ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/૧. ટિહરીથી જમ્નોત્રી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સ્વામી આનંદ [દવે હિંમતલાલ]

૧. ટિહરીથી જમ્નોત્રી


ટિહરીથી નીકળ્યા ત્યાં સુધી જમ્નોત્રી જવા અંગે કશું જ નિશ્રિત નહોતું. ટિહરીમાં જમ્નોત્રીનાં ગરમ પાણીનાં ઝરણાં, ત્યાંનું સૃષ્ટિસૌંદર્ય વગેરેનાં અદ્ભુત વર્ણનો અમે સાંભળ્યાં હતા. છતાં, ત્યાંના રસ્તા, જવા-આવવામાં જતો સમય, માર્ગમાં રહેવા-ખાવાની સગવડો વગેરેની જે માહિતી અમને મળી હતી, એ બહુ વિશ્વાસ રાખવા જેવી અને ઉત્સાહપ્રેરક નહોતી. ધરાસૂ જ્યાં જમ્નોત્રી જવાનો રસ્તો ફંટાય છે, ત્યાં નિર્ણય લઈ અમે જમ્નોત્રી જવા નીકળ્યા. ટિહરી-ગંગોત્રીનો આ રસ્તો તદ્દન નવો, સારા એવા એન્જિનિયર પાસેથી બંધાવી લીધેલો અને બદરીનારાયણથી આવતા રસ્તા કરતાં ઘણો જ સારો છે અને નવાઈની વાત તો એ કે ટિહરીથી ગંગોત્રી સુધીના સો માઈલના રસ્તા પર માત્ર બે-ત્રણ જગ્યાએ જ માઈલ-અડધો માઈલના સામાન્ય ચઢાણ છે; બાકીનો રસ્તો સીધો છે. ગંગાને તીરે તીરે બહુ જ કુશળતાથી એ બંધાવ્યો છે. માઈલ દર્શાવતા પથ્થર છેક સુધી છે. ટિહરીથી નવ માઈલ પછી અડધો માઈલ ઊતરી, પછી એટલું જ ઉપર ચઢવાનું આવે. આગળ જતાં બે માઈલ પર એક ધર્મશાળા અને ચટ્ટી હતી. ત્યાં અગિયાર વાગ્યે પહોંચી રસોઈ કરવા રોકાયા.

