળો જોયા અને નોંધ્યા છે.
*
દ્વારકાથી બેટ તરફની અમારી યાત્રામાં એક દિવસ સવારે અમે બસમાં વસઈ ઊતર્યા. વસઈથી દસેક કિ.મી. ચાલીને સાંજ પડ્યે અમે દ્વારકા પરત ફર્યા. આ યાત્રામાં વસઈ, વરવાળા અને ટોબર ત્રણ ગામના પાદર તથા ત્યાંના ધર્મસ્થળો અમે જોયા. પુરાકથા અને પુરાતત્ત્વ – બંને દૃષ્ટિએ દ્વારકા પછીનું આ પંથકનું બીજું પ્રાચીન અને મોટું સ્થળ વસઈ છે. જૈનપરંપરા મુજબ શ્રીકૃષ્ણના પિતરાઈ ભગવાન નેમિનાથનું આ ગામ છે. મૂળમાં ‘નેમિવસહિ’ હશે, જેનું આજે ‘વસઈ’ એવું ગામનામ થયું છે. વસઈમાં બે મુખ્ય મંદિરો છે : એક કનકેશ્વર મહાદેવ અને બીજું જૈનમંદિર, જે ‘જૂની, ગઢી’ તરીકે ઓળખાય છે. કનકેશ્વરના એક થાંભલા ઉપર ઈ.સ.ની બારમી રાદીનો લેખ મળે છે, જે પાછળથી કોતરાયેલો લાગે છે. મૂળનું મંદિર આઠમી-નવમી સદીનું પંચાંડક મંદિર છે અને બહાર પડેલી કુબેર વગેરેની મૂર્તિઓ પણ આઠમી-નવમી સદીની જણાય છે. અહીં ‘કનક’ અને થોડે દૂર વરવાળાની સીમમાં ‘સુવર્ણ’ એવાં જે સ્થળનામો (મંદિર નામો) ઊતરી આવ્યાં છે તેનો વિચાર પણ કરવા જેવો છે. મંદિરના વૃદ્ધ પૂજારીએ પુરાકથા સંભળાવી : ‘ઓખા એટલે મીઠાની પૂતળી, રાતે બંધાય અને દિવસે ઓગળી જાય! અનિરુદ્ધ એટલે પવન, મીઠું (નમક) પવનને પોતાના તરફ ખેંચે – આ દરિયાકિનારાની વિશિષ્ટતા છે!’ અમે ચાલતી પકડી, પણ કથા મારા મનમાં ચોંટી ગઈ હતી! આપણા મધ્યકાલીન સાહિત્યમાં ‘ઓખાહરણ’ની કથા જુદાજુદા અનેક કવિઓ દ્વારા કહેવાયેલી છે. ભોગીલાલ સાંડેસરા વગેરે મિત્રો દ્વારા તે કથાની વિસ્તૃત ચર્ચાઓ પણ થયેલી છે. મને પ્રશ્ન થાય છે કે આ મિત્રોએ આ વિસ્તારનો પ્રવાસ કર્યો હશે? ‘ઓખાહરણ’ની ઘટના જ્યાં બની તે પ્રદેશમાં તે કથા વિશે કેવી માન્યતા છે? પૂજારીઓ અને આમ આદમીઓ દ્વારા કહેવાતી આ કથામાં કેવા-કેવા રંગો છે? એમ લાગે કે ઓખાહરણની કથા સાંભળવા માટે આ પ્રદેશનો પ્રવાસ વિશેષ રસપ્રદ છે. ઓખા બાણાસુરની દીકરી છે, તેમ ગણેશની સગી બહેન અને પાર્વતીની પુત્રી પણ છે! વિશેષમાં ‘મેહ-ઉજળી’ની કથામાં મેઘ અને વીજળી પ્રતીક છે, તેમ ઓખા અને અનિરુદ્ધનું અર્થઘટન ‘નમક’ અને પવન’ પણ છે! કનકેશ્વર મંદિર કનકસેન ચાવડા સાથે પણ જોડાયાની કથા છે. કચ્છ, સૌરાષ્ટ્ર, તળ ગુજરાતમાં એક કાળે ચાવડા રાજ્યો હતા. ઈ.સ.