ગુજરાતી બાળવાર્તા સંપદા/પકુ પોપટની પાઠશાળા
ભાવના હેમંત વકીલના
સુંદરવનમાં પશુઓ અને પંખીઓ હળીમળીને રહે. પરંતુ વનનો રાજા સિંહ. આખાય સુંદરવનમાં સિંહનો ભારે ડર. પંખીઓ તો બિચારાં ધ્રુજતાં જ રહે અને પશુઓ પણ સિંહરાજાથી દૂર જ રહે. બધાંય મનમાં સમજે. આ તો વનનો રાજા કહેવાય. પણ રાજા વાજા ને વાંદરા. સિંહનું તો મોઢું ગંધાય. એના તે વળી દાંત ગણવા થોડા જવાય. વનરાજ સિંહની બોડની થોડે દૂર એક સુંદર મોટું હર્યુંભર્યું ઝાડ. ઝાડ ઉપર પોપટ રહે. પોપટી રહે. પોપટ અને પોપટી એકબીજાને ખૂબ પ્રેમ કરે. લાલ લાલ ચાંચથી ચાંચ મેળવે. થનગન થનગન નાચે અને ક્યારેક પોપટ, પોપટીને આંખ મારે. ક્યારેક તાનમાં આવી બન્ને જણાં સીટી પણ વગાડે. પરંતુ જ્યાં સિંહની ત્રાડ સંભળાય કે ચૂપ. પોપટી તો ધ્રૂજવા માંડે અને પોપટ પણ ડરનો માર્યો મૂંગોમંતર બની જાય. કાગડો, કાગડી, બુલબુલ, હરણ, શિયાળ, સસલું અને હાથીભાઈ પણ સિંહથી ડરે. ક્યારેક બધાં ભેગાં મળે. આ સિંહનું તો કશુંક કરવું પડશે. પણ કાંઈ ઉપાય ન જડે. એક દિવસ પોપટીએ, એક સુંદર પોપટને જન્મ આપ્યો. તેનું નામ પકુ પોપટ પાડ્યું. પકુ પોપટ રૂપાળો તો ખરો જ, પરંતુ સાથે હોશિયાર પણ ખરો. પોપટી રોજ પકુને કાળો ટીલો કરે. વનરાજ સિંહની બૂરી નજરથી બચાવીને રાખે. પકુ પોપટ મોટો થવા લાગ્યો. પોપટ પોપટીની તો ઊંઘ હરામ થઈ ગઈ. પોપટી, પકુને પોતાના ખોળામાં સુવરાવે અને આખી રાત જાગી ડળક ડળક આંસુડાં પાડે. પોપટ તેની પીઠ પસવારે. ‘સાંભળો છો,’ ‘હા કહે ને !’ ધીમા અવાજે પોપટ પોપટી વાત કરતાં હતાં. ‘મારો પકુ આ વનમાં ભણી નહીં શકે. અહીં તો વનરાજ સિંહની ધાક છે અને ક્યારેક મારો પકુ તેની આંખમાં આવી ગયો તો...!’ પોપટી ધ્રૂજી ઊઠી. પકુ થોડો મોટો થયો ત્યાં સુધી બન્નેએ તેને સમજાવ્યો. ‘જો બેટા અમે તારા ભલા માટે તને પરદેશ ભણવા અને હોશિયાર થવા મોકલીએ છીએ. તારા વિના અમને જરાય ગમશે નહીં.’ પોપટી ડૂસકાં ભરવા લાગી. ‘બેટા, અહીં કોઈની જાનની સલામતી નથી.’ પોપટનું હૈયુ ભરાઈ આવ્યું.’ ‘મમ્મી – પપ્પા, તમે જરાય ચિંતા ના કરશો. હું કંઈક નવું શીખી લાવીશ. મારે તમારું નામ રોશન કરવું છે.’ અને ત્રણે જણાં એકબીજાને સ્નેહથી ભેટી પડ્યાં. બીજે દિવસે વહેલી સવારે બધાં પશુપંખીઓ મીઠી નીંદર માણતાં હતાં. સુંદરવનની પાછળ વહેતા દરિયાકિનારે ઊભેલી ક્રૂઝમાં પોપટ-પોપટીએ પકુને ચડાવી દીધો. ક્યાંય સુધી તેમણે આવજો કરવા હાથ ઊંચો રાખ્યો. હવે પોપટ અને પોપટી ચુપચાપ દિવસ ગણવા લાગ્યા. પોપટીને આશા હતી કે મારો પકુ પરદેશથી કંઈક નવું શીખીને આવશે અને બધાં પશુપંખીઓને આ સિંહના ત્રાસમાંથી છોડાવશે. જોતજોતામાં દિવસ પસાર થવા લાગ્યા અને એક દિવસ પકુ પરદેશ ભણીને પાછો આવી ગયો. પોપટ, પોપટી અને પકુ ઝાડની ડાળી ઉપર કલબલ કલબલ કરતાં વાતો કરવા લાગ્યાં. કોયલ તો મોઢું મચકોડીને સિંહ વનરાજના કાન ભરવા ગઈ. સિંહ વનરાજે ત્રાડ પાડી અને બધાંય ચૂપ. બીજે દિવસે સવારે પકુ પોપટે આખાય વનનાં પશુ-પંખીઓની એક સભા ભરી.. પોતે પાઠશાળા ખોલવાનો છે અને જેને ભણવા આવવું હોય તે ફી જમા કરાવી જાય. આખાય વનનાં પશુપંખીઓ તો ખુશખુશાલ થઈ ગયાં. પોપટ-પોપટીને ધન્યવાદ આપવા લાગ્યાં. ‘આજે સુંદરવનનો પહેલો એવો છોકરો છે. જે NRI છે.’ સવારે પાઠશાળા ખીચોખીચ ભરાઈ ગઈ. પકુ પોપટ છાતી કાઢીને ઠુમક ઠુમક ચાલતો ભણાવવા આવ્યો અને સિંહે ત્રાડ પાડી. બધાં જ પશુપંખી ગભરાઈ ગયાં. આમતેમ નાસવા લાગ્યાં. પકુ જરાય ગભરાયો નહીં અને કહ્યું, ‘તમે જરાય ડરશો નહીં. જેની પાસે ભણતર જ નથી. એ સિંહ વનરાજ શી રીતે કહેવાય !’ અને સિંહે પાઠશાળામાં આવવાનું નક્કી કર્યું. પકુ પોપટે શરત કરી. ‘આ વનરાજનો હું ભરોસો નહીં કરું. એને પાંજરામાં પૂરી મોટું તાળું મારો તો હું ભણાવીશ.’ સિંહે શરત માન્ય રાખી. સિંહને કળથી પાજરાંમાં પૂરી પકુ છાતી કાઢી ચાલવા લાગ્યો. બુદ્ધિ કોઈના બાપની થોડી છે!