અમારા કુલીઓ આજે કાંઈ જુદા જ આનંદસાગરમાં ડૂબકીઓ મારી રહ્યા હતા. છેલ્લા બે દિવસથી એમના મગજમાં પોતાનું ઘર અને સ્વજનોને મળવાના વિચારોની ખુશીના ફુવારા ઊડી રહ્યા હતા. એમાં એ મશગૂલ હતા. એમાં પાછું બાદરુનું હૈયું તો આગવા ઉમંગથી નાચી ઊઠ્યું હતું. આજે સવારથી હંમેશની માફક પાછળ રહેવાને બદલે અસાધારણ ઉત્સાહથી એ અમારી જોડે જ ચાલતો હતો. કોઈ કોઈવાર તો થોડો આગળ પણ નીકળી જતો. અમે રોજ ઘણું બધું ચાલી કાઢતા, તેથી થાકી જઈ મુકામે પહોંચ્યા પછી લગભગ કલાક રહીને ‘મર ગયા’, ‘આજ તો માર દિયા’ એવા બબડાટ કરી સામાનની કડી પછાડતો બાદરુ આજે અમારાથી પણ આગળ દોડી, પાછો વળી વળીને, અથવા તો સાથે આવીને ‘મહારાજ યહાંસે હમારા ગાંવ બહુત થોડા હી દૂર હૈ. સંધ્યા કો પહુંચ જાયેંગે. ચલોગે ના? બસ સડક કે પાસ હી હૈ. સંધ્યા કો જરૂર પહુંચ જાયેંગે.’ એવું કહી કહી અમારી સામે આશાભરી નજર નાખી રહ્યો હતો. આજે એનું હૈયું ‘Home, sweet home’ના વિચારોથી છલકાતું હતું. એના ઉત્સાહનો કોઈ પાર નહોતો. જોકે એવું ગામ તો હજુ આઠથી દસ માઈલ દૂર હતું. પણ એની આંખ સામે તો એ ગામ, ત્યાંનાં ખેતરો, એનાં ઢોર ઢાંખર, હળ, બળદ, પોતાનાં છૈયાં-છોકરાં, ઘર-બાર – બધું એક પછી એક તરતું હતું, એનું મન આજે ઠેકાણે નહોતું. લગભગ પંદર-વીસ દિવસ પરદેશમાં (!) વીતાવ્યા પછી ઘરનું દર્શન કરવાનો એ પ્રસંગ, પોતાના ગામની પંચકોશી બહારનો પ્રદેશ, એટલે પહાડી પ્રદેશ માનનારને મન કાંઈ ઓછો આનંદદાયક હતો એમ? બાદરુનો આનંદ આજે આકાશમાં સમાતો નહોતો. આજે જાણે એનો નવો જન્મ ન થવાનો હોય! સવારે અગિયાર માઈલ ચાલ્યા પછી કદાચ અમે બપોરે પાછા નવ-દસ માઈલ ન પણ ચાલીએ અને એનું ગામ આવે તે પહેલાં જ ક્યાંક મુકામ ન કરીએ એવી શંકાથી એનું મોં વચ્ચે વચ્ચે પડી જતું. રોજ કીડીની ચાલે ચાલી દસ માઈલમાં અમારી પાછળ ત્રણ માઈલ રહેતો બાદરુ ‘જરા જલદી ચલેંગે તો દિન ડૂબનેસે પહેલે હી હમ પહુંચ જાયેંગે.’ એવું આજે અમને કહી રહ્યો હતા. આજે એને ચાલવાનો તો કંટાળો નહોતો જ, પણ તેથીયે વધારે ઉત્સાહ એની વાતોમાં વર્તાતો હતો. ‘મહારાજ, સંધ્યા કો હમારે ઘરમેં આપકો બહુત આરામ મિલેગા. આપકો દહીં મિલેગા, દૂધ મિલેગા, બહુત અચ્છા ઘી, ઘરકી ગૌકા દેંગે, સબ મિલ જાયેગા. બહેાત આરામ રહેગા. હમ આપકો સબ બાતકા આરામ દેંગે.’ વળી પાછો થોડી વાર રહીને આગળ ચલાવતો : ‘આપકો અલગ ઘર સફા કર દેંગે.’ ચટાઈ બિછા દેંગે. લકડી, પાલા, સબ બંદોબસ્ત કર દેંગે. ગંગાજી હમારે ઘર હી કે પાસ (એટલે ખાસ્સી અડધો માઈલ દૂર!) બહતી હૈ. ફરી પાછો કહે, ‘હમા૨ે ચાર બીસ ઔર પાંચ ખેત હૈ, બૈલ હૈ, ભેંસ હૈ, બછિયા હૈ. કૈરા કી (એ અમારા બીજો કુલી—એનો જ ભત્રીજો) મા હૈ. કૈરા હમારે ભાઈકા બેટા લગતા હૈ. હમારે કો ભી ભગવાનને દો બેટે દિયે હૈ, એક બેટી ભી હૈ. બડે બેટેકા બ્યાહ કર દિયા. ઉસકી બહૂ ભી હૈ. ઘરાજાનેકે રસ્તે પર હી હમારે ખેત હૈ. વહીં હમારે લડકે લોગ હોંગે. છોટા લડકા તો હમકો દેખતે હી દૌડકર આયેગા.’

એનું ગામ ત્રણેક માઈલ પર હશે ત્યાં સાંજ પડી, નેપાળના રાજકુટુંબની કોઈ રાણીએ બંધાવેલી સરસ બંગલા જેવી ધર્મશાળા ત્યાં હતી. એક નાની દુકાન પણ હતી. કદાચ ત્યાં રાત રોકાઈશું એ બીકે બાદરું પાછો કહેવા લાગ્યો : ‘ઉજાલી રાત હૈ. જરૂર પહૂંચ જાયેંગે હમ. બસ, આધે ઘંટેમેં હમારા ગાંવ આયેગા.’ એને નિરાશ કરવાનું કોઈ જ કારણ નહોતું, એટલે સહેજ આરામ કરી અમે પાછા ઊભા થયા. નીકળતાં પહેલાં બાદરુનાં છોકરાં માટે પેલી દુકાનમાંથી થોડી મીઠાઈ લીધી. હૃષિકેશમાં એની મજૂરીના રૂપિયા ચાર ઠરાવ્યા ત્યારે ન થયો એટલો આનંદ એને થયો. સૂર્યાસ્ત થયો ત્યારે બાદરુનું ગામ દોઢેક માઈલ પર હતું, છતાં ઉંમરને લીધે નિસ્તેજ થયેલી એની આંખો સમક્ષ એ સાંજે એનું ઘર, ખેતી, ઢોરઢાંખર અને છેકરાં બિનધાસ દેખાતાં હતાં! ઓ હમારી ગૌ ઔર ભેંસ જા રહી હૈ. વહાં હમારા લડકા ખેતમેં હૈ, એમ કરતા અમે એના ગામને સીમાડે પહોંચી ગયા.

