ગુજરાતી બાળવાર્તા સંપદા/સો વર્ષ પછીની શાળા
હુંદરાજ બલવાણી
નિશાળ શરૂ થવાનું સંગીત વાગ્યું. બધા વિદ્યાર્થીઓ સંગીત સાંભળીને પોતપોતાના વર્ગમાં જવા લાગ્યા. કોઈ પણ વિદ્યાર્થીના હાથમાં દફતર નહોતું, કોઈ પુસ્તક નહોતું. દરેકના હાથમાં ફક્ત થોડાક કોરા કાગળ હતા. વર્ગમાં વિદ્યાર્થીઓ માટે ડેસ્ક નહોતાં. તેની જગ્યાએ રંગબેરંગી ખુરશીઓ હતી. વર્ગમાં કાળું પાટિયું નહોતું, ટેબલ નહોતું, શિક્ષક નહોતા. શિક્ષકની જગ્યાએ કબાટ જેટલું મોટું મશીન હતું, જેમાં ટીવીની જેમ એક પડદો હતો. મશીનની જમણી તથા ડાબી બાજુએ બે હાથ હતા. લેટરબૉક્સમાં લાંબું કાણું હોય છે તેવું કાણું મશીનમાં પણ દેખાતું હતું. અનેક રંગોની નાનીનાની લાઇટો પણ એ મશીનમાં હતી. સૌ એને ‘ટીચર મશીન’ કહેતા. વિદ્યાર્થીઓ ખુશખુશાલ દેખાતા હતા. બધાં એકબીજાની સાથે વાતો કરી રહ્યાં હતાં. “બિપ... બિપ... બિપ...” મશીનમાંથી અવાજ સંભળાયો. લીલા રંગની લાઇટ થઈ. સૌ સમજી ગયાં કે હવે શિક્ષણકાર્ય શરૂ થવાનું છે. ટીચર મશીન બોલવા લાગ્યું, “બિપ…બિપ…બિપ... વહાલાં બાળકો, ગુડ મોર્નિંગ...! વર્ગમાં આપ સૌનું સ્વાગત કરતાં મને આનંદ થાય છે. આપણે અહીં સ્કૂલમાં ભણવા આવ્યાં છીએ. તમારે જે શીખવાનું છે તે પડદા પર બતાવવામાં આવશે. તમારે સૌએ તે ધ્યાનથી જોવાનું છે. પડદા પર બધું શીખવ્યા પછી એ અંગેના પાંચ પ્રશ્નો તમને પૂછવામાં આવશે. તમારે સૌએ એ પાંચ પ્રશ્નોના જવાબ કાગળ પર લખીને તમારો કાગળ મારા લેટરબૉક્સ જેવા કાણામાં નાખવાનો છે. નંબર પ્રમાણે એકએક જણ આવીને એ કાગળ નાખશે. તમારા જવાબ તપાસાય ત્યાં સુધી દરેકે રાહ જોવી. જવાબો ચૅક થતાં જ દરેક જણનું રિઝલ્ટ પડદા પર આવશે. જેના વધારે જવાબો ખોટા હશે તેમને ઠપકો મળશે. જેના બધા જવાબો સાચા હશે તેમને શાબાશી મળશે. ઓ.કે.! તો કરીએ શરૂ આજનું શિક્ષણકાર્ય? બિપ…બિપ…બિપ...” બધા વિદ્યાર્થીઓ ટીચર મશીન તરફ ધ્યાનથી જોવા લાગ્યા. ટીચર મશીન ફરીથી બોલવા લાગ્યું, “બિપ..બિપ...બિપ... આજે આપણે વિજ્ઞાન શીખીશું. કાલે આપણે વિજ્ઞાનના અમુક નિયમો જાણ્યા હતા. હવે આગળ વધીએ… બિપ…બિપ બિપ...” ટીચર મશીનનું બોલવાનું બંધ થતાં જ પડદા ઉપર વિજ્ઞાન સંબંધી જાણકારી એક પછી એક આવવા લાગી. વચ્ચેવચ્ચે જરૂરી હતું ત્યાં ટીચર મશીન બોલીને સ્પષ્ટતા કરતું રહેતું હતું. વિદ્યાર્થીઓ ધ્યાનમગ્ન થઈ ગયા હતા. આમ વિજ્ઞાનનું શિક્ષણ ચાલુ રહ્યું. ખાસા એવા સમય પછી વિજ્ઞાનશિક્ષણનું કામ પૂરું થયું. ટીચર મશીન બોલ્યું, “બિપ…બિપ...