ગુજરાતી બાળવાર્તા સંપદા/ચતુર ચમેલી

ચતુર ચમેલી

કનુ પેઢામલીકર

અમથો કુંભાર. એને એક દીકરી હતી. દીકરીય સાત ખોટની દીકરી. અમથાને દીકરા કરતાંયે સવાઈ લાગતી હતી. અમથાની દીકરી હતીય રૂપનો ઢગલો. પણ એનામાં એકલું રૂપ જ નહિ, ચતુરાઈ પણ ઘણી હતી. એના જેવી બીજી છોકરીઓ તો સાવ વામણી લાગતી. કેટલીક તો એની ઈર્ષા પણ કરતી હતી. અમથા કુંભારને દીકરી બહુ વહાલી. દીકરીની ચતુરાઈ જોઈ એણે નામ પાડ્યું હતું ચતુર ચમેલી. આખા નગરમાં ચતુર ચમેલીની બહુ નામના હતી. આવી અમથા કુંભારની ચમેલીની વાતો છેક રાજાના દરબાર સુધી પહોંચી. રાજાને થયું મારા રાજની આવી ચતુર છોકરીની ચતુરાઈ મારે જોવી જોઈએ. એની ચતુરાઈની પરીક્ષા લેવી જોઈએ. રાજાજીએ અમથા કુંભારને બોલાવ્યો. કહ્યું : તારી દીકરી બહુ ચતુર છે એમ લોકો કહે છે. તું એને દરબારમાં લઈ આવ. મારે એની ચતુરાઈની પરીક્ષા કરવી છે. રાજાજીનો હુકમ થયો એટલે અમથાથી ના તો પડાય નહિ. એ દીકરીને લઈ દરબારમાં ગયો. રાજાજીએ ચતુર ચમેલીને જોઈ. એનું રૂપ જોયું. એની ચતુરાઈ પણ જોઈ લેવી એમ વિચારી પ્રશ્ન કર્યો : ‘દીકરી, તારી ચતુરાઈનાં બહુ વખાણ થાય છે. મને જવાબ આપ. ‘ધનવાન મોટો કે વિદ્વાન મોટો ?’ ચતુર ચમેલીએ તરત જ જવાબ દઈ દીધો. ‘બન્ને સરખા છે. એક ડાબી આંખ અને એક જમણી આંખ. બન્ને આંખો સમાન. આપ કઈ આંખને શ્રેષ્ઠ કહેશો ? એમ જ ધનવાન અને વિદ્વાન બન્ને લોકોનું ભલું કરે છે.’ રાજાજી ચતુરીનો જવાબ સાંભળી ખુશ થયા. એમણે ચતુર ચમેલીનું સન્માન કર્યું. એટલું જ નહિ, રાજાજીએ પોતાના આસન પાસે ચમેલીનું આસન મુકાવ્યું ને રોજ દરબારમાં આવવાની ઇચ્છા દર્શાવી. આ બધું રાજાનો મંત્રી જોતો હતો. એક સામાન્ય કુંભારની છોકરી રાજમાં આટલું બધું માન પામે એ એને રુચ્યું નહિ. એમાંય વળી એનું આસન પોતાના આસન પાસે મુકાવ્યું એથી તો એનો ગુસ્સો આસમાને પહોંચ્યો. એક સામાન્ય છોકરી રાજદરબારમાં માનપાન પામે. મંત્રીથી આ વાત સહન ન થઈ. મંત્રી તો વિચાર કરે. આ છોકરીનો કાંટો કોઈ પણ રીતે કાઢવો. સામાન્ય કુંભારકન્યા મારાથીય વધુ માન મેળવે ! એણે બહુ બહુ વિચાર કરી એક ઉપાય શોધ્યો. રાજાજી દરબારમાં મોજમાં બેઠા છે. મંત્રીએ ત્યારે વાતનો ડપકો મૂક્યો. ‘મહારાજ કાગડાને બેસવું ને ઝાડનું પડવું. એથી એમ તો કેમ કહેવાય કાગડાએ ઝાડ પાડ્યું.’ રાજાજી બોલ્યો : ‘સમજ્યો નહિ આપની વાત ?’ મંત્રીજીએ કહ્યું : ‘મહારાજ આ કુંભારકન્યાનું પણ મને તો કાગડા જેવું લાગે છે. આપણે એની બાબતમાં મૂરખ ઠર્યા હોઈએ એવું લાગે છે.’ ‘સાવ એવું નથી મંત્રીજી ! છોકરી છે ચતુર - ચબરાક.’ ‘ભલે તમે એમ માનો. મને તો બીજી શંકા છે. કોઈએ આપણા દરબારનું નીચાજોણું કરવાનું કાવતરું ઘડ્યું લાગે છે. છોકરીને બરોબર ભણાવીને દરબારમાં મોકલી લાગે છે. ને એથી એ ચતુર સાબિત થઈ ને આપણા દરબારમાં કોઈ વિદ્વાન જ નથી એવું કોઈએ સાબિત કર્યું છે.’ મંત્રીની વાત સાંભળી રાજાજી વિચારમાં પડી ગયા. થોડી વાર પછી બોલ્યા : ‘મંત્રીજી ! આપની વાતમાં કાંઈ દમ તો છે જ. કદાચ આવું બન્યું પણ હોય એવું મનેય લાગે તો છે !’ મંત્રી હવે ખુશ થયો. પોતાનું નિશાન બરોબર અચૂક લાગ્યું હતું. ‘મહારાજ બન્યું હોય એમ નહિ. બન્યું જ છે. આપણે ખરેખર મૂર્ખ બન્યા છીએ.’ ‘તો પછી એનો કોઈ ઉપાય ખરો ?’ ‘છે ને ઉપાય. આપણે ફરી એ છોકરીની પરીક્ષા કરીએ. આ વખત પરીક્ષા હું કરીશ, હું એવો સવાલ પૂછીશ. જેનો જવાબ એ ‘હા’ પણ ન આપી શકે કે ‘ના’ પણ ન આપી શકે. બન્ને રીતે એ જવાબ દઈ શકવા પામે જ નહિ.’ પછીના દિવસે દરબાર ભરાયો. ચતુર ચમેલી હાજર થઈ. એનો બાપ અમથો કુંભાર પણ આવ્યો હતો. દરબાર ભરચક હતો. થોડી વારના મૌન પછી રાજાજીએ ચતુર ચમેલી સામે જોઈ કહ્યું : ‘દીકરી, આજ મારે તને એક પ્રશ્ન પૂછવો છે.’ ‘પૂછોને... એટલા માટે તો આપે મને દરબારમાં આસન આપ્યું છે.’ મંત્રી મૂછમાં હસ્યો. સભામાં ગણગણાટ થયો. કેટલાકને મંત્રીની કોઈ મેલી મુરાદની ગંધ પણ આવી. રાજાજી બોલ્યા : ‘દીકરી ચમેલી. આપણા દરબારનો ખજાનો હીરા-મોતી-માણેક-નીલમ સોનામહોરથી છે ભરચક. તું કહી શકીશ. ભંડારની કિંમત શું હોઈ શકે ?’ સવાલ સાંભળી ચમેલી ઘડીભર મૌન રહી. રાજાના ભંડારની કિંમત શું હોઈ શકે ? કેમ જાણી શકાય કે કહી શકાય. ન કહું તો બુદ્ધિમાં બૂઠી ઠરું અને કોઈ કિંમત જણાવું તો મંત્રી ખોટી ઠેરવી શકે કદાચ ! નક્કી આમાં મંત્રીની ચાલબાજી છે. ‘ભંડારની કિંમત ન બતાવું. તો જરૂર મારી હાર’ એણે મંત્રીને મંદ મંદ લુચ્ચું હસતો જોયો. ચમેલી સમજી ગઈ મંત્રીની ચાલબાજી. એણે તુરત નિર્ણય લીધો. એના પિતા અમથો કુંભાર સભામાં જ હતા. તે ઊભી થઈ. અમથા કુંભારના કાનમાં કાંઈક ગુસપુસ વાત કરી. અમથો સભામાંથી ઊભો થઈ ચાલ્યો ગયો. સમય વીતતાં રાજાજી બોલ્યા : ‘ચમેલી, ઉત્તર કેમ આપતી નથી ?’ ‘આપું છું ઉત્તર.... મારા પિતાજી ઉત્તર લેવા જ ગયા છે.’ ચમેલીનો જવાબ સાંભળી મંત્રી અને દરબારીઓ તો વિચારમાં જ પડી ગયા. એટલામાં અમથો કુંભાર આવ્યો. એના હાથમાં એક મોટી થાળી હતી. થાળી પર કપડું ઢાંક્યું હતું. થાળી એણે રાજાજી સામે મૂકી દીધી. હવે ચમેલી બોલી : ‘રાજાજી, આપ થાળી પરથી કપડું ઉઠાવો, આપને આપના પ્રશ્નનો જવાબ એમાંથી મળશે.’ રાજાજીએ કપડું ઉઠાવ્યું અને બોલ્યા : ‘દીકરી ચમેલી, મને તો આમાં કાંઈ જવાબ દેખાતો નથી.’ ‘એમ ઉતાવળા ન થાઓ રાજાજી. જરા ધ્યાનથી જુઓ. સવાલનો જવાબ જરૂર મળશે.’ રાજાએ ફરી થાળીમાં જોયું : થાળીમાં અનાજનો એક દાણો હતો. માટીનું એક ઢેફું હતું. પાણીની નાની ટબુડી હતી અને રૂનો નાનો ગુચ્છો. રાજા તો આ બધું જોઈ ઊકળી ઊઠ્યા : ‘આ બધું શું છે છોકરી ?’ ચમેલી ઠાવકાઈથી બોલી : ‘આપણા મંત્રીજી બહુ જ બુદ્ધિશાળી છે. એમને આમાંથી જવાબ આપવાનો અવસર આપો.’ મંત્રી ચમેલીની વાતથી ચોંકી ગયા. એમની સમજમાં કોઈ વાત ઊતરી નહિ. આખરે રાજાજીએ કહ્યું : ‘તું જ કહે આમાં જવાબ ક્યાં છે ?’ ચમેલી બોલી : ‘આપના ભંડારની કિંમત આ અનાજના દાણા જેટલી પણ નથી.’ ‘શું બોલે છે તું છોકરી’ રાજાજીનો ગુસ્સો આસમાને પહોંચ્યો. ‘એ કેમ બની શકે ?’ ચમેલી બોલી : ‘ગુસ્સો ન કરો રાજાજી. જે વસ્તુ ઉપયોગી હોય એની કિંમત અંકાય. જે વસ્તુ વિના જીવી શકાય નહિ તે જ સૌથી વધુ ઉપયોગી છે. ભોજન કર્યા વિના ચાલે નહિ. અનાજ વિના ભોજન શક્ય નથી. અને અનાજ પાકે છે ધરતીમાં - માટીમાં. ધરતી જ આપણને અનાજ આપે છે. આથી માટી કીમતી છે. ત્રીજી પાણીની ટબુડી. પાણી વિના કોણ જીવી શકે. એટલે પાણી પણ કીમતી છે. ચોથું રૂનો ગુચ્છો. રૂથી કપડું વણાય. એથી આપણું શરીર ઢંકાય. એટલે એ પણ કીમતી. પાંચમી હવા અને છઠ્ઠું સૂર્યનાં કિરણ. આ છ વસ્તુઓ સિવાય માણસ જીવી શકે નહિ. એટલે આપના ભંડારથી એ બધાં કીમતી છે. ’ ચમેલી થોડી ક્ષણ શ્વાસ લેવા થંભી. પછી બોલી : ‘આપના હીરા-મોતી-માણેક છે. પણ એ ન હોય તોપણ માણસ જીવી શકે. એ આનંદ-પ્રમોદની ચીજો છે. જીવવા માટે ઉપયોગી નથી. એટલે એની ખાસ કોઈ કિંમત નથી. આપને મારો આ ઉત્તર છે.’ ‘વાહ...વાહ...’થી આખી સભા ગાજી ઊઠી. રાજાજી પણ ચતુર ચમેલીનો જવાબ સાંભળી ખુશ થયા. એમણે પોતાના ગળામાંથી કીમતી હાર કાઢી ચમેલીને ભેટ આપ્યો. બિચારા મંત્રી તો ભોંઠા જ પડી ગયા.