એ રાત્રે બહુ જ પ્રેમથી અમે બાદરુનું આદરાતિથ્ય સ્વીકાર્યું. એ રંકના ઘરમાં જે કાંઈ હતું એ બધું જ એણે પ્રેમભાવથી આપ્યું. શુદ્ધ ચૌદશની ચાંદનીમાં રસોઈ કરી અમે જમ્યા. એ જમણમાં જે સ્વાદ હતો એ ભૂલ્યો ભુલાય એમ નથી. બીજે દિવસે સવારે જ ઉપડીએ તો અમારા આ કુલીઓ બહુ નિરાશ થાય એ જાણી, અમે આખો દિવસ ત્યાં જ મુકામ કર્યો, એને સાંજે નીકળી પાંચ માઈલ દૂર ધરાસૂ રાતવાસેા કરવાનું સ્વીકાર્યું. જો કે અમારા કુલીની ઇચ્છા ઓછામાં ઓછા બે દિવસ રહેવાની હતી. એમણે એવો આગ્રહ પણ ઘણો કર્યો, પણ અમે કાંઈ ઓછા માનીએ એવા હતા? સવારે ઊઠી પ્રાતઃવિધિ પતાવવા ગંગા પર ગયા. બાદરુ કહેતો હતો તે ‘ઘરઆંગણે’ વહેતી ગંગા ખાસ્સી અર્ધો માઈલ દૂર હતી! અમે સ્નાન કર્યું ત્યાં જ છીંકાનો પૂલ હતો. અમે આનંદ ખાતર વારાફરતી એના પર થઈ પેલે પાર જઈ આવ્યા. આ અનુભવ પહેલાં કોઈ દિવસ નહિ લીધેલો અને વિલક્ષણ હતો. નીચેથી ધસમસતો ગંગા પ્રવાહ, ઉપર બે-ચાર જાડાં દોરડાં વડે વેંત વેંતને અંતરે છીંકાં બાંધેલાં. બે છીંકા વચ્ચે લાકડાનો ટુકડો ગોઠવેલો. એ ટુકડા પર પગ ગોઠવી, બંને હાથે દોરડાં પકડી આગળ જવાનું, બરાબર વચ્ચે પહોંચતાં એ ‘ઝૂલો’ જોરથી પારણા જેવો જ આમતેમ ઝૂલે. ત્યાંથી નીચે નજર જાય તો ફેર જ ચડે. ઘણાને બીક લાગે એવું હતું, પણ અમને તો મજા આવી!

સાંજે પાંચ વાગે અમે નીકળવાની તૈયારી કરી.

