ગુજરાતી બાળવાર્તા સંપદા/મધુપુરની મધમાખીઓ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


મધુપુરની મધમાખીઓ

રમણલાલ પી. સોની

વનમાં એક રાયણનું ઝાડ હતું. એ ઝાડ ૫૨ એક મધપૂડો લટકતો હતો. મોટો નગારા જેવો એનો આકાર અને સેંકડો મધમાખીઓ સતત ગણગણે તે ઢોલ વાગતો હોય એવું લાગે. મધપૂડો એટલે મધુપુર – મધમાખીઓનું નગ૨. નગરની બાંધણી બહુ સરસ – અભેદ્ય કિલ્લા જેવી. આ કિલ્લામાં સાઠ જેટલાં મકાનો હતાં. એવાં રૂપાળાં કે સોનાનાં લાગે. બધાં મકાનો એકસરખા છ ખૂણાવાળાં ! છયે ખૂણા એકસરખા માપના, એ ઘરની છયે દીવાલો એકસરખી લંબાઈની અને લીસી સપાટ ! ક્યાંય જરી સરખો ખાડો કે ટેકરો જોવા ન મળે ! બધાં ઘર જોડાજોડ – ઘરની દીવાલો બાજુના ઘરોની દીવાલો જોડે સહિયારી. આખાયે નગરની યોજના પણ આ મધમાખીઓએ જ કરેલી, મકાનો પણ એમણે જ બાંધેલાં અને નગર પણ એમણે જ વસાવેલું. મધમાખીઓના કુળમાં ભણવાનો મહિમા ઘણો. દરેક બાળકે ચાર વિદ્યાઓ ભણવી જ પડે – એક ગણિત-ભૂમિતિની વિદ્યા, બીજી ઘ૨ બાંધવાની અને નગ૨૨ચનાની વિદ્યા, ત્રીજી મધ બનાવવાની વિદ્યા અને ચોથી સંકટ સમયે દુશ્મનો સામે લડવાની વિદ્યા. દરેક મધમાખ-બાળકે આ ચારે વિદ્યામાં પાસ થવું જ પડે. પાસ થવું એટલે સોમાંથી પાંત્રીસ ગુણ મેળવીને પાસ થવું એવું નહિ, અહીં તો સોમાંથી સો ગુણ મેળવે તે જ પાસ થાય. નવ્વાણું ગુણે પણ પાસ ન થવાય. બધી જ વિદ્યાઓ બધાને બધી જ અને પૂરેપૂરી આવડવી જ જોઈએ, એમાં કોઈ કસર ચલાવી લેવાય નહિ. આમ આ નગ૨માં ૨હેનારાં નાનાં-મોટાં બધાં જ આ રીતે પાસ થયેલાં હતાં. આનો મોટો ફાયદો એ કે કોઈ એમ ન કહી શકે કે હું બીજા કરતાં વધારે હોશિયાર છું, તેથી બીજા કરતાં મોટો છું. અહીં બધાં જ સરખાં; બધાંએ જ કામ કરવું પડે – કોઈ શેઠ નહિ, કોઈ નોકર નહિ. કોઈ માલિક નહિ, કોઈ મજૂર નહિ. બધાં જ શેઠ, બધાં જ માલિક; બધાં જ નોકર, બધાં જ મજૂર ! તો, આ નગરમાં કોઈ રાજા ખરો કે નહિ ? ના, રાજા નહિ, પણ રાણી ખરી. બધી મધમાખીઓ એ રાણીના હુકમ પ્રમાણે ચાલે. બધાંને રાણી પ્રત્યે એટલું માન કે એક વાર રાણીએ કંઈ હુકમ કર્યો, પછી એ હુકમ પ્રમાણે કામ ચાલે જ, બીજી વા૨ રાણીએ હુકમ કરવો ન પડે. બાળકોની કેળવણી ત૨ફ રાણી ખૂબ ધ્યાન આપે. કોઈ અભણ કે અધૂરા ભણતરવાળો અહીં ચાલે જ નહિ. બાળકો ભણી ઊતરે એટલે રાણી એમને છેલ્લો ઉપદેશ કરે. એ ઉપદેશમાં કહે : હે મધમાખો, તમે હવે મધમાખ-પદ પ્રાપ્ત