ગુજરાતી બાળવાર્તા સંપદા/ઘણી ખમ્મા-મારા ખોડીલા ઊંટને
ગિરા પિનાકીન ભટ્ટ
માથાના દુખાવાના કારણે ઊંટ પરેશાન હતું એટલે રઘવાયું રઘવાયું ફરતું હતું. પોતે બધાં જ પશુઓમાં ઊંચું છે, મોટું છે એવો વહેમ તો હતો જ. એથી એ બધા સાથે સાવ તોછડું વર્તન પણ કરતું. એટલે કોઈ એની નજીક ફરકે પણ નહીં. એક દિવસ તો શાણા ઘોડાએ એને જાહે૨માં કહ્યું, ‘ઊંટભાઈ, અંગ વાંકાં એ તો કુદરતી છે, પણ મનને આપણે ફાવે તે રીતે કેળવી શકીએ, પરંતુ સમજે તો... ઊંટ શાનું ?’ આમ વાંકું ઊંટ આજે આઘુંપાછું થતું હતું. ત્યાં જ એની નજર એક સસલા ઉ૫૨ પડી. એટલે એને તોછડાઈથી બૂમ પાડી... ‘એ... ય... સસલા, અહીં આવ, ને... મારું માથું દાબી દે...’ સસલું તો આ સાંભળીને ડરી ગયું. ને ગીચ ઝાડીમાં લપાઈ બોલ્યું, ‘ઊંટભાઈ, હું તમારું માથું તો દબાવું પણ... ત્યાં છેક ઊંચે ચડું કેવી રીતે ?’ ‘એય મૂર્ખ, તું એમ વિચારે છે કે હું તને સીડી લાવી આપું. પછી તું મારા માથે ચડે... ને મારું માથું દાબે... જા... જા... ભાગ-ભાગ... અહીંથી, મારે તારું કામ નથી.’ આ સાંભળતાં સસલું તો જાય ભાગ્યું. ઊંટ તો વિચારતું જ રહ્યું. મારું માથું દુખે ને કોઈ દવા પણ ન કરે... વળી પાછું કેમ ન કરે ? ‘આખરે હું સૌથી ઊંચું છું’ – ના વહેમમાં ફર્યા કરે. ત્યાં એક શિયાળ જોયું. ઊંટને યાદ આવ્યું કે... આ તો ખેતરમાં ગીત ગાતું હતું એ જ શિયાળ છે, મને માર ખવડાવનાર, પણ... એને તો મેં પાણીમાં જ ડુબાડી દીધું હતું. તો... આ અહીં આવ્યું કેવી રીતે ? ને ક્યાંથી ? આમ વિચારતાં જ એને રાડ પાડી... ‘તને ગાયકનો વહેમ છે, હું તને જાણું છું. બાકી તને કંઈ જ આવડતું નથી. મારે તારું ગીત સાંભળવું નથી. એટલે મહેરબાની કરીને ગાઈશ નહીં. પણ મારું માથું ભયંકર દુઃખે છે. તારે મને માલિશ કરી દેવાની છે. શું સમજ્યું ?...’ શિયાળે વિચાર્યું. આજે આવી બન્યું. એટલે તે શાણપણથી કહેવા લાગ્યું, ‘જુઓને ઊંટભાઈ, તમે કહેતા હો તો... તમારા માથે માલિશ ક૨વા વનના રાજા સિંહભાઈ, વાઘભાઈને મોકલી આપું. માથું તો શું ગળાની પણ માલિશ કરી દેશે... ને પછી આખા શરીરે પણ. મને તો લગીરે ફુરસદ નથી. વળી, એ બંને નવરા બેઠા છે ને એમનાં કામ મારા માથે હજારેક છે. આમ વાત-વાતમાં જો મોડું થઈ જાય ને તો... તો મારું આવી બન્યું જ સમજો. વળી - તમારા કામ માટે રોકાયો છું, એવું જાણે ને તો મારી સાથે સાથે તમારુંય આવી બને. એટલે બોલો છે મંજૂર ?..’ ‘ના... ના... ના, ભાગ. ભાગ, અહીંથી છાનુંમાનું, તું તો સાવ નકામું.’ ‘ના, ના, નકામું તો બિલકુલ નથી. તમે કહેતા હો તો કાગડાભાઈને મોકલી આપું. એ તો મારા માટે પૂરી લાવે, મારું કામ પણ કરે, એને હું કહી શકું, તમે જો સહમત થતા હો તો... બોલાવી દઉં હમણાં ને હમણાં...’ ઊંટે વિચાર્યું... કે આ શિયાળ કંઈ કામનું નથી, માત્ર ભાષણ કરે છે, પરંતુ... ‘ન મામા કરતાં કાણો મામો સારો’, કોઈ ન કરે એના કરતાં કાગડો સારો એમ કહી હા ભણી. આગળ જતાં શિયાળે કાગડાને મોકલ્યો ઊંટ પાસે... ઊંટ પાસે આવી કાગડો કહેવા લાગ્યો, ‘અરે ! ઊંટભાઈ, તમને જ ખબર નથી લાગતી, બાકી હું તો સૌના માથે માલિશ કરું છું. તમારું માથું હમણાં મટાડી દઉં, પણ... એક શ૨તે, તમારે ચાલતા રહેવાનું, ચાલતા જ રહેવાનું, ને મારે માલિશ કરતા રહેવાનું. બોલો મારી વાત છે મંજૂર ?’ માથાના અસહ્ય દુખાવાથી કંટાળેલા ઊંટે હા ભણી. ત્યાં તો... કા... કા... કરતો કાગડો ઊંટના માથે ચડી બેઠો. પછી પોતાની ચાંચ ઊંટના કપાળે ઘસવા લાગ્યો. કાગડાએ વિચાર્યું કે... ઊંચે બેસી ફરવાની મજા પડશે હોં... કાગડાની નાનકડી ચાંચથી કંઈ માલિશ થતી ન હતી, એટલે ઊંટને ચેન પડતું ન હતું. એથી ઊંટ ઊભું રહ્યું, ઊંટ ઊભું રહે એટલે માથે બેઠેલો કાગડો ચાંચ મારે… ને ઊંટ જેવું ચાલે એટલે એની ચાંચ ઘસ્યા રાખે... કાગડો તો વટથી રાજાની જેમ સવારીની મજા માણતો જાય ને ગાતો જાય... ચાલો... ચાલો... ઊંટભાઈ, ઘણી ખમ્મા ઊંટભાઈ, લાખ ખોડીલા ઊંટભાઈ. ‘ઓ... મૂર્ખ, મને ખોડીલો કે’ છે ?’ ‘હા... હા... ચાલો છો કે ચાંચ મારું ?’ ‘ના... ના... ચાલું છું, તું તારે માલિશ કર...’ કાગડાએ તો ઊંટના કપાળે ચાંચ ઘસી ઘસીને ઊજળી બનાવી દીધી. વધારામાં ઠે૨ ઠે૨ ફેરવીને વટથી બધાંને કહેવા લાગ્યો... ‘જોયું ને તોછડા ઊંટને મેં કેવું ગુલામ બનાવી દીધું. ‘કહી ગાવા લાગ્યો... ‘મજા... મજા... ભાઈ મજા... મજા... ખોડીલાને દીધી સજા... સજા...’ આ સાંભળી ઊંટ ખિજાયું, પણ... કરેય શું ? માથું તો દુખતું જ રહ્યું. પાછા રખડી-રખડીને ટાંટિયાની કઢી થઈ ગઈ તે વધારાની. હવે એને ભાન થયું કે... મારું તોછડાપણું જ મને નડે છે. મારો સ્વભાવ મારે બદલવો જોઈએ... એવું બબડતો જ રહ્યો ને કાગડો ત્યાંથી ઊડી ગયો.