ની દસમી સદીનાં તેનાં તામ્રપત્રો મળ્યાં છે. વનરાજ ચાવડો - ઇતિહાસ અને ચારણી કથા-કવિતા તથા લોકસાહિત્ય ક્ષેત્ર સુપ્રસિદ્ધ છે. આપણા નવલકથાકાર મહીપતરામ નીલંકઠે ‘વનરાજ ચાવડો’ (૧૮૮૧) નામની લોકગીતો ઉપર આધારિત એક નવલકથા પણ લખી છે. ઓખામંડળમાં જયસેન ચાવડાએ આઠમી સદીમાં ‘ચાપોટકપદ્ર’ નામનું ગામ વસાવ્યું હતું અને વિશાળ તળાવ બંધાવ્યું હતું, તે આજે ‘મૂળવાસર’ ગામ તરીકે જાણીતું છે. એક મત મુજબ મૂળના ‘ચાપોટકપદ્ર - ચાવડાવદર’ ગામની જગ્યાએ જ ‘મૂળવાસર’ ગામ વસ્યું છે. આ જયસેનના પ્રપૌત્ર કનકસેને ‘કનકપુરી’ વસાવી તે જ આજનું ‘વસઈ’ હોવાની માન્યતા છે. ‘હેરોલ વંશ’ના રાજપૂતોએ તેરમી સદીમાં ચાવડા રાજ્યનો નાશ કરીને પોતાની સત્તા સ્થાપી હતી. હેરોલોને દગાથી વાઢી નાખીને કનોજના જયચંદ રાઠોડના વંશજોએ ચૌદમી સદીમાં આખા ઓખામંડળ ઉપર પોતાની સત્તા સ્થાપી. હેરોલોને ‘વાઢી’ નાખ્યા, તેથી આ વંશ ‘વાઢેર’ તરીકે ઓળખાયો આવી એક માન્યતા છે. વસઈના આ રાજકીય ઇતિહાસ કરતાં એનો પૌરાણિક ઇતિહાસ ઘણો મહાન છે. સંભવતઃ છેલ્લા દોઢેક હજાર વર્ષનું આ જૈન તીર્થ છે. જોકે, વસઈના ખંડેર મંદિરો અને ભગ્ન મૂર્તિઓમાં સાતમી સદીથી વિશેષ પ્રાચીન કોઈ અવશેષ અમારી નજરે ચડ્યો નથી. આ અવશેષોમાં જૈન હોવાની શંકા જાય તેવા અવશેષો બારમી સદીના છે. વસઈથી દરિયાકિનારા તરફ શિવરાજપુર અને મકનપુર નવા વસેલા માછીમારોના ગામો છે. આ ગામોનું ભૂસ્તર અને દરિયાકિનારો ભારે રહસ્યમય લાગે છે. આમ, દરિયો ચોખ્ખો છે, પણ ઓટના સમયે કિનારાનો ખરબચડો કાંઠો ચિત્ર-વિચિત્ર ફોસિલ્સથી ભર્યો પડ્યો હોય એવો લાગે છે! નાનાનાના શંખલાં-છીપલાં અને કાળી માટીના ગંઠોડા ઓળખી ન શકાય તેવા અવશેષો છે. કહેવાતા ‘કચ્છીગઢ’ના ભીંતડા પણ કિનારે ઊભાં છે. અહીંની જુવાન પેઢીને મચ્છીમારી સિવાય બીજામાં રસ નથી, પણ અનુભવી વડીલ દરિયામાં ભડકા થતા હોય તેની (ભૂતપ્રેતની) વાતો કરે છે. એક વાતડાહ્યા વડીલે ‘ઓખાને ચડતા દા’ડા છે’ એની ખબર બધાને કેમ પડી તેની રસિક વાર્તા મલાવી-મલાવીને કહી! એની છાતીમાં દૂધ ભરાણા હતાં, એના પગ આમ પડતા હતા અને તે વારેવારે ઘાઘરામાં હાથ નાખતી હતી તથા પેટ ચોળતી હતી. અહીં નાનામોટા સહુ ઓખાનું આ વર્ણન અતિ રસથી સાંભળે છે! આ લોકમાનસ છે, એને સ્ત્રીઓની આવી વાતોમાં આદિકાળથી રસ છે. વસઈથી વરવાળા આવતાં ‘સુવર્ણતીર્થ’ તરીકે ઓળખાતું ઘણું જ વિશિષ્ટ સ્થાપત્ય ધરાવતું સૂર્યમંદિર આવે છે. ગામલોકો આને ‘રેશમિયું દેરું’ કહે છે. મૂળમાં સૂર્ય માટેના ‘રશ્મિરથી’ એવા નામનું જ આ લોકપ્રચલિત રૂપાંતર છે. માત્ર સ્થળનામમાં રહેલું પુરાતત્ત્વ નોંધીએ તો આ ‘રશ્મિરથી’ બે હજાર વર્ષ પહેલાંનો શબ્દ હશે, જે પાંચમી સદીમાં અપભ્રંશ ભાષાનો ‘રેશમિયું’ શબ્દ બન્યો હશે. હા, અહીં ક્ષત્રપ ઠીકરીઓ મળે છે. એટલે આ સ્થળ બે હજાર વર્ષ જૂનું છે જ. કલ્યાણરાયભાઈ આ સ્થળને પશ્ચિમી ક્ષત્રપો સાથે જોડે છે. ધ્રુવસ્વામિની દેવીવાળો પ્રસંગ અહીં બન્યો અને છેલ્લા શકરાજવીનો અંત આવતાં સૌરાષ્ટ્રના આ ભાગમાં પણ ગુપ્ત સામ્રાજ્ય આવ્યું. ઈ.