ધરાસૂ ટિહરીથી ૨૬ માઈલ દૂર છે. બહુ સુંદર છે. ત્યાં બે-ત્રણ દુકાનો, બે ધર્મશાળા અને ટપાલની કચેરી પણ છે. ત્યાંથી જમ્નોત્રી ૪૪ માઈલ, પણ રસ્તો પહાડી અને પગથિયે પગથિયે જ જવું પડે. રાતવાસો કરવા જેવી કે સીધુંસામાન મળી શકે એવી કોઈ સગવડ નથી; એટલે એ બાજુ જનારા જાત્રાળુઓ ઘણા ઓછા હોય છે. જમ્નોત્રીથી પાછા ફરતાં ગંગોત્રીને, માર્ગે ઉત્તરકાશી જતાં બહુ તો સાત કે આઠ દિવસ થાય, એટલે ગંગોત્રી, બદરી, કેદાર જવાવાળા જમ્નોત્રી શું કામ બાકી રાખવું, એમ લાગવાથી, તેમ જ માત્ર જમ્નોત્રી જવા કોઈ ફરીવાર આ બાજુ નહિ આવે એમ જાણીને ત્યાં જાય. અમે પણ એ વિચારથી જ જમ્નોત્રી જવા તૈયાર થયા હતા. કુલીઓ હા-ના કરતા હતા, એમને આઠ રૂપિયા વધારાના આપવા ઠરાવ્યા પછી સવારે જમ્નોત્રીને રસ્તે આગળ વધ્યા. જમ્નોત્રીનાં એ પ્રખ્યાત સીધાં ચડાણ, મંદિર પાસેના ગરમ પાણીના કુંડ ત્યાંની ગુફાઓ અને કુદરતના સૌંદર્ય વિષે અમે એટલી બધી સુશ્રાવ્ય વાતો સાંભળી હતી કે મારા ઉત્સુક મનમાં ત્યાં જવાના વિચાર-માત્રથી જ ઉલ્લાસની ભરતી આવી હતી. સામે પૂનમનો પૂર્ણ ચંદ્ર વાદળામાંથી ડોકિયાં કરતો દોડતો દોડતો ગંગાની પેલીપારના પર્વતના શિખર પર જઈ વિરાજ્યો હતો. એનું શીતલ રૂપેરી પ્રતિબિંબ ગંગાના પ્રવાહ પર નાચતું હતું. મારું અંતઃકરણ પ્રવાસના અનેકવિધ આશ્ચર્યજનક અનુભવોના મહાસાગરમાં હિલોળે ચડી તરતું તરતું ધીમે ધીમે શાંતિ, વિશ્રામ અને વિસ્મૃતિના રાજ્યમાં પ્રવેશી નિદ્રાદેવીના ધામમાં જઈ વિરામ પામ્યું હતું.

વહેલી સવારે ધરાસૂ છોડી ગંગા અને ગંગોત્રીના જમણી બાજુનો રસ્તો છોડી સામી બાજુનો પહાડી રસ્તો લીધો. રસ્તો બહુ ખરાબ અને પ્રદેશ પણ રુક્ષ હતો. શું છેક સુધી એવું જ હશે? એ શંકાથી ઘડીક અમે બધાએ નિરાશા અનુભવી, પણ થોડી વાર પછી ચડાણ ચડી આગળ વધ્યા, ત્યાં સામે વિવિધ પ્રકારની વનસ્પતિથી શોભતો અને ઘાટી વનરાજીથી છવાયેલાં ગિરિશિખરોનો પ્રદેશ સામે દેખાયો, અને એક પર્વતની કંદરામાંથી પસાર થતા સીધો રસ્તો પણ દેખાયો. બપારે બાર-એક વાગે બે-ત્રણ ખોરડાંની વસ્તીના એક નાના ગામડા પાસે થોભી, સાથેની સામગ્રીમાંથી રસોઈ બનાવી જમી લીધું. ગામના એક ખેડૂત પાસેથી થોડું ઘી વેચાતું મળ્યું. જમ્યા પછી વખત ગુમાવ્યા વિના આગળ વધ્યા, કારણ કે સાંજ પડ્યે ક્યાં રહીશું, શું કરીશું—કશી જ ખબર હતી નહિ. રાત કેવી વીતશે એ વિષે પણ કલ્પના નહોતી. વરસાદ પણ પડું પડું થઈ રહ્યો હતો. આ પ્રદેશના કોઈપણ માણસને ફલાણી જગ્યા કેટલી દૂર છે, એમ પૂછવું સાવ નિરર્થક હતું, કારણ, આ લોકોની ગણતરીમાં એક માઈલ અને અગિયાર માઈલમાં ઝાઝો ફેર હતો જ નહિ! આપણે જ્યાં જવું હોય ત્યાંનું નામ દઈ સાંજ સુધીમાં ત્યાં પહોંચાશે કે નહિ, એમ પૂછીએ ત્યારે હા કે ના નો જે જવાબ મળે, એના પરથી અંતરનો અંદાજ આપણે કરવો પડે. સાંજ થવા આવી તોપણ સામે ચીડવૃક્ષોનું ઘનઘોર જંગલ જ ગગનચુંબી પર્વતની જેમ અડીખમ દેખાતું હતું. માણસની આછીપાતળી વસ્તીનું પણ કોઈ ચિહ્ન વરતાતું નહોતું. ‘અથાતો બ્રહ્મ જિજ્ઞાસા’ કહી અમે પર્વત ચડવા લાગ્યા. ચડાણ સીધાં હતાં. પગથીનો રસ્તો ઘણી જગ્યાએ ધોવાઈ ગયેલો હતો. ક્યાંક તૂટી જઈ લપસણો પણ થયો હતો. વૃંદાવનનો પેલો બંગાળી માધવાનંદ બ્રહ્મચારી પણ ધરાસૂથી જમ્નોત્રી જવા અમારી સાથે આવેલો. ચડાણના વળાંકો એક પછી એક વટાવતાં પાછળથી આવનારા નીચે દેખાતા. સૂર્યાસ્તને થોડીક વાર હતી ત્યારે ડુંગર માથે એક પથરાના ઢગલા પર ચડ્યો અને મોટેથી બોલ્યો : ‘ૐ શાંતિઃ શાંતિ શાંતિઃ’ પાછળથી આવતા સાથીઓમાં માધવાનંદ સૌથી છેલ્લા હતા. એમણે એ જ શબ્દોમાં જવાબ વાળ્યો. અવાજ એકદમ નીચેથી આવ્યો, એટલે એ ઘણા પાછળ હશે એવું લાગ્યું. પહાડનાં મોટાં ચઢાણ ચડતાં પહેલો પહોંચે તેણે માટેથી ‘ૐ શાંતિઃ’નો ઉચ્ચાર કરી પાછળથી આવનારાને ખબર કરવી એવો અમારો નિયમ હતો.

