ગુજરાતી બાળવાર્તા સંપદા/આગિયા સાથે સેલ્ફી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
આગિયા સાથે સેલ્ફી

મહેશ ‘સ્પર્શ’

બે પાંખોવાળું એક જીવડું. ઊડુરામ એનું નામ. જેવું નામ એવું જ એનું કામ. આખો દિવસ ઊડાઊડ કરે. નાચે, કૂદે ગાય ને મોજ કરે. એક જગ્યાએ ઠરીને બેસી રહે તો એ ઊડુરામ શાના ? એના બધા ભાઈબંધ ભણવા જાય. નિશાળમાં નવું નવું શીખે. પણ, ઊડુરામને સીધામીધા બેસી ભણવાનું બિલકુલ ના ગમે. ‘ઊડતાં ઊડતાં, વનવગડે રમતાં-ભમતાં ભણવાનું હોય તો કેવી મજા ?’ મનમાં એવા વિચારો કરે. ઊડુરામને ફિલમ જોવાનો બહુ શોખ. રમી-ભમી કંટાળે તો ફિલમના જુદા જુદા હીરોના વેશ ધારણ કરે. ગીતો ગાય ને ગાંડાં કાઢે. એટલે બધા એને અડવો કહીને ચીડવતા. એને ભણવાનું ભલે નહોતું ગમતું, પણ જો મોબાઈલ કે કમ્પ્યૂટર મળી જાય તો ઊડવાનું કે રમવાનુંય ભૂલી જાય. વિજ્ઞાનની અવનવી વાતો જાણવાનો એને બહુ શોખ હતો. ઇન્ટરનેટ પર વિજ્ઞાનનાં રહસ્યો ફેંદતો રહે. વોટ્સએપ, ફેસબુક, ટ્વીટરનો તો એ માસ્ટર હતો. વાતેવાતે સેલ્ફી લઈ શેર કરતો રહે. ચોમાસાની ઋતુમાં એક વાર ઊડતો ઊડતો એ જંગલમાં પહોંચી ગયો. વરસાદમાં નાહીને લીલાં લીલાં થઈ ગયેલાં ઝાડવાં, છોડવા ને ફૂલોથી શણગારાયેલી વેલો જોઈ. પોપટ, કોયલ ને મોર જોયાં. વાઘ, સિંહ ને હાથી પણ જોયાં. એ તો આ બધું જોઈને રાજીનો રેડ થઈ ગયો. ભૂખ લાગી તો મીઠાં મીઠાં ફળ ખાધાં. તરસ લાગી તો ઝરણાનું મીઠું મીઠું પાણી પીધું. પછી ખુશ થઈ ગાવા લાગ્યો.

‘જંગલમાં તો ભાઈ મંગલ મંગલ,
ચાલો જોવા ભાઈ, જંગલ જંગલ
ઝાડ પાનનો તો જડે નહીં જોટો,
નાનાં સસલાં, જોયો હાથી મોટો.’

