ગુજરાતી બાળવાર્તા સંપદા/ડહાપણની દુકાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ડહાપણની દુકાન

હંસા મહેતા

એક બ્રાહ્મણનો છોકરો હતો. તે હોશિયાર અને ભણેલો હતો, પણ બિચારો ઘણો જ ગરીબ. ઘરમાં મા અને નાનાં ભાઈબહેન હતાં. એ બધાંનું પૂરું એ મહામુશ્કેલીએ કરતો. કોઈ શેઠને ત્યાં ગુમાસ્તાની નોકરીએ રહ્યો હતો; પરંતુ ત્યાં ચાર-પાંચ રૂપિયા મહિને દહાડે મળે તેમાં કોનું પેટ ભરાય ? પૈસા કમાવા માટે એ કંઈ ને કંઈ ઉપાય શોધવા લાગ્યો. તેણે એક નાની દુકાન ભાડે લીધી અને બહાર પાટિયું માર્યું કે, ‘ડહાપણની દુકાન’. એની આસપાસ જાતજાતની દુકાનો હતી : કાપડ, ઝવેરાત, શાકભાજી વગેરેની. શાકભાજી વેચનાર કાછિયો હંમેશાં બૂમ પાડીને પોતાનો માલ વેચવા પ્રયત્ન કરતો : ‘બટાટા ચાર આને શેર’; ‘આદુ બે પાઈનું પા શેર’; વગેરે વગેરે. પેલા છોકરાએ પણ કાછિયાનું અનુકરણ કરવા માંડ્યું. એની દુકાન આગળથી લોકો પસાર થાય એટલે એ પણ બૂમ પાડે, ‘ડહાપણ જોઈએ છે ડહાપણ ? દરેક જાતનું ડહાપણ !’ શરૂઆતમાં તો રસ્તે જતા લોકો એ શું બોલે છે તે ન સમજી શક્યા. પણ પછી તો આવતાજતા લોકો તેની દુકાનની આસપાસ ભેગા થઈ એની મશ્કરી કરવા લાગ્યા. કોઈ કહે કે, ‘આ નાનું પોરિયું વળી ડહાપણ વેચવા નીકળ્યું છે.’ કોઈ કહે, ‘એનામાં ડહાપણ હોય તો આવું કરે ?’ બ્રાહ્મણના છોકરાએ આ મશ્કરીની જરા પણ દરકાર કર્યા વિના પોતાનો ધંધો ચાલુ જ રાખ્યો. એક દિવસ એ ગામના નગરશેઠનો છોકરો એની દુકાને આવી ચડ્યો. બાપદાદાનો પૈસો ઘણો અને નામ વિદ્યાસાગર, પણ અક્કલમાં મોટું મીંડું ! પેલા છોકરાને ‘ડહાપણ લો કોઈ ડહાપણ’ બોલતો સાંભળીને એને થયું કે એ વળી નવતરી ચીજ શું હશે ! એણે તો પેલાને બે પૈસા આપીને કહ્યું, ‘એક શેર ડહાપણ આપ.’ બ્રાહ્મણે કહ્યું, ‘હું કંઈ તોલ પ્રમાણે વેચતો નથી.’ ત્યારે વિદ્યાસાગરે કહ્યું, ‘કંઈ હરકત નહિ; બે પૈસામાં જેટલું આવે તેટલું આપ.’ બ્રાહ્મણના છોકરાએ તો એક કાગળના કાકડા પર લખ્યું, ‘જ્યાં બે જણ લડતા હોય ત્યાં જોવા ઊભા રહેવું નહિ.’ પછી એ કાગળને વાળી એની પછેડીએ બાંધી આપ્યો. વિદ્યાસાગરે તો ઘેર જઈ બાપને કહ્યું કે, ‘આજે તો કંઈ નવતરી ચીજ લાવ્યો છું. બે પૈસાનું ડહાપણ મારી પછેડીએ બાંધી લાવ્યો છું.’ બાપે પેલો કાગળ ઉખેડી વાંચ્યો તો લખેલું, ‘જ્યાં બે જણ લડતા હોય ત્યાં જોવા ઊભા રહેવું નહિ.’ બાપને લાગ્યું કે બ્રાહ્મણે મારા છોકરાને છેતરી બે પૈસા લઈ લીધા છે. એટલે એ તો છોકરાની દુકાને ગયો અને પૈસા પાછા માગ્યા. છોકરાએ કહ્યું કે, ‘મારું ડહાપણ પાછું આપો તો પૈસા પાછા આપું.’ બાપે તો કાગળનો ટુકડો એની આગળ ફેંક્યો ત્યારે છોકરાએ જવાબ દીધો કે ‘એ તો કાગળનો ટુકડો છે. મારું ડહાપણ તો તમે લઈ લીધું છે. જો તમારે પૈસા પાછા જોઈએ તો એક દસ્તાવેજ કરો કે જ્યાં બે જણ લડતા હોય ત્યાં વિદ્યાસાગરે ઊભા રહેવું, અને એ દસ્તાવેજ પર તમારી સહી કરી આપો.’ આ બંનેની તકરારમાં લોકો પણ ભેગા થયા હતા. તેમણે છોકરાનો પક્ષ લીધો, એટલે નગરશેઠે દસ્તાવેજ કરી સહી કરી આપી અને પૈસા પાછા લઈ ઘેર ગયા. એક દિવસ એવું બન્યું કે એક ગાંધીની દુકાને રાજાની બંને રાણીની દાસીઓ કંઈ ચીજ ખરીદવા એક જ વખતે જઈ ચઢી. બંનેને એક જ વસ્તુ જોઈએ અને દુકાનમાં એક જ હતી. એક કહે હું લઉં ને બીજી કહે હું લઉં. બંને જણીઓ તો ખૂબ લડવા લાગી. બોલાચાલી પરથી ગાળાગાળી પર વાત આવી. દુકાન આગળ તો બુમરાણ થઈ ગયું. બિચારો દુકાનદાર પણ ગભરાઈને નાસી ગયો. તે જ વખતે વિદ્યાસાગર ત્યાં આવી ચડ્યો. તે પણ આ મારામારીથી ગભરાયો, પણ પછી દસ્તાવેજ યાદ આવ્યો એટલે ત્યાં ઊભા રહેવું પડ્યું. વાત ખૂબ વધી પડી. બંને જણ વિદ્યાસાગરને સાક્ષી થવાનું કહી પોતપોતાની રાણીને ફરિયાદ કરવા ગઈ. દાસીઓએ તો પોતપોતાની રાણીની પાસે જઈ આ કજિયા વિષે અને પોતાને અન્યાય થયો હતો તે વિષે મીઠુંમરચું ભભરાવી વાત કહી. પોતાના નોકરનું અપમાન એટલે પોતાનું અપમાન. બંને રાણીઓ તો ખૂબ જ ઉશ્કેરાઈ ગઈ અને ધૂંઆંપૂંઆં કરતી રાજા પાસે પહોંચી. રાજાએ દાસીઓને બોલાવી બંનેની ફરિયાદ સાંભળી. પછી પૂછ્યું કે, ‘તમારી લડાઈ વખતે કોઈ હાજર હતું ?’ બંને દાસીઓએ વિદ્યાસાગરનું નામ આપ્યું. રાજાએ વિદ્યાસાગરને તેડવા માણસ મોકલ્યો. બંને દાસીઓએ પણ જુદો જુદો સંદેશો મોકલ્યો કે, ‘મારી તરફથી નહિ બોલે તો તને રાણીજી જરૂર કેદમાં પૂરશે.’ વિદ્યાસાગર તો કેદની વાત સાંભળી ગભરાઈ ગયો અને બાપને જઈ બધી હકીકત કહી. આ મુશ્કેલીમાંથી છૂટવાનો ઉપાય ક્યાંય લગી તો બંનેને સૂઝ્‌યો નહિ. આખરે વિદ્યાસાગરે કહ્યું, ‘ચાલો આપણે ડહાપણની દુકાને. એ છોકરો કદાચ આમાંથી છૂટવાનો રસ્તો બતાવે તો.’ બાપ દીકરો ડહાપણની દુકાને ગયા ને બધી હકીકત છોકરાને કહી. છોકરાએ કહ્યું કે, ‘રૂ. ૫૦૦ આપો તો ઉપાય બતાવું.’ શેઠને નાછૂટકે રૂ. ૫૦૦ ગણી આપવા પડ્યા. પછી છોકરાએ સલાહ આપી કે ‘વિદ્યાસાગરે ગાંડાનો ઢોંગ કરવો. રાજા પૂછે તો જાણે કંઈ સમજતો જ નથી એવો ડોળ કરવો.’ વિદ્યાસાગરે તો બ્રાહ્મણની સલાહ પ્રમાણે કર્યું. રાજાએ આ ટંટાનું કારણ પૂછ્યું, ત્યારે વિદ્યાસાગર જવાબમાં ઢંગધડા વિના હસે અને ગાંડું ગાંડું બોલે. આખરે કંટાળીને રાજાએ હુકમ કર્યો કે ‘આ ગાંડા માણસને દરબારમાંથી લઈ જાઓ.’ વિદ્યાસાગર તો ખુશ થતો ઘેર ગયો અને રસ્તામાં જે મળે તેને મોંએ પેલા બ્રાહ્મણની ચતુરાઈનાં વખાણ કરે. પેલા નગરશેઠને પહેલાં પહેલાં તો ખુશી થઈ, પણ પછી વિચાર આવ્યો કે જો રાજાને કાને વાત જાય કે વિદ્યાસાગરે ગાંડપણનો ઢોંગ કર્યો હતો. તો તો જરૂર એને શિક્ષા થાય. એ તો મનમાં ખૂબ મૂંઝાવા લાગ્યો. છેવટે તે વળી પાછો પેલા બ્રાહ્મણને ત્યાં ગયો. અને પોતાની મૂંઝવણ કહી. છોકરાએ તો ફરી પાછા રૂપિયા પાંચસો રોકડા ગણી આપવા કહ્યું, શેઠે મૂંગે મોંએ પૈસા કાઢી આપ્યા, એટલે છોકરાએ સલાહ આપી કે, ‘રાજા જ્યારે ખુશ મિજાજમાં બેઠા હોય તે પ્રસંગનો લાભ લઈ વિદ્યાસાગરે બધી વાત કહી દેવી. એટલે રાજાજી ગુસ્સે થવાને બદલે ઊલટા ખુશ થશે.’ વિદ્યાસાગરે તેના કહ્યા પ્રમાણે કર્યું. રાજા તો બધી હકીકત સાંભળી ખૂબ હસ્યા અને વિદ્યાસાગરને માફી આપી. પછી પેલા છોકરાને તેડવા માટે સિપાઈને દોડાવ્યો. છોકરો રાજા પાસે આવ્યો, ત્યારે રાજાએ પૂછ્યું કે, ‘મને ડહાપણ કેટલી કિંમતે વેચાતું આપશે ?’ છોકરાએ જવાબ દીધો, ‘અન્નદાતા ! આપ મારી પાસેથી ડહાપણ લેશો તેમાં મને માન મળશે. આપની પાસેથી તો એક હજારથી ઓછી કિંમતની આશા જ કેમ રાખું ?’ રાજાએ એક હજાર રૂપિયા આપ્યા. એના બદલામાં બ્રાહ્મણના છોકરાએ એક કાગળ પર સોનેરી અક્ષરે લખી આપ્યું, ‘સાહસ કામ કદી કરવું નહિ. જે કરવું તે ખૂબ વિચારીને કરવું.’ રાજા ડહાપણની કિંમત સમજ્યો અને છોકરાને જવાની રજા આપી. પછી પોતાના નોકરને હુકમ આપ્યો કે ‘મારી નજરે હંમેશાં પડે તેમ આ બ્રાહ્મણના આપેલા શબ્દો આખા મહેલમાં બધે કોતરવા.’ થોડા વખત પછી એવું બન્યું કે રાજા ખૂબ માંદો પડ્યો. રાજાનો પ્રધાન ઘણો જ ખટપટી અને હલકી વૃત્તિનો માણસ હતો. એણે તો વૈદ્યને ફોડી રાજાને ઝેર દેવાનો વિચાર કર્યો. રાજાનું કાટલું કાઢી પ્રધાનને ગાદી પચાવી પાડવી હતી. પૈસાની લાલચે વૈદ્ય પણ કાવતરામાં સામેલ થયો અને દવામાં ઝેર ભેળવ્યું. રાજા જ્યાં સોનાનો પ્યાલો મોં આગળ લઈ જઈ પીવા જાય છે ત્યાં પેલા બ્રાહ્મણે આપેલા શબ્દો પ્યાલા પર કોતરેલા એના જોવામાં આવ્યા : ‘જે કરવું તે ખૂબ વિચારીને કરવું. સાહસ કામ કદી કરવું નહિ.’ રાજા આ શબ્દો વાંચવા ઘડીભર થંભ્યો. રાજાને પ્યાલા સામે ધ્યાનથી જોતો જોઈ વૈદ્યનું અપરાધી મન ગભરાયું. પ્યાલા પરના શબ્દો એણે વાંચ્યા, ત્યારે પોતાના સાહસ વિષે ગભરાયો અને રાજાને પગે પડી ગુનો કબૂલ કર્યો. રાજાને ખબર પડી એટલે તરત જ વૈદ્યને કેદ કરવાનો હુકમ કર્યો. પછી પ્રધાનને બોલાવી તેને પેલી ઝેરી દવા પી જવાનું ફરમાવ્યું. પ્રધાને પણ ગુનો કબૂલ કરી ખૂબ માફી માગી. રાજાએ બંને બદમાશોને દેશનિકાલ કર્યા. પછી પેલા બ્રાહ્મણના છોકરાને બોલાવી એને ખૂબ બક્ષિસ આપી અને પોતાની જિંદગી બચાવવા માટે પ્રધાનની જગ્યાએ એને નીમ્યો. પછી ખાધુંપીધું ને રાજ કર્યું.