આ ઊંચા પહાડ પર પહોંચ્યા ત્યારે સામે હિમાલયની અખંડ બરફથી છવાયેલી ગિરિમાળા દેખાઈ. સાંજનો સમય હતો. અસ્તાચળ તરફ સરકી રહેલા સૂર્યનારાયણનાં કિરણોના રંગે રંગાયેલા એ બરફાચ્છાદિત ગિરિશિખરો ભગવાં પહેરી બેઠાં હોય એવાં લાગતાં હતાં. ધીમે ધીમે બધા જ ઉપર આવી પહોંચ્યા. ત્યાં બે-ચાર પહાડી માણસો પણ મળ્યા. સાથે બેઠા. ‘અંગર ગામ આ રહ્યું, પાસે જ-માંડ માઈલ જ દૂર હશે.’ એમ કહી પશ્ચિમ તરફની કંદરામાં જતી પગથી પરથી તેઓ ઊપડ્યા, અને જોતજોતામાં ગીચ જંગલમાં અલોપ થયા. ગામ હવે હાથવેંતમાં છે, એ સાંભળી ખૂબ આનંદ થયો. હવે તો જોતજોતામાં ત્યાં પહોંચી જઈશું એમ ધારી, સામેનું સુંદર દૃશ્ય ધરાઈને જોતાં થોડીક વાર ત્યાં જ બેસી રહ્યા. ગામ પાસે જ છે, એવું ધારી જાણી જોઈને મોડું કર્યું! અંધારું થયું જંગલ પણ ગીચ હતું. જેમ જેમ નીચે ઊતરતા ગયા, તેમ તેમ જંગલ વધારે ઘાટું થતું લાગ્યું. રસ્તો દેખાતો નહોતો. અંતર જણાય એવું કોઈ જ સાધન હતું નહિ. એવા અંધારામાં લગભગ અડધો-પોણો કલાક ચાલ્યા જ કર્યું, છતાં ગામનું કે, માણસનું નામનિશાન સરખું મળે નહિ! એક તો ઢોળાવ ખરાબ, તેમાં પાછું આવું જંગલ અને એમાં વળી અંધારું! ડગલે ને પગલે પગ લપસીને પડી જવાનો ભય! અમે બધાએ સાથે ચાલવાનો પ્રયાસ કર્યો, છતાં આગળ-પાછળ થઈ જવાય. પા-અડધો માઈલ જઈ પાછળથી આવનાર માટે આગળવાળા થોભી જાય, અને કાન દઈને સાંભળ્યા કરીએ, ક્યાંયે ગામનો કે વસ્તીનો કાંઈ અણસાર છે? પણ કાંઈ કરતાં કાંઈ ના સંભળાય. ન કૂતરાનું ભસવું કે પહાડી ગીતાના સૂર—કશું જ નહિ. આખું જંગલ સાવ નિઃશબ્દ, સ્તબ્ધ! સંભાળીને ચાલવાનું એક-બીજાને કહેતા અને પહાડી લોકોના ‘એક જ માઈલ’ના અંદાજને અને બુદ્ધિને વખાણતા, અને પાછળથી આવતા માધવાનંદને પ્રોત્સાહન આપતા અમે ચાલ્યા જ કરતા હતા. રસ્તો ભૂલી ગયા એમ માનવાનું પણ કોઈ કારણ નહોતું, કારણ ટોચેથી નીચે જતો આ એકમાત્ર રસ્તો હતો. અને અત્યાર સુધી એ ક્યાંયે ફંટાયો પણ નહોતો. આજની રાત આખી આ જ જંગલમાં કોઈ ઝાડ નીચે કાઢવી પડશે એવું લાગ્યું અને પછી ભાર હળવો થયા જેવો અનેરો આનંદ અમે અનુભવ્યો. અમારા કુલીઓને ભલે એ સંકટ લાગતું હોય, પણ અમારે મન આ અનુભવ અદ્ભુત હોવાથી બીકના માર્યા મોતિયાં મરવાને બદલે નવો અનુભવ મળવાની આશાએ અમે તો ઊલટાના આનંદિત થયા.

