ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/સોનાવરણી સીતા (બેંગકોક)

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૩૩
વિનોદ મેઘાણી

સોનાવરણી સીતા (બેંગકોક)*[1]

બેંગકોક શહેરની મધ્યમાં ડૉકના દરવાજાની બહાર, પાસેના જોલી બારમાં હું બેઠો હતો. દિવસ આખો રખડીને થાકી ગયો હતો. ચારે બાજુ દેશવિદેશના નાવિકોનો કોલાહલ હતો. સિગારેટના ધુમાડાના ગોટેગોટ છૂટતા હતા. બંધિયાર બારમાં જાણે આછું ધુમ્મસ છવાયું હતું. ચોમેર સરકી રહેલી યુવતીઓનાં બદનોમાંથી નીકળતી સસ્તા અત્તરની અને દારુ-તમાકુની વાસનું મિશ્રણ હવામાં તરતું હતું. બેઠો બેઠો હું રાહ જોતો હતો, સીતાની. એના નામ સિવાય મને એટલી ખબર હતી કે એ ચારેક વર્ષ પહેલાં આ બારમાં કામ કરતી હતી. એનો એક ફોટો – પીળો પડી ગયેલો, સેપિયા રંગનો – મારા ખીસ્સામાં હતો. કંટાળ્યો. જતો રહેવાનો વિચાર કરતો હતો ત્યાં મારે કાને વાક્ય અથડાયું – ...જીબ્રાલ્ટરથી હૅલીફૅક્સ.. હું ચમક્યો. યાદો ઉમટી આવી, અને ધુમાડાના ગોટાનું ધુમ્મસ બની ગયું... ...મને ભ્રાંતિ થઈ આટલાંટિકના ઉછળતા લોઢની.... ...એ સફરને બે વર્ષ વીતી ગયાં હતાં. જીબ્રાલ્ટરથી ન્યૂયૉર્ક જતા એ જહાજમાં હું રેડિયો ઑપરેટર હતો, જહાજી અંગ્રેજીમાં સ્પાર્કસ... ટૂંકાવેલું સ્પાર્કી. જીબ્રાલ્ટર છોડ્યાને ત્રણ દિવસ થયા હતા. હજી તો અઝોર્સના પોર્ચુગીઝ ટાપુઓ પસાર કર્યા ત્યાં મહાસાગર વિફર્યો હતો. લાઈબોટોને ઢાંકતી તોતીંગ ટાર્પોલીન કપાયેલા પતંગોની જેમ વાવાઝોડાના સૂસવાટામાં ઊડી-ઊડીને સમુદ્રમાં જઈ પડતી હતી. બાર હજાર ટન માલ લઈને જતું જહાજ પહાડો જેવડાં મોજાં પર કાગળની હોડીની જેમ નાચતું હતું, ફંગોળાતું હતું. મોજાં પરનાં ફીણ, એ ફીણાળી કલગીઓને કાપી-કાપીને ઊડાડતો અને જહાજના તૂતકને જળબંબાકાર કરીને પળો સુધી અદૃશ્ય કરી દેતો ફૂંફાડતો વાયુ, અવિરત મુશળધાર વરસાદ, થથરતું થર્મોમીટર, ‘સ્ટૉર્મ’ શબ્દો પર ધ્રૂજતો બૅરોમીટરનો કાંટો, તોળાઈ રહેલું કાળું ડિબ્બાંગ આકાશ, મરડાતું, કણસતું, કીચૂડાટ કરતું લોખંડનું જહાજ, ઊલટી કરી-કરીને પણ કામ કરતા ખલાસીઓ... બે દિવસ પહેલાં સંદેશો આવ્યો કે જહાજે ન્યૂ યૉર્ક જવાનું છે ત્યારે કૅડેટ જ્યોર્જ નાચી ઊઠેલો; હવે પથારીમાંથી બેઠા થવાની પણ ના પાડતો હતો... રેડિયો પરથી સ્ટૉર્મ વૉર્નીંગ આવવાનો સમય થવા આવ્યો એટલે સવારના ચાર વાગ્યે બંકમાંથી બહાર નીકળીને મેં નાઈટડ્રેસ ઉપર જ ઓવરકોટ વીંટાળ્યો અને અથડાતો-કૂટાતો-ધ્રૂજતો, દાદરા ચડતાં ચડતાં માંડ સમતુલા જાળવતો હું બ્રીજ સુધી પહોંચ્યો. ઈલેક્ટ્રિક કીટલીને સ્થિર રાખવા બાંધેલી દોરી છોડીને, કીટલીને પકડી રાખીને, ચા બનાવી. બે મગ ભરીને હું વ્હીલહાઉસમાં સરકસના ખેલાડીની અદાથી દાખલ તો થયો. ‘ગુડ મૉર્નિંગ, સ્પાર્કસ. તું ફિરસ્તો છે. થૅન્કસ...’ બોલનારે અંધારામાં જ મારા હાથમાંથી ચાનો મગ લઈ લીધો. મેં ડોલતા-ધૂણતા-ધ્રૂજતા જહાજના બ્રીજ પર ઊભા રહેવાનો પ્રયત્ન કરતાં કરતાં ટેકો લેવા હાથ લંબાવ્યો. અંધકારથી આંખો ટેવાતી ગઈ. ઓવરકોટમાં સજ્જ અનિલના વિખરાયેલા વાળ અને થાકેલો ચહેરો ધીમે ધીમે દૃશ્યમાન બન્યા. વ્હીલહાઉસની મોટી મોટી બારીઓના કાચ પર એના શ્વાસની વરાળ બાઝતી દેખાવા લાગી. રૌદ્ર વિરાટતામાં તસુ-તસુ માર્ગ કાપતા એકલા અટૂલા જહાજના વ્હીલહાઉસમાં અમે ત્રણ માનવીઓ હતા. અનિલ, હું અને સુકાની – સ્નાયુઓ ખેંચાઈને તૂટી પડશે એવું લાગે એમ વાંકો વળી જતો, પહોળા પગે ઊભા ઊભા શરીરને જહાજ સાથે મરડાવા દેતો અને જહાજને એક જ દિશામાં જતું રાખવા સુકાન પકડી રાખવા મથતો સુકાની : ‘...સલામ સા....બ...’ “મૉર્નિંગ,” પાંચેક મિનિટ પછી બંને તરફ હું બબડ્યો. અનિલે ફૉગસિગ્નલનું૧ દોરડું ખેંચ્યું. ભૂંગળું ભાંભર્યું. ‘તારી કાબર શું કહે છે?’ રેડિયો-વાયરલેસમાંથી આવતા ડા...ડીડના કલબલાટને અનિલ કાબરનો કકળાટ કહેતો. ‘...તોફાન સાથે ને સાથે ચાલ્યું આવે છે. એ જ દિશા અને એ જ ગતિ... ...ઍમ્વરના૨ અહેવાલ પ્રમાણે ત્રણ ઍસઓઍસ આવ્યા છે.. તપાસ કરવા નીકળેલાં બે વિમાન લાપતા છે. કોસ્ટગાર્ડવાળા નીકળ્યા તો છે મદદ કરવા પણ આ જમેલામાં ક્યાંથી પત્તો ખાશે?’ પહેલાં તો એ કંઈ ન બોલ્યો. બારી પર સતત ઝમી રહેલા ભેજને લૂછતો રહ્યો. પછી થોડી વારે એ બોલ્યો : ‘પત્તો કોઈનો ય ક્યાં લાગે છે?’ ...ફૉગસિગ્નલ... પછી ધુમ્મસભરી ક્ષિતિજો પર દૂરબીન માંડતો એ બબડ્યો : ‘સીતાનો પત્તો ક્યાં લાગ્યો હતો?’ ‘સીતા?’ મારાથી પૂછાઈ ગયું. ‘બે વર્ષ પહેલાં એક જહાજ પર હું બેંગકૉક ગયો હતો ત્યારની વાત છે. ડૉક પાસેના જૉલી બારમાં સ્ટ્રીપટીઝ જોવા ગયા હતા. વાતમાં કંઈ માલ નહોતો પણ એ અંધારામાં એક સ્ત્રીની સોનાવરણી કાયા પર હું વારી ગયો. શો દરમ્યાન અંધારા ખંડમાં માત્ર શરીર પર જ પ્રકાશ ફેંકાય છે – ચહેરા પર નહીં. શો પૂરો થયો ત્યારે મેં તપાસ કરી. બુઢ્ઢી મામાસાન પહેલાં તો કહે એ છોકરી સ્ટ્રીપ-શો માટે જ છે, બજારુ નથી. પણ મેં ડૉલરની થપ્પી ટેબલ ઉપર મૂકીને વાત ચાલુ રાખી એટલામાં એ યુવતી પોતે આવી પહોંચી અને વાતમાં જોડાઈ. મેઈક-અપના થથેડા છતાં હું એને ઓળખી ગયો, એની સોનેરી ત્વચા પરથી. ડૉલરની થપ્પી ઉપર હથેળી પછાડીને મેં પૂછ્યું : ‘બોલ, કેટલા?’ ત્યારે મને ખબર નહોતી કે એનું નામ સીતા હતું. ‘એ બહુ સમજી હોય એવું લાગ્યું નહીં. ગુસ્સે થયેલી સ્થૂળકાય મામાસાને ફોડ પાડ્યો ત્યારે એની નજર ડૉલર પર હતી. આખરે સોદો થયો, સ્ટ્રીપ-શો દસ દિવસ બંધ રાખવાથી ખોટ જાય તેથી બમણી રકમ મારે આપવાની. તે રાત્રે એ સોનાવરણી કામિનીને હું જહાજ પર લઈ ગયો. ‘દસ દિવસ અમે ફર્યાં અને સાથે રહ્યાં. દસ દિવસમાં દુનિયા બદલાઈ ગઈ. મારા ડૉલરની સૃષ્ટિ ગંજીપાના બંગલાની જેમ ઢળી પડી. બૅંગકૉક શહેરમાં એણે મને ફેરવ્યો. પ્રાચીન ગુફાઓ, બૌદ્ધ મંદિરો, જૂના કિલ્લાઓ, શાકભાજી અને ફળફૂલો વેચવા નીકળેલી હોડીઓનું બજાર બતાવ્યાં.. ‘અમે સિયામી નૃત્યો જોયાં, અને મોટર ભાડે લઈને નદીની આસપાસનાં ખેતરો ખૂંદ્યાં. ડાંગરની રોપણી કરી રહેલાં વાંસની સળીઓમાંથી ગૂંથેલી મોટી હૅટવાળા ખેડૂતો સાથે ફળફળતા ભાત જમ્યાં. મારા ડૉલરનો રંગ મેઈક-અપની જેમ ઊતરી ગયો. જોબનનો સોદાગર ખોવાઈ ગયો. છેલ્લો દિવસ આવ્યો. સાંજ પડી. અને જોલી બારમાં પાછી પહોંચાડવા હું મોટર વાળું એ પહેલાં મૂંગા મૂંગા જ એણે બીજી દિશા તરફ આંગળી ચીંધી. મેં એની તરફ જોયું. એની આંખો વહેતી હતી. ધોરી રસ્તો છોડીને ગલીકૂંચીઓ વટાવતાં અમે એક લાકડાના મકાન પાસે આવ્યાં. ઍન્જિન બંધ કરીને મેં એની તરફ પ્રશ્નભરી નજર નાખી. એની આંખો હજી વહેતી હતી. એ ઘડીએ મેં નિર્ણય કરી લીધો. એ પળે જાણે મારા દસે દિવસને સમેટી લીધા. મારી આંગળીમાંથી વીંટી કાઢીને એની આંગળીમાં પહેરાવી દીધી. વીંટી ઘણી મોટી હતી. સમજી ગઈ હોય તેમ તેણે વીંટી તરત કાઢી નાખી. દસ દિવસને અંતે એ હજી માંડ દસ અંગ્રેજી શબ્દો બોલતી હતી; ભાષાના માધ્યમની આડશ અમારી વચ્ચે નહોતી ઊભી થઈ. બધી ઊર્મિર્ઓને શબ્દમાં વ્યક્ત કરવી જ જોઈએ એવી જરૂરિયાત અમે હજી નહોતી અનુભવી. મોટરમાંથી ઊતરીને એ ઘરમાં દાખલ થઈ. હું અનુસર્યો. નેતરના સોફા પર એણે મને બેસાડ્યો. પછી પોતે જમીન પર ઘૂંટણભર બેઠી, મારા બૂટની વાધરી ખોલીને બૂટ ઉતાર્યાં, અને એ બહાર મૂકી આવી. આંસુ હજી અટક્યાં નહોતાં. એ ઘરની અંદરના ઓરડામાં ગઈ. ‘વાંસની બારીક સળીઓને સાંકળીને પડદામાંથી પવનની લહેરખીઓ આવતી હતી. બારીમાંથી બહાર જોતાં ઘરની પાછળના ભાગમાં ડાંગરનાં ખેતરોમાં સૂર્યનો સોનેરી પ્રકાશ પાણી પર ચમકતો દેખાતો હતો. એટલાં જ સોનેરી ચળકતાં બૌદ્ધ મંદિરોના ઘુમ્મટો રતુંબડા બનવા લાગ્યા હતા. એ બહાર આવી. આગળ બે બાળકો હતાં. છોકરો અને છોકરી. સાત-આઠ વર્ષનાં જોડિયાં હોય એવું લાગ્યું. સીતાની આંખો લાલ થઈ ગઈ હતી. સારોંગમાં સજ્જ બાળકીએ ઘૂંટણભર થઈને નમન કર્યું. મારા કલેજામાં કોઈકે જાણે છરી ફેરવી. મારા નિર્ણય પર મેં એ પળે છેલ્લું સીલ મારી દીધું. છોકરાએ પહેલાં નમન કર્યું અને પછી હાથ મિલાવ્યા. પછી સીતા બંનેને અંદર દોરી ગઈ. પાંચેક મિનિટ પછી કૉફી લઈને એ બહાર આવી, ઘૂંટણભર થઈને મારા પગ પાસે બેઠી અને કપ ટેબલ ઉપર મૂક્યો. આંસુની ધારા ચાલુ હતી. મને ડૉલરોની થપ્પી યાદ આવી. અચાનક એ મારા પગ પર માથું મૂકીને રડી પડી. થોડી વારે સ્વસ્થ થયા પછી એણે કપ મારા હાથમાં મૂક્યો ત્યારે મારી નજર ટેબલ પરની વીંટી પર પડી. ફરી એક વાર એ મેં એની આંગળીમાં સેરવી. પછી – દસ દિવસના સહવાસ પછી – મેં એનું નામ પૂછ્યું. એણે એક શબ્દમાં જવાબ આપ્યો : ‘સીતા.’ ‘એ એક કોરું કવર લઈ આવી. એની પર મેં મારી જહાજી કંપનીનું કાયમી સરનામું લખી આપ્યું. જહાજ જાપાન ગયું ત્યારે એ કવર મારી રાહ જોતું હતું. એમાં કોઈ પ્રેમપત્ર નહોતો; હતો એક સેપિયા રંગનો ફોટો.’ ...ફૉગસિગ્નલ... ‘ફરી જહાજ બૅંગકૉક પહોંચ્યું ત્યાં સાત માસ વીતી ગયા હતા. પહોંચીને તરત મેં ટૅક્સી પકડી. લાકડાના ઘરે પહોંચ્યો ત્યારે ખબર પડી કે એ હવે ત્યાં નહોતી રહેતી. હું મૂંઝાયો. તપાસ કરવા જૉલી બારમાં જઈ પહોંચ્યો. મામાસાન તાડૂકી ઊઠી. ‘...ડૉલર લાવ! ... ફક્ત ઍડવાન્સ જ આપીને ગયો હતો! બાકીના પૈસા ક્યાં?...’ મામાસાનનો ધંધો ખોટમાં ગયો હતો. બાકીની રકમ ચૂકતે કરી ત્યારે મને યાદ આવ્યું કે જેની સાથે મેં ગાંધર્વ લગ્ન કર્યાં હતાં તેના નિર્વાહ માટે હું એક પાઈ પણ નહોતો મૂકી ગયો...’ અનિલે બહાર નજર નાખી. તોફાન વધ્યું હતું. અમે બંને વ્હીલહાઉસમાં બારી પકડીને સ્થિર રહેવા મથતા ઊભા હતા. અનિલે ફૉગસિગ્નલ વગાડવાનું ચાલુ રાખ્યું, બારીનો કાચ લૂછ્યો અને સિગારેટ સળગાવી. ‘પછી?’ મારાથી પૂછાઈ ગયું. ‘પછી શું? સીતા ખોવાઈ ગઈ હતી. ડૉલર ટેબલ પર પછાડીને મેં સરનામું માગ્યું પણ મામાસાનને ખબર નહોતી. ધાર્યાં ડૉલર ન કમાઈ શકવાથી એણે સીતાને કાઢી મૂકી હતી. નગ્નતાનાં પ્રદર્શન દસેક દિવસ બંધ રહ્યાં એટલે નાવિકો બારમાં આવતા બંધ થયા. ત્યાર પછી બાર-બાર દિવસ અને રાત વેશ્યાઓ અને દલાલોની સૃષ્ટિમાં પીઠે-પીઠે દારૂ પીતો, ઠેકઠેકાણે સ્ટ્રીપ શો જોતો ને મારી સીતાને શોધતો હું રખડ્યો, પણ કોઈનો ય ક્યાં પત્તો લાગે છે તે સીતાનો લાગે...’ ફૉગ-સિગ્નલનો પૂર્ણવિરામ... વધારે ચા... મોજાંની છાલકો, ફીણો, પવનના સપાટા અને દરિયાની થપ્પડો... અચાનક કંઈક સંભળાયું હોય એવી શંકાની કરચલીઓથી અનિલની ભમ્મરો ખેંચાઈ, ક્ષણક પછી એ બોલ્યો, ‘સુકાની...’ ‘સા..બ...’ ‘નીચે જા કે દેખો. ગૅંગવે સ્લૅક હો ગયા લગતા હૈ. આવાઝ આતી હૈ. અગર સ્લૅક હૈ તો સરાંગ૩ કો બોલો આદમી ભેજેગા. સુકાન મેરે કુ દે દો.’ સુકાનીએ સુકાન અનિલને સોંપતાં કહ્યું, ‘અચ્છા સા..બ. કોર્સ૪ દોસો આઠ તાલી.’ ‘ટુ એઈટ ઝીરો, થૅન્ક યુ.’ જહાજને ચિત કરવા મથતા સાગર સામે અનિલે જંગ માંડ્યો. એનાં કાંડાંના સ્નાયુઓ ઉપસી આવ્યા. દૂર ક્ષિતિજમાં પ્રકાશનો લિસોટો દેખાયો અને સૂર્ય બે-ત્રણ કલાકમાં પ્રકાશે એવી આશા બંધાઈ. સુકાની થોડી વારે ઉપર આવ્યો. ‘ગૅંગવે સલક થા, સા...બ... સરાંગ કો બોલ દિયા, આઠ બજે આપ નીચે જાયગા તબ, આદમાં ટર્ન-ટુ હોયેગા.’ ‘થૅન્ક યૂ, સુકાની. કોર્સ ટુ એઈટ ઝીરો.’ ‘કોર્સ દોસો આઠ તાલી, સલામ, સા..બ.’ આઠ વાગ્યે હું મારા નિયમિત વૉચ૫ પર આવ્યો. આકાશમાં ઉઘાડ હતો. વરસાદ અટક્યો હતો. વ્હીલહાઉસનાં બંને બારણાં ખોલી શકાયાં હતાં. તાજી હવા લેવા હું રેડિયોરૂમમાંથી બ્રિજ પર આવ્યો. પાણીની છાલકો હજી આવતી હતી. સાગરનો ઘૂરકાટ ચાલુ હતો. નીચે મેઈન ડેક પર હૂડવાળા ઓવરકોટમાં સજ્જ ખલાસીઓ સીડીને મુશકેટાઈટ બાંધી દેવા મથતા હતા. યુનિફૉર્મમાં અને ટોપીથી સજ્જ અનિલ પણ ઓવરકોટ પહેરીને ખલાસીઓને દોરવણી આપવા ખડો હતો. એટલામાં મેં એક જંગી મોજું આવતું જોયું. ખલાસીઓને ચેતવવા મેં બૂમ પાડી પણ પવનના સૂસવાટમાં અને દરિયાના હડૂડાટમાં મારો અવાજ ફાટી ગયો, ક્યાંય ખોવાઈ ગયો. મોજું ધસમસતું આવી પહોંચ્યું, જહાજને એણે ઊંચકીને પછાડ્યું. લોખંડના સળિયા પર મડાગાંઠ વાળીને હું માંડ માંડ લટકી રહ્યો. મોજું તૂતક પર ફરી વળ્યું. પસાર થયું પછી મેં મેઇન ડૅક પર નજર કરી. તૂતક પર તૂટી પડીને ફેલાઈ જતા જલરાશિથી આમતેમ ફેંકાઈ ગયેલા ખલાસીઓ ઊભા થઈ રહ્યા હતા. પણ અનિલ ક્યાં? મને ફાળ પડી. મારી નજર ચોમેર સમુદ્રના ઉમટતા લોઢ ઉપર ફરી વળી. પચાસેક મીટર દૂર મેં એક હાથ ઊંચો થતો જોયો. ઘડીના સોમા ભાગમાં એ અદૃશ્ય થઈ ગયો. દિવસોથી સૂર્ય કે તારા દેખાયા નહોતા એટલે જહાજ ક્યાં હતું તેની માત્ર અટકળ દર ચાર કલાકે ચાર્ટરૂમમાં નકશા પર નોંધાતી હતી. તે પ્રમાણે સવારે આઠ વાગ્યે જહાજની પોઝિશન હતી અક્ષાંશ૬ ૦૪૨.૫૭(ઉત્તર) રેખાંશ ૦૪૦(પશ્ચિમ). પણ એ તો ડેડ રેકનિંગ.૭ ચાર્ટરૂમમાં નકશા પર અટકળની નિશાની કરી રહેલા થર્ડ ઑફિસરને મેં હાકલ કરી પણ મારો અવાજ ફાટી ગયો, ‘થર્ડ મેઈટ! ડબલ અપ! ચીફ ઑફિસર ઑવરબોર્ડ! કૅપ્ટનને...!’ બબે પગથિયાં ચડતો છલાંગતો કૅપ્ટન ઉપર આવ્યો ને એણે દૂરબીન માંડ્યું, ‘સ્પાર્કી, કઈ દિશામાં? જુનિયર! ઍન્જીિનરૂમને જણાવ કે ઝડપ ઓછી કરવી જ પડશે!’