બિપ… વિજ્ઞાનશિક્ષણનું કામ પૂરું થયું. હવે દરેક વિદ્યાર્થીએ પડદા પર દેખાતા પ્રશ્નોના જવાબ આપવાના છે. તો ઉપાડો તમારી પેન અને લખવા માંડો એક પછી એક દરેક પ્રશ્નનો જવાબ. પણ પ્લીઝ… નો કૉપી બિપ…બિપ...બિપ…” ટીચર મશીનના પડદા ઉપર એક પછી એક એમ પ્રશ્નો આવવા લાગ્યા. વિદ્યાર્થીઓ દરેક પ્રશ્નનો જવાબ લખવામાં લાગી ગયા. પાંચેય પ્રશ્નો પૂરા થયા ત્યારે ટીચર મશીને સૂચના આપી, “બિપ….બિપ….બિપ… હવે તમારા નંબર પ્રમાણે એક પછી એક વિદ્યાર્થી અહીં આવશે અને પોતે લખેલા જવાબો ચકાસાવશે.” મારિયાનો નંબર પહેલો હતો. તે ઊભી થઈ. જવાબોનો કાગળ ટીચર મશીનને સુપરત કર્યો. પછી રાહ જોવા લાગી. પડદા પર પરિણામ આવ્યું, “વેરી ગુડ… પાંચેય જવાબો બિલકુલ સાચા… અભિનંદન...” તે પછી બીજા નંબરનો સ્ટેનલી ઊભો થયો. એણે ટીચર મશીનને પોતાના જવાબો સુપરત કર્યા. પછી રાહ જોવા લાગ્યો. અમુક સમય પછી પડદા પર પરિણામ જાહેર થયું, “ત્રણ જવાબો ખોટા... બે જવાબ સાચા... મહેનત કરો… ધ્યાનથી ભણો...” પછી પ્રિયાંકનો વારો આવ્યો. તેના પાંચેપાંચ જવાબો ખોટા પડ્યા. ટીચર મશીન ખૂબ નારાજ થયું, “વેરી બૅડ… તમારું ધ્યાન ક્યાં હતું? ઊંઘતા હતા?” આ વાંચીને બધા વિદ્યાર્થીઓ હસવા માંડ્યા. પ્રિયાંકનું મોં પડી ગયું. આ રીતે શાહનાઝ, કરીના, શિર્લી, પુનિત, અંકિત, શુચિતા તથા અન્ય વિદ્યાર્થીઓના જવાબોની ચકાસણીનું કામ ટીચર મશીને કર્યું. એને સહેજ પણ થાક ન લાગ્યો. પણ એ દિવસે મોટા ભાગના વિદ્યાર્થીઓના જવાબો ખોટા પડ્યા હતા એટલે બધા ચિંતામાં હતા. રિસેસ પડવાનું સંગીત વાગ્યું. વિદ્યાર્થીઓ બહાર જવા લાગ્યા. બહાર વિદ્યાર્થીઓ ભેગા થઈને વાતો કરી રહ્યા હતા. પુનિતે કહ્યું, “આજે બધાંના જવાબો ખોટા પડવાનું કારણ શું? તેનો અર્થ કે આપણને વિજ્ઞાન બરાબર નથી આવડતું?” પ્રિયાંકે કહ્યું, “મેં તો ટીચર મશીને જે સમજાવ્યું તે ધ્યાનથી સાંભળ્યું હતું, વાંચ્યું હતું તેમ છતાં મારા જવાબો ખોટા પડ્યા તેની મને નવાઈ લાગે છે.” અંકિતે કહ્યું, “નવાઈ તો મને પણ લાગે છે.” પુનિતે કહ્યું, “એવું તો નથી ને કે ટીચર મશીનમાં જ કંઈ ખામી હોય?” “એ પણ હોઈ શકે. આખરે તો એ મશીન છે ને!” “તો શું કરવું?” “કોને ફરિયાદ કરવી?” “આપણે તેના ઇજનેરને વાત કરીએ.” બધાં ટીચર મશીનના ઇજનેર