ચંદ્રોદય ક્યારનો થઈ ચૂક્યો હતો, પણ અમે જે પર્વતની આડશે નીચે ઊતરી રહ્યા હતા એ ગીચ જંગલથી ભર્યો ભર્યો પર્વત ચંદ્રને આડે આવ્યા કરતો હતો. આખરે જંગલ પાંખું થવા લાગ્યું અને ચંદ્ર પણ ઊંચે ચડી ગયો હોવાથી ચાંદનીમાં રસ્તો પણ દેખાવા લાગ્યો. એટલામાં અમારા માથા પરથી આવતો હોય તેમ માણસોના બોલવાના અવાજ સંભળાયો. તરત જ હું એ દિશાએ ઉપર જવા લાગ્યો. માંડ પચાસેક ફીટ ગયેા હોઈશ ત્યાં એક સુંદર મજાના બંગલા સામે આંગણામાં બે-ત્રણ તાપણાં કરી બેઠેલા માણસો દેખાયા! આનંદથી બૂમ પાડી મેં મારા મિત્રોને ઉપર આવવા કહ્યું, અને પાછળ રહેલા માધવાનંદને મોટે મોટેથી બૂમ પાડી બોલાવવા લાગ્યો.

પણ ત્યાં તો ઉપરથી અમને કોઈ વઢતું હોય એવું લાગ્યું : ‘કૌન આતા હૈ જંગલસે ઇસ રાત કો? તુમને રાસ્તેમેં આગ જલાઈ હૈ? યહ સબ સરકારી જંગલ હૈ, માલૂમ નહીં? અગર રાસ્તેમેં કહીં આગ દેખનેમેં આઈ તો પકડે જાઓએ. તુમને જરૂર અંધેરેમેં આગ સુલગાઈ હોગી!’

આ આખું જંગલ ચીડવૃક્ષોનું હોવાથી સંરક્ષિત હતું, અને સ્ટેટના કાયદા મુજબ ઉનાળામાં ત્યાંથી જતા-આવતા માણસોને કશું પણ જલાવવાની, દીવાસળી લઈ જવાની પણ સખ્ત મનાઈ હતી. અમને ધમકાવનાર એ આદમી જંગલનો ચોકીદાર હતો અને આ બંગલો જંગલ ખાતાનો હતો, એ પછી તરત જ સમજાયું. આખરે બધા ઉપર ગયા, અને અમે કોઈએ કશું જલાવ્યું નથી એ અંગે પેલાની ખાતરી કરાવી. એ જરા શાંત થયો પછી ‘અહીં જગ્યા નથી. ડોંગરગાંવ તદ્દન નજીક છે, ત્યાં જાઓ.’ એમ એ કહી રહ્યો હતો. છતાં ‘અડધી રાતે આ બંગલો છોડી અમે કશે જવાના નથી.’ અમે ધરાર બંગલાની ઓશરીમાં અમારા પથારા પાથરી દીધા અને એ ગુસપુસ કરતો રહ્યો. છતાં લંબાવીને સૂઈ ગયા!

