ગુજરાતી બાળવાર્તા સંપદા/ચૂં ચૂં મામા ટી.વી. લાવ્યા

ચૂંચૂંમામા ટી.વી. લાવ્યા

નટવર પટેલ

એક હતા ઉંદરમામા. નામ એમનું ચૂંચૂંમામા. એક હતી ઉંદરમામી. નામ એમનું ચૂંચૂંમામી. એમને પોચાં પોચાં રૂ જેવાં બે મજાનાં બચ્ચાં. નામ એમનાં ચમ્મૂ અને ધમ્મૂ ચમ્મૂ-ધમ્મૂને એક ભાઈબંધ. નામ એનું છમ્મૂ. આ છમ્મૂને ઘેર એક ટીવી. બંનેને છમ્મૂ ટીવી જોવા નિમંત્રે. આમ તો છમ્મૂનું ઘર થોડું દૂર છતાં ટીવી જોવાની લાલચે ચમ્મૂ-ધમ્મૂ દોડતા જાય. ઘણી વાર કાર્યક્રમમાં ખૂબ રસ પડી જાય, ઘેર આવતાં મોડું થાય. ચૂંચૂંમામીને ચિંતા થાય – અ૨૨ ! છોકરાં ક્યારે ઘરે આવશે ? ચૂંચૂંમામી ઘરમાં આઘાંપાછાં થાય – ‘આજ આવવા દે. વાત છે એમની.’ મોડે મોડે ચમ્મૂ-ધમ્મૂ ઘેર આવે. મામી ધમકાવે – ‘ક્યાં ગયાં હતાં ?’ ‘છમ્મૂને ત્યાં ટીવી જોવા.’ ‘રોજ રોજ ટીવીમાં શું જોવાનું ?’ મામી છણકો કરે. ‘મમ્મી, એક વાર તું જુએને તો ખબર પડે.’ ‘એવું તે શું જોવાનું આવે છે ?’ ‘મમ્મી, તેં કદી તાજમહેલ જોયો છે ?’ ચમ્મૂ મમ્મીને પૂછે. ‘હેં ! તાજમહેલ ! એ વળી કેવો હોય ? આપણા ઘર કરતાંય સારો હોય ?’ ચમ્મૂ-ધમ્મૂ તો ખી ખી કરતા હસી પડ્યા. ધમ્મૂ કહે – ‘મમ્મી ક્યાં આપણું ખોબા જેવડું ઘર અને ક્યાં તાજમહેલ !’ બાળકોની વાત સાંભળીને મામીનેય ટીવી જોવાની ઇચ્છા થઈ. ને એક દિવસ બાળકો હારે મામીય ઊપડ્યાં. મામા મોડેથી ઘેર આવ્યા, જોયું તો ઘર બંધ. ઓત્તારીની ! ક્યાં ગયાં બધાં ? મોડી સાંજે ત્રણેય આવ્યાં ઘેર. મામા તો ગુસ્સાથી લાલચોળ થઈ ગયા. ‘ક્યાં ગયાં હતાં ??’ મામાએ પૂછ્યું. ‘છમ્મૂને ઘે૨.’ મામી બોલી. ‘શા માટે ?’ ‘ટીવી જોવા.’ ‘ટીવીમાં શું જોવાનું હોય ?’ મામાએ પૂછ્યું. ‘આ જગતમાં જે જોવાનું છે તે બધું ટીવીમાં જ છે.’ મામીએ મરક મરક હસીને કહ્યું. ચૂંચૂંમામાનેય ટીવી જોવાની ઇચ્છા જાગી ને એક દિવસ ચારે જણ છમ્મૂને ઘરે ઊપડી ગયાં. પાછા ફરતાં રસ્તામાં ચૂંચૂંમામી કહે, ‘મારા રાજ્જા ! જોયું ને ? મજા પડી કે નહીં ?’ મામા ખુશ થતાં કહે : ‘હા મારી રાણી !’ ‘પપ્પા, આપણેય ટીવી લાવો ને ?’ ચમ્મૂએ કહ્યું. ‘હા લાવી દો. ઘેર બેઠાં જોવા તો થાય.’ મામીએ પણ ટાપસી પૂરી. ‘સારું. લાવી દઈએ.’ મામાએ હા પાડી. ‘પણ પપ્પા, બ્લૅક ઍન્ડ વાઇટ ટીવી નહીં ચાલે.’ છમ્મૂ બોલ્યો. ‘ત્યારે ?’ ‘રંગીન ટીવી જોઈએ.’ ‘રંગીન ટીવીમાં તો બધી વસ્તુઓ જેવી હોય તેવી જ દેખાય.’ ચમ્મૂ બોલ્યો. ને પછી તો એક દિવસ ચૂંચૂંમામા બજારમાં ગયા ને રંગીન ટીવી ઉપાડી લાવ્યા. ઘરમાં આનંદ આનંદ થઈ ગયો. ચૂંચૂંમામીનો હરખ હૈયામાં માય જ નહીં. તેઓ અડોશ-પડોશમાં સૌને કહી વળ્યાં – સાંભળો છો બુન ? અમારે ત્યાં રંગીન ટીવી આવ્યું છે. આજે પ્રોગ્રામ જોવા આવજો.’ ને સાંજે પ્રોગ્રામ શરૂ થાય તે પહેલાં તો ચૂંચૂંમામાનું ઘર નાના-મોટા ઉંદરોથી હકડેઠઠ ભરાઈ ગયું. નાનો સરખો રૂમ. એક ખૂણામાં ટિપાઈ પર ટીવી ગોઠવેલું. ટીવી પાસે નાનાં નાનાં છોકરાં ગોઠવાઈ ગયાં. દૂર ભીંત આગળ સોફાસેટ ને ખુરશીઓ ગોઠવેલી. તેમાં સૌ વડીલો ગોઠવાયા. એટલામાં ચૂંચૂંમામી પૂજાની થાળી લઈને આવ્યાં. આગળ જઈને ટીવીને કંકુના પાંચ ચાંલ્લા કર્યા. ફૂલહાર ચડાવ્યો ને પછી સૌને પેંડા વહેંચ્યા. ટીવી કાર્યક્રમ ચાલુ થવાનો સમય થયો. એક વડીલ ઉંદર બોલ્યો : ‘ચૂંચૂંભાઈ, હવે ઝટ ટીવી ચાલુ કરો.’ ‘હા, ભૈ ચાલુ કરું છું.’ ‘છોકરાઓ, ચંચૂંભાઈને ટીવી નજીક જવા દો એટલે ટીવી ચાલુ થાય.’ બીજો ઉંદર બોલ્યો. ‘રહેવા દો, હું અહીંથી બેઠાં બેઠાં જ ટીવી ચાલુ કરીશ.’ આ સાંભળી સૌ નવાઈ પામ્યા. ટીવીની સ્વિચ ફેરવ્યા વગર કઈ રીતે ચાલુ થશે ? ત્યાં તો ચૂંચૂંમામાએ ઝભ્ભાના લાંબા ગજવામાંથી રિમોટ-કન્ટ્રોલ કાઢ્યું. સ્વિચ દબાવી ઝટઝટ ને ટીવી પર ચિત્ર આવ્યું પટપટ. વાહ ભૈ વાહ ! આ તો જાદુમંત૨ કહેવાય ! ‘આ શું છે ?’ એક ઉંદરે પૂછ્યું. ‘રિમોટ-કન્ટ્રોલ.’ મામા બોલ્યા. ‘આની મદદથી ટીવી દૂર બેઠાં બેઠાં ચાલુ-બંધ કરી શકાય.’ છોકરાંઓ તો આ પેલું આવ્યું... ને આ સરસ આવ્યું. આમ કહી શોરબકોર કરતાં હતાં. ત્યાં એક વડીલ ઉંદરે ઘાંટો પાડ્યો. – ‘ચૂપ મરોને હવે !’ ને સૌ ચૂપ થઈ ગયાં. ટીવીના સંગીતના તાલે સૌ બેઠાં બેઠાં ઝૂમતાં હતાં. ‘ઝીણું મીઠું સંગીત સૂણી સૌ કોઈ ઠમકો લેતાં. બથ્થંબથ્થા લડતાં જોઈ બચ્ચાં તાલી દેતાં.’ ચમ્મૂ ને છમ્મૂ તો જાહેરાતની સાથે સાથે આખેઆખી જાહેરાત આગળ આગળ બોલી જતા હતા. આ જોઈ મામા ને મામી હરખાતાં હતાં. ‘ટીવીના લીધે ચમ્મૂ-છમ્મૂ કેટલાક ચબરાક થઈ ગયા છે !’ સૌ અંદરોઅંદર ચર્ચા કરતાં હતાં. જાહેરાતો બંધ થઈ ને પ્રોગ્રામ બદલાયો. પ્રોગ્રામનો વિષય હતો. ‘આપણા ઘરનાં પ્રાણીઓ.’ ને સંગીત સાથે નંબરિયાં પડ્યાં. ને પછી ટીવી પર ઘર દેખાયું. ઘરનું દીવાનખાનું દેખાયું. દીવાનખાનામાં સોફા પર રોફ જમાવીને એક બિલ્લીમાસી દેખાયાં. ધીરે ધીરે ટીવી પર બિલ્લીમાસી મોટાં ને મોટાં થતાં ગયાં. ઘરમાં સન્નાટો છવાઈ ગયો. ન કોઈ હાલે કે ન ચાલે. ને પછી તો ‘મ્યાઉં...’ કહેતીકને બિલ્લીમાસીએ કૂદકો માર્યો. ને તે સાથે જ ચૂંચૂંમામાના ઘરમાં ભાગંભાગ શરૂ થઈ ગઈ. ‘એવામાં પડદે દેખાતાં મોટાં બિલ્લીમાસી મ્યાઉં અવાજે ઉંદરોની આખી સેના નાસી !’ ચીસાચીસ ને રાડારાડ થઈ ગઈ. જબ્બર ધમાચકડી મચી ગઈ. ચમ્મૂ ને છમ્મૂ બૂમો પાડીપાડીને કહેતા હતા કે – ‘કોઈ ડરશો નહીં. એ કાંઈ સાચુકલી માસી નથી. એ કાંઈ ટીવીની બહાર નહીં આવે. તમને કશું જ નહીં કરે...’ પણ સાંભળે કોણ ? શોરબકોરમાં ચમ્મૂછમ્મૂની પિપૂડી સાંભળે કોણ ? ને જેમને સંભળાયું તેઓ માને ખરા ? ને માને તોય આ ધમાચકડીમાં કરેય શું ? દોડાદોડીમાં સોફાસેટ ઊંધો વળ્યો. ખુરશીઓ ભાંગી ગઈ. કોઈના પગે ટીવીનો વાયર વીંટળાયો. ધડામ્ કરતું ટીવી ઊંધું પડ્યું. ચૂંચૂંમામા છેક બારણા પાસે જ બેઠેલા, બધા એમના ૫૨ થઈને બહાર દોડી ગયા. બિચ્ચારા મામા ! ચગદાઈ જ ગયા ! મામીનીયે આવી હાલત થઈ. મામીની તો મોંઘા ભાવની સાડીના લીરેલીરા થઈ ગયા. ચૂંચૂંમામા ટીવી લાવ્યા તો ખરા, પણ ટીવીનો ઉદ્ઘાટન સમારંભ ઘણો મોંઘો પડી ગયો.