ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/૨. બ્લેક ફોરેસ્ટ જતાં જતાં
૨. બ્લૅક ફોરેસ્ટ જતાં જતાં
◼
ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા • બ્લૅક ફોરેસ્ટ જતાં જતાં - પ્રવીણ દરજી • ઑડિયો પઠન: ક્રિષ્ના વ્યાસ
◼
– ને ર્હાઇન છોડી! પણ ર્હાઇન ખરેખર છૂટી છે ખરી? કદાચ હવે જ ર્હાઇનની અનુપસ્થિતિમાં ર્હાઇનને વારંવાર મળવાનું બનશે. દૂર ભૂરા ભૂરા પહાડ, પાઇનનાં અને એવાં બીજાં ઊંચાં વૃક્ષો પાછળ મૂકતો જાઉં છું... કોચ ધ્યાનસ્થ ગતિએ આગળ વધતો જાય છે. ભૂરી-નીલી નદી વીંટળાતી જાય છે, કિલ્લાઓ ભીતરમાં, છેક ભીતરમાં એની ઓળખ મૂકી જાય છે. હું નિઃશબ્દ છું.
અત્યારે, અહીં સાંજના લગભગ સાડા છ થવા આવ્યા છે. અમે પશ્ચિમ જર્મનીના હીલ્ડલબર્ગ શહેરમાં ધીમે ધીમે પ્રવેશી રહ્યા છીએ. પર્વતીય વિસ્તારમાં પથરાયેલું લગભગ દોઢેક લાખની વસ્તીવાળું આ નાનું નગર એના ઊંચાઈવાળા પરિવેશને કારણે વધુ દર્શનીય બન્યું છે. જર્મનીની સૌથી જૂની યુનિવર્સિટી પણ (૧૩૮૬) અહીં જ. અહીં રેલવેના ડબ્બા, એન્જિન વગેરેનો સામાન બને છે. નાનાં, સૂક્ષ્મ ઓજારો પણ તૈયાર થાય છે. તમાકુ વગેરેનું પણ ઉત્પાદન થાય છે. નગર જોતાં જોતાં અમે આગળ વધતા જઈએ છીએ. ટેકરી ઉપરનાં, દૂર દૂરનાં મકાનો ક્યારેક ચાઇનીઝ રમકડાનો ભાસ કરાવી રહે છે. ટેકરીએ ટેકરીએ મકાનો હોવાથી કેટલાંક દૃશ્યો ઓર રમણીયતાનો અનુભવ કરાવતાં હતાં. મને રાવજીની એક કવિતાના શબ્દો અહીં સાવ જુદા સંદર્ભમાં યાદ આવી ગયા... અલકાતાં રાજ... મલકાતા કાજ... અને એક સજીવી હળવાશ! પુષ્પિત થઈ જવાય છે. પણ મને આંદોલિત કરતો નર્તક તો પડદા પાછળ ક્યાંક છુપાઈ રહ્યો છે! ટેકરીએ ટેકરીએ તેની સુવાસ પથરાયેલી જોઉં છું, ફીલ કરું છું... પેલી નેકાર્ડની ખીણ... નાની નદી જેવું, નમણી નાર જેવું આહ્લાદક દૃશ્ય રચી રહી છે. સમર વૅકેશન ચાલે છે. પ્રવાસીઓનાં ટોળેટોળાં અત્યારે અહીં ઊભરાઈ રહ્યાં છે. પ્રસન્નતાનો પારાવાર, પારાવાર!