જન્મોત્રી અહીંથી ચાર માઈલ દૂર છે. જમ્નોત્રીનું સુપ્રસિદ્ધ ચડાણ ગામથી અડધો માઈલ જાઓ પછી દેખાય. જમી-કરી અમે બપોરે બે વાગે ત્યાં જવા માટે નીકળ્યા ત્યારે જરાતરા વરસાદ હતો, પણ સાંજ પહેલાં જન્મોત્રી પહોંચી જવું હતું એટલે અમે એને દાદ ના આપી. જાણે સીધીસટ દીવાલ પર ના ચડતા હોઈએ એવા એ ચડાણ પર ઝાડનાં મૂળિયાં ને એવા એવા આધાર શેાધતા અમે ચડવા લાગ્યા. જમણી બાજુ હવે ખૂબ નાની એવી યમુના વહી રહી હતી. બીજી બાજુ ડુંગર પરથી બરફના ઢગલા નીતરતા હતા. આ ઊંચાઈ પર ઠંડી સખત, એટલે આવાં આકરાં ચડાણ ચડતાં પણ પરસેવો જરાયે ન થયો. અમે વચ્ચે સહેજ પણ થોભ્યા વિના ધીમે ધીમે પણ એકસરખા વેગથી ડગ ભરતા હતા તેથી બહુ થાક ના લાગ્યો. જમ્નોત્રીનાં આ ચડાણ એટલાં જાણીતાં અને વિખ્યાત છે કે એનું વર્ણન કરવું અશક્ય છે.— અર્થાત્ એ કરવાની મારી પાત્રતા નથી. ટૂંકમાં માનવી જેટલાં સીધાં ચડાણ ચડી શકે, એનાથી આ ચડાણ લેશમાત્ર ઓછું સરળ નથી! આ ચડવા માંડ્યા ત્યારથી એને પહાડના કોઈપણ ચડાણના માનદંડ તરીકે માનવા લાગ્યા છીએ. આનાથી વધારે સીધાં ચડાણ હજુ મારા જોવામાં નથી આવ્યાં. દેવના દ્વારનું છેલ્લું પગથિયું ચડવું એ થાક્યા પાક્યા યાત્રાળુ માટે, ભક્તના મન માટે બહુ ભારે પડે તેવું હોય છે. એની શ્રદ્ધાની કસોટીની એ ક્ષણ હોય છે!

આખરે પહાડની ટોચે જઈ અમે થોભ્યા. મારા મિત્રે ‘જય જમુના મૈયાકી’ એવો જયઘોષ કર્યો! અમારી સામે, માત્ર દોઢ-બે ફર્લાંગ દૂર, નીચેના ભાગમાં શુભ્ર બરફાચ્છાદિત પર્વતની તળેટીમાં એક જૂનું કાષ્ઠમંદિર, એક ગુફા, કેટલાક માણસો અને ઉષ્ણકુંડમાંથી નીકળતી વરાળના ઢગલે ઢગલા અમને દેખાયા! અમારા આનંદ અને ઉત્સાહનો પાર નહોતો. ‘જય, જમુના મૈયાકી જય’, ‘જય ગંગામૈયાકી જય’, એવા ‘જય’, ‘જય’ના જયઘોષ કરતા ઉન્મત્ત થઈ પેલો ભીંત જેવો સીધો પહાડ અમે જોતજોતામાં ઊતરી ગયા. યમુનાનો ત્રણ-ચાર ફીટનો પ્રવાહ નાનકડા લાકડાના પૂલ પરથી ઓળંગી હું નાચતો અને કૂદતો સામે તીરે જમુના મૈયાના મંદિરમાં પ્રવેશ કરી, ‘જય જમુના મૈયાકી જય’ કરતા મંદિરની બધી જ ઘંટડીઓ એકી સાથે વગાડી ગદ્ગદિત થઈ યમુનાષ્ટક ગાતો આનંદથી નાચવા લાગ્યો. મંદિર, ગુફા, અને આજુબાજુના એ કાવ્યમય પરિસર—એ બધું જ અમારા એ આનંદઘોષથી ગાજી ઊઠ્યું. અમારા આ વિચિત્ર વ્યવહારથી ચકિત થયેલા પંડાઓ અવાચક થઈ ગયા. અમારી ઉલ્લાસમત્ત બૂમાબૂમ વચ્ચે કશું બોલવાની તક જ અમે એમને ના આપી!

[હિમાલયનાં તીર્થસ્થાનો, ૧૯૮૪]