ગુજરાતી બાળવાર્તા સંપદા/કદંબનું ઝાડ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
કદંબનું ઝાડ

કિશોર વ્યાસ

એક મોટું, લીલુછમ્મ ઘેઘૂર ઝાડ હતું. આ ઝાડ કદંબનું હતું. ચોમાસામાં તેને નાની ગોળ દડી જેવા, સફેદ-પીળા રંગના મુલાયમ ફૂલો ખિલે ફૂલોથી લથબથ કદંબના ઝાડની શોભા ત્યારે ખૂબ વધી જાય. એ ફૂલોની સુગંધ તો...! આ હ...હા..! ક્યાંય સુધી પહોંચે. કેટલાંય રસિકજીવોને ખેંચી લાવે

‘કદંબ કેરા ઝાડે ખીલે
મઘમઘમઘતાં ફૂલ !
સુંગધ એની ચારેબાજુ
ફેલાતી અમૂલ !’

કદંબનું આ સુંદર ઝાડ કોઈ નદી કિનારે નહીં, સરોવર પાળે, નહીં, બાગ-બગીચે કે મંદિર પરિસરમાંય નહીં, પરંતુ એક ઉજ્જડ વગડામાં હતું ! આ વગડામાં એક ઝૂંપડી. તેમાં રામાયણની શબરીમાં જેવા ભલા, ભોળા જોગીમા રહે. તેમના પતિદેવ જોગીબાપુ. થોડા વરસ પહેલાં દેવલોક ગયા. બાદ બાજુના ગામના લોકોએ જોગીમાને કહ્યું ‘હવે વગડામાં એકલા ન રહો. અહીં કોણ તમારા ખબર - અંતર પૂછશે ? ગામમાં રહેવા આવી જાઓ.’ જોગી મા સૌને કહે, ‘હું અહીં એકલી ક્યાં છું ? મારું-અમારું આ કદંબનું ઝાડ ! મારું - અમારું આ સંતાન !! એને હું ન છોડું. એને મૂકીને હું ક્યાંય ન જાઉં.’ જોગીમા ના આ જવાબની સામે ગામલોકો વળતો સવાલ મૂકે ‘જ્યારે ભૂખ્યા રહેશો તો ઝાડ કે તમને ખાવાનું થોડું દેશે ? માંદા પડશો તો ઝાડ કાંઈ તમારી સેવા થોડી કરશે ? એકલા મુંઝાશો તો ઝાડ કાંઈ હોકારો થોડો દેશે ??’ ગામલોકો વળીવળીને કહે,

‘કદંબનું આ ઝાડ મૂકો,
મૂરો વેરાન વગડો !
દૂર સુધી અહીં કોઈ ન આવે,
સૂનો આ મારગડો !’

જોગીમા તેનો સવાયો જવાબ દેતાં, કહે : ‘અરે, અહીં ફક્ત હું અને આ ઝાડ જ થોડા છીએ ? જુઓ, આ કાગડા, પોપટડાઓની ઊડાઊડ ! ખિસકોલાની દોડાદડ ! કાબરું અને ચકલીઓનું કલબલ ! કબૂતરાઓનું ઘૂ...ઘૂ ને હોલાઓનું હુ...હુ...! અરે ભૈ, એના ટાણે આવો તો મોરલાનું ટે...હુ...ક અને કોયલનું કૂ...હું...ય સાંભળવા મળે ! આ કીડી, મંકોડા, કાકીડા ને મધમાખ્યું ! ક્યારેક કો’ક બાળુડાં એની હઠે રમવા આવે તો ક્યારેક ? મારગડે થાકેલા કો’ક મુસાફર થોડીવાર ટાઢો છાંયો લેવા આવે.’ માડી, ઈ બધુંય સાચું જીવ-જનાવરને મુસીબત પડે તો માણસ તરત દોડે. પણ માણસને મુસીબત પડે તો આ મૂંગા જીવ જનાવર શું કરે ?’ ગામ લોકો જોગીમાને હકીકતથી વાકેફ કરતા. પરંતુ જોગીમા એમ કે હિંમત હારે એવા નહીં, વળી, કોઈની વાતમાં આવી જાય એવાય નહી. એને કુદરતનો ખોળો વધુ ગમતો એથી વિશેષ ખાસ તો વરસોથી ધરતીને ખોળે રોપેલું અને ઉછેરેલું પંપાળેલુ એવું કુદરતના રતનસમું આ કદંબનું ઝાડ....! તેના મૂળ, થડ, ડાળી, પાન, ફૂલ, છાંયો ! તેના રળિયામણા આશરે આવતા પંખીડાં ! તેની ઊડાઊડ અને કલશોર ! તેના માળા, ઈંડા, બચ્ચાઓની કિલકારી..! બસ, આ બધુ જ જોગીમાના રોમેરોમ રોપાઈ ગયેલ શ્વાસ - ઉવાસ બની ગયેલ. આ સૌની માતા અને એ સૌ એના સંતાન ! એ જ જોગીમાનું જીવતર. એ જ જોગીમાની દુનિયા ! હાલતાં ચાલતાં તે ગાય :

