ગુજરાતી બાળવાર્તા સંપદા/કોણ જીતી ગયું શરત ?
માલિની શાસ્ત્રી
એક મોટું જંગલ હતું. આ જંગલની વચ્ચેથી રેલવેના પાટા ઉપરથી રોજ એક માલગાડી પસાર થતી હતી. એક દિવસ એક શિયાળ આમતેમ ફરતાં ફરતાં આ પાટા પાસે આવી પહોંચ્યું. તે જ સમયે રેલવે પાટા ઉપરથી ભકછૂક ભકછૂક કરતી એક માલગાડી પસાર થઈ. શિયાળને તો આ માલગાડી પસાર થતી જોવાની મઝા પડી ગઈ. આ શિયાળભાઈ હવે તો ભકછૂક ભકછૂક કરતી માલગાડીને જોવા રોજે તે સમયે આવવા લાગ્યું. આ ગાડીના મોટા ભાગના ડબ્બાઓ ચારેય બાજુથી બંધ રહેતા, પણ કેટલાક ડબ્બાઓ ઉપરથી ખુલ્લા રહેતા. શિયાળ વિચારવા લાગ્યું, ‘આ લાંબી ગાડી ક્યાં જતી હશે ? મારે આ ગાડીમાં બેસીને જુદાં જુદાં જંગલો જોવાં છે. પ...ણ ચાલતી ગાડીમાં ચઢવું કઈ રીતે ? જો આ ગાડી અહીં થોભી જાય તો હું તરત ચઢી જાઉં. પછી તો મઝા જ મઝા. બધાં જંગલોમાં લીલાલહેર કરું ! પ....ણ, આખી દુનિયાનાં જંગલો ક્યાં હશે એ તો ખબર નથી. તો પછી જંગલ ના હોય તો શિકાર મળે જ નહીં ને. ના, બાપલા ના. મારે તો હું ભલું, મારું આ જંગલ ભલું ને મારો શિકાર ભલો. રોજ આ ગાડીને દોડતી જોવાની જ મઝા છે.’ એક દિવસ શિયાળ એ જ જગ્યાએ પાછું આવ્યું. ત્યાં એક નાનું મંદિર હતું. તેની પાસે બેસી ગયું. જેવી ગાડી આવી તો તે ગાડી સાથે દોડવા લાગ્યું. દોડવાની મઝા લેવા જ. પછી એને વિચાર આવ્યો, મારે રોજ છલાંગ લગાવી ચાલુ ગાડીએ ખુલ્લા ડબ્બામાં બેસી જવું અને જંગલનો છેડો આવે તે પહેલાં જ ડબ્બામાંથી છલાંગ લગાવી નીચે કૂદકો મારીને જંગલ તરફ આળોટવા માંડવું. અહાહાહા... સેરસપાટા કરવાની કેવી મઝા આવશે ! આમ શિયાળ રોજ પેલા નાના મંદિર પાસે જઈ બેસી જતું. રોજના સમયે જેવી માલગાડી જંગલમાં પ્રવેશી ભકછૂક ભકછૂક કરતી આવે કે શિયાળ ઊભું થઈ માલગાડીની સાથે ને સાથે દોડવા માંડતું. એક દિવસ કેટલાંક પ્રાણીઓ જેવાં કે સસલાં, હરણાં, વાંદરાં તથા હાથી ભેગાં થઈ આમતેમ ફરતાં ફરતાં પેલા મંદિર પાસે આવી પહોંચ્યાં. ત્યાં શિયાળને બેઠેલું જોયું. તેને જોઈ સસલું બોલ્યું, ‘અરે, આ શિયાળ અહીં બેસી શું કરતું હશે ? નક્કી આ મંદિરમાં દર્શન કરવા આવતુ હશે.’ આ સાંભળી વાંદરું ખડ ખડ હસતાં બોલ્યું, ‘અલ્યા સસલા, તું બહુ ભોળું છે. આ શિયાળ અને મંદિરમાં દર્શન !! રામ રામ કરો. અરે, આ મંદિરમાં જો કોઈએ દીવો પ્રગટાવ્યો હોય, તો શિયાળ છે ને એ ફૂંક મારી દીવો ઓલવી, તેમાનું ઘી ચાટી જાય.’ હાથીભાઈ બોલ્યા, ‘એટલે તો તેને બધાં લુચ્ચું કહે છે.’ આ બધી ચહલપહલ સાંભળીને શિયાળ ઊભું થઈને આ બધાં પ્રાણીઓ પાસે આવીને બોલ્યું, ‘એય, તમે બધાં અહીં કેમ આવ્યાં છો ? ચાલો, અહીંથી જતાં રહો. શું મારી જાસૂસી કરો છો ? નીકળો અહીંથી, નહીંતર...’ એને અટકાવતાં હાથીભાઈ બોલ્યા, ‘અલ્યા એય શિયાળ, તારે શું ? અમે ગમે ત્યાં ફરીએ. જંગલ આપણાં બધાંનું છે. કંઈ તારા એકલાનું નથી, સમજ્યો ?’ શિયાળ કંઈ બોલ્યું નહીં. એ પોતાની ટેવ પ્રમાણે મંદિર પાસે જઈ બેઠું. પછી પેલાં બધાં પ્રાણીઓ અલકમલકની વાતો કરતાં કરતાં ત્યાંથી જતા રહ્યાં. થોડી વારમાં ભકછૂક ભકછૂક માલગાડી આવી. રોજની ટેવ પ્રમાણે શિયાળે ગાડી સાથે દોડમદોડા કરી મૂકી. જંગલમાંથી પસાર થતી વખતે પ્રાણીઓ ચગદાઈ ના જાય તે માટે આ ગાડીની ઝડપ જાણી જોઈને ઓછી રાખવામાં આવતી. ઘણા દિવસો આ પ્રમાણે ગાડી સાથે દોડવાથી શિયાળે અંદાજ લગાવી દીધો કે ક્યાં અને કેવી રીતે છલાંગ મારવી અને કયા ડબ્બામાંથી બહાર છલાંગ મારીને જંગલમાં નીચે આળોટી પડવું. આમ કરવામાં ઘણી વાર એનું આખું શરીર છોલાઈ જતું. ઘણી વાર ચાલુ ગાડીએ છલાંગ મારતાં તે ડબ્બા સાથે અથડાઈને નીચે પછડાતું, પણ તેને તો જાણે ગાડીમાં બેસવાનું ઘેલું લાગ્યું હતું. આમ સફળતાપૂર્વક છલાંગ લગાવી ડબ્બામાં અવતાજતા એને બરાબર આવડી ગયું, ત્યારે તે પોતાની પૂંછડી ઝાલીને મસ્ત નાચ્યું. એક દિવસ શિયાળને તુક્કો સૂઝ્યો. તે વિચારવા લાગ્યું કે આ જંગલમાં હરણ જેટલું ઝડપી આટલામાંથી કોઈ દોડી શકતું નથી. હું પણ નહીં, પણ જો આ માલગાડીમાં હું બેસું તો કોઈ એક ઠેકાણે હરણ કરતાં હું જલદી પહોંચી જઉં તે નક્કી. તો... હું હવે મારી ને હરણની વચ્ચે દોડવાની હરીફાઈ રાખું તો કેવું ? ચપટી વગાડતાંકને શિયાળ ઊઠ્યું ને પોતાની પૂંછડી પકડી નાચતું નાચતું જંગલ ભણી દોડી ગયું. એક ઝાડ નીચે નાનાં પ્રાણીઓ અલકમલકની વાતો કરતાં ઊભાં હતાં. ત્યાં જઈ એ બોલ્યું, ‘અલ્યા હરણ, આપણા બંનેની વચ્ચે દોડવાની શરત લગાવવી છે ?’ બધાં પ્રાણીઓ આ સાંભળી આભાં જ બની ગયાં. ત્યાં જ હાથી બોલ્યો, ‘રહેવા દે ને અલ્યા શિયાળ ! આ હરણ જોડે તું દોડીશ ? તારી દોડવાની ઝડપ ક્યાં ને હરણની ઝડપ ક્યાં !’ પણ હરણ કહે, ‘હા, હા, શિયાળભાઈ, ચાલો હું તૈયાર છું.’ બીજે દિવસે શિયાળે ઘણાં બધાં પ્રાણીઓને એકઠાં કર્યાં. શરતની વિગતો આપતાં તે બોલ્યું, ‘આ દોડવાની સ્પર્ધા મારી અને હરણ વચ્ચે છે. દોડતી વખતે અમારે બંનેએ ફાવે તે રસ્તે દોડીને જંગલને અડીને પેલું ગુલમહોરનું ઝાડ છે, ત્યાં પહોંચી જવાનું રહેશે. અહીં બરાબર આ જગ્યાએ વાંદરાભાઈ ઊભા રહેશે, અને જંગલને સામેને છેડે સસલું અને હાથીભાઈ ઊભાં રહેશે. જો હરણ, તું શરત જીતીશ તો તારે માટે લીલું લીલું ઘાસ જ્યાં વિપુલ પ્રમાણમાં ઊગ્યું હશે, તે શોધી આપવાની જવાબદારી મારી... પણ જો હું શરત જીતી જઉં તો તારે રોજે એક શિકાર શોધી એને મારી પાસે લઈ આવવાનો. એ જવાબદારી તારી. બોલ હરણ મંજૂર ?’ આ સાંભળી હાથીભાઈ બોલ્યા, ‘હા, હા, જાણે રોજેરોજ તું નવો નવો શિકાર કરી ખાતો હશે કેમ ?’ વાંદરું બોલ્યું, ‘અરે હાથીભાઈ, આ શિયાળ છે ને જ્યારે આપણા વનરાજને કોઈ મોટો શિકાર મળે છે, ત્યારે સિંહ એ શિકાર ખાઈ લે પછી જે બચ્યું કૂચ્યું રહે છે તે આ શિયાળ ખાય છે. કેમ ખરું ને શિયાળ, કેમ બોલતું નથી હેં...’ ‘એ જે હોય તે, પણ મારી શરત હરણે મંજૂર રાખવી જ પડશે. સાંભળ્યું હરણ ?’ શિયાળ હરણ સામે જોઈ બોલ્યું, હરણ બોલ્યું, ‘મંજૂર.’ વાંદરાને થોડી શંકા થઈ. એણે વિચાર્યું, ‘આમાં તો આ લુચ્ચા શિયાળની કોઈ કપટબાજી તો નહીં હોય ને !’ ત્યાં તો શિયાળ આગળ બોલ્યું, ‘જુઓ, આ ઝાડની ડાળીએ પોપટ બેઠો છે. તે એક, બે, ને ત્રણ બોલે કે તરત જ અમારે બેય જણાએ દોડવા માંડવાનું. આખે રસ્તે વચમાં કોઈ પ્રાણીએ ઊભા નહીં રહેવાનું. બોલ હરણ, સમજી ગયું ને ?’ હરણે હા પાડી. નક્કી થયા પ્રમાણે બીજા દિવસે પોપટ એક, બે ને ત્રણ બોલ્યો, ને તે સાથે જ હરણે લાંબી લાંબી ફાળ ભરતું દોડવા માંડ્યું. આ બાજુ શિયાળ રેલપાટા તરફ દોડીને, ચાલતી માલગાડીના ખુલ્લા ડબ્બામાં છલાંગ લગાવીને ચડી ગયું. હરણની દોડવાની ઝડપ કરતાં તો માલગાડીની ઝડપ વધારે જ હતી. શિયાળ જંગલના છેડે કૂદકો મારીને ડબ્બામાંથી બહાર આળોટી પડ્યું. પછી પહોંચી ગયું નક્કી કરેલી શરતવાળી જગ્યાએ. શરતવાળી જગ્યાએ સસલું ને હાથીભાઈ હરણની રાહ જોતાં ઊભાં હતાં. હરણ કરતાં શિયાળને વહેલું આવેલું જોઈને તેઓ નવાઈ પામ્યાં. હાથીભાઈએ સસલાના કાનમાં કહ્યું, ‘અરે, આ લુચ્ચું કેવી રીતે આવી ગયું ? નક્કી કંઈ ભેદ છે !’ સસલું બોલ્યું, ‘આપણે આ ભેદ શોધવો જોઈએ !’ થોડી વારમાં હરણ પણ દોડતાંકને ત્યાં આવી પહોંચ્યું. શિયાળને તેના કરતાં વહેલું પહોંચી ગયેલું જોઈને પહેલાં તો આભું બની ગયું ને પછી આઘાત પામ્યું. ત્યાં તો પાછળ પાછળ કૂદતા વાંદરાભાઈ આવી ગયા. શિયાળ બોલ્યું, ‘કે...મ હરણ તને આટલી બધી વાર કેમ લાગી ?’ ત્યાં તો વાંદરું શિયાળનો ભાંડો ફોડતાં બોલ્યું, ‘શિયાળિયા, રહેવા દે તારી ચાલાકી. મિત્રો, પોપટ એક, બે, ત્રણ બોલ્યો ને તરત જ હરણ દોડવા માંડ્યું, પણ શિયાળ બાજુની ઝાડીમાંથી અલોપ થઈ ગયું. મને તો શક હતો જ કે દાળમાં જરૂર કંઈ કાળું છે. તેથી તરત જ શિયાળની પાછળ પાછળ હું પણ ઝાડીની ડાળીઓ કૂદતો કૂદતો તેની પાછળ ગયું ને મિત્રો, મેં શું જોયું. ખબર છે ? આવું આ શિયાળ જંગલ વચ્ચેથી પેલી આગગાડી જાય છે ને તેમાં ચડી બેઠું’તું અને ભાઈ શિયાળ, હરણ પણ તારી માફક આગગાડીમાં ચઢી બેઠું હોતને તો પછી તારા હાલહવાલ થાત. આ તો નરી કપટબાજી અને લુચ્ચાઈ છે. આને હરીફાઈ કહેવાય જ નહીં હોં. એટલે ભાઈ હરણ, શિયાળ માટે રોજ શિકાર શોધી આપવા તું જવાબદાર નથી. તું ભોળું છે ને તેથી આ લુચ્ચાએ તારી સાથે કપટબાજી કરી. એ શિયાળ, હવે અહીં શું જોઈને ઊભું છે ! ચાલ્યું જા અહીંથી.’ પછી શિયાળ ઊભી પૂંછડીએ ત્યાંથી ભાગી ગયું. વાંદરા સાથે બીજાં બધાં પ્રાણીઓ એકબીજાને તાળી આપતાં હસી હસીને બેવડ વળી ગયાં.