સ.ની પાંચમી સદીના આરંભમાં બનેલા આ પ્રસંગ વિશે સંસ્કૃતના કવિ બાણ ભટ્ટે ‘હર્ષચરિત્ર’ અને ગુજરાતીમાં મુનશીએ ‘ધ્રુવસ્વામિનીદેવી’ નામનું નાટક લખેલ છે. મુનશી સૌરાષ્ટ્રનો સંદર્ભ સ્વીકારે છે, પણ તે આ જ સ્થળ એવો નિર્દેશ ક્યાંય કરતા નથી. અલબત્ત, ‘ધ્રુવસ્વામિનીદેવી’ અને તેના પુત્ર કુમારગુપ્ત દ્વારા સૂર્યમંદિરોનું નિર્માણ થયું હતું તેવા ઉલ્લેખો મળે છે, અહીં એકથી વિશેષ સૂર્યમંદિરો છે. સુવર્ણતીર્થમાં ગુપ્તકાળનો કોઈ અવશેષ હાલ નથી. અલબત્ત, એક બાજુનો કર્ણકૂટ ઉત્તર ગુપ્તકાલિન લક્ષણો ધરાવે છે. મંદિરની ઊંચી પીઠિકા જરૂર રહસ્યમય છે. આવી રીતે પીઠિકા બાંધવાનું કારણ શું હશે? અહીંના પૂજારીએ મંદિર વિશે ભારે વિચિત્ર પુરાકથાઓ કહી : ‘અશ્વમેધ રાજા પોતાના પુરોહિત અષ્ટાવક્રજીને લઈને દિરયામાં ડૂબી ગયેલી, દ્વારકાના દર્શન કરવા આવ્યો ત્યારે માત્ર આ સુવર્ણતીર્થનો કળશ દરિયાના પાણી ઉપર ઝગારા મારતો હતો!’ રાજાએ પુરોહિતને પૂછ્યું : ‘આ શું?’ પુરોહિતે ઉત્તર વાળ્યો : ‘આ જ અસલ દ્વારકા છે, જે શ્રીકૃષ્ણની પહેલા પણ હતી અને આજે પણ છે.’ એમ લાગે છે કે મૂળમાં ‘સુવર્ણતીર્થ’ નામના એક સૂર્યતીર્થ ઉપરથી જ આખી દ્વારકા સુવર્ણની હતી એવી કલ્પના આવી હશે! બાવીસમા તીર્થંકર નેમિનાથના પિતા સમુદ્રવિજય શ્રીકૃષ્ણના દ્વારકા આગમન પૂર્વે આ પ્રદેશમાં વસતા હતા. જૈનકથા મુજબ આ પ્રદેશ વિશેષ પ્રાચીન છે અને નેમિનાથના પૂર્વજોનું રહેઠાણ છે. ‘મહાભારત’માં નથી એવી આ કથા શ્રીકૃષ્ણની પૂર્વે દ્વારકા હતી એવું સૂચવી જાય છે. આશ્ચર્ય એ છે કે ૧૯૪૮થી ૧૯૫૪ વચ્ચેના છ વર્ષમાં સૌરાષ્ટ્રના સંયુક્ત રાજ્યના ઉપક્રમે પી. પી. પંડ્યા દ્વારા જે પુરાતત્ત્વ સંશોધનો થયાં તેમાં ‘વસઈ’નો આ પ્રદેશ ‘હડપ્પન સીટ’ જાહેર થયેલ છે! અતઃ આજે આ વિસ્તારમાં શ્રીકૃષ્ણ પૂર્વેના પુરાવશેષો છે તે નિશ્ચિત છે. અશ્વમેધ અને અષ્ટાવક્રનો સંદર્ભ પાર્જિટરે આપેલી પૌરાણિક વંશાવળીમાં મળે છે. અર્જુન-અભિમન્યુ-પરીક્ષિત-જનમેજય-શતાનિક અને તેનો પુત્ર અશ્વમેધ (અશ્વમેધદત્ત) મળે છે. એક માન્યતા એવી છે કે અશ્વમેધના પુત્ર ‘અધીસીમકૃષ્ણ’ અને તે પછીના બધા જ રાજાઓને પુરાણકારોએ ભવિષ્યના રાજા તરીકે