‘કદંબનું આ ઝાડ મારું,
છે એકે હજારા !
કહેવા હું જાઉં સૌને
પીટું ઢોલ - નગારાં !’

ગામલોકો ભલાં હતાં. એથી તો એ જોગીમાને સધિયારો દેતાં. સમજાવતા. પણ, જોગીમા એ જોગીમા ! એકના બે ન થયાં. વગડો, ઝૂપડી અને ખાસ તો કદંબના ઝાડને પકડી રાખ્યાં. ગામમાં રહેવા ન ગયાં. આમ, કદંબને વાવવાથી લઈ અત્યાર સુધી રાખેલી તેની ખેવનાએ કદંબનું ઝાડ ઘેઘૂર બનતું ગયું. વરસો ગયાં. છતાં લીલુછમ્મ ટકી રહ્યું. અચાનક એક દિવસ વગડામાં મોટા મોટાં વાહનોના આંટાફેરા ચાલું થયાં. સાથે ઉજળા કપડાં પહેરેલાં મોટાં માણસો ! છેક જોગીમાની ઝૂંપડી સુધી આવે. કદંબની ઘેઘૂરતાને નજરથી માપે. ફરતી બાજુ ચક્કર લગાવે. કંઈક ગણગણ કરીને નીકળી જાય. કંઈ પૂછે નહી. કંઈ બોલે નહી. આવું થોડા દિવસ ચાલ્યું. જોગીમાને ઉડતાં ઉડતાં સમાચાર મળ્યાં. એ આંટાફેરા કરનાર કોઈ બહુજ મોટી કંપનીના માણસો હતા. તેઓને આ વગડાને સમથળ બનાવી બહુ જ મોટું કા૨ખાનું બનાવવું હતું. પરંતુ પછી ઘણાં દિવસ સુધી કોઈ હલચનચલન થઈ. જોગીમાને ફરી સમાચાર મળ્યાં. જોગીમા સાંભળીને ગદગદિત થઈ ગયાં. તેણે ગામમાં સંદેશ મોકલાવ્યો. કહ્યું : ‘હું કાલે સૌને મળવા આવું છું.’ બીજા દિવસની સવાર થઈ. ત્યાં તો વારાફરતી ગામલોકો જ વગડામાં આવવા લાગ્યાં. ઢોલ-નગારાના તાલે. સુંદર શણગાર સજીને હરખાતાં હરખાતાં ગીતો ગાતાં ગાતાં ! ગોળ અને ધાણા લઈ. વીવિધ ઝાડના રોપા લઈ. પાણીનાં ટેન્કર લઈ. જોગીમાંની ઝૂંપડીએ જાણે મેળો ભરાયો. જોગીમા અચરજથી તેની ઝાંખી નજરે નજારો નિહાળી રહ્યાં. સહેજ બધીર થયેલાં કાનને અવાજની દિશામાં ફેરવતાં રહ્યાં. અચાનક જ સપરિવાર આવેલા ગામલોકોને જોતાં તેય હરખઘેલા બની ગયાં. જોગીમાએ ગામના મોભીના ઓવારણા લીધા. સાથે આવેલા બહેનોને અંતરના આશીષ દીધા બાળકોને આખેઆખા કદંબના વહાલ દીધા. સૌ વાતે વળગ્યાં. એક ગામવાસી કહે, ‘આ તમારા કદંબ પરિવારે જ વગડાને બચાવ્યો. ગામની જમીન, પાણી, હવાને બગડતાં અટકાવ્યાં.’ બીજા ગામવાસી કહે, ‘હા, જોગીમા ! રોજગારીના ભોગે અમારે કોઈ કુદરતી આફત નથી નોતરવી.’ ત્રીજા ગામવાસી કહે, ‘આ ઉજ્જડ વગડામાં તમારું આ ઘેઘૂર કદંબનું ઝાડ ! એ સાબિત કરે છે કે અહીં આવા ઝાડની વનરાજીની કેવી મોટી શક્યતાઓ રહેલી છે ! લીલીછમ આશાઓ ધરબાયેલી છે ! નિરાંતવી જિંદગી છે ! નહી કે કોઈ ધૂમાડો ઓકતી ફેક્ટરીની ! નહીં કે જમીનના તળને ઉલેચી લેતી મશીનરીની. નહી કે પંખીડાના કલરવને બદલે કાળો કકળાટ કરતાં યંત્રો અને વાહનોની લાંબી કતાર...!!’ ચોથા ગામવાસી કહે, ‘લાખ લાખ ઉપકાર કુદરતના અમને બધાંને સમયસર આ સમજણ આપી. વગડામાં તમારો અને તમારા કદંબ પરિવારનો હક્ક હિસ્સો રજૂ કર્યો. ધારદાર દલીલો કરી અને કદંબના સ્થાને કંપની બનતા અટકાવી.’ જોગીમા જેમ જેમ સાંભળતા ગયાં તેમ તેમ ભીતરથી કોળાતાં ગયાં. સજળ આંખો સૌની આભારી બની. જ્યાં હાથ જોડવા જાય ત્યાં બાળટોળી આવી કહે, ‘જોગીબા, ચાલો ! અમે ખાડા બનાવી દીધા. પહેલું ઝાડ તમારા હાથે જ રોપવાનું છે. બરાબર ને, ચુનીકાકા ! હકુદાદા ! જોરૂબાપુ ! ઉજી મા ! વાલી મા ! ૨મુકાકી...!!’ બધાનાં મુખેથી એક સાથે ‘હા’ નીકળી. જોતજોતમાં ઝૂંપડીની આસપાસ અને દૂર દૂર સુધી ! દરેકના હાથે બીજ રોપાયાં. છોડ-વેલ રોપાયાં. ક્યારા બન્યાં. આડશ બની. પાણી પવાયાં. નિયમિત પવાયાં. ત્રણેક વર્ષમાં તો વગડો, વગડો મટીને વિશાળ બગીચો બની ગયો. જાણે નાનું સરખું જંગલ જ જોઈલો ! રાત - દિવસ ગામનાં સૌ નાનાં મોટાંની અહી સતત અવરજવર થતી રહી. તહેવારોની ઉજવણી અહી થવા લાગી ધીમે ધીમે ગામ જાણે અહીં વસી ગયું હોય તેવું લાગતું. જોગીમા મનમાં મલકાય. હૈયે હરખાય. સ્વગત બોલે, ‘મારા વ્હાલીડાંઓ ! મને ગામમાં રહેવા લઈ જવી હતી ને ! પરંતુ તમે બધાં અહીં આવતા થયાં એ મને ગમ્યું. કુદરતના જતનનું તમારામાં થયેલું આ રોપણ મને એથીય વધું ગમ્યું.’ સામે છેડે ગામલોકો જોગીબાને યાદ અપાવે કહે ‘માડી, આ તમારા કદંબનો પ્રતાપ હો !મ્! એણે અમને અને ગામને સ્થંભતા બતાવ્યાં !’ આમ, વારંવાર સૌ જોગીમા અને કદંબના ઝાડના આદર સાથે ગુણગાન ગાય. સંતોષ, સુખ અને ધન્યતા અનુભવે. કહે :

‘કદંબ કુરા ઝાડે
મઘમઘમઘતાં ફૂલ !
વગડાને જંગલ બનાવે,
મૂલ તેનાં અમૂલ !’