ગુજરાતી બાળવાર્તા સંપદા/એકતાની શક્તિ
કિશોર વ્યાસ
સુંદરપુર નામનું એક ગામ હતું. આ ગામનું નામ સુંદર હતું બાકી આખા ગામામાં ગંદકી જ ગંદકી. ગામનું પાદર ગંદુ. શેરીઓ ગંદી. જ્યાં જુઓ ત્યાં કચરાનાં ઢગલાંને ઢગલાં. લોકો પોતાનું ઘર, આંગણું સાફ કરીને બધો કચરો શેરીમાં ફેંકી દે. પવન સાથે આ કચરો આખી શેરીમાં ઉડ્યા કરે. લોકો કચરો, એંઠવાડ, છાણ જેવો ઘરનો બધો કચરો ગામની શેરીમાં નાખે. શેરીનાં રખડતાં કૂતરા આ બધું ફંફોસીને ચારે તરફ ગંદકી ફેલાવે. લોકો ઘરનું ગંદું પાણી પણ શેરીમાં કાઢે. આ ગંદા પાણીનાં ખાબોચિયાં દુર્ગંધ ફેલાવે. માખી અને મચ્છરનો પણ પાર નહીં.
એવું લાગે જાણે,
ગંદી શેરીને, ગંદુ છે આખું ગામ,
નાકે રૂમાલ રાખી, નીકળે છે તમામ.
તો પણ ના કરવી ગમે, કોઈને છે સફાઈ,
ગામને ગંદુ કરવા, જાણે લાગી છે. હરીફાઈ.
આ ગામમાં એક ડોક્ટર અંકલ પણ રહેતા હતા. તેઓ દવાખાને આવતા બધા લોકોની સારવાર કરતાં. સાથે સાથે સ્વચ્છતા વિશે પણ લોકોને સમજાવતા. લોકો સાંભળે, પણ મારા એકલાથી શું થાય ? વિચારી કશું ના કરે. ડૉક્ટર અંકલનાં આંગણામાં સુંદર મજાનો બગીચો હતો. બધા બાળકો સાંજે બગીચામાં રમવા આવે. ડૉક્ટર અંકલને પણ બળકો બહુ ગમે. ડૉક્ટર અંકલને પણ બાળકો બહુ ગમે. ડૉક્ટર અંકલ બાળકોને ક્યારેક ક્યારેક વાર્તા પણ સંભળાવે, ડૉક્ટર અંબલ બાળકોને પર્યાવરણની જાગૃતિ, પર્યાવરણનું જીવનમાં મહત્વ, તેન સંભાળ, વૃક્ષારોપણ વગેરે વાતો સાંકળતી નવી નવી વાર્તાઓ સંભળાવે. ડૉક્ટર અંકલની વાતો સાંભળી અને ગામનાં બાળકો તો પર્યાવરણનું મહત્વ જાણતાં થઈ ગયાં હતાં. પરંતુ આ મોટાઓને કેમ સમજાવું આ વિચારતા ડૉક્ટર અંકલ તેના બગીચમાં ઉદાસ બેઠા હતા. સાંજે બાળકો રમવા આવ્યા ત્યારે ડૉક્ટર અંકલને ઉદાસ બેઠેલા જોઈને બધાં બાળકો ડૉક્ટર અંકલને ઘેરી વળ્યા અને પૂછવા લાગ્યાં, ‘અંકલ, અંકલ શું થયું ?’ ડૉક્ટર અંકલ કહે, ‘ગામમાં કેટલી ગંદકી છે ! મચ્છરોના ત્રાસથી ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા જેવા રોગોથી લોકો પીડાઈ રહ્યા છે. મેં આનાં માટે જાગૃતિ ફેલાવવા દિવાલ પર સૂત્રો અને ચિત્રો દોરાવ્યા છે. પણ લોકો ત્યાં પણ છાણાં થાપીને, થૂંકીને ગંદકી ફેલાવે છે. ગામના લોકોને કેટલું સમજાવું છું કે જ્યાં ત્યાં થૂંકો નહિ. પ્લાસ્ટિકનો વધારે ઉપયોગ કરવો નહીં. પાણીનો બગાડ કરવો નહિ પરંતુ લોકો સમજતાં જ નથી. હું એકલો થાકી ગયો છું.’ બધા બાળકો : ‘તમે એકલા નથી. એમ તમારી સાથે છીએ. બોલો, અંકલ ગામને સ્વચ્છ રાખવા માટે અમે તમને શું મદદ કરીએ ?’ ડૉક્ટર અંકલે બાળકોનો ઉત્સાહ જોઈને બધું સમજાવ્યું. બીજા દિવસે સૌ પોતપોતાના ઘરેથી સાવરણા, સૂપડી, તગારા, પાવડા વગેરે લઈને આવી ગયાં. બાળકોએ તો સાથે મળીને ગામની સફાઈ ચાલુ કરી દીધી. બધા સફાઈ કરતા જાય અને ગાતા જાય... ‘સાથે મળીને કરીશું કા, તો સુંદર થાશે બધાએ કામ. હસતા-ગાતા કરીશું કામ, તો ચપટી વગાડતા થાશે કામ.’ ત્યાં તો સામેની શેરીની સફાઈ કરતાં બીજા બાળકોએ લલકાર્યું, ‘હવે તો છે બસ એક જ કામ, ‘ગંદકી હટાવો’ એ પહેલું કામ. સ્વચ્છ ગામ એ સૌનું કામ, તંદુરસ્ત રહશે લોકો તમામ.’ બાળકોને જોઈને મોટાઓ પણ જોડાયાં. અને જોતજોતામાં તો આખું ગામ સરસ મજાનું ચોખ્ખું થઈ ગયું. સરપંચે પણ સૂકો અને ભીનો કચરો નાખવા માટે ઘરે ઘરે કચરાપેટી આપી દીધી. બાળકો પણ સૂકો કચરો વાદળી રંગની કચરાપેટીમાં અને ભીનો કચરો લીલા રંગની કચરાપેટીમાં નાખવો તે લોકોને સમજાવવાં લાગ્યાં. પછી તો ગામની એક જગ્યાએ બાળકોએ એક ઊંડો ખાડો ખોદ્યો. ગામના લોકો પોતાના ઘરનો કચરો હવે શેરીની જગ્યાએ આ ખાડામાં નાખવા લાગ્યાં. આ ખાડામાં એક થર માટીનું કરતાં અને એની ઉપર બીજું થર કચરાનું કરતાં. આમ થર ઉપર થર કરતાં ગયાં. એમાં થોડા અળસિયાં પણ નાખ્યાં. થોડા સમયમાં તેમાંથી તો સરસ મજાનું કુદરતી ખાતર તૈયાર થઈ ગયું ચોમાસું આવતા બધાએ સાથે મળીને ગામના રસ્તાની બંને બાજુએ, શાળામાં, સરકારી ઓફિસમાં, પાદરમાં અને ગામમાં જ્યાં ખાલી જગ્યા હોય ત્યાં વૃક્ષારોપણ કરવાનું નક્કી કર્યું. બાળકોએ વૃક્ષારોપણ માટે નર્સરીમાં જઈને લીમડો, વડ, પીપળો, ગુલમહોર, ગરમાળો, ઉમરો એમ વિવિધ પ્રકારના ઝાડનાં રોપ પસંદ કર્યાં. બધાં બાળકો ઘરેઘરે અને ગામની દુકાને દુકાને જઈને પ્લાસ્ટીકની બોટલો એકઠી કરતાં હતાં. તે બોટલો તેઓ નર્સરીમાં આવતાં, જેથી કુંડાનું ખર્ચ પણ બચી જતું હતું. સાથે સાથે ગામમાંથી પ્લાસ્ટિકનાં કચરાનો પણ નિકાલ થઈ જતો હતો ! ગામના બધા લોકોએ સાથે મળીને ખાડા ખોદીને ઠેરઠેર વૃક્ષારોપણ કર્યું. કચરામાંથી જે ખાતર બનાવ્યું હતું તે વાવેલાં છોડના કયારામાં નાખ્યું. બધાએ પોતાના