ગુજરાતી બાળવાર્તા સંપદા/તો પ્રભુ કરે સહાય !
શિવમ્ સુંદરમ્
દીપક એક ગામડાગામનો વિદ્યાર્થી હતો. તેનું પોતાનું ગામ તો સાવ નાનું હતું; માંડ સોએક ઘરનું ગામ; પરંતુ તેના ગામથી ચારેક માઈલ છેટે એક મોટું ગામ હતું; કસબાનું ગામ હતું - કુસુમપુર. કુસુમપુરમાં એક હાઈસ્કૂલ હતી. પોતાના ગામમાં ચાર ધોરણ પસાર કરીને દીપક હોંશે હોંશે કુસુમપુર હાઈસ્કૂલમાં દાખલ થઈ ગયો હતો. પોતાના ગામની શાળામાં તો તે હંમેશાં પહેલો જ નંબર રાખતો; પહેલે જ નંબરે પાસ થતો. પરંતુ કુસુમપુર હાઈસ્કૂલની વાત જુદી હતી. દીપક ગમે તેટલી મહેનત કરતો; લેસનમાં ગમે તેટલું ધ્યાન રાખતો; પરંતુ કોઈ દિવસ તે પહેલો નંબર લાવી શકતો નહોતો. છેક દશમા ધોરણમાં આવ્યો, છતાં તેના નસીબમાં પહેલો નંબર નહોતો. કુસુમપુરનો જ રહીશ એક છોકરો હતો - નિલય. એ નિલય હંમેશાં પોતાનો પહેલો નંબર જાળવી રાખતો. દીપક છેલ્લા બે વરસથી ઇચ્છતો હતો કે નિલયથી વધુ માર્ક્સ મેળવી મારે નિલય પાસેથી પહેલો નંબર આંચકી લેવો, પરંતુ તેણે ગમે તેટલી મહેનત કરી છતાં નિલયની આગળ તે જઈ શક્યો નહોતો ! ને આ વાતનું જ દીપકને સૌથી મોટું દુઃખ હતું. છેલ્લી નવમા ધોરણની પરીક્ષા વેળાએ તો દીપક એક જ ગુણ માટે રહી ગયો - એક ગુણ ઓછો મળ્યો; એટલા માટે તેનો પહેલો નંબર ગયો. ને પહેલા નંબરે હંમેશની જેમ નિલય જ ચોંટી રહ્યો, એટલે દીપકને બહુ લાગી આવ્યું. બીજે દિવસે સવારે વહેલી પરોઢે તેની આંખ ખૂલી ગઈ, ત્યારે તેના કાને તેના જ ગામના એક ભિખારીનું ભજન પડ્યું. એ ભિખારી અંધ હતો. ગામના લોકો તેને ‘સુરદાસ’ના નામે ઓળખતા. સુરદાસ પહેલાં તો પેલો સંસ્કૃત શ્લોક બોલ્યો : પછી તેનું ભાવવાહી ગુજરાતી કર્યું - ‘હે ભગવાન, તારી કૃપાથી લંગડો પણ પર્વતને ઠેકી જઈ શકે છે !’ સુરદાસની આ ભાવવાહી ઉક્તિએ દીપકના દિલને જબરદસ્ત ધક્કો માર્યો. દીપકને થયું : ‘ભગવાન લંગડાને પણ એવી શક્તિ આપવા સમર્થ છે, જેથી લંગડો પર્વત પણ ઓળંગી જાય; તો પછી સર્વસમર્થ એવા ભગવાન પાસે જ મને જવા દે ને ! ભગવાન મને એકાદ ગુણ વધારે નહીં અપાવે ? ભગવાન મને પહેલો નંબર નહીં અપાવે ?’ ને શુભસ્થ શીધ્રમ્ - સારા કામમાં ઢીલ શી ? એ દિવસે રજા હતી છતાં એ દિવસે તે વહેલો ઊઠ્યો; નિત્યકર્મથી પરવારી તેની ગામની સીમમાં આવેલા એક એકાંત મંદિરમાં તે ભગવાનના દર્શન કરવા ગયો. એ વેળા મંદિરમાં તેના સિવાય કોઈ નહોતું. એટલે તે તો ભગવાનની મૂર્તિ સમક્ષ રંકની જેમ બેસી ગયો ને ભગવાનને કરગરતાં પોતાના મનની વાત કરવા લાગ્યો. એવામાં મંદિરનો મહારાજ આવી પહોંચ્યો. આ મહારાજ મંદિરનો પૂજારી હતો. તેને દીપકે ભોળા થઈને પૂછ્યું : ‘મહારાજ, ભગવાન દરેકની કામના પૂરી કરે છે ?’ મહારાજ કહે : ‘કેમ નહીં ? ભગવાનની કૃપા વડે તો લંગડો પણ ડુંગરને કૂદી શકે છે. તું ભગવાનની કૃપા મેળવે તો તારી પણ બધી કામના પૂર્ણ થાય !’ બસ, ત્યારથી દીપકને સચોટ થઈ ગયું : ‘પેલો સુરદાસ પણ આ જ વાત ગાતો હતો. આ મહારાજ પણ એ વાતની પુષ્ટિ કરે છે. માટે હવે તો બંદા દરરોજ આ મંદિરે આવવાના ! ભગવાનને કાલાવાલા કરવાના ! ભગવાન મારા કાલાવાલાથી રીઝશે ને પછી નિલય પાછો હઠશે; ને ભગવાન મને પહેલો નંબર અપાવશે ! ભગવાન સરખા દાતાર છે ! પછી નિલયના શા ભાર છે ?’ આવી ગુરુચાવી દીપકના હાથ આવી ગઈ. એટલે પછી તો તે આ મંદિરમાં દરરોજ આવતો થઈ ગયો. તે તો ભગવાનનો પૂરો ‘ભગત’ બની ગયો. દરરોજ સવારે ઊઠીને પહેલાં તો તે કસરત કરતો. કસરત કરીને નાહતો; પછી વાંચવા બેસી જતો - ને ત્યાં શાળાનો સમય થઈ જતો. પરંતુ હવે તો તેણે કસરત એક કોરે મૂકી દીધી. હવે તો નાહીને તરત જ પેલા મંદિરે જતો. મંદિરમાં હંમેશાં તે પાંચિયો (પાંચ પૈસાનો સિક્કો) નાખતો; પોતાને વાપરવા આપેલા પૈસામાંથી પાંચિયો નાખતો; એટલા પૈસા તે ઓછા વાપરતો; ને મંદિરના એકાંતમાં જઈ તે ભગવાન સમક્ષ રંકની જેમ કરગરતો : ‘હે ભગવાન, તમે મને પહેલો નંબર અપાવો ! હે ભગવાન, હું તમારા આશરે છું !’ રવિવારના રજાના દિવસે તો તે ખાસ્સો સમય આ મંદિરમાં જ ગાળતો. ને એ દિવસે તો મંદિરના પેલા મહારાજનો પણ તેને ભેટો થઈ જતો. મહારાજને પણ એક દિવસે દીપકે પોતાના મનની વાત કહી હતી. ને વળી દીપક તો દરરોજ મંદિરને આવક કરાવતો હતો. એટલે દીપક મહારાજને બહુ ગમતો. મહારાજ દીપકને દિલાસો દેતા : ‘ભાઈ, ભગવાન તને જરૂર પહેલો નંબર અપાવશે !’ એટલે પછી દીપકે તો દિવસે દિવસે આ ભગવાનમાં વધુ ધ્યાન આપવા માંડ્યું, કેમકે ભગવાન તેને પહેલો નંબર અપાવવાના હતા, એટલે અભ્યાસની ખાસ શી જરૂર હતી ? વળી એક રવિવારે આ મંદિરમાંથી દીપક બહાર નીકળતો હતો ને સાઇકલ પર તેને પેલો નિલય મળી ગયો ! જોગાનુજોગ ! નિલય સાઇકલ પર બેસીને પડખેના ગામ ગયો હતો. તેના હાથમાં ટેનિસ ખેલવાનું રૅકેટ હતું. તેણે દીપકને પૂછ્યું : ‘કેમ દીપક, અહીં ક્યાંથી ?’ પહેલાં દીપક ત-ત-પ-પ થઈ ગયો; કેમ કે આ મંદિરે આવવાનું પ્રયોજન તો નિલય સામે જ હતું ને ! એટલે નિલય આગળ એવી વાત ઝટ શી રીતે નીકળે ? એટલે દીપકે કહ્યું : ‘અમસ્તો જ ! આ બાજુ મારું ખેતર છે એટલે ! પરંતુ દોસ્ત, તું આ બાજુ ક્યાંથી ?’ નિલય કહે : ‘પડખેના ગામમાં ટેનિસની હરીફાઈ હતી તેમાં હું જીત્યો ! હવે હું જાઉં ! મારે મોડું થયું છે !’ દીપક પણ નિલય ત્યાંથી ઝટ ખસે એમ જ ઇચ્છતો હતો ને ! એટલે તેણે ઝટ કહ્યું : ‘આવજે ત્યારે !’ નિલયની સાઇકલ દૂર ગઈ, એટલે દીપકે દાંત કચકચાવીને કહ્યું : ‘હવે લાવજે પહેલો નંબર ! હું છું ને મારા ભગવાન છે !’ વાર્ષિક પરીક્ષાનો હવે એકાદ માસ જ બાકી હતો. હવે તો દીપકની ભગવદ્ભક્તિ વધુ જોશમાં ચાલી; હવે તેણે ભગવાનનો એક ફોટો પોતાનાં પુસ્તકો વચ્ચે પણ રાખ્યો. ને અભ્યાસ તેને ખાસ ન સૂઝતો, પણ ભગવાનની ભક્તિ તેને સૂઝતી; તે મનમાં રામનું રટણ કરવા મંડી પડતો ! મનમાં એક જ બોલ હતો : ‘હે રામ ! મારી લાજ રાખજે ! મને પહેલો નંબર અપાવજો !’