બીજા વિશ્વયુદ્ધ વખતે આ શહેર ઉપર ભારે બૉમ્બમારો થયો હતો. શહેરનો ને માનવીનો ચહેરો વિરૂપ થઈ જાય એ હદે. પણ આ મહેનતકશ પ્રજાએ એ વાતને ગઈ કાલની બનાવી દીધી છે. આજે તો આ શહેર અજાયબીભર્યું, હર્યુંભર્યું ભાસે છે. છવ્વીસ હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ અહીં બીજા દેશમાંથી અભ્યાસ અર્થે રહે છે. વિદ્યાનું, કલાનું આ નાનું નગર થાણું બની ચૂક્યું છે. કલાકારો-કવિઓના પણ અહીં અડ્ડા હોય છે. ૧૭૮૬માં, અહીંના રાજાએ બંધાવેલો પુલ આજે પણ સાબૂત છે. નગરપ્રવેશ એ પુલને વટીને જ થઈ શકે છે.
અમે નગરના એક બીજે છેડે, નગરની જાણીતી હોટેલ એસ્ટ્રોનમાં અત્યારે આવી પહોંચ્યા છીએ. સામાન, લિફ્ટ, રૂમ નંબર, થોડીક ધમાલ ચાલી, પણ આ પ્રજાની વ્યવસ્થા જ એવી હોય છે કે તમારો કોઈ પણ પ્રશ્ન હોય, એનું નિરાકરણ થોડીક મિનિટોમાં જ આવી જાય. આપણે ત્યાં તો આ ઘેર, પેલે ઘેર બૈ બૈ ચાળણી – ધક્કા ફેરી જ શરૂ થઈ સમજો! અમે થોડીક પળોમાં જ અમારી રૂમમાં ગોઠવાયા, હાશકારો અનુભવ્યો. રાત્રે સાત પછી કોચમાં ડિનર માટે નીકળ્યાં. અમે સૌ મિત્રો હવે વતનની વાતો પણ કરવા લાગ્યા હતા! હજી તો માંડ અહીં આવ્યે પાંચેક દિવસ જ થયા છે તોપણ! આજની રખડપટ્ટીએ સૌમાં ભૂખ પણ ઠીક ઠીક ઉત્તેજિત કરી છે. અમે અહીં ઇન્ડિયન પૅલેસમાં આવ્યા ત્યારે, વતનની વાતોએ ફરી અમને ઘેરી લીધા. ભારતીયતાના પૂરા માહોલવાળી આ હોટેલ હતી. એના માલિક વડોદરાના કોઈ પટેલ છે એમ જાણ્યું ત્યારે અમારો આનંદ દ્વિગુણિત થયો. અસ્સલ આપણા દેશી ભોજનની આજે મજા લૂંટી. આ ગુજરાતી આત્મા તો દાળ-ભાત અને પરોઠાં-શાક જોઈને ખુશ થઈ ઊઠ્યો – કઠોળ, પાપડ, અથાણાં પણ ખરાં! વેસ્ટ જર્મનીમાં એમ ગુજરાત ખડું થયું...!
એસ્ટ્રોન ઉપર પાછા ફર્યા ત્યારે હીલ્ડલબર્ગે નવા – સાજશણગાર સજી લીધા હતા.... ટેકરીઓ... મકાનો.. ઝબૂકતી લાઇટો... તૃણખચિત ઢોળાવો... ચોખ્ખાચણાક રસ્તાઓ ઘોંઘાટ-ધમાલનું ક્યાંય નામોનિશાન નહિ... હું આ નગરને, એના ત્રિકાળને કલ્પી રહ્યો... સૂતેલો ભૂતકાળ... સમૃદ્ધ સાંપ્રત... શણગારેલું ભાવિ... હીલ્ડલબર્ગની મુઠ્ઠીમાં શું શું સંભર્યું હશે....? ન જાને!
હોટેલ એસ્ટ્રોનની ખુલ્લી બારીઓમાંથી અક્રમે શોભતી ટેકરીઓને નિહાળું છું, જર્મન પ્રજાના ચહેરાને ઉકેલવા મથું છું... પેલા, હા, પેલા.. હિટલરને યાદ કરું છું... પછી રાત્રિએ મારા થોડાક કલાકો ચોરી લીધા.... એ મને એક તાજી તાજી નવી સવાર ભેટ આપશે એ મારું આશ્વાસન હતું... ર્હાઇનની શીતળતા અંગાંગમાં હતી...
