ગુજરાતી બાળવાર્તા સંપદા/અનુરાધાનું એપ્રિલ ફૂલ
યશવન્ત મહેતા
અનુરાધા ત્રીજા ધોરણમાં ભણતી હતી. નવેક વરસની એની ઉંમર હતી. સાદી-સીધી અને ભોળી છોકરી હતી. પણ એનો એક ભેદ હતો. દરેક શનિવાર અને રવિવારની બપોરે એ ગુમ થઈ જતી ! એની ઉંમરનાં છોકરાં શનિવાર અને રવિવારની બપોરે ઘર ઘર ૨મે, ભમરડા ફેરવે, દોરડાં કૂદે; પણ અનુરાધા તો એ કશીય રમતમાં ભાગ ન લે. એ તો બપોર થતાં જ દોડી જાય. ક્યાં જાય ? નજીકની સોસાયટીમાં એક બંગલો હતો. બંગલા ફરતો બગીચો હતો. અનુરાધા એ બગીચામાં પેસી જતી. સરકીને એક બારી પાસે લપાઈ જતી. પછી કલાકો સુધી ત્યાં જ ઊભી રહેતી. ઘણી વાર બેસી પડતી. એકધ્યાન થઈને સાંભળ્યા કરતી. એ શું સાંભળતી ? બંગલામાં એક સંગીતકાર રહેતા હતા. એ સિતાર વગાડતા. એટલી સરસ સિતાર વગાડતા કે સાંભળનારનાં મન ડોલી ઊઠે. મદારીની મોરલીને તાલે જેમ સાપ નાચે એમ સાંભળનારનાં મન નાચી ઊઠતાં. એમનું નામ ઉસ્તાદ અલ્લારખા હતું. અનુરાધાને એમનું સિતારવાદન ખૂબ ગમતું. ઉસ્તાદજીના ઓરડાની બારી હેઠળ લપાઈને એ આંખો બંધ કરી દેતી અને સિતારના સ્વરોમાં ખોવાઈ જતી. છેલ્લા છ-સાત મહિનાથી અનુરાધાનો આ જ નિયમ હતો. દરેક શનિ-રવિવારે અને રજાના દિવસે એ આ રીતે સંગીત સાંભળવા પહોંચી જતી. એને રાગ-રાગિણીની કે સૂર-તાલની કશી ખબર નહોતી. પણ સિતાર સાંભળવી એને ગમતી. એ સાંભળતાં અનુરાધા એકધ્યાન થઈ જતી. હવે એક શનિવારે અનુરાધા આ રીતે લપાતીછુપાતી ઉસ્તાદજીના બગીચામાં પેસતી હતી ત્યાં જ રવિ અને ચંદ્રા એને જોઈ ગયાં. રવિ અને ચંદ્રા એના કાકાનાં બાળકો હતાં. એ ઘણી વાર અનુરાધાને કહેતાં કે અમારી સાથે ૨મ. પણ અનુરાધા તો ગુમ થઈ જતી. આજે એને જોઈ લીધી એટલે રવિ અને ચંદ્રા ગેલમાં આવી ગયાં. જાણે એને ચોરી કરતાં પકડી પાડી હોય એમ બોલી ઊઠ્યાં, ‘એય અનુરાધા ! આમ પારકા બગીચામાં ચોરીછૂપીથી કેમ પેસે છે ?’ અનુરાધા કહે, ‘શી...સ ! ચૂપ ! હું સંગીત સાંભળવા જાઉં છું.’ આ સાંભળીને રવિ અને ચંદ્રાને ભારે મઝા પડી ગઈ. એ ખૂબ હસી પડ્યાં. રવિ કહે, ‘લ્યો, જુઓ, આપણાં ઉસ્તાદ અનુરાધા ! એ ચોરીછૂપીથી સંગીત સાંભળે છે ! હા હા !’ ચંદ્રાએ ચાંપલાશ કરી, ‘સંગીત-ચોર ! સંગીત-ચો૨ !’ હવે અનુરાધા ગભરાઈ ઊઠી. એને ગુસ્સો પણ આવ્યો. છતાં ગુસ્સો દબાવતાં એ બોલી, ‘મને સંગીત ગમે છે. પછી હું એ ગમે તેમ સાંભળું.... એમાં તમારું શું જાય છે ? જતાં રહો અહીંથી.’ અનુરાધાને ડ૨ લાગ્યો. કદાચ આ ઘોંઘાટ ઉસ્તાદજી સાંભળી જશે તો તો ઉપાધિ થશે. પછી તો પોતે આ મીઠું સંગીત સાંભળવા નહિ આવી શકે. એટલે એણે રવિ અને ચંદ્રાને ફરીથી કહ્યું, ‘તમે હમણાં ને હમણાં જતાં રહો !’ હવે રવિ અને ચંદ્રાનાં મોં પડી ગયાં. એ જતાં તો રહ્યાં, પણ એમને માઠું લાગી ગયું. ચંદ્રા કહે, ‘હાય બા ! આ અનુ તો ખરી છે ! મોટી સંગીતવાળી ન જોઈ હોય તો !’ રવિ કહે, ‘બહેન, મને તો એમ થાય છે કે એની ખો ભુલાવી દેવી જોઈએ. જો ને આપણને કેવી રીતે કાઢી મૂક્યાં !’ ચંદ્રા કહે, ‘પણ એની ખો ભુલાવવી કેવી રીતે ?’ રવિ કહે, ‘આપણે એને એપ્રિલફૂલ બનાવીશું. એવી તો ઉલ્લુ બનાવીશું કે ફરીથી આ બંગલા ભણી ફરકે જ નહિ. આવતે ગુરુવારે જ પહેલી એપ્રિલ છે ને ?’ ચંદ્રાએ કહ્યું, ‘એ તો બરાબર, પણ એને એપ્રિલફૂલ કેવી રીતે બનાવીશું ?’ રવિ કહે, ‘એ કામ મારું.’ એ પછીને બુધવારે સવા૨ની ટપાલમાં અનુરાધાના નામનો કાગળ આવ્યો. એમાં લખ્યું હતું : ‘ચિરંજીવી અનુરાધા, તારો સંગીતપ્રેમ જોઈને હું ખુશ થયો છું. આવતે ગુરુવારે સાંજે પાંચ વાગે મારે ઘેર આવજે. તને ગમતું સંગીત સંભળાવીશ. લિખિતંગ ઉસ્તાદ અલ્લારખા.’ કાગળ વાંચીને અનુરાધા નવાઈ પામી ગઈ. ઉસ્તાદજીએ મને ચોરીછૂપીથી સંગીત સાંભળતી જોઈ લીધી હશે ? મને સંગીત ગમે છે એ સમજી ગયા હશે ? એ બડા ઉદાર હોવા જોઈએ. તેથીસ્તો મને ઘેર બોલાવે છે. બુધવારનો દિવસ અનુરાધાએ માંડ માંડ પૂરો કર્યો. ગુરુવારે પણ નિશાળમાં એનો જીવ ન લાગ્યો. પાંચ વાગે ઘંટ વાગતાં જ એ નિશાળ બહાર દોડી. દફ્તર ઘેર મૂકવા જવાનો પણ વખત નહોતો. એણે હાંફતાં હાંફતાં જઈને ઉસ્તાદજીના બંગલાનું બારણું ખખડાવ્યું. એક ઘ૨ડાં માજીએ બારણું ખોલ્યું. બહાર એક નાનકડી છોકરીને ઊભેલી જોઈ એ તો નવાઈ પામી ગયાં. ‘બેબી, કેમ આવી છે ? ‘મારે ઉસ્તાદજીને મળવાનું છે.’ ‘એ તો સાંજે કોઈને મળતા નથી. શું એમણે તને મળવાની હા પાડી છે ?’ અનુરાધા કહે, ‘હા, એમણે કાગળ લખીને મને બોલાવી છે. જુઓ, આ રહ્યો પોસ્ટકાર્ડ.’ એટલે માજી એને અંદરના ઓરડામાં લઈ ગયાં. પણ જ્યારે ઉસ્તાદજીને એણે જોયા ત્યારે એ હબકી ગઈ. કા૨ણ કે ઉસ્તાદ તો નારાજ થયા હોય એમ ઊભા હતા. એ બોલ્યા, ‘છોકરી ! મેં તો તને કાગળ લખ્યો જ નથી. મારે ઘે૨ મહેમાનો આવે એ મને ગમતું નથી. મારા રિયાઝમાં ખલેલ પડે.’ અનુરાધા થોથવાતે અવાજે બોલી, ‘પ...પ.. પણ... ત...ત.... તમે જ... ક....ક... કાગળ.... લખીને મને.... બ... બોલાવી...’ ઉસ્તાદજીએ ત્રાડ પાડી, ‘મેં કહ્યું ને કે મેં એવો કોઈ કાગળ લખ્યો નથી !’ પણ પછી અનુરાધાની આંખોમાં ડબક ડબક આંસુ ઊભરાઈ આવ્યાં. એ જોઈને ઉસ્તાદ જરાક નરમ અવાજે બોલ્યા, ‘તું કદાચ ઘર ભૂલી ગઈ હશે, બેબી.’ ‘ના.... આ જ... આ જ ઘ૨ ! આ જ ઘરના બગીચામાં લપાઈને હું તમારું સંગીત સાંભળું છું. આ જ બારી નીચે !’ ઉસ્તાદ હવે મૂંઝાઈ ગયા. એ બબડ્યા, ‘છોકરી ! તું શું બોલે છે ? લપાઈને સંગીત સાંભળું છું, એટલે?’ એટલે પછી અનુરાધાએ રડતાં રડતાં બધી વાત કરી. પોતે કેવી રીતે અહીંથી નીકળતાં સંગીત સાંભળ્યું, કેવી રીતે રજાને દિવસે પોતે ગુપચુપ આવે છે એ કહ્યું. બારી નીચે બેસીને સંગીત સાંભળે છે એ કહ્યું. પછી હીબકાં ભરતાં ભરતાં કહ્યું, ‘લો તમારો કાગળ ! એ લખીને તમે ભૂલી ગયા છો. હવે હું નહિ આવું. મેં ભૂલ કરી છે. માફ કરજો.’ આમ કહીને અનુરાધાએ કાગળ ઉસ્તાદજીના હાથમાં મૂક્યો. પછી એ ઢીલે પગલે પાછી વળી. ઉસ્તાદે કાગળ ઝડપથી વાંચ્યો. એ બોલી ઊઠ્યા, ‘હવે સમજ્યો, દીકરી ! છાની રહી જા. આમાં તારી કશી ભૂલ નથી. તને સંગીત સાંભળવું ગમે છે એમાં કાંઈ ગુનો નથી. એ તો સારી વાત છે. ચાલ, હવે આંસુ લૂછી નાખ અને આ ગાદી ૫૨ બેસ. હું સિતાર વગાડું અને તું સાંભળ.’ અનુરાધાના આનંદનો પા૨ ન રહ્યો. ઉસ્તાદજી એને સંગીત સંભળાવવાના હતા ! એણે આંસુ લૂછી નાખ્યાં.. બેઠી. ઉસ્તાદજીએ સિતા૨ના તાર ઝણઝણાવ્યા. પછી સરસ મઝાનો રમતિયાળ રાગ વગાડવા માંડ્યો. બંને જણાં સંગીતના સૂરોમાં ખોવાઈ ગયાં. વખત ક્યાં વહી ગયો એનીય ખબર ન રહી. માજી બત્તીની ચાંપ દબાવવા આવ્યાં ત્યારે જ ખ્યાલ આવ્યો કે રાત પડી ગઈ છે ! ઉસ્તાદજીએ સિતાર બાજુએ મૂકી દીધો. એ બોલી ઊઠ્યા, ‘અરે, આ તો રાત પડી ગઈ ! મેં તને બેસાડી જ રાખી, બહેન ! અરે અમ્મા ! ઘ૨માં બિસ્કિટ કે એવું કશું છે ખરું ?’ માજી કહે, ‘હા. હમણાં જ બિસ્કિટ અને દૂધ લઈ આવું છું.’ અનુરાધા કહે, ‘ના, ના, નાસ્તાની કશી જરૂર નથી. રાત પડી છે. હવે હું ઘેર જાઉં.’ પણ ઉસ્તાદજી કહે, ‘બહેન, તું પહેલવહેલી અમારે ઘે૨ આવી છે. એટલે ખાલી ખાલી તો ન જવા દેવાય. અને તું રાતની ચિંતા ન કરીશ. હું તને તારે ઘે૨ મૂકી જઈશ.’ બિસ્કિટ અને દૂધ આવી ગયાં. અનુરાધા તે નાસ્તો લેતી હતી ત્યારે ઉસ્તાદજીએ વાત કરી. એમણે કહ્યું કે મારેય એક નાનકડી દીકરી હતી. તારા જેવી અને તારા જેવડી જ. એક વાર એ અને એની અમ્મા કાશ્મીરથી આવતાં હતાં. રસ્તામાં બૉમ્બથી એમની બસ ઊડી ગઈ. મા-દીકરી બેય અલ્લાહને વહાલાં થઈ ગયાં. પંદર વરસ થઈ ગયાં એ વાતને. આજે તું મારે ઘેર આવી, અને એવું લાગે છે જાણે મારી મરિયમ આવી છે. મરિયમ અને એની અમ્માના ગયા પછી હું અને અમ્માજી અહીં એકલાં રહીએ છીએ. હું સિતાર સંભળાવવા બહા૨ જતો નથી. કોઈનેય ઘેર બોલાવતો નથી. પણ તું... દીકરી, તારે માટે મારાં બારણાં ખુલ્લાં છે. તું ગમે ત્યારે અહીં આવજે. તને સિતાર સંભળાવીશ ત્યારે માનીશ કે મારી નાનકડી મરિયમને સંગીત સંભળાવું છું...’ પછી ઉસ્તાદજી મૂંગા બની ગયા. બસ, અમીનજરે અનુરાધાને જોઈ રહ્યા. નાસ્તો પૂરો થયો. બંને જણાં અનુરાધાના ઘર તરફ ચાલ્યાં. રસ્તામાં જ અનુરાધાનાં મમ્મી અને રવિ અને ચંદ્રા મળી ગયાં. એ લોકો અનુરાધાને શોધવા નીકળ્યાં હતાં. અનુને સાજીનરવી જોઈને મમ્મી એને ભેટી જ પડ્યાં. ઉસ્તાદ અલ્લારખાએ સઘળી વાત મમ્મીને કહી. રવિ બોલી ઊઠ્યો, ‘વાંક મારો અને ચંદ્રાનો છે. અમે અનુને એપ્રિલફૂલ બનાવવા માટે ખોટો કાગળ લખેલો.’ ઉસ્તાદજી કહે, ‘પણ આ એપ્રિલફૂલ તો મારે માટે એપ્રિલ વરદાન બની ગયું ! મને મારી ખોવાયેલી દીકરી પાછી મળી !’ એ એપ્રિલફૂલ અનુરાધા માટે પણ વરદાન બની ગયું. ઉસ્તાદજીએ મમ્મીને કહ્યું કે અનુરાધાને સંગીતમાં સાચો ૨સ છે. એને મારી પાસે સંગીત શીખવા મોકલો. આગળ જતાં એ સારી નામના કાઢશે. આ વાત ત્રણ વરસ પહેલાંની છે. હમણાં તમે સ્વાતંત્ર્યદિનનો રાષ્ટ્રીય સંગીત સમારંભ ટીવી ૫૨ જોયો ? એમાં દેશની શ્રેષ્ઠ બાળકલાકાર તરીકે રાષ્ટ્રપતિએ અનુરાધાને સુવર્ણચંદ્રક આપ્યો. ત્યારે સૌથી વધુ ખુશી કોને થઈ હશે, કહો જોઈએ !