૮ સુકાની! હાર્ડ પોર્ટ!’૯ જવાબ આપવાનો મારો વારો હતો, ‘ત્યાં... છેલ્લે જોયો, પણ એક જ વાર. લગભગ પચાસેક મીટર... બૅરીંગ૧૦ લગભગ વન સેવન નૉટ...’ સુકાનીનો અવાજ વ્હીલહાઉસમાં ગાજી રહ્યો, ‘સુકાન હાર્ડ પોર્ટ, સા..બ, મગર સુકાન જવાબ નહીં દેતા... કોર્સ દોસો સાત તાલી પર હી સ્ટેડી...’ ઘણી તરકીબો અજમાવાઈ પણ ઊછળતા લોઢ સામે જહાજે પાછા વળવાની ના પાડી દીધી. એક વાર થોડું વળ્યું પણ મોજાના મારથી એટલું બધું નમી પડ્યું કે એક માણસનો જીવ બચાવવા માટે બીજા ચોસઠ માણસોના જાન જોખમમાં મૂકવાનું કૅપ્ટનને મુનાસિબ ન લાગ્યું. ઍક્સએક્સઍક્સ સંદેશો મોકલીને આસપાસનાં જહાજોને કૅપ્ટને જહાજની પોઝિશન આપી. નાવિક દરિયામાં ખેંચાઈ ગયો છે એમ જણાવીને નજર રાખવા વિનંતી કરી, મેં નિયમ પ્રમાણે નજીકમાં નજીક રેડિયોસ્ટેશનનો સંપર્ક કરીને પહોંચ મેળવી. કલાકેક પછી પ્રયત્નો પડતા મૂકાયા. લોગબુકમાં યોગ્ય નોંધ કરવામાં આવી. જહાજના માલિકોને, અનિલના મા-બાપને અને અમેરિકન કોસ્ટગાર્ડને મોકલવાના સંદેશા કૅપ્ટને મને આપ્યા, અમે સૌ કામે વળગ્યા. તાંડવનૃત્ય કરતાં અમાપ આટલાંટિકના એકાદ મોજા સામે અનિલને યુદ્ધ કરતો છોડીને જહાજ ન્યૂ યૉર્ક તરફ આગળ વધ્યું. ન્યૂ યૉર્ક પહોંચ્યા પછી અનિલના સામાનની સૂચિ બનાવી એ પૅક કરવાનું કામ કૅપ્ટને મને સોંપ્યું. એ કરતાં કરતાં અનિલના પાકીટમાંથી સીતાનો સેપિયા રંગનો ફોટો મારા હાથમાં આવ્યો તે મેં ખીસ્સામાં મૂક્યો.

વિચાર કરતાં પણ છાતી બેસી જાય એવી એ કારમી ઘટનાને બે વર્ષ થયાં. અનિલની સીતા ખોવાયાને ચાર વર્ષ થવા આવ્યાં હતાં. મેં બીજાં બે જહાજો પર કામ કર્યું. તે પછી જે જહાજ પર જોડાયો તે બૅંગકૉક આવ્યું એટલે હું તરત સોનાવરણી સીતાને શોધવા નીકળ્યો. ફોટો બતાવીને રિક્ષા-ટૅક્સીડ્રાઇવરોને અને પીઠે પીઠે પૂછપરછ કરતો, લાંચો આપતો અને દારૂ પીતો કંટાળીને હું જે બારમાં આવીને બેઠો હતો એ હતું જૉલી બાર. મામાસાનને પૂછવાનો કોઈ અર્થ નહોતો. ઊઠીને ચાલ્યો જવાનો વિચાર કરતો હતો ત્યાં એક યુવતી મારી પાસે આવી. ‘હલ્લો સેઈલર, હું તને ગમું છું?’ નખરાળાં અંગપ્રદર્શન કરતી એ મારી બાજુમાં ગોઠવાઈ. સિગારેટનું ઠૂંઠું બુઝાવતાં થાકેલી નજરે મેં એની સામે જોયું પછી એની જ – વેશ્યા અને નાવિકની – ભાષામાં કહ્યું, ‘મારો પીછો છોડીશ? આ લે, કૉકટેઈલ પી લેજે.’ મેં ડૉલરની નોટ ફેંકી. ‘કેમ? હું સીતા જેટલી રૂપાળી નથી?’ હું ચમક્યો. વાત ફેલાઈ ગઈ હતી કે હું સીતાની શોધમાં હતો. મારી આંખમાં ઉત્સુકતા ચમકી. ક્યાં છે સીતા?’ એ હસી પડી. ‘...માગ્યા પૈસા આપીશ...’ એનું હાસ્ય ઓસરી ગયું. પૈસાની ભૂખ એની આંખમાં ચમકવા લાગી. ‘મારી નોકરી જશે. પચાસ ડૉલર, અમેરિકન ડૉલર.’ મેં પચાસની નોટ કાઢી. એણે હાથ લંબાવ્યો. ‘એમ નહીં, સીતા ક્યાં?’ એણે આસપાસ જોયું. ચકોર મામાસાન વકરો ગણતી બેઠી હતી. ‘બહાર જા અને ટૅક્સી તૈયાર રાખ, સાત મિનિટ પછી હું બહાર આવીશ.’ હું બહાર નીકળ્યો. કહ્યા પ્રમાણે એ દોડતી આવી, ટૅક્સીમાં બેસી ગઈ અને સ્થાનિક ભાષામાં ડ્રાઇવરને હુકમ આપવા લાગી. પાછળ કોલાહલ અને ધમાચકડી થયાં, પણ અમે નીકળી ગયાં. ગલીકૂંચીઓ... સડતા લાકડાંની વાસ. રિક્ષાની ઘંટડીઓ... પંદરેક મિનિટમાં ટૅક્સી એક ચાલી જેવા મકાન પાસે અટકી. યુવતીએ ચોમેર નજર ફેરવી લીધી, અને પછી નીકળીને સડસડાટ દોડતી એક દાદર ચડવા લાગી, ટૅક્સીવાળાને એક ડૉલર ચૂકવીને હું પણ દાદર ચડ્યો. ત્રીજે માળે યુવતીએ એક બારણું ખખડાવ્યું અને કંઈક બોલી. બારણું તરત ખૂલ્યું, સામે એક સ્ત્રી ઊભી હતી. મને જોતાં જ એના ચહેરા પર નિરાશા ફરી વળી. હું ઓળખી ગયો. હતી તો સીતા, પણ સોનાવરણી નહોતી રહી. સૌંદર્ય કરમાયું હતું. બાર-તેર વર્ષની એક કિશોરી જમીન પર બેઠી બેઠી ખોળામાંના બાળકને કંઈક ખવડાવવાનો પ્રયત્ન કરી રહી હતી. સીતાએ કંઈક પૂછ્યું. બારણે ઊભી યુવતીએ જવાબ આપ્યો. પચાસ ડૉલર લઈને એ રવાના થઈ. સીતાને મેં એનો સેપિયા રંગનો ફોટો બતાવ્યો એટલે એણે તરત માર્ગ કર્યો. હું દાખલ થયો એટલે એણે બારણું બંધ કર્યું. ખુરશી-સોફા નહોતાં. એણે પાટ તરફ હાથ લંબાવી બેસવા સંજ્ઞા કરી. હું બેઠો એટલે ઝૂકીને એણે મારા બૂટની વાધરી છોડી. છોકરાંઓને અંદર ચાલ્યા જવાનું કહીને એ થોડે અંતરે ઘૂંટણભર બેઠી. મેં વાત કરવા પ્રયત્ન કર્યો પણ એ અંગ્રેજી સાવ જ ભૂલી ગઈ હતી. મારા દરેક વાક્યને અંતે એ પ્રશ્નાર્થભર્યો એક જ શબ્દ બોલતી હતી : ‘અનિલ?’ સમજાવવા ઘણી કોશિશ કરી, સંજ્ઞાઓ કરી, પણ વીંધાયેલા પક્ષી જેવો એક જ શબ્દ એના હોઠ પર ફફડતો રહ્યો : ‘અનિલ?’ મારા મનમાં નિરાશા વ્યાપી ગઈ. હું ખૂબ થાકી ગયો હતો. આખો દિવસ મેં કંઈ ખાધું નહોતું. અત્યાર સુધી એની શોધમાં હું જેમતેમ ટકી રહ્યો હતો; હવે મને ફેર ચડવા લાગ્યા. એ બંધિયાર ઓરડીમાં હું પાટ પર ઢળી પડ્યો. સવારે ઊઠ્યો ત્યારે સીતા મારા કપાળ પર હાથ મૂકીને પાસે બેઠી હતી. મારી આંખ ઊઘડી કે તરત એની મોંપાટ શરૂ થઈ : ‘અનિલ?’ એટલામાં અંદરથી ત્રણેક વર્ષની છોકરી દોડતી બહાર આવી અને એણે સીતાની સારોંગમાં મોં સંતાડી દીધું. હવે મારો વારો હતો, પૂછવાનો ‘અનિલ?’ મારી નજર બાળકી પર નોંધાઈ હતી. સીતાએ મોં ઊંચું કર્યા વિના જ જવાબ વાળ્યો, ‘અનિલ, યસ’ પછીની ક્ષણો અમારે બંને માટે જીવંત બની ગઈ : ડાંગરનાં ખેતરોમાં ચમકતાં પાણી... બુદ્ધના મંદિરોના ઝગારા મારતા ઘુમ્મટો... ફળફળતા ગરમ ભાત... જહાજની કૅબિન.... વાંસની સળીઓના પડદાવાળું લાકડાનું ઘર... કૉફીનો કપ... આંસુની ધારાઓ... સફરમાં અમે બંને ખોવાઈ ગયાં. બારણું ખખડ્યું ત્યારે અમે સભાન બન્યાં. આટલો સમય અમારી નજરો એકાકાર થઈ ગઈ હતી એનું ભાન પણ અમને ત્યારે જ થયું. મેં સીતાનો હાથ પકડ્યો, આંખો બંધ કરી અને હું બોલ્યો, ‘અનિલ.’ અનિલ આ દુનિયામાં નહોતો એટલું સમજાવવા ફક્ત આંખ બંધ કરવાની જરૂર હતી એવી મને ગઈ કાલે ખબર નહોતી. ‘અનિલ, બુદ્ધા?’ ‘અનિલ. બુદ્ધા. યસ.’ સીતાની આંખો ભરાઈ આવી. એની આંગળીઓમાંથી એક કંપારી વહી જતી મેં અનુભવી. એ કંપતી આંગળીમાંથી વીંટી કાઢીને એણે ટેબલ પર મૂકી.

પાદનોંધ : ૧. ફૉગસિગ્નલ : ધુમ્મસ, વરસાદ કે બીજા કોઈ કારણસર દૃશ્યતા ઓછી થઈ જાય ત્યારે આસપાસનાં જહાજોને ચેતવવા માટે વારંવાર વગાડવામાં આવતું હોર્ન, જૂનાં જહાજોમાં આગળના ભાગમાં એક ખલાસી ઊભો રહેતો અને નક્કર ધાતુનો બનાવેલો ઘંટ વગાડ્યા કરતો. પછીનાં જહાજોમાં દોરીથી ખેંચીને વરાળ છોડવાથી વાગતું ભૂંગળું હતું. આધુનિક જહાજોમાં વીજળીથી ચાલતું ઑટોમેટિક હૉર્ન હોય છે જે દૃશ્યતા ઓછી થતાં વાગવા લાગે છે. ૨ ઍમ્વર : દુનિયાભરમાં ક્યાંય પણ મુશ્કેલીમાં મૂકાતાં જહાજોને મદદ કરવા માટે અમેરિકન કોસ્ટગાર્ડે સ્થાપેલી સંસ્થા. ૩ સરાંંગ : સારંગ. ખલાસીઓનો મુકાદમ. સરાંગ બ્રિટિશ ઉચ્ચાર છે. ૪ કોર્સ : જહાજની દિશા. ૦-૩૬૦ ડિગ્રીથી દર્શાવાય છે. ૬ વૉચ : સાંભળવાની કે નજર રાખવાની ફરજ. ૭ અક્ષાંશ અને રેખાંશ : સાર્થ કોશ પ્રમાણે latitude અને longitudeના અર્થ છે. સાચા પર્યાય વિશે મતભેદ પ્રવર્તે છે. ૭ ડેડ રેકનિંગ (એન્જિનની ગતિ પર) આધારિત અટકળ, ૮ ઝડપ ઓછી કરવી પડશે : એન્જિન એક વાર full away પર ચાલતું હોય પછી એની ગતિ ઓછી કરવા બળતણ બદલવું પડતું. ૯ હાર્ડ પોર્ટ : જહાજી અંગ્રેજીમાં જહાજની આગળના ભાગ તરફ જોઈને ઊભા રહેતાં ડાબી બાજુ એટલે પોર્ટ અને જમણી આજુ એટલે સ્ટારબોર્ડ. હાર્ડ પોર્ટ એટલે જહાજને શક્ય તેટલું ડાબી બાજુ વાળવા માટે સુકાન ફેરવવાનો આદેશ. ૧૦ બૅરિંગ : ૦-૩૬૦ ડિગ્રીમાં દર્શાવાની દિશા

[ધુમવાં દીગ્દીગંતો (ઘૂમવાં દિગ્દિગંતો), ૨૦૦૯]

નોંધ

  1. * લેખકે એક ઈ-ઉ વાળી જોડણીમાં આ પુસ્તક લખેલું છે. આ નિબંધ માન્ય જોડણીમાં ફેરવી લીધો છે. – સંપા.