દીપકની એક મોટી બહેન હતી. તેનું નામ હતું ચકોરી. ચકોરીનું નામ તેની ફોઈબાએ જોઈને પાડ્યું હશે કે કેમ, પરંતુ ચકોરી પોતાના નામ પ્રમાણે ખૂબ જ ચકોર હતી. તે દીપકથી બે વર્ષ મોટી હતી; ને કૉલેજમાં ભણતી હતી. તે બહારગામ રહેતી હતી, પરંતુ તેને વૅકેશન વહેલી પડી હતી; એટલે તે વહેલી ઘેર આવી હતી. ચકોરીની ચકોર નજરે દીપકની આવી વેવલી ભગવદ્ભક્તિ અજાણી રહી શકી નહીં. પહેલાં તો જ્યારે ચકોરી ઘેર આવતી, ત્યારે દીપક તેને પોતાની ‘ડિફિકલ્ટી’ પૂછતો; અઘરા દાખલા પૂછતો. પરંતુ આ વેળા રામ તેનું નામ ! તે તો તેની ભક્તિમાં જ મશગૂલ હતો. એટલે ચકોરીને ચિંતા થવા લાગી; તેણે તેની બાને કહ્યું : ‘બા, દીપક સાધુ બનવાનો છે કે શું ? આજકાલ ભક્તિમાં બહુ ધ્યાન આપે છે ! મંદિરે તો જાય છે, ઉપરાંત પુસ્તકોમાં પણ ભગવાનની છબિ રાખે છે ! અભ્યાસમાં ધ્યાન સાવ ઓછું કરી નાખ્યું છે; ને ભગવાનની ભક્તિમાં બધું ચિત્ત પરોવ્યું લાગે છે ! મને તો આ સારું નથી લાગતું ! આજકાલના અભ્યાસમાં તો બહુ મહેનત કરવી પડે છે ! અભ્યાસમાં લગની લગાડવી પડે છે !’ પરંતુ દીપક ઘરમાં લાડકો હતો; વળી છોકરો હતો ! એટલે બાએ ચકોરીના કહેવા પર ખાસ ધ્યાન આપ્યું નહીં. દીપક પણ ચકોરીને જરા પણ ન ગાંઠ્યો. ને ચકોરીએ પણ પછી તેને ટકોરવાનું બંધ કર્યું. વળી દીપકે તેની બાને અવળે પાટે ચડાવી દેતાં કહ્યું : ‘બા, ચકોરી તો વિજ્ઞાનની વિદ્યાર્થિની છે ! એટલે તે તો નાસ્તિક બની ગઈ છે ! તે ભગવાનની ભક્તિમાં શું સમજે ?’ બા બિચારી ભલી બાઈ હતી. તે દીપકની વાતોમાં આવી જતી; ને કોઈને કશું કહેતી નહીં.
