ગુજરાતી બાળવાર્તા સંપદા/વાતોનું વાળુ
કુમારપાળ દેસાઈ
પરસોત્તમ શેઠ.શેઠને પરગામ જવાનું હતું. રસ્તામાં ચોર-લૂંટારાનો ભય. સાથે એક જમાદાર લીધા. શેઠ જેટલા ડરપોક એટલા મૂંજી. વિચાર કર્યો કે ક્યાં બહુ દૂર જવાનું છે ? જો જમાદારને જમાડીએ તો પાંચેક રૂપિયાનું ચટ કરી જાય. એને બદલે જમવાનો એક કોરો રૂપિયો જ પરખાવી દઈશ. થયું એવું કે શેઠ ને જમાદાર બેય ભૂલા પડ્યા. રસ્તો સૂઝે નહિ. ગમે તેટલા આગળ જાય પણ કોઈ ગામ મળે નહિ. વહેલી સવારે બંને નીકળ્યા હતા. સૂરજ પણ ઢળવા આવ્યો છતાં અડધેય પહોંચ્યા નહોતા. જમાદાર વારંવાર કહે, “શેઠ, ભારે ભૂખ લાગી છે અને થાકનો કોઈ હિસાબ નથી,પણ ભૂખ આગળ હું ભાંગી જાઉં.” પરસોત્તમ શેઠ જમાદારને શિખામણ આપે, “ઓ ભઈ, મન એ તો માંકડું છે. ઊંઘ અને આહાર વધાર્યા વધે અને ઘટાડ્યા ઘટે. બસ, જમાદાર. મનને મારો એટલે ભૂખ ભાગી જશે.” રસ્તે ચાલતા રાત થવા આવી. જમાદારના પેટમાં બિલાડાં બોલવા લાગ્યા. શેઠ તો સૂફિયાણી વાતો કરે, પણ ભાતાનો ડબો કાઢે નહિ. અડધી રાત થઈ. જમાદાર તો ખાઉં ખાઉં થઈ રહ્યો. એણે શેઠને કહ્યું, “શેઠ, હવે રહેવાતું નથી. હવે તો જમવું જ પડશે.” પરસોત્તમ શેઠ કહે, “જુઓ જમાદાર, અક્કલ તો અમારા બાપની ! તમને જમવાની એક નવી જ તરકીબ બતાવુ છું. ચાલો, આપણે વાતોનાં વાળુ કરીએ.” જમાદાર વિચારમાં પડ્યો, આ વાતોનાં તે વાળુ શી રીતે થતા હશે ? પણ ભૂખ કકડીને લાગેલી એટલે લાંબો વિચાર થાય તેમ નહોતો. જમાદારે કહ્યું, “શેઠ, ચાલો, એ રીતે પણ વાળુ તો કરીએ.” પરસોત્તમ શેઠ કહે, “જુઓ જમાદાર, હું તમને જે કહું એની તમે બરાબર હા પાડજો. વાતોનાં વાળુ કરવાની ભારે મજા આવે, હોં !” જમાદારે કહ્યું, “ભલે શેઠ.” પરસોત્તમ શેઠ કહે, “જુઓ, અમે બધા ગામમાં ગયા. કંદોઈની દુકાનેથી પાંચ શેર જલેબી લીધી. ફરસાણવાળાની દુકાનેથી બશેર ભજિયાં લીધાં.” “વાહ ખૂબ ! જલેબી અને ભજિયાં,” જમાદારે હામાં હા પુરાવી. શેઠે કહ્યું, “વળી મનમાં થયું કે લાવ, થોડી મિઠાઈ લઉં. શેર બરફી અને બશેર પેંડા લીધા.” જમાદારે કહ્યું, “સરસ, સરસ.” પરસોત્તમ શેઠે કહ્યું, “બસ, પછી તો જલેબી અને ભજિયાં ખાવા માંડ્યાં. ખાનાર તો હું અને તમે બે હતા. કેવી મજાની જલેબી, કેવાં સરસ ભજિયાં ! કેવા