ગુજરાતી બાળવાર્તા સંપદા/પાણીનું દૂધ

પાણીનું દૂધ

પ્રભુલાલ દોશી

એક ગામ હતું. ગામ મોટું હતું પરંતુ ગામમાં મંદિર નાનકડું હતું. મંદિરના પૂજારીને ભાવના થઈ કે મોટું મંદિર બંધાય તો સારું. વધુ ભક્તો દર્શન-પૂજા કરી શકે. એક શ્રદ્ધાળુ શ્રીમંત ભક્તને પૂજારીએ વાત કરી. તેણે મંદિર માટે સારું એવું દાન આપ્યું. ભગવાન શંકરનું ભવ્ય મંદિર તૈયાર થઈ ગયું. મૂર્તિ આવી ગઈ. મૂર્તિની પ્રતિષ્ઠા કરવાની હતી. મંદિરના પ્રાંગણમાં એક મોટો હોજ બનાવવામાં આવ્યો હતો. પૂજારીએ જાહેરાત કરી કે, આવતી કાલે સવારે ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરી મંદિરમાં પધરાવવામાં આવશે, માટે દરેક નાગરિક વધુ નહીં તો એક લોટો ભરીને દૂધ હોજમાં નાખી જાય. કોઈ એક, બે વ્યક્તિ આટલું બધું દૂધ આપી ન શકે. ટીપે ટીપે સરોવર ભરાય, એ પ્રમાણે દરેક ભક્ત પોતાની ફરજ ચૂકે નહીં. પૂજારીની જાહેરાત સાંભળી શ્રીમંત ભક્ત હસ્યો. જવાબમાં પૂજારીએ સામું સ્મિત કર્યું. રાત પડી. લોકો હોજમાં એક પછી એક લોટા – ઘડા અને અન્ય વાસણો ઠાલવવા લાગ્યા. મધરાત પછી લોકો આવતા બંધ થયા. લોકોનો આટલો ઉત્સાહ જોઈ, શ્રીમંતને નવાઈ લાગી. તે હોજ પાસે ગયો અને જોયું તો આખો હોજ પાણીથી છલોછલ ભર્યો હતો. તેણે પૂજારી પાસે જઈને કહ્યું, ‘પૂજારીજી, હોજ તો પાણીથી છલોછલ ભર્યો છે. ભગવાનને દૂધથી કેવી રીતે નવડાવશો?’ ‘ભક્તરાજ, ભગવાન પર અને ભગવાનના પૂજારી ઉપર શ્રદ્ધા રાખો. સહુ સારાં વાનાં થશે. હવે મધરાત થઈ ગઈ છે. આપણે સૂઈ જઈએ.’ પૂજારીએ કહ્યું. શંકામાં અટવાતા શેઠ પોતાના ઉતારે જઈને સૂતા. ઊંઘ આવતી ન હતી. પૂજારી પોતાના આવાસે પહોંચ્યો. કોઠાર ખોલાવ્યો અને દૂધ-પાઉડરના કોથળા કઢાવ્યા. સેવકો પાસે ઊંચકાવીને સો કોથળામાં ભરેલો પાઉડર હોજમાં નંખાવી દીધો. પાણીનું દૂધ થઈ ગયું. પ્રભાતનાં ચોઘડિયાં વાગ્યાં. પૂજારી શ્રીમંત ભક્તને સાથે લઈને હોજ પાસે આવ્યો. લોકોની ભીડનો પાર ન હતો. દરેકના મુખ પર આશ્ચર્ય હતું. પૂજારી ભીડમાંથી રસ્તો કરી આગળ વધ્યો. લોકોના મુખ પરના ભાવ નીરખી મનમાં સંતોષ અનુભવતો બોલ્યો, ‘ભગવાન શંકરનો જય!’ લોકોએ એકીઅવાજે ઝીલી લીધું. ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ ગઈ. શ્રીમંત ભક્તે પોતાના સ્વાગતનો જવાબ આપતાં કહ્યું, ‘ભાઈઓ અને બહેનો! ભગવાનની આ મૂર્તિ ખરેખર ચમત્કારી છે. મને તેનો પરચો આજે જ મળી ગયો છે.’ ‘કેવી રીતે?’ કેટલાક અવાજો આવ્યા. ‘મૂર્તિને નવડાવવા માટે દરેકે થોડું થોડું દૂધ હોજમાં નાખવાનું હતું, પરંતુ રાત્રે મેં હોજમાં જોયું તો આખો હોજ પાણીથી જ ભરેલો હતો.’ શ્રીમંતે કહ્યું. ‘સાચી વાત છે, મેં પાણી નાખ્યું હતું.’ ‘મેં પણ પાણી નાખ્યું હતું.’ ‘બીજા દૂધ નાખે એમાં હું એક પાણી નાખું તો ક્યાં દેખાવાનું હતું? એમ માની મેં પણ પાણી નાખ્યું હતું.’ આમ, અંદરોઅંદર ઘુસપુસ થવા લાગી. ‘પરંતુ તમે જોયું ને કે, સવારમાં આખો હોજ દૂધથી ભરેલો હતો? એ દૂધથી જ મૂર્તિને નવડાવી છે.’ પૂજારીએ કહ્યું. ‘સાચી વાત, સાચી વાત. બોલો, ભગવાન શંકરનો જય!’ એકીસાથે અનેક અવાજો ગાજી ઊઠ્યા. બસ, પાણીનું દૂધ થયું તે દિવસથી લોકોની શ્રદ્ધા મૂર્તિ પ્રત્યે ઊમટી પડી છે. રોજરોજ લોકો મૂર્તિ સમક્ષ કંઈક ને કંઈક મૂક્યા કરે છે અને તેનો મહિમા વધાર્યા કરે છે. પૂજારીને દૂધ-પાઉડરના પૈસાના રોકાણ કરતાં અનેકગણું વળતર તથા માનપાન દરરોજ મળ્યા કરે છે.