ઓળખાવ્યા છે. સુવર્ણતીર્થની માહાત્મ્યકથામાં ભવિષ્યમાં થનારા કલ્કિ અવતારનો કથાઅંશ પણ સાંભળવા મળે છે. અહીં બિરાજતા ‘જગન્નાથ’ વિષ્ણુનો ભાવિ અવતાર છે, જેનું અવતારકૃત્ય જૈનબૌદ્ધ જેવા નાસ્તિકમતોના ઉન્મૂલનનું છે! જોકે અદ્યાપિ કોઈ ગ્રંથમાં જગન્નાથને ‘કલ્કિ’ કહેવામાં આવ્યા નથી. ડોલરરાય માંકડ ‘કલ્કિ અવતાર’માં કલ્કિનું કાર્ય જૈનબૌદ્ધના ઉન્મૂલનનું હોવાનું નોંધે છે. અહીં બાજુમાં વસઈ જૈનતીર્થ અને આ સુવર્ણતીર્થ જગન્નાથ એટલે પાછળથી આ કથા ઉદ્ભવી હશે. સૂર્યને પણ ‘જગત્પિતા-જગન્નાથ’ કહેવામાં આવ્યા છે. અગિયારમી સદીમાં અહીં આવેલા અરબપ્રવાસી અલ્બેરુનીએ દ્વારકાનો ‘સુવર્ણગઢ નદીના પૂર્વકિનારે’ હોવાની નોંધ કરી છે તે આ નામમાત્રનો ‘સુવર્ણ’ ગઢ હોવાની સંભાવના છે. ખેર, જે હોય તે પણ વસઈ, સુવર્ણતીર્થ, વરવાળા, ટોબર વગેરે કંઈક રહસ્યમય કથાકવિતા તથા પુરાતત્ત્વ ધરાવે છે. ખરેખર તો અહીં વ્યાપક ખોદકામ થવું ઘટે. જો એમ થાય તો શ્રીકૃષ્ણના સમય વિશે વધુ પ્રકાશ મળે એમ લાગે છે. કલ્યાણરાયભાઈએ હાલ આ વિસ્તારમાં જે પ્રત્યક્ષ છે તે અવશેષોમાં ત્રણ શિલાલેખો નોંધ્યા છે. કનકેશ્વર મહાદેવ મંદિરના સ્થંભ ઉપર વિ. સં. ૧૨૬૧(ઈ. સ. ૧૨૦૫)નો ગધેગાળનો લેખ અને પાદરમાં ઊભેલા તથા હાલ પણ લોહાણા વેપારીઓ દ્વારા પૂજાતા બે પાળિયા, જેની ઉપર અનુક્રમે વિ. સ. ૧૭૯૫ અને ૧૯૩૯ વાંચી શકાય છે. છેલ્લાં બસો-ત્રણસો વર્ષથી આ વિસ્તારમાં લોહાણા કુટુંબો છે એટલો ઇતિહાસ આ પાળિયાઓ ઉપરથી તારવી શકાય છે. આ પાળિયા જે સ્થળે આવેલા છે તે જગ્યાને લોકો ‘દૂધિયું તળાવ’ કહે છે. આશ્ચર્ય એ છે કે એક કિ.મી. દરિયા તરફ ચાલો તો ધરતીમાં કાળું કિટાણું અને અહીં દૂધિયું તળાવ? ભૂસ્તરમાં હાલ તો કંઈ દૂધ જેવું લાગતું નથી! મને ફરી અહીં જૈનસંસ્કારની ગંધ આવી. માન ન માન આ સ્થળનામ જૈનકથાના નેમિનાથ વિષયક સ્થળનામો સાથે સામ્ય ધરાવે છે. નેમિનાથનો યાદવ પરિવાર ‘દશાર્હ’ કહેવાતો હતો. દશાર્હપુર, દશાર્હકુટ, દશાર્ણસર અથવા ‘દસાર’ એવાં કોઈ સ્થળનામનો ગર્ભ આ ‘દૂધિયું તળાવ’ પાછળ અનુમાની શકાય છે. ‘જૈનહરિવંશ’માં નેમિનાથચરિત્ર છે. અમને એમ લાગે છે કે ‘જૈનહરિવંશ’ની ભૂગોળ સાથે વસઈ વિસ્તારની ભૂગોળની તુલના કરવી ઘટે. કનકાવતી, કુબેર, સણપણ (સીમનું નામ), જ્યાં શ્રીકૃષ્ણે સણપણ નામની એક વ્યક્તિને શૂળીએ ચડાવી હતી. દૂધિયું તળાવ, ઢણઢણ, સિદ્ધવાટિકા વગેરે આ વિસ્તારમાં સાંભળવા મળતા શબ્દો જૈનકથાસાહિત્ય સાથે સંબંધ ધરાવતા લાગે છે.
[એક ભ્રમણકથા, ૨૦૧૬]