આમ, ગાતાં રમતાં એ તો જંગલમાં દૂર દૂર સુધી પહોંચી ગયો. રાત પડી ગઈ. અંધારું થયું. અડવાને તો લાગી બહુ બીક. રડવું પણ આવી ગયું. પણ, હિંમત રાખી એક ઝાડનાં પાંદડાંની વચોવચ લપાઈને સૂઈ ગયો. સવાર પડી એટલે ડોટ મૂકી સીધી પર ભણી. ઘરે આવી એ વિચારવા લાગ્યો, ‘બહુ વજનદાર ના હોય અને સેલની પણ જરૂર ના પડે એવી એક બૅટરી હોય તો કેવું સારું ? હું તો હંમેશાં મારી સાથે જ રાખું. અંધારાની પણ બીક ના લાગે.’ પછી આખો દિવસ રમતાં-ભમતાં પણ એના મનમાં એ જ વિચાર રમતો હતો. બૅટરીના વિચારમાં ને વિચારમાં આખી રાત બરાબર ઊંઘી પણ ના શક્યો. બીજા દિવસે મનમાં નક્કી કરી લીધું કે, ‘હંમેશાં સાથે રહે એવી બૅટરી શોધીને જ રહીશ.’ પછી ડાહ્યો ડમરો થઈ કમ્પ્યૂટર સામે બેસી ગયો. ઇન્ટરનેટ પર બહુ બધી શોધખોળ કરી. પણ એને કશું મળ્યું નહીં. થાક્યો પાક્યો પણ હિંમત ના હાર્યો. ભૂખ-તરસ પણ ભૂલી ગયો. ‘ગમે તે થાય પણ આજે તો શોધીને જ જંપીશ.’ એણે હાર માન્યા વગર શોધ ચાલુ જ રાખી. એમ કરતાં કરતાં રાત પડી ગઈ. છેવટે એણે શોધી કાઢ્યું. તેના કુળના જીવડાના શરીરમાં સુસિફેરીન નામનો પદાર્થ છે. એ પદાર્થનું મિલન હવામાં રહેલા ઑક્સિજન સાથે કરાવવામાં આવે તો અજવાળું થાય. પોતાના શરીરમાંથી જ બૅટરી જેવું અજવાળું પેદા કરી શકાય. એ જાણીને એ તો ખુશ ખુશ થઈ ગયો. પછી એણે પોતાના પેટની મદદથી હવામાં રહેલા ઑક્સિજનને ખેંચી લીધો. એ સાથે જ એના પેટમાંથી અજવાળું થયું. એ જોઈ એની ખુશીનો પાર ન રહ્યો. એ તો હરખપદૂડો થઈ ગયો. ઊડાઊડ કરી હવામાં આઠ-દસ ચક્કર મારી લીધાં. વારેઘડીએ પેટ વડે હવામાંથી ઑક્સિજન ખેંચી અજવાળું પેદા કરવા લાગ્યો. અંધારામાં એનું અજવાળું ઝબક-ઝબક થતું હતું. એ જોઈ એ તો નાચવા લાગ્યો, ને ગાવા લાગ્યો...

હું અડવો હવે, બની ગયો આગિયો,
અંધારામાં પણ ઝબક-ઝબક જાગિયો.
સદા સાથે રહેતી બૅટરી બન્યું મારું પેટ,
અંધારાથી ડરું ના હવે, વહેલો હોઉં કે લેટ.
ડર પણ ડરીને કેવો દૂર દૂર ભાગિયો,
હું અડવો બની ગયો આગિયો.

અડવાની આ શોધે તો ધૂમ મચાવી. વોટ્સએપ, ટ્વીટર ને ફેસબુક બધે જ અડવાભાઈ છવાઈ ગયા હતા. બધે અડવાની આ અદ્ભૂત શોધની જ ચર્ચા ચાલતી હતી. અડવાએ વગર આગે આગ જેવા અજવાળાની શોધ કરી હતી. એટલે અડવાને હવે બધા આગિયો કહીને બોલાવવા લાગ્યા. અડવાએ એના બધા ભાઈબંધોને પણ અજવાળું પેદા કરવાની કળા શીખવી દીધી. પછી તો આગિયો નામે ઓળખાતાં બધાં જીવડાંઓની આખી જમાન તૈયાર થઈ ગઈ. રોજ રાતે અંધારામાં એ બધાં ઝબક ઝબક અજવાળું કરી આનંદ કરતાં. હવે એમને અંધારાની બીક નહોતી લાગતી. પોતાના અજવાળાની મદદથી શિકાર પણ સરળતાથી કરી શકતાં હતાં. ચોમાસાની ઋતુમાં તો બધાં સાથે મળી આખું ગામ ઝગમગાવી દેતા. માણસો એ સુંદર દૃશ્ય જોઈ ખુશ થઈ જતા. અડવાની આ શોધથી માણસોને પણ અડવા માટે માન હતું. હવે કોઈ અડવાને અડવો કહી ચીડવતું નથી. અડવાભાઈ હવે આગિયા તરીકે આખી દુનિયામાં ફેમસ છે. આગિયાભાઈ મળે તો એમની સાથે સેલ્ફી લેવાનું કોઈ ચૂકતા નથી. મેં પણ એમની સાથે સેલ્ફી લીધી છે. તમારે પણ એમની સાથે સેલ્ફી લેવી છે. તમારે પણ એમની સાથે સેલ્ફી લેવી છે ને ? તો, આગિયાભાઈ તમને મળે ત્યારે સેલ્ફી લેવાનું ચૂકતા નહીં, હોં ને !