ને પછી તો પરીક્ષાના દિવસો એકદમ નજીક આવી ગયા. દીપકે પોતાની ભગવદ્ભક્તિ જોરશોરથી વધારી દીધી. પેલા મહારાજને પણ તે પૂછતો : ‘મહારાજ, મારો નંબર આવશે ને ? ભગવાન મને પહેલો નંબર અપાવશે ને ? પેલા નિલયને હું પાછો પાડીશ ને ?’ મહારાજ ધીરે રહીને કહે : ‘ભગવાન તો સર્વસમર્થ છે ! ભલું હશે તો તારો નિલય પરીક્ષા જ આપવા નહીં આવે ! ભગવાન કદાચ તેને બીમાર જ પાડી દેશે !’ મહારાજની આ વાત સાંભળી દીપકનું દિલ રીઝી ઊઠતું ! પછી તો પરીક્ષા શરૂ પણ થઈ. ગમે તેમ, દીપકનાં પરીક્ષાનાં પેપરો સારાં ન ગયાં; પહેલાં તે પૂરી તૈયારીઓ સાથે પરીક્ષામાં બેસતો; જ્યારે આ વેળા તેની તૈયારીઓ સાવ મોળી હતી. એટલે તેનાં એ પેપરો સારાં ન જાય, એ કુદરતી હતું. નિલય તો એકદમ તંદુરસ્ત હતો; તેની પરીક્ષાની તૈયારીઓ ખૂબ સારી હતી; પહેલેથી જ તેણે તે પરીક્ષાની તૈયારીઓ કરી રાખી હતી. એટલે પરીક્ષાનાં દિવસોમાં તે પોતાની પ્રિય રમત ટેનિસ પણ થોડી વાર માટે ખેલવા જતો. એટલે ખૂબ સ્વસ્થ ચિત્તે તેણે પરીક્ષાઓનાં પેપરો પણ લખ્યાં.
પરીક્ષાઓ પતી ગઈ. પછી પંદર દિવસની રજા હતી. પંદર દિવસ પછી પરિણામ જાહેર થવાનું હતું. આ પંદર દિવસો દરમિયાન તો દીપકે પોતાના હાથમાંથી ભગવાનની માળા ઘડી પળ પણ હેઠી મૂકી નહોતી એમ કહીએ તો ચાલે. ને પંદરમે દિવસે દીપક પરિણામ જોવા ગયો, ત્યારે તો મંદિરમાં દર્શન કર્યા પછી જ ગયો. પરંતુ જે પરિણામ આવ્યું, તે જોતાં દીપકના મગજને ચક્કર આવી ગયાં... ! કેમ કે, તેનો પહેલો નંબર તો ગયો જ હતો; અરે, તે ફુલ્લી પાસ પણ થયો નહોતો ! એટલું વળી સારું હતું કે તેને ‘પ્રમોશન’ મળ્યું હતું - ‘ઉપર ચડાવ્યો’ હતો. તેનો બીજો નંબર તો ગયો હતો જ; તે વર્ગમાં પચીસમા નંબરે પાસ થતો હતો ! નિલયનો નંબર હંમેશની જેમ પ્રથમ જ રહ્યો; એટલું જ નહીં, બીજા બધા વર્ગોના વિદ્યાર્થીઓની સરખામણીમાં પણ તેને સૌથી વધુ ગુણ મળતા હતા !
શાળાના પાટિયા પર દરરોજ એક નવું સુવાક્ય લખાતું હતું. એ દિવસે સુવાક્ય હતું : God helps those who help themselves.. (જે જાતે મહેનત કરે છે તેને જ ભગવાન સહાય કરે છે.) આ સુવાક્યે દીપકની આંખો ઉઘાડી, તેને થયું : ‘મેં જાતે મહેનત કરી હતી ખરી ? પછી ભગવાન મને સહાય કેવી રીતે કરે ? ખરે, મારા ને પેલા સુરદાસ વચ્ચે કશો ફેર નહોતો. હવે હું આંખો ઉઘાડી રાખીને કાર્ય કરીશ. ‘હું અભ્યાસમાં મહેનત કરીશ. બિચારી ચકોરી તો મને અભ્યાસમાં મદદ કરાવવા પણ તૈયાર હતી ! પરંતુ હું પહેલાં જાતે મહેનત કરું પછી મને ચકોરીની સહાય લેવાનું સૂઝે ને !’ ચકોરી ઘેર આવી ત્યારે તેની આગળ દીપકે પોતાના પસ્તાવાનાં આંસુ સાર્યાં. ભીની આંખે તે બોલ્યો : ‘બહેન, મારી શ્રદ્ધા આંધળી હતી; હું પેલા સુરદાસ જેવો હતો. હવે મારી આંખો ખૂલી છે. હવે હું જાતે મહેનત કરીશ, તું મને સહાય કરજે !’