વાવેલા વૃક્ષોને ઉછેરવાની જવાબદારી સ્વીકારી લીધી. થોડા સમયમાં તો ગામ લીલાછમ વૃક્ષોથી શોભતું થઈ ગયું. ગામ સ્વચ્છ થઈ જતા ગામમાં મચ્છર અને માખીનો ત્રાસ પણ ઓછો થઈ ગયો અને તેનાથી ફેલાતા રોગો પર બંધ થઈ ગયાં. સરપંચશ્રીએ પણ ગામમાં જો કોઈ જાહેરમાં થૂંકતું કે ગંદકી ફેલાવતું પકડાય તો તેને દંડ કરવાનું જાહેર કર્યું. આ નિયમથી લોકો સ્વયં જ સ્વચ્છતાનું ધ્યાન રાખવા લાગ્યાં. આ સુંદરપુર ગામની સુંદરતાની વાતો ચારોતરફ ફેલાવા લાગી. બીજા ગામનાં લોકો પણ પ્રેરણા લેવા માટે સુંદરપુરગામને જોવા માટે આવવા લાગ્યાં. એક સમયે ગંદકી માટે કુખ્યાત થયેલું ગામ આજે જ નામ પ્રમાણે સુંદર બની ગયું હતું. એક દિવસ કેટલાક સરકારી અધિકારીઓએ ઓચિંતા જ સુંદરપુર ગામની મુલાકાત લીધી. તેઓ ગામની સ્વચ્છતાથી ખૂબ જ પ્રભાવિત થયાં. ગામમાં તેમણે ગામના સરપંચ અને લોકોનાં ઈન્ટરવ્યૂ પણ લીધા. થોડા સમયમાં જ સરકાર તરફથી સુંદરપુર ગામને સૌથી સ્વચ્છ ગામનો એવોર્ડ મળ્યો. સરપંચશ્રીએ આ એવોર્ડ ડૉક્ટર અંકલ, ગામનાં બાળકો અને લોકોને અર્પિત કરતા કહ્યું, ‘આ સૌની મહેનતનું પરીણામ છે.’ ટીવી પર પણ સુંદરપુર ગામની સુંદર તસ્વીરો અને ગામનાં લોકોનાં ઈન્ટરવ્યૂ આવ્યાં. આ જોઈને સૌ તાળીઓ પાડી ખુશ થતાં થતાં ગાવાં લાગ્યાં. ‘સુંદરપુર છે. સુંદર ગામ, નામ જેવું જ સુંદર ગામ. ઝાડપાનથી હરિયાળું ગામ, સુંદરપુર છે. સુંદર ગામ. ત્યાં તો બીજા લોકો પણ સાથે જોડાયાં. ‘ચોખ્ખું ચણાક ને સુંદર ગામ, જોવા જેવું છે સુંદરપુર ગામ. એકલદોકલનું ના આ કામ, એકતાનું છે. આ પરિણામ. સરપંચશ્રીએ પણ સુંદરપુરને સૌથી સ્વચ્છ ગામ નો મળેલ એવોર્ડની ખુશીમાં સમૂહ ભોજનનું આયોજન કર્યું. ગામને સ્વચ્છ બનાવવાનો વિચાર આપવા બદલ બાળકોએ ગામનાં બગીચામાં જ ખીલેલા ફૂલોમાંથી ગુલદસ્તો બનાવ્યો. આ ગુલદસ્તો ડૉક્ટર અંકલને આપીને તેમનું સન્માન કર્યું. આજે તો ગામમાં જાણે ઉત્સવનો માહોલ જામ્યો હતો. બધાએ સાથે ભોજન કર્યું. બાળકો તો પાછા ફરીથી ગાવાં લાગ્યાં, ‘સુંદરપુર છે. સુંદર ગામ, નામ જેવું જ સુંદર ગામ. ઝાડપાનથી હરિયાળું ગામ, સુંદરપુર છે. સુંદર ગામ.’ ઉત્સાહથી ગામનાં બધાં જ લોકો સાથે ગાવાં લાગ્યાં.
‘સાથે રહીશું, સાથે જમીશું,
સાથે કરીશું ગામનાં કામ.
સંપીને સહુ સાથે રહીશું,
રોશન થાશે ગામનું નામ.