કર્યું છે. મધમાખ-પદ એ દુનિયાની ઊંચામાં ઊંચી પદવી છે. એ પદવીને શોભે એવું હવે તમે કામ કરજો. કામમાં કદી આળસ કરવી નહિ. સમય બહુ કીમતી છે, એક પળ પણ નકામી જવી ન જોઈએ. જે ખરેખરું કામ કરે છે તેને કદી થાક લાગતો નથી, માટે થાક્યા વિના કામ કરજો. આપણા રાજ્યમાં ઈનામ આપવાનો રિવાજ નથી, એટલે તમારું કામ એ જ તમારું ઈનામ છે એમ સમજીને કામ કરજો. કોઈને નાનો ન ગણશો અને કોઈથી મોટા થવાનું કરશો નહિ. બધાંને સ૨ખાં માનજો, સૌની સાથે હેતપ્રીતથી રહેજો ને હળીમળીને કામ કરજો. આટલું કહી રાણી સૌને આશીર્વાદ આપે કે – ‘તમારા હાથે ઘણા મધુપુર રચાઓ !’ ‘તમારાં ઘર મધથી ભરેલાં રહો !’ આમ મધુપુરમાં બધું રૂડુંરૂપાળું હતું. પણ એમાં એક જરી ઊણપ રહી ગઈ હતી. ઘરો બાંધવાનો અને મધ બનાવવાનો ઉદ્યોગ બહુ જોરમાં ચાલતો હતો; મધ એટલું બનતું કે ઘરો ભરાઈ જતાં – પછી એ મધનું શું કરવું, ક્યાં લગી એને ઘરમાં ભરી રાખવું, અથવા તો એનો નિકાલ કેવી રીતે કરવો એ રાણીએ કહ્યું નહોતું. કારણ કે રાણીને પણ એની ખબર નહોતી, એના પણ ભણવામાં એ આવ્યું નહોતું. રાયણના આ મધુપુરમાં મધ છલકાઈ જતું હતું. મધમાખીઓની ખુશીનો પા૨ નહોતો. બધાં ગર્વથી કહેતાં : ‘આપણી પાસે કેટલું બધું ધન છે ! દુનિયામાં આપણા જેટલું ધન કોઈની પાસે નથી.’ એક દિવસ એક રીંછ આ રાયણના ઝાડ હેઠળ આવીને બેઠું. એટલામાં ટપ કરતું કંઈ એના નાક પર પડ્યું. જે દેખે તે ચાખી જોવાની રીંછને ટેવ, એટલે એણે એ ચાખી જોયું તો વાહ ! આ તો અમૃત ! આકાશમાંથી જ ટપક્યું લાગે છે ! એણે ઊંચું જોયું, ત્યાં બીજું ટપક થયું, એને સમજાઈ ગયું કે ઝાડ પર પેલું નગારું લટકે છે તેમાંથી અમૃત ઝરે છે. હવે જંગલનો કાયદો એવો કે જેને જે ગમે તે લે, જેને જે ભાવે તે ખાય ! વાઘ હરણને પૂછે નહિ કે હું તને ખાઉં, એ તો ખાય જ ! હરણ ઘાસને પૂછે નહિ કે હું તને ખાઉં, એ તો ખાય જ ! એટલે રીંછે નક્કી કર્યું કે મને મધ ભાવે છે, માટે મારે એ ખાવું. એને ઝાડ પર ચડતાં આવડતું હતું; ચડવાની એની રીત પણ ન્યારી. બીજાં માથું ઊંચે રાખીને ચડે, રીંછ માથું નીચે રાખીને પાછલા પગે ચડે ! આનો મોટો ફાયદો એ કે કોઈ પાછળ પડ્યું હોય તો તરત એની ખબર પડી જાય ! આમ પાછલા પગે ધીરે ધીરે ચડતું રીંછ મધપૂડાની નજીક પહોંચી ગયું. તેણે મધમાખીઓ જોઈ. એ લોકો શું ગાય છે તે થોડી વાર એ સાંભળી રહ્યું. મધમાખીઓ એમનું રાષ્ટ્રગીત ગાતી હતી :