પાસે ગયાં. ટીચર મશીનમાં થયેલી ખામી અંગે તેમનું ધ્યાન દોર્યું. ઇજનેરે મશીન તપાસ્યું. મશીનમાં ખરે જ ખામી હતી. એણે મશીનને સમું કર્યું. સૌથી પહેલાં પ્રિયાંકે આપેલા જવાબો ફરીથી ચકાસવામાં આવ્યા. આ વખતે તેના બધા જવાબો સાચા પડ્યા. પુનિત કહે, “આપણું આ ટીચર મશીન પણ ખરું છે!” શુચિતા કહે, “તેમાં કશીક ખામી આવે તો તેનાં માઠાં ફળ આપણે ભોગવવાં પડે!” શિર્લી કહે, “ટીચર મશીનમાં ખામી હોય તો આપણે સાચા હોવા છતાં ખોટાં પડીએ!” શાહનાઝ કહે, “ટીચર મશીનમાં કંઈ બગાડો થાય તો આપણા જવાબો ખોટા હોય તોપણ સાચા મળે!” પુનિત કહે, “મશીન એટલે મશીન. એને ઠપકોય ન અપાય અને એ સૉરી પણ ન કહે.” શુચિતાએ કહ્યું, “એના કરતાં તો જૂના સમયમાં માણસો ટીચર તરીકે કામ કરતા હતા તે ઘણું સારું હતું.” શુચિતાની વાત સાંભળીને બધાં ચમક્યાં. બધાંએ આ અંગે ક્યારેય સાંભળ્યું નહોતું તેથી સૌને આશ્ચર્ય થયું. શિર્લીએ પૂછ્યું, “માણસો અને ટીચર? હોય નહીં. શું માણસ ટીચર પણ હોઈ શકે?” પુનિતે જવાબ આપ્યો, “હા, મેં પણ સાંભળ્યું છે કે જૂના જમાનામાં એવું જ હતું. સ્કૂલમાં માણસો જ વિદ્યાર્થીઓને બધું શીખવતા.” પ્રિયાંકે પૂછ્યું, “એ માણસોને આપણા ટીચર મશીન જેવું મગજ હતું?” પુનિતે જવાબ આપ્યો, “બલકે તેનાથી પણ વધારે સારું મગજ હતું. આપણા ટીચર મશીનને બનાવનાર તથા સમું કરનાર પણ માણસ જ છે ને!” “અરે હા!” “તે તો આપણા ખ્યાલ બહાર જ રહ્યું!” બધા વિદ્યાર્થીઓ એમના જમાના સાથે જૂના જમાનાની સરખામણી કરવા લાગ્યા. “મેં સાંભળ્યું છે કે માણસો તો વિદ્યાર્થીઓને પ્રેમથી ભણાવતા હતા.” “એમની સારી સારી વાતો શિખવાડતા.” “સારી સારી અને ઉપયોગી વાતો તો ટીચર મશીન પણ શિખવાડે છે.” “પણ એમાં મજા ક્યાં આવે છે!” “માણસો તો વિદ્યાર્થીઓને રમાડતા પણ હતા.” “હવે આપણે રૂમમાં જ બેઠાંબેઠાં રમીએ છીએ.” “ટીચર મશીનનું નામ જ મશીન છે. એ મશીનની જેમ નક્કી થયેલ કામ જ કરે છે.” “ટીચર મશીનમાં ભૂલ તો આપણો ડબ્બો ગૂલ!” “ટીચર મશીનમાં ખામી તો આપણી વાત નકામી.” પ્રિયાંકે નિસાસો નાખતાં કહ્યું, “આપણે બધાં એ જમાનામાં જન્મ્યાં હોત તો કેવું સારું થાત!” પુનિતે પણ કહ્યું, “હા, આપણે એ જમાનામાં જન્મ્યાં હોત તો મજા આવત. મશીનના બદલે શિક્ષક આપણને ભણાવે, વહાલ કરે, ન સમજાય તો ફરી સમજાવે, સૌને શાબાશી આપે, ક્યારેક મીઠો ઠપકો પણ આપે. આપણે નથી જોઈતું આ ટીચર મશીન!”