ગુજરાતી બાળવાર્તા સંપદા/બુધાકાકા
મધુસૂદન પારેખ
એક ગામ હતું. એ ગામમાં એક પંડિત રહે. એમનું નામ બુધાભાઈ. એમનું ખરું નામ તો મણિશંકર હતું. પણ તેમનો જન્મ બુધવારે થયેલો એટલે બધાં એમને બુધાલાલ જ કહેતા. બુધાલાલ બુધવારે જન્મેલા પણ એમનામાં બુધવારના વાંધા હતા. જે માણસની ડાગળી થોડી ચસકેલી હોય એ માણસ માટે એવો રૂઢિપ્રયોગ છે કે એનામાં બુધવારના વાંધા છે. બુધાલાલની અક્કલ જરા ઓછી પણ બોલવામાં કશે પાછા પડે નહિ અને વળી એમને કવિતામાં બોલવાનો ભારે શોખ. એ નિશાળમાં ભણવા જાય તોય ગુરુજીને કવિતામાં જ જવાબ આપે. એક વાર ગુરુજી પલાખાં પૂછતા હતા. બુધાલાલને પૂછ્યું : ‘બોલ બુધા, ચાર ચોકું કેટલા? બુધાલાલ કહે :- ‘ગળ્યો ગળ્યો ગોળ ચાર ચોકુ સોળ.’ ગુરુજી પણ બુધાલાલની અક્કલ જોઈ જ રહ્યા. એક વાર બુધાની નિશાળમાં ઇન્સ્પેક્ટર સાહેબ પરીક્ષા લેવા આવ્યા હતા. તેમણે છોકરાઓને સવાલ પૂછ્યા : ‘તડબૂચનો રંગ કેવો?’ બધા છોકરાએ કહ્યું : ‘તડબૂચનો રંગ લીલો.’ ઈમ્પેક્ટરે બુધાલાલને પણ એ સવાલ પૂછ્યો. બુધાલાલ કહે : ‘સાહેબ, ખોટું. તડબૂચનો રંગ લાલ. તડબૂચના છોડાનો રંગ લીલો.’ ઇન્સ્પેક્ટર બુધાલાલની હાજરજવાબી પર ખુશ થઈ ગયા. ઇન્સ્પેક્ટર સાહેબે બુધાની અક્કલની કસોટી કરવા માટે બીજો સવાલ પૂછ્યો. ‘એક માણસને જમતાં પાંચ મિનિટ લાગે તો પાંચ માણસને જમતાં કેટલી મિનિટ લાગે?’ બધાં છોકરાઓએ કહ્યું : ‘પચ્ચીસ મિનિટ.’ ઇન્સ્પેકટરે બુધાલાલને એ સવાલ પૂછ્યો : ‘બધા માણસો સામટા જમવા બેસે કે વારાફરતી?’ ઇન્સ્પેકટરે કહ્યું, ‘સામટા જમવા બેસે તો કેટલી મિનિટ થાય?’ બુધાલાલે કહ્યું : ‘સાત મિનિટ, સાહેબ.’ સાહેબ નવાઈ પામી ગયા. ‘સાત મિનિટ કયા હિસાબે?’ બુધાલાલ કહે : ‘પાંચ મિનિટ જમતાં થાય ને વાતો કરતાંકરતાં જમે તેથી જમતાં વાર લાગે. અને સામટા પાંચ જણને પીરસતાં થોડી વાર લાગે એટલે પાંચને બદલે સાત મિનિટ થાય.’ ઇન્સ્પેકટર સાહેબ હસી પડ્યા ને બુધાલાલની વાત તેમણે માન્ય રાખી. બુધાલાલે તો ઇન્સ્પેક્ટર સાહેબને એવા હાજર જવાબ આપવા માંડ્યા કે એ અને એમની બાજુમાં ઊભેલા બુધાલાલના ગુરુજી મોંમાં આંગળા નાખી ગયા. ઇન્સ્પેક્ટર સાહેબ હવે તો બુધાલાલની પાછળ પડ્યા. તેમણે પૂછ્યું : ‘બુધાલાલ, તમારા ગામમાં કૂતરા કેટલા?’ બુધાલાલ કહે : ‘સાતસો ને પંચ્યાસી.’ ઇન્સ્પેક્ટર કહે : ‘તમે ગણ્યા છે?’ બુધાલાલ કહે : ‘હોવે સાહેબ, ગણ્યા વિના હું વાત કરતો જ નથી. ચાલો મારી સાથે. ગણાવી દઉં બધાય કૂતરા.’ ઇન્સ્પેક્ટર સાહેબને રમૂજ થઈ. તેમણે કહ્યું : ‘જો સાતસો પંચ્યાસી કરતાં વધારે નીકળશે તો?’ બુધાલાલ કહે : ‘તો સાહેબ, બહારથી મહેમાન કૂતરાઓ આવ્યા હશે. કૂતરામાંય મહેમાન તો હોય ને!’ ઇન્સ્પેક્ટર સાહેબ હસી પડ્યા ને કહ્યું : ‘પણ કૂતરા સાતસો પંચ્યાસીથી ઓછા નીકળશે તો?’ બુધાલાલ પાસે તો હાજરજવાબ તૈયાર જ હતો. તે કહે : ‘સાહેબ, કૂતરા જાત્રાએ ગયા હશે તો ઓછા થશે. આપણા લોકો જાત્રા કરે તો કૂતરા ન કરે કે?’ ઇન્સ્પેક્ટરે બુધાલાલનો બરડો થાબડ્યો. પછી પાઠવાચનની પરીક્ષા તેમણે લેવા માંડી. તેમાં ‘શેઠનો સાળો’ નામની વાર્તા હતી. ઇન્સ્પેક્ટરે બુધાલાલને પૂછ્યું : ‘સાળો કોને કહેવાય?’ બુધાલાલ કહે : ‘મરચાનો રંગ રાતો ને કોલસાનો તો કાળો, બુધાલાલજી એમ વદે કે વહુનો ભાઈ તો સાળો.’ ગુરુજી અને ઇન્સ્પેક્ટર સાહેબ બંને હસી પડ્યા. ગુરુજી ઇન્સ્પેકટરને કહે : ‘બુધાલાલ તો શીઘ્રકવિ છે. રૂપિયો ઉછાળીને નીચે પડે એટલામાં તો એ કવિતાની બે પંક્તિ બોલી નાખે.’ ઇન્સ્પેક્ટર કહે : ‘એમ! બુધાલાલ, ચાલો તમે કવિ છો ત્યારે મારા બૂટ ઉપર કવિતા કરો. બુધાલાલ તરત વદ્યા : ‘ગુજરીમાંથી આણેલો, મેલોઘેલો સૂટ; મંદિરમાંથી આણેલો લાગે છે આ બૂટ.’ ગુરુજીને ખૂબ હસવું આવ્યું. એમણે મોં પર રૂમાલ દાબી દીધો. ઇન્સ્પેક્ટર સાહેબ ખસિયાણા પડી ગયા. પણ શું બોલે? એમણે મૂંગા મૂંગા ત્યાંથી ચાલતી પકડી. સાહેબના ગયા પછી ગુરુજીએ બુધાલાલને કહ્યું : ‘અલ્યા, બુધા, સાહેબના બૂટ પર આવી કવિતા કરાય કે?’ બુધાલાલ કહે : ‘સાહેબ, જેવા બૂટ તેવી કવિતા. એમાં મારો શો વાંક?’ ગુરુજી કહે : ‘ચાલો, હવે ઘંટ વાગવાની થોડીક જ વાર છે. નવો પાઠ ચલાવવાનો નથી. આપણે થોડી વાર શબ્દરમત રમીએ. જુઓ, એવા શબ્દો બોલાવજો કે પાછળથી વાંચીએ તોય એ શબ્દો એના એ જ રહે. એમણે એક છોકરાને ઊભો કર્યો. ‘બોલ મંગળ, તું એવો શબ્દ બોલ જોઈએ.’ મંગળ કહે : ‘લીમડી ગામે ગાડી મલી.’ ગુરુજી ખુશ થઈને કહે : ‘બરાબર, મનુ, હવે તું બોલ.’ મનુ કહે : ‘જારે બાવા બારેજા.’ ગુરુજી કહે : ‘શાબાશ, હવે બુધાલાલ, તમે એકદમ ફક્કડ શબ્દ બોલો.’ બુધાલાલ કહે : ‘સાહેબ, તમે મારો નહીં તો બોલું.’ ગુરુજી કહે : ‘અરે એમ રમતાં રમતાં હોઈએ તેમાં કોઈ મારતું હશે? તું તારે નિરાંતે બોલ.’ બુધાલાલ બોલ્યા : ‘જા મણકા કાણમાં જા.’ બધાં છોકરાં ખડખડાટ હસી પડ્યાં. સાહેબનું નામ માણેકલાલ હતું. સાહેબ કંઈ બોલવા જાય ત્યાં તો નિશાળ છૂટવાનો ઘંટ વાગ્યો.