ગુજરાતી બાળવાર્તા સંપદા/રોબોટની દુનિયા
બિરેન પટેલ
નીર શાળામાં ખૂબ સારી રીતે ભણે. અભ્યાસમાં એકાગ્ર અને આજ્ઞાંકિત, તેથી હંમેશા શાળામાં પ્રથમ આવે. વિજ્ઞાન તેનો પ્રિય વિષય. તેનો મિત્ર વીર પણ ભણવામાં ખૂબ હોશિયાર. થોડાં ધમાલિયા ખરા. નીર બધા જ વિષયની તૈયારી થઈ જાય બાદ તે વિજ્ઞાનના પ્રયોગોના અવનવાં પુસ્તકો વાંચતો. એમાંય રોબૉટ વિષયક માહિતી હોય તે પુસ્તક અવશ્ય વાંચે જ. તેના મિત્ર વીરને પણ રોબૉટ વિષયક માહિતીના પુસ્તકો વાંચવા ગમે. એક દિવસ શાળામાંથી બધા વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જવાનું આયોજન થયું. તેમાં આચાર્યશ્રીએ પ્રવાસના આયોજનની વિગતે વાત રજૂ કરી. બધા બાળકો તો ખૂબ જ ખુશ થઈ ગયા. નીરે જરાય ઉત્સાહ ના બતાવ્યો. આચાર્યશ્રીની નજર નીર પર પડી. તેમણે નીરને પ્રશ્ન કર્યો, ‘કેમ ભાઈ નીર ઉદાસ લાગો છો ? પ્રવાસના આયોજનમાં કોઈ ખામી છે ?’ નીર ધીમા સ્વરે બોલ્યો, ‘સર પ્રવાસ રોમાંચ અને જ્ઞાનસભર હોય તો મજા આવે ! જીવનભર યાદ રહે. માટે પ્રવાસના સ્થળ વિશે મારે વાત કરવી હતી.’ આચાર્યશ્રી કહે, ‘જરૂર નીર તું તારો મત જણાવી શકે છે.’ નીર કહે, ‘સર પ્રવાસની સાથે આપણા જ્ઞાનમાં પણ વધારો થાય એવા સ્થળે પ્રવાસ જઈએ તો કેવું ?’ આચાર્યશ્રી, ‘એ તો ખૂબ જ સરસ નીર. તારા ધ્યાનમાં છે કોઈ એવા પ્રવાસન સ્થળ ?’ નીર કહે, ‘હા સર. રોબૉટ બનાવતી એક કંપની અમદાવાદમાં શરૂ થઈ છે. ત્યાં અત્યંત આધુનિક પદ્ધતિથી રોબૉટ બનાવવામાં આવે છે. આપણે આ કંપનીની મુલાકાતનો પ્રવાસ ના કરી શકીએ ?’ આચાર્યશ્રી અને પ્રાર્થનાસભામાં ઉપસ્થિત સૌ શિક્ષકો એક બીજા સામે જોઈ રહ્યાં. પછી આચાર્યશ્રી બોલ્યા, ‘અરે વાહ, નીર ખૂબ જ સુંદર વિચાર છે. હું પ્રવાસ માટેની જરૂરી મંજૂરી મેળવી લઈ અને પ્રવાસ અંગેનું આગળનું આયોજન ગોઠવીને સૌને જાણ કરીશ.’ એક જ અઠવાડિયામાં રોબૉટ બનાવતી કંપનીમાં પ્રવાસ જવા માટેનું આયોજન થઈ ગયું. બધા બાળકોને રોબૉટ બનાવતી પ્રતિષ્ઠિત કંપનીની મુલાકાત માટે લઈ જવાયા. નીર અને તેના મિત્રો રોબૉટને ત્યાં બનતો જોઈને ખૂબ ખુશ થયા. અત્યંત આધુનિક પદ્ધતિથી તૈયાર થયેલા રોબૉટ, જેમાં ખાસ મેડિકલ સેવામાં, સૈન્ય સેવામાં, હોટલ સેવામાં અને ઘરકામમાં મદદ કરતાં વિવિધ રોબૉટના વિવિધ મોડેલ જોવાની મજા પડી. શાળાના આચાર્યશ્રીએ રોબૉટ બનાવતાં વૈજ્ઞાનિકોની ટીમ સાથે મુલાકાત કરાવી. વિદ્યાર્થીઓની રસ અને રૂચિ વિષયક તમામ પ્રશ્નોની ચર્ચા થઈ. નીર અને તેના મિત્ર વીરે વૈજ્ઞાનિકોની ટીમને પ્રશ્ન કર્યો, ‘રોબૉટ કેવી રીતે બનાવી શકાય ?’ વૈજ્ઞાનિકોએ વિગતે વિવિધ વિષયની માહિતી આપી. તેની વિવિધ નોંધ કરાવી. નીરે અને વીરે વિગતો નોંધી લીધી. ‘રોબૉટની દુનિયા’ જોઈ બાળકો ખુબ ખૂશ થઈ ગયા. શાળાના આચાર્યશ્રીએ કંપનીનો અને ત્યાં સેવા આપતા વૈજ્ઞાનિકોનો હૃદયથી આભાર માન્યો. નીર અને વીરને બંનેએ પહેલા વાંચેલા પુસ્તકો અને ઈન્ટરનેટની મદદથી એક રોબૉટ બનાવવાનું નક્કી કર્યું. થોડાં દિવસમાં બંને મિત્રોએ ભેગા મળી એક રોબૉટ બનાવ્યો. આ રોબૉટને નામ આપ્યું ‘વિની’ ! ‘વિની’ નીર અને વીરની આપેલી સૂચના મુજબ ‘સ્વચ્છતાનો પ્રહરી’ બન્યો. ‘વિની’ને ગંદકી બિલકુલ ગમે જ નહીં. ‘વિની’ ઘરમાં, શેરીમાં, ગામમાં, શાળાના વર્ગખંડ કે મેદાનમાં ક્યાંય કચરો પડેલો જુએ કે સાફ કરી દે. નીર અને વીરે એવો પ્રોગ્રામ એમાં ફિટ કર્યો કે, પ્લાસ્ટિકની કોથળીઓ, વન યુઝ બોટલ અલગથી ભેગા કરે. ભીનો કચરો શાકભાજીનો વેસ્ટ, ફળફળાદીની છાલ કે વધેલો ખોરાક એલગ એકઠો કરે. દવાખાનાને સંબંધિત કચરો તેમાં પાટા-પટ્ટી દવાવાળા કોટનના ટુકડા અને ઈન્જેક્શનની સોયો, આ બધું સાવચેતીથી ઉપાડી લેતો છે ને ? કમાલનો ‘વિની’ ! પછી તો શાળામાં વિજ્ઞાનમેળાનું આયોજન થયું. એમાં અનેક વિદ્યાર્થીઓએ રોબૉટના અવનવાં મોડેલ બનાવ્યા. નીર અને વીર પણ પોતાનો ‘વિની’ને લઈ આ સ્પર્ધામાં ઉપસ્થિત થયા. નિર્ણાયકોએ રોબૉટના વિવિધ મોડેલ જોયા. બધાં બાળકોનું કાર્ય સુંદર હતું. નિર્ણાયકો, મહેમાનો અને શાળાના આચાર્યશ્રી નીર અને વીરના રોબૉટ પાસે આવ્યા. જોતાં સાથે ‘વિની’ તેમને ગમી ગયો. નિર્ણાયકે તરત જ પ્રશ્ન કર્યો, ‘આ તમે જાતે જ બનાવ્યો છે ?’ ‘હા ! અમે જાતે જ બનાવ્યો છે.’ નીર-વીરે કહ્યું. ‘અદ્ભુત !’ નિર્ણાયકો ખુશ થઈ ગયા અને તેમને શાબાશી આપી. નીર-વીરના આનંદનો પાર ન રહ્યો. આચાર્યશ્રીએ સમાપન સમારોહમાં ઉપસ્થિત રહી જણાવ્યું કે, આજનાં આ વિજ્ઞાનમેળાને જોઈ લાગ્યું કે હું જાણે ‘રોબૉટની દુનિયા’માં આવી ગયો. આપણે થોડા દિવસ પહેલા કરેલો પ્રવાસ સાર્થક થયો. ખાસ તો નીરને અને આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન.