ગુજરાતી બાળવાર્તા સંપદા/ઝરમર અને ઝરણું
ભાવના હેમંત વકીલના
એક હતી નદી. બંને કિનારે ખળખળ વહેતી. તેને ત્યાં એક દીકરીનો જન્મ થયો. નદી ખૂબ ખુશ થઈ ગઈ. દીકરીનું નામ તેણે પાડ્યું ‘ઝરમર’. નદી ઝરમરને ખૂબ લાડ લડાવતી. સાથે ને સાથે ફરવા લઈ જતી. ઝરમરને પણ મમ્મી ખૂબ ગમતી. મમ્મી વિના તેને જરાય ન ગમતું. ‘કેમ છો નદીબહેન... કેમ છે તમારી ઝરમર...?’ એક દિવસ સૂરજદાદાએ નદીને પૂછ્યું. ‘સૂરજદાદા, માjr ઝરમર ખૂબ રૂપાળી છે, પણ તમારાં આકરાં કિરણો તેની ચામડી કાળી કરી દે છે.’ ‘નદીબહેન.... મારાં કિરણો આકરાં ન હોય તો તમારી અંદર રહેલા કચરામાં અનેક જીવડાં પાકે અને માનવી જ્યારે તમારું ગંદું પાણી પીએ, ત્યારે તેને બીમારી થાય.’ સૂરજદાદા હસતાં હસતાં આગળ વધી ગયા. ‘કેમ છો નદીબહેન...! તમારી ઝરમર મજામાં છે ને ?’ એક દિવસ વાદળભાઈએ નદીને પૂછ્યું, ‘વાદળભાઈ, મારી ઝરમર તો મજામાં છે, પણ સૂરજદાદા જ્યારે મારી ઝરમર પર આકરાં કિરણો વરસાવે, ત્યારે તમે મારી ઝરમરને છાયો કરી દેતા હો... તો સારું.’ ‘અરે નદીબહેન... આપણા સહુનું કામ છે માનવીનું કલ્યાણ કરવાનું. જો હું એક જ જગ્યાએ ઊભો રહી તમારી ઝરમરને છાંયડો કરું તો મારે બીજી નદીઓ ઉપર પાણી વરસાવવાનું હોય, તેનું શું ?’ અને વાદળભાઈ હસતાં હસતાં આગળ વધી ગયા. ‘મમ્મી, આજે મને ખૂબ થાક લાગ્યો છે. મારે આરામ કરવો છે.’ ઝરમરે તેની મમ્મીને કહ્યું. ‘ઝરમર બેટા... તું આ કિનારા પાસે બેસી જા. ઝાડની છાંયામાં આરામ કર. હું કામ પતાવીને આવું છું. કિનારાભાઈ, તમે મારી ઝરમરનું ધ્યાન રાખજો ? ઝાડભાઈ તમે મારી ઝરમરને છાંયો કરશો ?’ ‘નદીબહેન, હું તમારી ઝરમરનું ધ્યાન રાખીશ, પણ આ રીતે તો તમે લાડ કરી ઝરમરને બગાડી રહ્યાં છો. તેને મજબૂત બનાવો. તેને હિંમતભેર વહેવા દો, તેને આગળ વધવા દો.’ કિનારાએ કહ્યું. ‘નદીબહેન હું તમારી દીકરીને છાંયો જરૂર કરીશ, પણ તમે મારી ઉંમર તો જુઓ, આટલી મોટી ઉંમરે હું ટાઢ, તડકો અને વરસાદ સહન કરી શકું છું... તો ઝરમર તો નાની છે.’ ઝાડભાઈએ નદીબહેનને કહ્યું. નદીએ નીચે જોયું. તેણે જવાબ ન આપ્યો. મનમાં તો તે બધું જ સમજતી હતી, પરંતુ ઝરમર તેને ખૂબ વહાલી હતી, આમ ને આમ સમય પસાર થતો ગયો. એક દિવસ ઝરમરને કિનારા પાસે આરામ કરતાં છોડી, નદી આગળ ને આગળ વધી ગઈ. વિચારમાં ને વિચારમાં તે પાછા આવવાનો રસ્તો ભૂલી ગઈ. આગળ વધતાં તે દરિયામાં સમાઈ ગઈ. ઝરમરે સાંજ સુધી તેની માતાની રાહ જોઈ. સૂરજદાદા પોતાનું કામ પતાવી ઘરે પહોંચી ગયા હતા. પશુ-પક્ષીઓ તેના માળામાં જંપી ગયાં હતાં. કિનારો શાંત થઈ ગયો હતો. ઝાડનાં પાંદડાં હલતાં પણ ન હતાં. અંધકારના ઓળા ઊતરવા લાગ્યા હતા. ઝરમર પોતાની મમ્મીને યાદ કરી રડવા લાગી. રડતાં રડતાં તે થાકી ગઈ અને કિનારા ઉપર જ સૂઈ ગઈ. સવારમાં ઝરમર ઊઠી, પરંતુ તેનું બધું જ કામ મમ્મી જ કરતી હતી. નદી તેને હાથ પકડીને ચલાવતી હતી, તેને ગલીપચી કરી હસાવતી હતી, તેને પંપાળીને સુવરાવતી. ઝરમરે આસપાસ નજર કરી, દૂર દૂર સુધી નદી ક્યાંય ન હતી. હવે ઝરમર ડરવા લાગી. બધાં ગભરાઈને એક ખૂણામાં ભરાઈ ગઈ. ‘ઝરમર તું વહેવા માંડ.... !’ સૂરજદાદાએ કહ્યું. ‘ઝરમર... તું બીજી નદીઓ સાથે દોસ્તી કર...’ કિનારાએ કહ્યું. ‘ઝરમર... તું ડર નહીં.’ વાદળોએ કહ્યું. પરંતુ ઝરમર મૌન બની ગઈ હતી. તે કોઈની સાથે બોલતી નહીં. કોઈની સાથે હસતી નહીં. બસ, કિનારા પાસે બેસી રહેતી. ‘અરે...! આ કોણ અહીંથી ખસતું નથી...!’ એક દિવસ એક નાનું સરખું ઝરણું, વહેતું વહેતું આવ્યું અને ઝરમર સાથે વાત કરવા લાગ્યું. ઝરમર, ઝરણાને જોઈ રહી. તે ખૂબ નાનું હતું, છતાં કોઈનાથી ડરતું ન હતું. બધાની સાથે દોસ્તી કરતું, ખડખડાટ હસતું હતું. ‘તારું નામ શું છે ઝરણા...’ ‘મારું નામ કલરવ છે.’ ‘તારી મમ્મી ક્યાં છે...?’ ‘મેં તો મારી મમ્મીને જોઈ જ નથી.’ ‘તને ડર નથી લાગતો.’ ‘ડર... શા માટે લાગે... હું તો સારાં કામો જ કરું છું.’ કલરવ બહુ વાતો કરતું. ઝરણું અને ઝરમરની ભાઈબંધી પાકી થઈ. ઝરમરનો ડર ભગાડવા કલરવ પાણીમાં હાથ નાખી ઝરમરના મુખ ઉપર છાંટા ઉડાડતો. ઝરમર સ્હેજ હસી. તેણે કલરવના ચહેરા ઉપર છાલક મારી, પછી બંને ખૂબ હસ્યાં. હસી હસીને બેવડ વળી ગયાં. હવે ઝરમરનો ડર ભાંગી ગયો તે હિંમતવાળી બની ગઈ હતી. આજુબાજુ વહેતી નદીઓ ઝરમર, ઝરણાને ખડખડાટ હસતાં જોવા માટે ટોળે વળી ગઈ. સૂરજદાદા ઊભા રહી ઝરમરને હસતી જોઈ રહ્યા. વાદળની આંખમાંથી આંસુનું એક ટીપું ખરી પડ્યું. પશુપંખીઓ આનંદમાં આવી ગીતો ગાવા લાગ્યાં, રાતે કિનારાએ ઝરમરને પોતાની પાસે લપાઈને સુવરાવી દીધી. હવે ઝરમર રોજ કલરવની રાહ જોતી, બંને આગળ વહેતાં વહેતાં લોકોની તરસ છિપાવવા પાણી આપતાં. ‘કેમ ઝરમર, જીવવાની મજા આવે છે ને...!’ ‘કલરવ, મને તો ખબર જ નહીં કે જીવન આવું સુંદર હોય છે.’ ‘અને સારાં કર્મો કરનારને વળી ડર શાનો ?’ કલરવ ખુશ થઈ ગયું. ઝરમર અને ઝરણું બંને ગીત ગાવા લાગ્યાં.