ગુજરાતી બાળવાર્તા સંપદા/મૂળ રંગમાં જ મઝા

મૂળ રંગમાં જ મઝા

ચંદ્રકાન્ત શેઠ

એક હતો કાગડો. નાનો હતો ત્યારથી એનો રંગ એવો તો કાળો ને ચમકદાર હતો. સૌ એને ‘કાળિયો’ના નામે જ ઓળખતાં. કાળિયાની મા તો કાળિયાનાં વખાણ કરતાં થાકતી જ નહીં. એ ગમે તે વાત કરે પણ એમાં કાળિયાનું નામ તો આવે જ આવે. ‘અમારો કાળિયો તો આજે પેલા ટાવર લગી ઊડ્યો’, ‘આજે તો કાળિયાએ ખિસકોલીના બચ્ચાને આબાદ રીતે પકડેલું’, ‘મેં તો આજે કાળિયાને ભગા પટેલની ભેંસ પર બેઠેલો જોયો, એવો તો રૂડો લાગતો’તો ! ‘આજે તો અમારા કાળિયાને મજાની ખીર ખાવા મળી.’ – આવી આવી તો અનેક વાતો કાળિયાની મા ચલાવતી અને કાળિયોય જ્યારે આ વાતો સાંભળતો ત્યારે ફુલાઈને ફાળકો થતો. કાળિયો તો થોડા સમયમાં જ ઊંધી ને ત્રાંસી ઉડાણોમાં હોશિયાર થઈ ગયો. કાળિયો તો પેલી સમડીનેય પજવવામાં પાછો પડતો નહોતો. કોઈ છોકરાના હાથમાંથી પૂરી ઝડપવી હોય તો એનું કામ. ક્યાંક ગાયની આગળ નાખેલી રોટલીમાંથી બટકું ઉપાડવું હોય તોય એનું કામ. કાળિયો તો એ રીતે ગણતરીના દિવસોમાં એની આજુબાજુના જાતભાઈઓમાં આગેવાન બની ગયો. કોઈ ભાઈબંધ આવીને જો એને કહે કે ‘કાળિયા, ચાલ ને આપણે પેલા ચબૂતરા આગળ જઈએ. ત્યાં સારું ખાવાનું મળશે.’ તો કાળિયો તુરત પાંખ ફફડાવતોકને આગળ. કોઈ દોસ્ત ‘ક્રાઁ ક્રાઁ’ કરીને એને બોલાવે કે તુરત તૈયા૨. કાળિયાની મા તો એના કામણની વાતો સાંભળીને રાજી રાજી થઈ જતી. આ કાળિયાને કોણ જાણે શાથી, પણ મગજમાં એવું ભૂસું ભરાયું કે ‘ગમે તેમ થાય, પણ મારે ગોરા થવું. કોઈ પણ ઉપાયે કાળાને બદલે ધોળો રંગ પોતાનો થવો જોઈએ.’ એણે તો ઘે૨ આવીને માને પૂછ્યું, ‘મા, મારે તો એકદમ ગોરાબટાક થવું છે. તને ખબર છે કોઈ ઉપાયની ?’ માને તો કાળિયાની વાત કાંટા જેવી ખૂંચી. એ કહે, ‘હાય હાય, મૂઆ ! તને આવી અવળી મતિ ક્યાંથી આવી ? આવો તારો સ્લેટ જેવો કાળો ચમકતો વાન ! આ તને ગમતો નથી ? આપણી નાતમાં તો કાળા રંગની જ કિંમત. ધોળા તો કોઢિયા ગણાય છે. ભગવાન તને એવો રંગ ન આપે.’ પણ ધોળો થવાની જીદે ચડેલો કાળિયો માની વાત કંઈ માને ? એને તો એક જ રટણા હતી મનમાં, કોઈ પણ રીતે ધોળા થવાની, ગોરા થવાની. કાળિયાએ ધોળા થવા માટે પોતાને આવડે તેવા નુસખાઓ અજમાવી જોયા. એક વા૨ તો ક્યાંક સફેદ ચૂનાની ભૂકી પડેલી, એમાં આળોટેલો, પણ પછી તો ચૂનો શરીરે વેઠાય નહીં, તેથી તેણે ગટરની કૂંડીમાં જઈને તે ધોઈ નાખવો પડ્યો. બીજી વાર સાબુના ફીણથી શરી૨ને સાફ કરી જોયું. પણ જનમનો કાળો રંગ તે એમ કંઈ જાય ? કાળિયાએ કેટલાક સમય તો કાળી ચીજવસ્તુઓ છોડી સફેદ જ ખાવાનો નેમ લીધો, પણ તેથીયે કંઈ પોતાના રંગમાં ફેર ન પડ્યો. માએ તો કાળિયાને અનેક વા૨ આ બાબત ટોક્યો હતો, પણ કાળિયો ધોળા થવાની હઠ છોડતો જ નહોતો. એક વા૨ તો કાળિયાની માને થયું કે કોઈએ કાળિયાને જાદુમંતર તો નહીં કર્યા હોય ને ! ને કાળિયાની માએ તો એ દૂર કરવા દોરાધાગાય કરી જોયા ને અવારનવાર એના દોસ્તોનેય કહ્યું કે, ‘કાળિયાને તમે બધા સમજાવો કે જેથી આ ગોરા થવાની ઘેલછા છોડે.’ પણ દોસ્તોય હવે તો કાળિયાની જીદ આગળ હારી ગયા હતા. કાળિયો તો ધોળા થવા માટે જે ઘેલાં કાઢે. ઘેલાં કાઢે !... એક વાર તો દૂધના તપેલામાંયે તેણે ડૂબકી મારી જોયેલી, ને ત્યારે ધોળા તો ન થવાયું. પણ એનાં પીંછાં દૂધથી ભીંજાઈને ઠીક ઠીક સમય સુધી એકબીજા સાથે ચીપકી ગયેલાં. એક વા૨ કાળિયાને થયું કે જો શરીરનો રંગ ધોળો ન થાય તો ધોળાં કપડાં સિવડાવીને ફરું, પણ કયો દરજીભાઈ આ કપડાં સીવી દે ? કેમનાં કપડાં સીવવાં ? કપડાં પહેરે તો ઉડાય નહીં. છેવટે એણે ધોળાં ચશ્માં ચઢાવવાનો વિચાર પણ કરી જોયો, પણ એવાં ચશ્માંથી કંઈ ફેર પડે ? લોકો તો પોતાને કાળા રૂપે જ જોવાના ને ! કાળિયાની મૂંઝવણનો તો પાર નહોતો. એને થયું કે ‘એવાં તે મારાં કયાં પાપ કે મારે આવી કાળુડી નાતમાં જનમવું પડ્યું ?’ એક બે વારે તો એને બળી મરવાના ખરાબ વિચારો પણ આવ્યા, પણ સારું થયું કે એ વિચારો જેવા આવ્યા તેવા જ ઓસરી ગયા. છેવટે ધોળા થવાની એક તક એની સામે આવી લાગી. ઈસ્માઈલ દાદાને ઘે૨ એમના દીકરા યાકૂબની શાદી રાખી હતી, તેથી મકાનનું રંગરોગાન ચાલતું હતું. મકાન બહાર ખુલ્લામાં એક પીપડામાં સફેદો તૈયાર કરેલો પડ્યો હતો. આપણા કાળિયાભાઈ તો પાંખ ફફડાવતા ત્યાં પહોંચી ગયા. સફેદાનું પીપડું ભરેલું જોઈને એ તો ખૂબ પ્રસન્ન થઈ ગયા. તેમણે તો ઝાઝો વિચાર કર્યા વિના ધોળા થવાના મોહમાં સીધું જ સફેદામાં ઝંપલાવ્યું. સફેદો તો ગુંદરની જેમ એમને ચોંટ્યો. કાળિયાભાઈ તો સફેદામાં ખૂંપતા જતા હતા. મરવાની ઘડી નજર સામે દેખાતી હતી, પરંતુ અલ્લાહનું કરવું તે યાકૂબની નજર એના ૫૨ પડી, એ ત્યાં એકદમ દોડી આવ્યો ને કાળિયાને પકડી લીધો ને બહા૨ જમીન ૫૨ મૂક્યો; પણ કાળિયાની પાંખો તો રંગમાં ચોંટેલી, ફફડે જ નહીં. ચાંચ ખોલવા જતાંય તકલીફ પડતી હતી. ત્યાં ઈસ્માઈલ દાદા આવ્યા. તેમણે એના શરી૨ ૫૨થી ઘાસલેટની મદદથી માંડ માંડ સફેદો કાઢવા માંડ્યો. કંઈ કેટલાંયે વાનાં કર્યાં ત્યારે કાળિયો માંડ ઠીક થયો. એનું કાળજું ધડક ધડક ફફડતું હતું. એટલામાં કાળિયાની મા એને શોધતી ત્યાં આવી પહોંચી. એ તો અનુભવી હતી. તુરત સમજી ગઈ કે ઈસ્માઈલ દાદા કાળિયાને મારી નાખવા નહીં પણ જિવાડવા જ મહેનત કરતા હતા. એને થોડી નિરાંત થઈ, તોય ક્રાઁ ક્રાઁ કરીને પોતાની નાતને તો બોલાવી જ. ઘડીકમાં ઝાડ પર, મકાન પર, વાડ ને વંડા ૫૨ સંખ્યાબંધ કાગડા આવી લાગ્યા. સૌ કાળિયાની કરુણ સ્થિતિ જોઈ ચિત્કાર કરતા હતા. એ તો સારું હતું કે એટલામાં અત્યારે કોઈ કૂતરું બૂતરું નહોતું, નહીંતર કાળિયો ક્યારનોય ખતમ થઈ ગયો હોત. ઇસ્માઇલ દાદાએ તો થાય તેટલી માવજત કરી, કાળિયાને યાકૂબ દ્વારા ઊંચે ઝાડની બખોલમાં મૂકાવ્યો. પછી ઠીક ઠીક વખતે કાળિયામાં આમતેમ પાંખ હલાવવાના હોશ આવ્યા. કાળિયો મોતના મોઢામાંથી માંડ ઊગર્યો. હવે તો કાળિયો ધોળો રંગ જોતાં ડરે છે અને કાળા રંગનાં મોંફાટ વખાણ કરતો ફરે છે !