ભેગું કરવું, ભેગું કરવું, ભેગું કરવું ધન !
જીવવાનો છે એક જ હેતુ – ભેગું કરવું ધન !
ધન ભેગું કરવાથી જગમાં વધે આપણી શાન,
જેમ વધે ધન તેમ જગતમાં વધે આપણું માન !
માટે આળસ છોડી ભેગું કર્યા જ કરવું ધન.
બીજું ખોટું, સાચું એક આ ભેગું કરવું ધન ! – ભેગું કરવું.

આ ગીત સાંભળી રીંછને સમજાઈ ગયું કે અહીં ચોકીપહેરો પાકો છે. એ પહેરો વટાવી મધ હાથ કરવું સહેલું નથી. પણ એણે નક્કી કર્યું કે મધ ખાવું એ ખરું ! બરાબર લાગ જોઈ એણે મધપૂડા પર છાપો માર્યો અને મધુપુરના કિલ્લાનો એક કાંગરો ખેરવી નાખ્યો. ઠીકઠીક મધ એના હાથમાં આવ્યું. મધુપુરમાં તરત જ ખતરાનો ઢોલ વાગ્યો : દુશ્મનને મારી કાઢો ! દુશ્મનને મારી કાઢો ! સેંકડો મધમાખીઓ એક સાથે રીંછ પર તૂટી પડી. રીંછે આની તૈયારી રાખી જ હતી. મોં પેટમાં સંતાડી એ કોકડું વળી ગયો હતો, મધમાખીઓ એના શરીર પર ફરી વળી ડંખ પર ડંખ દેવા લાગી. પણ રીંછના શરીર પર જાડા વાળનું એવું બખ્તર કે મધમાખીઓનો ડંખ એને અડે જ નહિ ! મધમાખીઓ ડંખ દેતી જ રહી અને રીંછ ધીરે ધીરે નીચે ઊતરી ગયું. મધમાખીઓ થાકીને પાછી ફરી. રીંછને ખાતરી થઈ ગઈ કે અહીં ખાવાની ખોટ નથી, અને એ મેળવવાનું મારા માટે અઘરું નથી. વળી મધ એવું મીઠું હતું કે એક વાર એ ચાખ્યા પછી ફરી ફરી એ ખાવાનું મન થાય જ. બીજી બાજુ માણસને આ મધની સુગંધ આવી. ગંધે ગંધે એ રાયણના ઝાડ સુધી આવી ગયો. એણે મધપૂડો જોયો, મધમાખીઓ જોઈ, મધમાખીઓ ગાતાં ગાતાં કેવી રીતે કામ કરે છે અને કામ કરતાં કરતાં કેવી રીતે ગાય છે તે જોયું. એણે મધમાખીઓનું રાષ્ટ્રગીત પણ સાંભળ્યું. એણે ધારી ધારીને હિલચાલ જોઈ. વહેમ પડવાથી એક-બે મધમાખી એને ડંખી પણ ખરી. એ સમજી ગયો કે અહીં લૂંટ કરવી સહેલી નથી, પણ લૂંટ કરવાનો એનો સ્વભાવ હતો અને લૂંટ કર્યા વિના કશું મળે નહિ એવું એ માનતો હતો, એટલે એણે એક યુક્તિ કરી. એણે ઝાડ નીચે સૂકાં ડાળપાંદડાં ભેગાં કરી સળગાવ્યાં ને મોટો ધુમાડો કર્યો. પોતે જાડા કાળા ગરમ ધાબળામાં લપેટાઈને ઝાડની પાછળ કોકડું વળી સંતાયો. ધુમાડો ઊંચે ચડ્યો ને મધપૂડા સુધી પહોંચ્યો. મધમાખીઓનો જીવ આ ધુમાડામાં ઘૂંટાતો હતો, પણ ધુમાડાની સામે લડાય કેવી રીતે ? ધુમાડાને ડંખવું કેવી રીતે ? મધમાખીઓ મૂંઝાઈ. છેવટે રાણીએ હુકમ કર્યો : ‘અત્યારે તો સૌ ઘરગામ છોડી ભાગો. પછી જોયું જશે !’ મધમાખીઓએ રાણીના હુકમ પ્રમાણે કર્યું. માખીઓ મધપૂડો છોડીને ગઈ કે પેલો માણસ ઊભો થયો. ઝાડ પર ચડી એણે આખોયે મધપૂડો ઉતારી લીધો અને એનું બધું મધ કાઢી લીધું. થોડા વખત પછી મધમાખીઓ ત્યાં આવીને જુએ તો મધુપુરનું નામનિશાન નહિ ! મધ ગયું ને મધુપુરે ગયું ! રાણીએ કહ્યું : ‘બીજા ઝાડ પર બીજું નગ૨ વસાવો ! કોઈ હિસાબે મધ બનાવવાનો ઉદ્યોગ બંધ કરવાનો નથી ! એક દિવસ પણ નહિ !’ મધમાખીઓએ રાણીના હુકમ પ્રમાણે બીજો મધપૂડો બનાવ્યો. આ વખતે એમાં સાઠને બદલે બોત્તે૨ ઘર ચણ્યાં અને બોત્તેરેબોત્તેર ઘર મધથી ભરી દીધાં. મધમાખીઓની ખુશીનો પા૨ નહોતો. કૂદી કૂદીને બધાં પોતાનું રાષ્ટ્રગીત ગાતાં હતાં ! પણ પેલું રીંછ કંઈ આંખો મીંચીને સૂઈ ગયું નહોતું, પેલો માણસ કંઈ ગોદડું ઓઢીને ઊંઘતો નહોતો. રીંછે બે વાર આ મધપૂડા ૫૨ ચડાઈ કરી અને ત્રીજી ચડાઈ માણસે કરી – એ એક જ ચડાઈમાં માણસે આખોયે મધપૂડો પોતાના કબજે કરી લીધો ! પારકું પડાવીને હોઈયાં કરી જવામાં માણસને કોઈ ન પહોંચે ! હજી આવું જ ચાલે છે. મધમાખીઓ રાત-દિવસ મધ બનાવ્યા કરે છે અને માણસ એ લૂંટી જાય છે. માણસને મધમાખીઓએ બનાવેલું મધ ખૂબ ભાવી ગયું છે; મધની સાથે મધમાખીઓનું રાષ્ટ્રગીત પણ માણસને ખૂબ ગમી ગયું છે. આજે દુનિયાનાં મોટાં મોટાં શહેરોની મોટી મોટી ઑફિસોમાં, મોટાં મોટાં કારખાનાંઓમાં એ ગીત ગવાતું સંભળાય છે : ભેગું કરવું, ભેગુ કરવું, ભેગું કરવું ધન, જીવવાનો છે એક જ હેતુ : ભેગું કરવું ધન !