ગુજરાતી બાળવાર્તા સંપદા/ઈશ્વરભાઈનું સ્કૂટરર

ઈશ્વરભાઈનું સ્કૂટર

હુંદરાજ બલવાણી

એક હતું સ્કૂટર. ઈશ્વરભાઈ તેના માલિક. તમે સાત અજાયબીઓ વિશે સાંભળ્યું છે ને ! ઈશ્વરભાઈનું સ્કૂટર પણ એક અજાયબી જેવું જ હતું. ઈશ્વરભાઈ તેને ‘ટિપટૉપ’ સ્થિતિમાં જ રાખતા. સ્કૂટરને નવડાવીને સ્વચ્છ કપડાથી લૂછીને એવું તો ચમકાવતા કે લોકોની આંખો પહોળી થઈ જતી ! વળી, સ્કૂટરની બંને બાજુએ મોટા મોટા અરીસા અને સ્કૂટરના અંગેઅંગ પર ચોડેલાં આધુનિક જમાનાનાં કેટલાંક સ્ટિકર તેને ‘અજાયબી’ બનાવવામાં પોતાનો ફાળો આપતાં. તે ઉપરાંત ‘હૉર્ન’નો સાવ જુદો અવાજ, સીટનો જુદો કલ૨ વગેરે એવી વસ્તુઓ હતી જે આ સ્કૂટરને બીજાં સ્કૂટરોથી અલગ પાડી દેતી. વળી, ઈશ્વરભાઈ ! એમની તો વાત જ ન પૂછો ! ઈશ્વરભાઈ જ્યારે તેના ૫૨ સવારી કરતા ત્યારે સ્કૂટર જાણે ઊડવા લાગતું. ઈશ્વરભાઈ હતા સેલ્સમૅન. એમનું કામ જ હતું શહે૨માં ફરવાનું. પોતાના કામ અર્થે તેઓ શહે૨માં ઘણી જગ્યાએ ફરતા. સ્કૂટર પણ આખો દિવસ શહેરમાં ફરીને ઢીલુંઢફ થઈ જતું. સ્કૂટર ક્યારેક વિચારતું, ‘આ ઈશ્વરભાઈ મને જ્યાં લઈ જાય છે ત્યાં જાઉં છું. જ્યાં ઊભું રાખે છે ત્યાં ઊભું રહું છું. મારી પોતાની મરજી મુજબ તો હું ક્યારેય વર્તી શકું નહિ. આ તે કેવી ગુલામી !’ પણ તે જ ઘડીએ તેને એવો પણ વિચાર આવતો કે છેવટે તો તે એક યંત્ર-ઘોડો છે. તેને હાડકાં નથી, માંસ નથી. હાડકાં અને માંસની જગ્યાએ તેના પેટમાં લોખંડના અવયવો છે, વાય૨ છે. પેટ્રોલ છે તેનું ભોજન. પેટ્રોલ અંદર જાય ત્યારે જ એ ચાલી શકે. જાતે તો કદીય નહીં. તેનો માલિક તેને ચલાવે તો જ એ ચાલી શકે - કોઈ યંત્રમાનવ કે રોબૉટની જેમ. પોતે પણ એ એક પ્રકા૨નો રોબૉટ જ છે ને ! તે પોતાની મરજીથી કશું પણ કરી શકતું નથી. આમ, સ્કૂટર હંમેશાં કાંઈક ને કાંઈક વિચારતું રહેતું. ક્યારેક એમ પણ વિચારતું કે ભગવાને તેને માણસનો અવતાર ન આપ્યો એ ભગવાનની કેવડી મોટી ભૂલ ગણાય ! બાકી તો તે માણસની જેમ દોડે છે. માણસની આજ્ઞાને અનુસરે છે. માણસ માટે ઘણાં કામ પણ કરે છે. તોપણ... પરંતુ એને એક વાતનો આનંદ થતો કે તે માણસની જેમ વિચારી શકે છે એ જ ઘણું છે. તેમ છતાં, એને ક્યારેક પોતાની જાત ઉપર આશ્ચર્ય પણ થતું કે તે માણસની જેમ વિચારી કેવી રીતે શકે છે ? તેની જેમ બીજાં સ્કૂટર પણ વિચારી શકતાં હશે ? એક દિવસ સવારના સમયે ઈશ્વરભાઈ પોતાના કામ અર્થે શહેરમાં જવા માટેની તૈયારી કરી રહ્યા હતા. બહાર જવા માટે એમણે સ્કૂટર તૈયા૨ કરી રાખ્યું હતું. તેઓ જમવા માટેનું ટિફિન લઈને બહાર નીકળ્યા. સ્કૂટરને ચાલુ કરવાની જ વા૨ હતી. સ્કૂટરમાં ચાવી ભરાવીને ‘કિક’ મા૨વા જતા હતા ત્યારે એમને અચાનક યાદ આવ્યું કે એમની ઘડિયાળ તો ફ્રીજ ઉપર રહી ગઈ છે તેથી તેઓ ઘડિયાળ લેવા અંદર દોડયા. તે જ ઘડીએ સ્કૂટરને વિચાર ઝબક્યો કે તે એની મેળે દોડી શકતું હોત તો ? અરે ! આ શું ? વિચારતાં જ સ્કૂટરની ચાવી એની મેળે ફરી ગઈ ! ‘કિક’ પણ એની મેળે લાગી ગઈ ! ગિયર પણ બદલાઈ ગયું. એક્સિલેટ૨ પણ એની મેળે ફરી ગયું ! પાણીના રેલાની જેમ સ્કૂટર દોડવા લાગ્યું. સ્કૂટરને પોતાને જ આશ્ચર્ય થવા લાગ્યું. એને થયું, આજે એનામાં પોતાની મેળે ચાલવાની શક્તિ કેવી રીતે આવી ગઈ છે ! સ્કૂટર જાણે ઊછળવા લાગ્યું. ઉત્સાહમાં આવીને કહેવા લાગ્યું, ‘આજે હું દોડીશ. મારી મરજીથી દોડીશ. આજે હું મારી મરજીનું માલિક છું. કોઈનું ગુલામ નથી. જ્યાં મન થશે ત્યાં જઈશ. જ્યાં મન થશે ત્યાં ઊભું રહીશ. હા... હા... હા... આજે હું મારા મનનો રાજા છું... મનનો રાજા... હા... હા.... હા...’ સડસડાટ કરતું સ્કૂટર તો દોડવા લાગ્યું. સૌથી પહેલાં સોસાયટીના ખાંચામાંથી તે બહાર આવ્યું. તે પછી રોડ પર આવ્યું. રોડ ૫૨ માણસો... બધાંનું ધ્યાન તેના તરફ ગયું. એક જણે કહ્યું, ‘અરે ! આ તો જુઓ ! માણસ વગર સ્કૂટર દોડી રહ્યું છે !’ બીજાએ કહ્યું, ‘અરે ! આના ઉપર તો ખરેખર કોઈ બેઠેલું નથી !’ ત્રીજાએ કહ્યું, ‘આને કોઈ ભૂત તો નહિ ચલાવતું હોય ને !’ આ રીતે માણસો સ્કૂટરને એકલું-એકલું દોડતું જોઈને નવાઈ પામી ગયા ! તેમની વાતો સાંભળીને સ્કૂટરને મજા આવી રહી હતી. તેને પોતાની જાત પર ગર્વ થવા લાગ્યો. એટલે ઉત્સાહમાં ને ઉત્સાહમાં તે વધુ ઝડપથી દોડવા લાગ્યું. જ્યાં જ્યાં જતું ત્યાં ત્યાં લોકો તેને આશ્ચર્યથી જોતા. કેટલાક લોકોને તો બીક પણ લાગવા લાગી. બાળકોને તો જાણે મજા આવી ગઈ. તેઓ સ્કૂટરની પાછળ દોડવા લાગ્યાં. કેટલાંક બીકણ બાળકો ‘ભૂત રે ભૂત’ની બૂમો પાડીને દૂર પણ ભાગવા લાગ્યાં. પણ સ્કૂટર તો કોઈની પરવા કર્યા વગ૨ દોડતું જ રહ્યું, દોડતું જ રહ્યું. ટ્રાફિકના નિયમોની પણ ચિંતા ન કરી ! દોડતું રહ્યું રસ્તા ૫૨. રસ્તો બરાબર છે કે નહિ તેની પણ ચિંતા ન કરી. જ્યાં ‘પ્રવેશ બંધ’નું બોર્ડ મારેલું હતું ત્યાં પણ એ ઘૂસી જવા માંડ્યું. આમ ને આમ ગયું આગળ. ત્યાં ચાર રસ્તા આવ્યા. ચાર રસ્તાની બાજુમાં લાલ, પીળી અને લીલી બત્તીવાળું સિગ્નલ હતું. લાલ લાઇટ થવાથી બધાં વાહનો અટકી જતાં હતાં પણ આ સ્કૂટર ! લાલ લાઇટ હોવા છતાં પણ મસ્તીથી દોડતું રહ્યું. લોકો આંખો ફાડીને જોતા રહ્યા. રસ્તા ૫૨ ઊભેલા પોલીસો વ્હિસલ મારતાં મારતાં તેની પાછળ પાછળ દોડ્યા પણ આ સ્કૂટર કોઈના હાથમાં આવે એવું નહોતું. આખા શહેરમાં આ સ્કૂટરે જાણે આતંક મચાવી દીધો. તેના લીધે કેટલાક લોકો ઘાયલ થયા તો કેટલાક મરતા મરતા બચી ગયા. હવે આ બાજુ ઈશ્વ૨ભાઈનું શું થયું ? ઈશ્વરભાઈ ઘડિયાળ લઈને પાછા આવ્યા ત્યારે જોયું તો સ્કૂટર તો ત્યાં હતું જ નહિ ! ઘરના લોકોને પૂછ્યું, પણ કોઈની પાસેથી સ્કૂટરની કોઈ માહિતી ન મળી. ત્યારે પાડોશમાં રહેતા પંકજભાઈ ઈશ્વરભાઈ પાસે આવ્યા અને પૂછ્યું, ‘શું શોધો છો ?’ ઈશ્વરભાઈએ જવાબ આપ્યો, ‘મારું સ્કૂટર.’ ‘તમારું સ્કૂટર તો ગયું !’ ‘ગયું ? ક્યાં ગયું ?’ ‘ઊડી ગયું.’ ‘ઊડી ગયું ? ભાઈ, સીધી રીતે બોલો ને કે ક્યાં ગયું ?’ ‘ક્યાં ગયું એ તો મને ખબર નથી પણ મેં તેને ચાલતું જરૂ૨ જોયું હતું.’ ‘મારું સ્કૂટર કોણ ચલાવતું હતું ?’ ‘કોઈ ચલાવતું ન હતું. પણ તમારું સ્કૂટર તો એની મેળે દોડવા માંડ્યું હતું !’ ‘એની મેળે ? તમે ભાઈસા’બ સીધી વાત ક૨વાને બદલે આમ ગોળગોળ વાતો કેમ કરો છો ? મારું સ્કૂટર કોઈ અહીંથી લઈ તો નથી ગયું ને ? કોઈ લઈ ગયું હોય તો મારે પોલીસમાં જઈને ફરિયાદ કરવી પડશે.’ ‘પોલીસમાં ફરિયાદ કરવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. તમારું સ્કૂટર કોઈ ચોરીને લઈ ગયું નથી. એ તો એની મેળે જ અહીંથી પલાયન થઈ ગયું !’ ઈશ્વરભાઈને માથું પકડવાનું મન થઈ રહ્યું હતું. ગુસ્સે થઈને બોલ્યા, ‘મને લાગે છે કે તમે શિવરાત્રિના દિવસે ભાંગ નહોતી પીધી તો એ આજે પીને આવ્યા છો !’ ‘અરે ભાઈ, ભાંગ પીધી હોત તોપણ આટલું આશ્ચર્ય ન થાત ! આજે તમારા સ્કૂટરને એની મેળે દોડતું જોઈને મારી તો આંખો જ પહોળી થઈ ગઈ હતી ! હું એકલો જ નહિ, જોનારા સૌ દિગ્મૂઢ થઈ ગયા છે !’ ઈશ્વરભાઈએ હાથ જોડીને કહ્યું, ‘ભાઈ, હવે સાફ સાફ કહો ને કે શું થયું છે ?’ ‘સાંભળો, હું આજે મારા ઘરેથી નીકળ્યો ત્યારે તમારા સ્કૂટરને અચાનક મેં એની મેળે ચાલતું જોયું.’ ‘ફરી એની એ જ વાત ! ગાંડા તો નથી થયા ને ? ક્યારેય સ્કૂટર એની મેળે ચાલતું હશે ! જુઓ, એની ચાવી પણ મારી પાસે છે.’ આમ કહીને ઈશ્વરભાઈએ પોતાનાં બધાં ખિસ્સાંમાં હાથ નાખી જોયું પણ ચાવી તો હતી જ નહિ ! ‘અરે ! મારી ચાવી ક્યાં ગઈ ?’ પછી અચાનક યાદ આવતાં બોલ્યા, ‘હા, ચાવી તો સ્કૂટરમાં જ હતી.’ ‘એટલે જ તો કહું છું કે તમારું સ્કૂટર એની મેળે ચાલીને અહીંથી જતું રહ્યું છે.’ પછી તો બીજા લોકોએ પણ ઈશ્વરભાઈને આ જ વાત કરી ત્યારે એમને થયું કે ‘આ લોકોની વાત સાચી તો લાગે છે.’ તેઓ વિચારમાં પડી ગયા.... ‘સ્કૂટર એની મેળે દોડવા માંડ્યું હશે તો તો શહેરમાં ધમાલ મચી ગઈ હશે. સ્કૂટરે ઘણા અકસ્માતો કરી દીધા હશે. સ્કૂટરે કરેલા અકસ્માતો માટે મને ગુનેગાર ઠરાવવામાં આવશે. મારે મારા સ્કૂટરને જલદીથી શોધી કાઢવું પડશે.’ ઈશ્વરભાઈ પછી તો નીકળ્યા સ્કૂટરની શોધમાં. એને ઘણી જગ્યાએ શોધ્યું પણ ક્યાંય તેનો પત્તો ન લાગ્યો. છેવટે પહોંચી ગયા પોલીસ સ્ટેશને. પોલીસે પૂછ્યું, ‘બોલો, શું કામ છે ?’ ‘મારું સ્કૂટર...’ ‘સ્કૂટર ચોરાઈ ગયું છે ?’ ‘ના સાહેબ, ચોરાયું નથી.’ ‘તો ટૉઇન્ગવાળા લઈ ગયા છે ?’ ‘ખોવાયું પણ નથી અને ટૉઇન્ગવાળા પણ લઈ નથી ગયા.’ ‘તો પછી તમારા સ્કૂટરને થયું શું છે ? સીધી વાત કરો ને !’ ‘મારું સ્કૂટર છે ને, એની મેળે જતું રહ્યું છે.’ ‘એની મેળે ? મગજ તો ઠેકાણે છે ને તમારું ?’ પોલીસ થોડા ગુસ્સે થયા. પછી જોરજોરથી હસવા લાગ્યા. ‘આપણા વિજ્ઞાને હવે એટલી પ્રગતિ કરી છે કે સ્કૂટરો પણ માણસની જેમ ચાલવા લાગ્યાં છે !’ ‘સાહેબ, હું સાચું કહું છું. એમાં જરાય અતિશયોક્તિ નથી. મારું સ્કૂટર એની મેળે જ જતું રહ્યું છે. મારા પાડોશીએ મને આ વાતની જાણ કરી છે. પહેલાં તો મને પણ આપની જેમ વિશ્વાસ નહોતો બેસતો, પણ બીજા લોકોએ પણ એ જ વાત કરી ત્યારે મને ખાતરી થઈ કે સ્કૂટર એની મેળે દોડવા માંડ્યું છે !’ પોલીસોને હજી ઈશ્વરભાઈની વાત ગળે ઊતરતી નહોતી. તેઓ ઈશ્વરભાઈની વાત બરાબર સમજે એ પહેલાં ટ્રાફિકવાળા બીજા પોલીસો એક પછી એક ત્યાં દોડતા આવ્યા. બધાએ શહે૨માં માણસ વગર ફરતા એક સ્કૂટરની વાત કરી ત્યારે બધાને થયું કે જરૂર કંઈક ગરબડ થઈ છે ! આ બાજુ સ્કૂટર તો શહેરની નાની-મોટી ગલીઓમાં ફરતું રહ્યું. માલિક વગર તેને મન ફાવે ત્યાં ફરવાની ઘણી મજા પડતી હતી ! જ્યાં ઇચ્છા થાય ત્યાં દોડી જતું હતું, જ્યાં ઇચ્છા થાય ત્યાં ઘૂસી જત હતું. ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી કરતું એ તો આ રીતે ફરતું રહ્યું. આ રીતે બિન્દાસ ફરતા રહેવાના કારણે એણે કેટલાંક વાહનોને રસ્તામાં જ પાડી દીધાં. કેટલાક લોકોને ઘાયલ કરી દીધા. સ્કૂટરને પોતાને પણ જ્યાં-ત્યાં ઘસરકા થયા. કેટલીક જગ્યાએ ગોબા પણ પડી ગયા. આમ ફરતું ફરતું તે જઈને એક દીવાલ સાથે અથડાયું અને નીચે પડી ગયું. નીચે પડતાં જ તે બેભાન થઈ ગયું. સ્કૂટરની આંખ ખૂલી ત્યારે એણે પોતાને તેના માલિક ઈશ્વરભાઈના ઘરની બહાર પડેલું જોયું. ગઈ કાલે તે જ્યાં બેભાન થઈ ગયું હતું ત્યાંથી તેને લાવીને ઈશ્વરભાઈના ઘરની બહાર મૂકવામાં આવ્યું હતું. તેનું શરીર ઘણું કદરૂપું થઈ ગયું હતું. આજે લોકો તેની તરફ ઇશારો કરીને કહી રહ્યા હતા, ‘જુઓ આ જ છે તે સ્કૂટર, જેના વિશે આજનાં છાપાંમાં સમાચા૨ છે. આ સ્કૂટરે તો ગઈ કાલે હદ કરી નાખી હતી. ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી કરીને કેટલા બધાને ઘાયલ કરી દીધા હતા !’ લોકોની વાત સાંભળીને સ્કૂટરને થયું, ગઈ કાલે મારાથી કેટલી મોટી ભૂલ થઈ ગઈ !’ તેને સાચા હૃદયથી પસ્તાવો થયો. એ પછી ક્યારેય એણે મન ફાવે એવું વર્તન કર્યું નહિ.