ગુજરાતી બાળવાર્તા સંપદા/એક હતી રૂપા
ઉષા ઉપાધ્યાય
એક હતી રૂપા. નાનકડી, પણ ભારે સાહસી. રૂપાને રોજ એના દાદાજી પરીની, રાક્ષસની, પરાક્રમી રાજકુમારની અને દયાળુ વનદેવતાની એવી જાતજાતની વાર્તાઓ કહે. અને એ બધી વાર્તાઓ સાંભળીને રૂપાને પણ પરીની જેમ આકાશમાં ઊડવાનું, રાજકુમારની જેમ જાદુઈ ઘોડા પર સવારી કરવાનું અને પ્રેમાળ વનદેવતાની સાથે દોસ્તી બાંધવાનું મન થઈ જાય. રૂપા જ્યાં રહેતી હતી એ ગામની ચારે બાજુ મો...ટું જંગલ પથરાયેલું હતું. રૂપા ઘણી વખત આ જંગલમાં એકલી એકલી ફૂલો વીણવા જતી. પણ રૂપા આમ એકલી એકલી જંગલમાં જાય તે તેની મમ્મીને જરાય નહોતું ગમતું. કેમ કે, જંગલમાં કંઈ એકલાં રંગબેરંગી ફૂલો જ અને પક્ષીઓ જ થોડાં હોય ? ત્યાં તો હાઉ હાઉ કરતા રીંછભાઈ પણ હોય અને ખાઉં ખાઉં કરતા વાઘમામા પણ હોય. એટલે રૂપાની મમ્મીએ તો ભઈ, રૂપાને જંગલમાં જવાની ચોખ્ખી ને ચટ ના જ ફરમાવી દીધેલી. પણ એમ જો માને તો તો એ રૂપા શેની ? એને તો ક્યાં કોઈનીયે બીક લાગતી હતી ? ઊલટું એને તો દાદાજીની વાર્તામાં આવતું હતું એમ જંગલનાં પ્રાણીઓ અને વનદેવતા સાથે દોસ્તી કરવાનું મન થતું હતું એટલે એ તો ઘણી વખત છાનીમાની આ જંગલમાં પહોંચી જતી. એક દિવસ બપોરે આ જ રીતે રૂપા જંગલમાં પહોંચી ગઈ ને પછી સાંજ સુધી રૂપાએ તો ઝાડની ડાળે હીંચકા ખાધા, કયા કયા માળામાં નવાં બચ્ચાંઓ આવ્યાં છે તે જોયું, કાચાં-પાકાં બોર અને આંબળાં ખાધાં ને પછી સાંજ થવા આવી એટલે રૂપા ઘર તરફ પાછી ફરી. જંગલની વાંકીચૂકી કેડી પર રૂપા રમતી કૂદતી જતી હતી. ત્યાં જ એનું ધ્યાન એક સુંદર મઝાના ફૂલ ઉપર ગયું. ફૂલ જરા ઊંચી ડાળીએ હતું એટલે રૂપાએ કૂદકો મારીને ડાળ નીચી નમાવી ધીમે રહીને ફૂલ તોડી લીધું. પણ એટલામાં તો એના હાથમાંથી પેલી ડાળી છટકી ગઈ અને જોરથી ઉપરની ડાળી સાથે અથડાઈ. આ ઉપરની ડાળીએ હતો એક મો...ટો મધપૂડો. છટકેલી ડાળ અથડાતાં જ મધપૂડો એકદમ હલબલી ગયો. રૂપા હજુ તો કંઈ સમજે એ પહેલાં જ પેલી ડાળીમાંથી ગણગણાટ કરતું મધમાખીઓનું ઝુંડ એકદમ બહાર ધસી આવ્યું. મધમાખીઓથી બચવા રૂપા તો એકદમ આંખ મીંચીને ભાગી. પછી તો આગળ રૂપા અને પાછળ મધમાખીઓ એમ જંગલની આડીઅવળી કેડીઓ ઉપર દોડાદોડી મચી ગઈ. કેટલીયે વારે રૂપાએ માંડ માંડ મધમાખીઓનો પીછો છોડાવ્યો. રૂપા બચી તો ગઈ, પણ આ દોડાદોડીમાં તે જંગલમાં ખૂબ દૂર સુધી જતી રહી હતી અને હવે તો સૂરજ પણ આથમી ગયો હતો. જંગલમાં બધે અંધારું ફેલાવા લાગ્યું હતું. રૂપાને હવે ચિંતા થવા માંડી કે, અંધારું ખૂબ થઈ જશે તો પછી એને રસ્તો કઈ રીતે જડશે ? અને જો એ ઘરે નહીં પહોંચે તો મમ્મીને કેટલી બધી ચિંતા થશે ? એટલે રૂપા તો જલદી જલદી જંગલની બહાર નીકળવા ચાલવા માંડી. એ તો બે ડગલાં ચાલે ને ચાર ડગલાં દોડે. એમ કેટલુંયે ચાલી. પણ જંગલનો છેડો જ આવતો નથી. ને ક્યાંથી આવે ? એ રસ્તો જ ભૂલી હતી. રૂપાએ ઊંચા ઊંચા ઝાડ ઉપર ચડીને પોતાનું ગામ કઈ બાજુ આવ્યું તે જોવાની મહેનત કરી. પણ આજુબાજુનાં વૃક્ષોની ટોચ પર બેઠેલા મોટી પાંખોવાળા સફેદ બગલાઓ સિવાય એને કંઈ જ દેખાતું નહોતું. અંતે થાકીને એ એક ઝાડ નીચે બેસી ગઈ. એને તો રહી રહીને મમ્મીના જ વિચાર આવતા હતા. ‘અરેરે... મારી મમ્મીને કેટલી બધી ચિંતા થતી હશે ? હું ઘરે નહીં પહોંચું તો એનું શું થશે ?’ આમ વિચારતાં વિચારતાં તો રૂપાની આંખમાંથી ટ...પ ટ...પ આંસુ પડવા માંડ્યાં. પણ જંગલમાં અંધારું થયા પછી એમ ને એમ કયાં સુધી બેસી રહેવાય ? રાત્રે તો બધાં હિંસક પ્રાણીઓ શિકારે નીકળે. એટલે અંતે, હિંમત રાખીને રૂપા એક મોટા બધા ઝાડ પર ચડીને બેસી ગઈ. રૂપા ખૂ...બ થાકી ગઈ હતી એટલે એને તો તરત જ ઊંઘ આવવા માંડી. પરંતુ આવી અંધારી રાત્રે ઘનઘોર જંગલમાં કંઈ થોડું જ નિરાંતે સૂઈ જવાય ? એટલે રૂપા તો મહામહેનતે ઊંઘને રોકી રાખે છે. અડધી રાત સુધી તો એ બરાબર સાવચેતી રાખીને જાગતી રહે છે અને ઝાડ નીચેથી પસાર થતાં પ્રાણીઓના અવાજ સાંભળ્યા કરે છે. પણ પછી ઊંઘ ક્યારે આવી ગઈ એની રૂપાને ખબર જ ન પડી. કેટલીય વાર પછી અચાનક દૂર દૂરથી વાઘની ત્રાડ આવી, અને રૂપા તો જાગી ગઈ. હા...ઉ...હા...ઉ કરતા વાઘમામા નજીક ને નજીક આવી રહ્યા હતા. ત્યાં બાજુની જ ડાળી પર કંઈક ખખડાટ થયો. રૂપાએ ચમકીને જોયું તો અંધારામાં બે તગતગતી આંખો એની સામે ટગર ટગર જોતી હતી. માણસની ગંધ પારખીને એક ભૂખ્યો ચિત્તો ત્યાં આવી ચડ્યો હતો. રૂપા સાંજે જમી પણ ન હતી અને ખૂબ થાકી ગઈ હતી છતાં ચિત્તાને જોયો એટલે તરત જ રૂપા તેનાથી બચવા માટે ચપળતાથી નીચેની ડાળી પર સરકી. ચિત્તો પણ તેની પાછળ પડ્યો. એ મોટા બધા ઝાડ પર રૂપા એક ડાળથી બીજી ડાળ પર છટકે છે ત્યાં તો ચિત્તો બરાબર લાગ જોઈને રૂપા ઉપર તરાપ મારે છે. રૂપાના મોંમાંથી ચીસ નીકળી જાય છે. ‘ઓ મા રે...’ અને તેના હાથમાંથી ડાળી છૂટી જાય છે. હાય... રે નીચે તો કદાચ વાઘમામા ઊભા હશે. હવે ?...હમણાં જ પોતે કાંટાકાંકરાવાળી જમીન ઉપર જોરથી પછડાશે એવું વિચારતી રૂપાની આંખો બીકથી બંધ થઈ ગઈ. પણ અરે ! આ શું ? નીચે પછડાવાને બદલે રૂપા તો કોઈકના હાથોમાં ઝિલાઈ ગઈ. ‘આ વળી કોણ હશે ?’ એમ વિચારી બીતાં બીતાં રૂપા ધીમેથી આંખો ખોલે છે. આંખો ખોલતાં જ એ તો નવાઈ પામી ગઈ. તેની ચારે બાજુ પ્રકાશ પથરાઈ ગયો હતો અને દેવદૂત જેવા કોઈ તેજસ્વી માણસે એને ઝીલી લીધી હતી. પહેલાં તો રૂપા ટગર... ટગર... એની સામું જોયા કરે છે. મરક મરક હસતો ચહેરો, ચમકતું કપાળ અને હેત નીતરતી સુંદર આંખો, રૂપાને થયું, ‘હોય ન હોય, પણ જરૂર આ તો વનદેવતા જ લાગે છે અને ચિત્તાના પંજામાંથી મને બચાવવા આવ્યા છે.’ આટલું સમજાતાં તો રૂપા એકદમ આનંદમાં આવી ગઈ અને પોતાના નાના નાના હાથ વનદેવતાને ગળે વીંટી ભેટી પડી. પછી તો વનદેવતાએ રૂપાને સરસ મઝાનું જમવાનું આપ્યું, મધમીઠું પાણી આપ્યું, જાતજાતની ભેટ આપી અને પછી સાચવીને રૂપાને એને ઘરે મૂકી ગયા. રૂપાની મમ્મી તો રૂપાને જોઈને રાજી રાજી થઈ ગઈ. પછી તો મમ્મીએ અને રૂપાએ ખાધું, પીધું ને રાજ કર્યું.