રાત્રિ એમ જ આવીને પસાર થઈ ગઈ... હોટેલ એસ્ટ્રોન વેઇન્હેઇમમાંથી હું એકત્રીસ જુલાઈ, સત્તાણુંના પ્રભાતનું સ્વાગત કરું છું. અહીં સઘળું વાતાવરણ અત્યારે રૂપેરી પતંગિયા જેવું શાંત છતાં ચપળ છે. દૈનંદિનીય ક્રિયાઓ પૂરી કરી હું રૂમની બારીઓ ખોલવા તરફ વળું છું અને ત્યાં જ આશ્ચર્ય વચ્ચે મારા રૂમના બારણા પાસે એક ફેક્સ પડેલો જોઉં છું. કોનો હશે એ ફેક્સ? દેશમાં પાક્કાં સરનામાં ત્રણ જણને જ આપ્યાં હતાં. હા, એ ત્રણમાંથી જ એક સ્વજનનો એ ફેક્સ હતો... પરિચિત અક્ષરો, મરોડદાર અક્ષરો, અક્ષરોમાંથી ઊછળી આવતી સંવેદનાઓ, શુભકામનાઓ, અને સહપાંથ જેવો સહભાવ. ઓહ, ર્હાઇનનો ઉછાળ તો હજી અકબંધ છે! બરાબર. એવે સમયે જ દેશમાંથી આવો ઉત્સાહવર્ધક ફેક્સ...! મારી સંવેદનાઓ તેથી નાચી ઊઠી છે. વિદેશમાં સ્વજનોની, તેમના સમાચારની આપણે કેવી કામનાઓ કરતા હોઈએ છીએ! અહીં ફેક્સમાં સુપ્રભાતમ્ છે. ખબર-અંતર પૂછ્યા છે. સૌની કુશળતાનો સંકેત છે. સાથે એમાં હું એક નવા વિશ્વ વચ્ચે મુકાયો છું, પવન અને તેની સુગંધના દેશમાં છું, અનેક હૃદયહર લૅન્ડસ્કેપ વચ્ચે છું. સતત સર્જનની, સર્જનાત્મકતાની ક્ષણોમાંથી પસાર થઈ રહ્યો છું. સ્વર્ગ થઈ રહેવાની ક્ષણો વચ્ચે છું, તે પ્રતિ છું, તેવું પણ કાવ્યમય ભાષામાં અભિવ્યક્ત થયું છે. હજારો માઈલ દૂર અને છતાં એક Imbibe process કેવો ચાલે છે હું જે માણી રહ્યો છું એનો જ પ્રતિઘોષ! મને થયું લાવ પત્યુત્તર પાઠવું. એસ્ટ્રોન હોટેલમાંથી પ્રયત્ન પણ કર્યો... પણ ધાર્યું ધણીનું થાય છે. લીલી વાડી જેવું સ્મિત હોઠ ઉપર ફરકી રહ્યું. રૂમમાં પરત આવ્યો ત્યારે તો મિલિન્દના સમાચાર આવી ચૂક્યા હતા – હવે અહીંથી આગળ વધવાનું છે, કોચ તૈયાર છે. હું મારાં બિસ્તરા-પોટલાં લઈ નીચે આવ્યો, મોર્નિંગ બ્રેકફાસ્ટ પૂરો કરી કોચની દિશામાં દોડ્યો... હવે બ્લૅક ફૉરેસ્ટ તરફ જવાનું હતું – નિબિડ અરણ્યો વચ્ચે! અને ત્યાંથી પછી સ્વિત્ઝર્લેન્ડ તરફ... હું તરોતાજા હતો. ભીતરબહાર છલકાતો હતો, હજી ઘણું ઘણું છલકવા માટે! જર્મનીમાં આ બ્લૅક ફૉરેસ્ટનો આખો વિસ્તાર શ્વાર્ત્સવાલ્ડ તરીકે જાણીતો છે. ગીચ, જંગલો, પહાડી વિસ્તાર, ઊંચાં ઊંચાં તોતિંગ વૃક્ષો... બરાબર આ બ્લૅક ફૉરેસ્ટની મધ્યમાં વિશ્વવિખ્યાત ઘડિયાળો કકૂક્લોક તૈયાર થાય છે. સ્વિત્ઝર્લેન્ડમાં એ જ ઘડિયાળ ત્રણ ગણા ભાવે વેચાય! બ્લૅક ફૉરેસ્ટની ‘યામી’ કેક પણ એટલી જ સુખ્યાત, પણ એ વાત હવે પછી.
