ગુજરાતી બાળવાર્તા સંપદા/કુરકુરિયાએ કળા કરી
જગતમિત્ર
એક હતું કુરકુરિયું. નાનું નાનું કુરકુરિયું. ખૂબ મજાનું કુરકુરિયું. ગોળમટોળ કુરકુરિયું. ગાભલા જેવું કુરકુરિયું. એવું હતું એક કુરકુરિયું. એ કુરકુરિયું એક વાર પડ્યું એકલું. એ કુરકુરિયાએ કર્યો વિચાર – ‘મારા દાદા ફરવા જાય ને હું કેમ નહીં ?’ મારા કાકા ફરવા જાય ને હું કેમ નહીં ? મારાં ફોઈબા ફરવા જાય ને હું કેમ નહીં ? ઘરનાં – ગામનાં બધાં ફરવા જાય ને હું કેમ નહીં ?’ ‘મને ના કોઈ રોકનાર. મને ના કોઈ ટોકનાર. તો ચાલને હું પણ ફરવા જાઉં.’ ને કુરકુરિયું ઊપડ્યું ફરવા. થોડે દૂર... હજી દૂર... ગયું દૂર ને દૂર. ગામ ગયું... પાદર ગયું, સીમ આવી ઊભી રહી. કુરકુરિયું તો આળોટ્યું; નાના ઝરણામાં નહાયું; બોર, ચીકુ, જામફળ ખાધાં; પેટ ભરીને પાણી પીધું. ખૂબ મજા આવી, ખૂબ મજા આવી. મજા કરી કરીને થાક્યું કુરકુરિયું. પછી એણે પાછા ફરવાનો કર્યો વિચાર. - અરે ! કઈ દિશામાંથી આવ્યું હતું હું ? કુરકુરિયાને કંઈ સૂઝતું નથી. કુરકુરિયું ગયું ગભરાઈ, મજા ચડી ગઈ અભરાઈ ! હવે શું થાય ? ટાંટિયા થરથર ધ્રૂજે, મનમાં કાંઈ ના સૂઝે ! એવામાં ભરતું ફાળ આવ્યું એક શિયાળ ! ભારેખમ શિયાળ, હટ્ટુકટ્ટુ શિયાળ. લબ્બ લબ્બ કરતું શિયાળ, ધબ્બ ધબ્બ કરતું શિયાળ. કુરકુરિયાએ જોયું શિયાળ; એના મનમાં પડી ગઈ ફાળ ! હવે શું થાય ? કેમ નસાય ? ક્યાં થઈ જવાય ? કેમ કરી પહોંચાય ? શિયાળભાઈએ ધારીને જોયું કુરકુરિયાને. ગાભલા જેવા કુરકુરિયાને ખાવાની કેવી મજા ! શિયાળના મોઢામાં આવ્યું પાણી, એ તો બોલ્યું મીઠી વાણી – ‘કુરકુરિયા, ઓ કુરકુરિયા ! વહાલા સુંદર કુરકુરિયા ! ક્યાંથી આવ્યું ? ક્યાં જાવું ? ભૂલું પડ્યું ? તો રાહ બતાવું. ચાલ મારી સંગાથે, મીઠાં મીઠાં ફળ આપું. સારાં સારાં કપડાં આપું. જે માગે તે આપું. ચાલ મારા ઘરે.’ કુરકુરિયાએ શિયાળની આંખોમાં જોયું. સહેજમાં એ સમજી ગયું. કુરકુરિયું તો ગયું કળી, બોલ્યું એ તો અદા કરી – ‘હું તો બસ ફરવા આવ્યું છું. હું ક્યાં કશું કામ કરવા આવ્યું છું ? હમણાં મારી પાછળ મારો ડાઘિયો દાદો આવશે, સાથે કાળિયો કાકો આવશે, બધ્ધું લાવલશ્કર પણ આવશે. રસ્તામાં પડી છે મરેલી ભેંસ. એને ખાવા સૌ રોકાયાં છે.’ શિયાળ મનમાં કરે વિચાર – ‘નાસો, નહીંતર મરશું ઠાર ! ભેંસને ખાશું ને મજા કરશું. આવડા અમથા સોપારીના કટકાને ખાવામાં શી મજા ? ક્યાંક જઈને સંતાઈ જાઉં. થોડી વાર પછી ભેંસને ખાવા જાઉં !’ પછી ત્યાંથી શિયાળ નાઠું. કુરકુરિયું પોતાનાં પગલાંને જોતું-સૂંઘતું જ્યાંથી આવ્યું હતું ત્યાં પહોંચી ગયું. એ તો માને ભેટી પડ્યું, દાદાના પગમાં આળોટી પડ્યું. કુરકુરિયાએ કળા કરી, મનમાં પુષ્કળ હામ ધરી. શિયાળની ના રાખી ખેર, કુરકુરિયું ઝટ આવ્યું ઘેર. ગયું ન એ સ્હેજેય ડરી, કુરકુરિયાએ કળા કરી !