ગુજરાતી બાળવાર્તા સંપદા/કલ્લુની સેલ્ફી
પરબતકુમાર નાયી
એક હતો કાગડો. નામ એનું કલ્લુ અને એક હતો બગલો. એનું નામ બલ્લુ. બંને પાક્કા દોસ્તાર... પાક્કા એટલે પાક્કા. સાથે રમે, સાથે જમે અને ભણવા પણ સાથે જ જાય. કલ્લુને ભણવાનું ગમે નહીં, એટલે નવાં નવાં બહાનાં કાઢ્યા કરે નિશાળેથી રજા લેવાનાં... કલ્લુની મમ્મી બહુ ભોળી... કલ્લુનું બહાનું સાચું માની લે... પછી તો કલ્લુ અને બલ્લુ તળાવ કિનારે રમ્યા કરે... બલ્લુ નાની નાની માછલીઓ પકડી કલ્લુને આપે... કલ્લુને તો મજા પડી જાય. એક દિવસ કલ્લુ કાગડાના પપ્પાએ જંગલમાં મોબાઈલની દુકાન બનાવી. કલ્લુ તો ખુશમખુશ... બલ્લુ પણ ખુશ. રોજેરોજ નવા મોબાઈલ લાવી કલ્લુ અને બલ્લુ નિશાળમાં રોફ બતાવે, વટ પાડે અને એના દોસ્તો વચ્ચે બેસી ગપ્પાં હાંકે. હવે તો કલ્લુના દોસ્તાર પણ વધી ગયાં. કલ્લુ અને બલ્લુ વર્ગમાં છાના છાના ફોટા ફેસબુકમાં અપલોડ કર્યા કરે...! મોબાઈલ ફોન ઘણો વાપરવાથી કલ્લુને સેલ્ફીનો ચસ્કો લાગ્યો... જ્યારે જુઓ ત્યારે... બસ સેલ્ફીઓ પાડ્યા કરે... નિશાળમાં સેલ્ફી... આકાશમાં સેલ્ફી... ડુંગર ઉપર સેલ્ફી... નદી ઉપર સેલ્ફી... ઉડતાં ઉડતાં સેલ્ફી... ભણતાં ભણતાં સેલ્ફી... કલ્લુને એના પપ્પા સમજાવે... કલ્લુને એની મમ્મી સમજાવે... કલ્લુને એના સાહેબ સમજાવે... કલ્લુને બલ્લુ સમજાવે... પણ એ કોઈનું સાંભળે નહીં... કલ્લુ સેલ્ફી અને ખોટી બડાશ હાંકતો જાય... એક દિવસ બલ્લુ બગલાએ જન્મદિવસની પાર્ટી રાખી. નદી વચ્ચોવચ્ચ આવેલા ટાપુ ઉપર. કલ્લુ કાગડો તો ખુશ થઈ ગયો. પોતાના પાક્કા દોસ્તારનો જન્મદિવસ હતો એટલે એણે તો નવો લેટેસ્ટ મોબાઈલ દુકાનમાંથી લીધો. પાર્ટીમાં નવાં નવાં કપડાં પહેરી બધાં આવ્યાં હતાં... મોર આવ્યો... પોપટ આવ્યો... ચકલી આવી... કાબર આવી... કબુતર આવ્યું... કોયલ આવી... કલ્લુ અને બલ્લુ બંને નાચતા હતા... ગાતા હતા... એવામાં કલ્લુએ જોયું તો નાળીયેરીનું એક કોચલું નદીમાં તરતાં તરતાં આવતું હતું. કલ્લુ ખુશ થઈ ગયો. પોતાનો નવો મોબાઈલ લઈ ટપ દઈને કાચલામાં બેસી ગયો... કોચલાની હોડી બનાવી નાચતાં નાચતાં ગાવા લાગ્યો. ‘હું તો નદી વચ્ચે જઈશ અને સેલ્ફીઓ લઈશ હું તો કલ્લુ બિન્દાસ હું તો કેક મીઠી ખઈશ અને ગીત નવું ગઈશ હું તો કલ્લુ બિન્દાસ.’ કલ્લુ વટ પાડતો મોબાઈલ રમાતો પાણીમાં સરરરર.... સરરરર... તરતો હતો. ઘડીમાં એક પગ ઊંચો કરી સેલ્ફી લે... ઘડીમાં બીજો પગ ઊંચો કરી સેલ્ફી લે... ઘડીમાં ચાંચ નીચી કરી સેલ્ફી લે... ઘડીમાં ચાંચ ઊંચે કરી સેલ્ફી લે... ઘડીમાં પાંખ નીચે કરી સેલ્ફી લે... કલ્લુને એની મમ્મી સમજાવે... એના પપ્પા સમજાવે... કલ્લુને બલ્લુ સમજાવે તોય એ તો સેલ્ફી ખેંચ્યા કરે... અચાનક પવન વધ્યો... પગ ઊંચો કરતાં હોડીનું સંતુલન બગડ્યું. ડબાક... દઈને કોચલાની હોડી ઊંધી વળી ગઈ. કલ્લુની પાંખમાં... ચાંચમાં... પાણી ભરાઈ ગયું... મોબાઈલ નદીમાં પડી ગયો... કલ્લુ ગભરાઈને ‘બચાવો... બચાવો...’ની બૂમો પાડવા લાગ્યો. બલ્લુ બગલો સડસડાટ... તરતો... તરતો... આવ્યો અને કલ્લુને પીઠ ઉપર ઊંચકી પાર્ટીમાં લઈ આવ્યો. કાદવથી ખરડાયેલા કલ્લુની હાલત જોઈ પાર્ટીમાં આવેલા મહેમાન મોટે મોટેથી હસવા લાગ્યાં... કલ્લુ શરમાઈ ગયો. હવે કોઈ દિવસ આવી જોખમી સેલ્ફીઓ નહીં પાડવાનું એણે વચન આપ્યું. સૌ નાચતાં, કૂદતાં, ગાતાં પોતપોતાને ઘેર ગયાં.