અત્યારે, પ્રાતઃકાળ પછીનો સમય છે. વાતાવરણ એકદમ કોઈ પીનપુષ્ટ ષોડશીના ચહેરા જેવું, લાલી ભરેલું છે. કોચ આગળ વધતો જાય છે. અને જર્મનીથી સ્વિત્ઝર્લેન્ડ તરફ જતો આ રસ્તો હિટલરે શોધી કાઢ્યો હતો – એવું મિલિન્દે કહ્યું ત્યારે હું ચોંક્યો. ઓટોબાન્સ હાઈવે ઉપર મારે તંદ્રાભંગ થયો હોય – એમ પ્રકૃતિ જોતાં જોતાં કાન ઉપર હિટલરનું જ નામ આવતાં અનુભવ્યું. હિટલર મૂળ જર્મન નહોતો. ઑસ્ટ્રિયાના એક નાના ગામમાં એ જન્મ્યો હતો, ૧૮૮૯ની ૨૦મી એપ્રિલે. પિતાની આર્થિક સ્થિતિ નબળી હોવાથી શાળાનું પણ પૂરતું શિક્ષણ એ મેળવી શક્યો નહોતો, વિદ્યાર્થી તરીકે પણ નિષ્ફળ. એક સરેરાશ અને સામાન્ય બાળક. તે માંડ બાર વર્ષનો હતો ત્યાં એના પિતાનું અવસાન થયું. માતા ક્લારા પાસે આવકનું બીજું કોઈ સાધન નહોતું. પરિણામે શાળા છોડીને હિટલરે નોકરી શોધવાનું શરૂ કર્યું. વિયેનાના એક કૉન્ટ્રાક્ટરની પાસે તેણે કડિયાકામ કર્યું, રંગરોગાનનું કામ કર્યું. પછી ત્યાંથી તે નોકરી છોડી મ્યુનિચ ગયો. વચ્ચે ફાઈન આટ્ર્સનું પણ કર્યું! ત્યાં પણ ત્રણ ત્રણ વાર નાપાસ! પહેલા વિશ્વયુદ્ધ વખતે લશ્કરમાં જોડાવા માટેના પ્રયત્નો પણ નિષ્ફળ નીવડ્યા. પાછળથી તે જર્મન આર્મીમાં સામેલ થાય છે. પણ વિયેનાના નિવાસ દરમિયાન મજૂરી કરતાં તેના મનમાં યહૂદીઓ માટે, સમાજવાદીઓ અને લોકશાહી માટે, ઝેક લોકો માટે, સંસદીય સંસ્થાઓ અને ઓસ્ટ્રિયાના ડેપ્સબર્ગ રાજવંશ માટે ભારે કડવાશ ઊભી થઈ ગઈ હતી.
