ગુજરાતી બાળવાર્તા સંપદા/ગધુજીનું દોઢડહાપણ
મધુસૂદન પારેખ
સસ્સાજી સટાકિયાનો જીવ ઉદાર, પણ મિસિસ રૅબિટ ભારે કરકસરિયાં હતાં. એમની પાસેથી પૈસો ઝટ છૂટે નહિ. એમને ત્યાં સસ્સાજી સટાકિયાનાં જૂનાં પૅન્ટ-શર્ટ ભેગાં થયાં હતાં. છોટે-બડેનાંય જૂનાં કપડાં હતાં. સસ્સાજીએ બે-ત્રણ વાર મિસિસ રૅબિટને કહ્યું : ‘આ બધાં જૂનાં કપડાંનું સંગ્રહસ્થાન કર્યું છે. તેના કરતાં કોઈ ગરીબને કે જરૂરિયાતવાળાને આપી દેતી હોય તો?’ સસ્સુડી કહે : ‘મમ્મી તો બહુ ચીકણી છે. એનાય કેટલા સાડલા સાવ ઘસાઈ ગયા છે, પણ આપણી ખીસુબાઈ કામવાળીને એકેય સાડલો આપતી નથી.’ મિસિસ રેબિટ છંછેડાયાં, સસ્સાજીને ચીમકી આપી : ‘તમને એ બધી ખબર ન પડે. જૂનાં કપડાં પ્યાલાબરણીવાળાને આપીને મારે તો એક સ્ટીલની નળી અને બરણી લેવાની છે. કપડાં કાંઈ મફત નથી આવતાં.’ સસ્સાજીએ વધારે કચકચ કરી નહિ. મિસિસ રૅબિટનો સ્વભાવ એ જાણતા હતા કે એ બધું ધાર્યું જ કરશે અને એનો મિજાજ બગડશે તો રસોઈ બગડશે ને તો ભૂખ્યા રાખશે. ગધુજી ઘરમાં બેઠા આ બધી વાતો સાંભળ્યા કરતા હતા. એમનેય ઇચ્છા ખરી કે સસ્સાજી સાહેબ એમનું એકાદ જૂનું પૅન્ટ આપે તો બહાર વટ પડી જાય, પણ ઘરમાં રાજ મિસિસ રૅબિટનું હતું. એ ગધુજી સમજી ગયા હતા કે મિસિસ રેબિટની જ ખુશામત કરવામાં લાભ હતો. મિસિસ રૅબિટે જૂનાં કપડાંનું પોટલું બાંધી રાખ્યું હતું. કોઈ પ્યાલા-બરણીવાળાને તે આપવાનું હતું. બદલામાં નવાં વાસણો લેવાનાં હતાં. એક દિવસ બપોરે મિસિસ રૅબિટ કશાક કામે બહાર ગયાં હતાં. ખીસુબાઈ પણ પોતાના કામકાજથી પરવારીને ઘેર ગઈ હતી. એકલા ગધુજી આરામથી બેઠા હતા અને એક કટકાથી જૂતાં સાફ કરતા હતા. મિસિસ રૅબિટે બહાર જતી વખતે ગધુજીને કહ્યું : ‘ગધુજી! હું બહાર જાઉં છું. ઘર સાચવજો અને કોઈ મળવા આવે તો એમનું નામ પૂછી લેજો.’ ગધુજી કહે : ‘ઓ. કે. થેન્ક યુ બહેનજી!’ મિસિસ રૅબિટ બહાર ગયાં પછી થોડીક વારે એક ફેરિયો સાવરણી વેચવા આવ્યો. ગધુજીને કહે : ‘બહેન છે?’ ‘ના, તમારું નામ શું?’ ‘મારું નામ? તમારે શું કામ છે? મારું નામ તીરુવલ્લમ્.’ ગધુજીને આવું નામ યાદ રહે નહિ એટલે તીરુવલ્લનું નામ ગોખવા માંડ્યું. ફેરિયો ગયો પછી એક પ્યાલાબરણીવાળી બાઈ આવી. અને ટોપલો નીચે ઉતાર્યો. ગધુજીને પૂછ્યું : ‘બહેન નથી?’ ગધુજીને એકદમ મિસિસ રૅબિટની વાત યાદ આવી. એમની આંખ આનંદથી ચમકી ઊઠી. એમને ઉત્સાહ આવી ગયો. મિસિસ રૅબિટને સ્ટીલની નળી અને બરણી અને વાસણ લેવાનાં હતાં. એકદમ એમણે કહ્યું : ‘જરા ઊભી રહે, અમારે વાસણ લેવાનાં છે.’ એમ કહેતાં જ એ મિસિસ રૅબિટે તૈયાર કરેલું જૂનાં કપડાંનું પોટલું લઈ આવ્યા. પ્યાલા બરણીવાળી બાઈએ કપડાં ગણ્યાં, તપાસ્યાં. ગધુજી કહે : ‘સ્ટીલની નળી છે તે આપી દે અને પેલી મોટી બરણી આપી દે.’ પ્યાલાબરણીવાળી બાઈ ઉસ્તાદ હતી. એણે કહ્યું : ‘બીજાં ત્રણ-ચાર કપડાં નાખો એટલે નળી અને બરણી આપી દઉં.’ ગધુજી કહે : ‘બીજાં કપડાં નથી…’ ‘અરે જુઓને! બહેને સાચવી રાખ્યાં હશે.’ ગધુજી ઘરમાં ગયા. મિસિસ રૅબિટે ધોબીને ધોવા આપવા માટે સાત-આઠ કપડાં બાજુએ રાખ્યાં હતાં. ગધુજીને થયું કે એય જૂનાં કપડાં જ છે ને? એ તો ખૂણામાં પડેલાં કપડાંનો ઢગલો લઈ આવ્યા. પ્યાલાબરણીવાળી બાઈની આંખો આનંદથી ચમકી ઊઠી. એણે તરત જ સ્ટીલની નળી અને બરણી કાઢી આપ્યાં. ગધુજી પોતાની હોશિયારી બતાવવા બોલ્યા : ‘જો, પેલી મોટી સ્ટીલની તપેલીય આપવી પડશે. નહિતર મારે વાસણ નથી લેવાં.’ પ્યારાબરણીવાળી બાઈએ જરા રકઝક કરીને તપેલીય આપી દીધી. એને તો આટલાં બધાં કપડાં મળ્યાં એટલે કમાઈ ગઈ હતી. ગધુજીને થયું કે બહેનને સરપ્રાઇઝ આપું, એમ વિચારીને તેમણે ત્રણે વાસણ બીજી રૂમમાં સંતાડી દીધાં ને ઉપર ચાદર ઢાંકી દીધી. મિસિસ રૅબિટ બહારથી આવ્યાં ને પૂછ્યું : ‘ગધુજી કોઈ આવ્યું હતું?’ ‘હા બહેન, કોઈ તીરુવલરિયું આવ્યું હતું.’ મિસિસ રૅબિટે આશ્ચર્યથી પૂછ્યું : ‘એ વળી કોણ?’ ‘રામ જાણે… એણે તો તીરુવલરિયું નામ કહ્યું.’ ‘પણ તારે કામ તો પૂછવું હતું! એ શું કામ આવ્યો હતો?’ ‘સાવરણી વેચવા આવ્યો હતો.’ મિસિસ રૅબિટ કહે : ‘સાવ સ્ટુપિડ જ છે. સાવરણીવાળાને મારે પોંખવાનો હતો?’ એમણે ઘરમાં નજર કરી. લુગડાંનું પોટલું નહોતું. એકદમ પૂછ્યું : ‘જૂનાં કપડાંનું પોટલું અહીં હતું તે ક્યાં ગયું?’ ગધુજી ખુશ થઈને હસવા લાગ્યા. મિસિસ રૅબિટ ચિડાયાં : ‘હસે છે શું? પોટલું ક્યાં ગયું?’ ગધુજી કહે : ‘બહેનજી! આ રૂમમાં આવો.’ મિસિસ રૅબિટ બીજા રૂમમાં ગયાં. ગધુજી જાણે જાદુ કરતા હોય તેમ તેમણે વાસણ પરથી ચાદર ઉપાડી અને કહે : ‘બહેનજી! મેં જ જૂનાં કપડાંનું પોટલું આપીને સ્ટીલની નળી અને બરણી લઈ લીધાં. પ્યાલાબરણીવાળી પાસેથી વધારામાં તપેલીય પડાવી લીધી.’ મિસિસ રૅબિટ જરા રાજી થયાં. ત્યાં તો ગધુજી કહે : ‘તપેલી નહોતી આપતી… એટલે મેં તો ખૂણામાં જૂનાં કપડાં હતાં તેય આપી દીધાં.’ ‘હેં?’ મિસિસ રૅબિટ ચોંકી ઊઠ્યાં : ‘અરે બબુચક! એ કપડાં તો ધોબીને ત્યાં ધોવા આપવાનાં હતાં. તેં એ કપડાં આપી દીધાં? હજી હમણાં તો એ પહેરવા કાઢ્યાં હતાં. એ પ્યાલાબરણીવાળી કોણ હતી?’ ‘એક બાઈ હતી’, ગધુજીએ ભોળે ભાવે કહ્યું. ‘બાઈ હતી એ તો મનેય ખબર છે… પણ જાણીતી હતી? ક્યાં ગઈ?’ ‘રામ જાણે. એનું નામ પૂછવાનું તો હું ભૂલી ગયો.’ મિસિસ રૅબિટ માથે હાથ દઈને બેસી પડ્યાં : ‘ગધુજી તેં તો નવડાવી નાખ્યાં!’ ગધુજી કશું સમજ્યો નહિ. બોલ્યો : ‘બહેનજી! ઓ. કે. થેન્ક યુ, થેન્ક યુ.’