ચટાકેદાર બરફી અને જલેબી અને પેંડા ! તમે અને મેં ખૂબ ખૂબ ખાધું, તમે ધરાઈ ગયા તો મેં તમને આગ્રહ કર્યો.” કહ્યું કે, “જમાદાર લો, આ બરફી. આવી બરફી તો તમે કદી ખાધી નહિ હોય.” વળી કહ્યું કે, “જમાદાર, આ મધમીઠી જલેબી એકાદ-બે તો ખાઓ. અને તમે જલેબી ખાઓ ત્યાં જ કહ્યું કે, જમાદાર મોં ગળ્યું થઈ ગયું હશે. જરા, આ બે ભજિયાં તો લો. આમ આપણે વાળુ કર્યું. ઓડકાર ખાધા. પથારીમાં આડા પડ્યા અને પછી ઘસડ ઘૂ... ઘસડ ઘૂ. ઊંઘવા માંડ્યું. જમાદારને તો હા જ કહેવાની હતી. આટલી વાત કરીને વાતોનાં વાળુ પતાવી શેઠ આડા પડ્યા. ઊંઘવા લાગ્યા. નાછૂટકે જમાદાર આડા પડ્યા. પણ પેટમાં બિલાડા બોલે તે ઊંઘ શેની આવે ? આખરે એણે વિચાર્યું કે પરસોત્તમ શેઠ એમ ને એમ નહિ માને. જરા પાંસરા કરવા પડશે. એણે એકાએક શેઠને જગાડ્યા અને કહ્યું, “શેઠ, હવે હું તમને વાતોનાં વાળુ કરાવું છું. તમે તો મને જમાડ્યો. હવે હું તમને જમાડું.” પરસોત્તમ શેઠે કહ્યું, “ભલે.” જમાદારે કહ્યું, “આ... હું બજારમાં ગયો. પાંચ શેર બટાટા લાવ્યો. દસ શેર લોટ લાવ્યો. પછી એક મરઘો લાવ્યો.” પરસોત્તમ શેઠ કહે, “અરર ! જમાદાર ! આવા તે વાળુ હોય ?” જમાદારે કહ્યું, “શેઠ, રસોઈ પકાવીને ખાધી. પછી દારૂ પીધો. દારૂ તો માનવને દાનવ બનાવે. હું ભાન ભૂલ્યો. મને જોર ચડ્યું અને હું તો ચાલ્યો બજારમાં. સામો મળ્યો ઘાંચી. એને દીધો ઠોંસો અને લીધું તેલ.” આમ કહી જમાદારે પરસોત્તમ શેઠને એક ઠોંસો લગાવ્યો. જમાદરે પોતાની વાત આગળ ચલાવી અને કહ્યું, “પછી ગયો મિઠાઈવાળા પાસે. એં... એક મુક્કો દીધો ને મીઠાઈ હાજર.” આમ કહી જમાદારે શેઠને એક મુક્કો લગાવ્યો. જમાદારની વાત તો ચાલુ જ રહી. પછી ગયો ઘીવાળાની દુકાને. “એં... એક અડબોથ દીધી ને બશેર ઘી લીધું.” આમ કહેતાં જમાદારે શેઠને એક અડબોથ લગાવી દીધી. પરસોત્તમ શેઠને થયું કે માળો આ જમાદાર સાવ જડ છે. આમ ઠૂંસા મારી મારીને તો મારી નાંખશે. એમણે કહ્યું, “અરે જમાદાર, આવા મજાક-મશ્કરીના દારૂ તે કંઈ ચડે ખરા ?” જમાદારે કહ્યું, “તો શેઠ, વાતોનાં વાળુથી કંઈ પેટ ભરાય ખરું ? ચાલો, લાવો ડબો.” જમાદારે પેટ ભરીને વાળુ કર્યું. ડબો સાવ ખાલી થઈ ગયો. પરસોત્તમ શેઠના નસીબમાં વાતોનાં વાળુ જ રહ્યાં.