મ્યુનિચમાં જર્મન સંસ્કાર-સંસ્કૃતિનો તે પક્ષપાતી બન્યો. પરિણામે ઑસ્ટ્રિયન નાગરિકત્વ છોડીને તે જર્મન રાષ્ટ્ર અને જર્મન સંસ્કૃતિનો ચાહક થઈ રહ્યો. પ્રથમ વિશ્વયુદ્ધમાં તેણે લશ્કરમાં જોડાઈ ભારે પરાક્રમ દાખવ્યું. ‘આયર્ન ક્રૉસ’ જેવાં ઊંચાં લશ્કરી માન-અકરામનો અધિકારી બન્યો. હૉસ્પિટલમાં સારવાર લેતાં જર્મનીના પરાજયના સમાચાર જાણ્યા ત્યારે તે ભારે દુઃખી થયો હતો. જર્મન રાષ્ટ્ર અને તેનું ગૌરવ હવે તેનું ધ્યેય બન્યાં હતો. થોડા વખત માટે તે અંધ પણ થઈ જાય છે. પછી ઠીક થતાં રાજકારણમાં પ્રવેશવાનું નક્કી કરે છે. તેના ભાગરૂપે જ તે ‘રાષ્ટ્રીય – સમાજવાદી જર્મન કામદારોનો પક્ષ’ - ‘નાઝી’ સ્થાપે છે. તે ‘પીપલ્સ ઑબ્ઝર્વર ઑફ ગાર્ડિયન’ નામનું પત્ર પણ શરૂ કરે છે. એટલું જ નહિ, પક્ષના કાર્યકરો સમક્ષ ૨૫ મુદ્દાઓનો એક નક્કર કાર્યક્રમ પણ આપે છે. તેનો પક્ષ ઉગ્રવાદ અને રાષ્ટ્રવાદનું મધુર પીણું બની રહ્યો. તે દક્ષ વક્તા પણ હતો. તેણે જાહેર સભાઓમાં વર્સેલ્સની સંધિ ઉપર, જર્મનીની નબળી સરકાર ઉપર તીવ્ર પ્રહારો કર્યા. એક કાવતરામાં તેને પાંચ વર્ષની સજા પણ થઈ, પણ અદાલતમાં તેણે જે તેજાબી પ્રવચન કર્યું તેનાથી તે સમગ્ર જર્મન પ્રજા ઉપર છવાઈ ગયો. તેણે જેલવાસનું ‘મારો સંઘર્ષ’ એવું પુસ્તક પણ લખ્યું. પક્ષને વિસ્તાર્યો ને વ્યવસ્થિત કર્યો. તેના અનુયાયીઓ ભૂખરા રંગનો લશ્કરી પહેરવેશ પહેરતા અને ખભા ઉપર લાલરંગની પટ્ટી, ઉપર સ્વસ્તિકનું ચિહ્ન. નાઝી પક્ષ ધીમે ધીમે સઘળે બહુમતી સિદ્ધ કરતો ગયો. અને ૧૯૩૩માં તો તે જર્મનીનો સર્વસત્તાધીશ સરમુખત્યાર બની રહે છે. જર્મન પ્રજાને હિટલરમાં એમ એક તબક્કે પોતાનો ઈસા મસીહા દેખાયો! પણ મહત્ત્વાકાક્ષી હિટલર આખરે ઘણુંબધું મેળવીને છેવટે જર્મની ગુમાવે છે! બર્લિન પડે છે અને પોતાની પ્રિયતમા ઇવા-બ્રાઉન સાથે ભાગી જઈ આત્મહત્યા કરે છે...
હું બ્લૅક ફૉરેસ્ટને જોતાં જોતાં આવા એક મહત્ત્વાકાંક્ષી વ્યક્તિના ઉત્થાન-પતનને પણ સાથે સાથે પામતો રહ્યો... લીલાછમ્મ પહાડી વિસ્તાર વચ્ચે એમ ચિત્તપટ ઉપર એક વ્યક્તિના જીવનની લીલી-સૂકીનાં અનેક ચિત્રો ઊઘડી રહ્યાં... જર્મની અને હિટલરને જોડાજોડ જ જોવાં પડે.
[નવા દેશ, નવા વેશ, ૨૦૦૩]
[સરિતાઓના સાન્નિધ્યમાં (મારી પદયાત્રાઓ), ૧૯૯૩]