ગુજરાતી બાળવાર્તા સંપદા/વીંટીનો ચોર પકડાયો
મધુસૂદન પારેખ
દિલ્હી શહેરમાં રતનચંદ શેઠ ખૂબ જાણીતા અને અકબર બાદશાહના માનીતા હતા. રતનચંદ શેઠની મોટી હવેલી હતી. ઘરઆંગણે ત્રણ-ત્રણ તો હાથી ઝૂલતા હતા. એમને ત્યાં રસોઇયા, નોકર, માળી અને બીજા કેટલાય પોસાતા હતા. એક વાર રતન શેઠ હાંફળાફાંફળા અકબરના દરબારમાં આવ્યા અને ફરિયાદ કરી, ‘જહાંપનાહ, હું ભારે મુસીબતમાં આવી ગયો છું. મારી દીકરીની શાદી છે. એને આપવા માટે મેં સવા લાખ રૂપિયાના હીરા જડેલી વીંટી કરાવી હતી. પણ ગઈ કાલે એ વીંટી ચોરાઈ ગઈ છે. હવે નવી વીંટી હું ક્યારે લાવી શકું? મારી દીકરી તો જક લઈને બેઠી છે કે વીંટી પહેરીને જ હું શાદી કરીશ.’ બાદશાહે કાજીને આ ફરિયાદ સોંપી. કાજીએ રતનચંદ શેઠની થોડીક પૂછપરછ કરી. વીંટી ચોરવા માટે કોનાકોના ઉપર શેઠને શક છે તેની તપાસ કરી. શેઠે કહ્યું, ‘મારા ઘરમાં આમ તો બધા નોકરચાકર વિશ્વાસુ છે, તોય કદાચ રસોઇયાની કે મારા ખાસ અંગત નોકરની દાનત બગડી હોય.’ શેઠે ચારેક જણા ઉપર શક બતાવ્યો. કાજીએ ચારે જણાને કચેરીમાં હાજર કરીને ફટકા મારવાનો હુકમ કર્યો. શેઠને દિલાસો આપ્યો, ‘ફટકા ખાશે એટલે જે ચોર હશે તે એની મેળે ચોરી કબૂલ કરશે.’ બીરબલે કાજીના આવા ઇન્સાફની વાત જાણી એટલે એને અફસોસ થયો. ચોર પાસે ચોરી કબૂલ કરાવવા માટે ફટકા મારવાની સજા તેને અયોગ્ય લાગી. ચાર જણાને ફટકા મારવા એ તો એને સાવ બેહૂદી વાત લાગી. ચોરને પકડવા માટે નિર્દોષ માણસોને આવી રીતે ફટકા મારવા એ તો ઇન્સાફનું અપમાન કહેવાય. બીરબલે બીજે દિવસે સવારે બાદશાહને મળીને કાજીના ગેરવાજબી ઇન્સાફની વાત કરી. બાદશાહે બીરબલને કહ્યું, ‘ચોરને માર્યા વિના ચોરી કેવી રીતે કબૂલ કરે? દંડા વિના ચોર સીધા ઊતરે જ નહિ!’ બીરબલે કહ્યું, ‘પણ ચાર માણસોને ફટકા મારવા જેવો ઇન્સાફ કેવી રીતે વાજબી ગણાય? ધારો કે ચાર જણમાંથી એકાદ પણ ચોર નીકળ્યો, તો બાકીના ત્રણને તો ખોટી જ સજા થઈ કહેવાય ને? નામદાર, સો ગુનેગાર છૂટી જાય તો ભલે પણ એકેય નિર્દોષ માણસને આમ ગેરવાજબી સજા થવી જોઈએ નહિ. આ તો ઇન્સાફનું ઘોર અપમાન છે.’ બાદશાહે કહ્યું, ‘ત્યારે ચોરને શી રીતે શોધી શકાય? તારામાં બહુ અક્કલભરી છે ને તો તું જાતે જ ચોરને શોધી કાઢને!’ બીરબલે કહ્યું, ‘નામદાર, હું ચોરને શોધી કાઢવા મહેનત કરીશ, પણ આપ એ પહેલા કાજીના ચુકાદાને મોકૂફ રાખવાનો હુકમ કરો.’ બાદશાહે કહ્યું, ‘માર ખાધા વિના કોઈ ચોરી કબૂલે નહિ. પણ તારી ઇચ્છા છે એટલે હું તને સાચો ચોર પકડી લાવવાની છૂટ આપું છું, બે દિવસમાં તું ચોરને શોધી કાઢ.’ બીરબલે વાત કબૂલ કરી. અકબરે કાજીના ચુકાદાનો અમલ બે દિવસ માટે મુલતવી રાખ્યો. બીરબલ અકબરના મહેલમાંથી એને ઘેર પાછો ફર્યો ત્યારે નોકરો એમની સ્ત્રીઓ સાથે બીરબલની રાહ જોતા હતા. બીરબલને જોતાં જ એ બધા તેના પગમાં પડી ગયા અને સોગંદ ખાઈને પોતે ચોરી કરી નથી તેની ખાતરી આપવા લાગ્યા. બીરબલે તરત વિચાર કર્યો કે શેઠને ચાર જણા પર શક હતો. તેમાંના ત્રણ જણા મારી પાસે આવ્યા. ચોથો રસોઇયો બાકી રહી ગયો, કદાચ એ જ ચોર ના હોય? પણ એમ અધ્ધર માની લેવું ઠીક નહિ. બીરબલે પોતાને મળવા આવેલા ત્રણે જણાને લલચાવ્યા, ધમકાવ્યા અને જો ચોરી કરી જ હોય તો ગુનો કબૂલ કરી લઈને બાદશાહ પાસે દયાની અરજી કરવાનીય વાત કરી. પણ ત્રણે જણાએ વારંવાર પોતાના ઇષ્ટદેવના સમ ખાધા અને પોતે ચોરી કરી જ નથી તે વાત પકડી રાખી. બીરબલે રસોઇયાની તપાસ કરી. રસોઇયો ભાગી જવાની વેતરણમાં હતો. પણ બીરબલના માણસોએ તેને પકડ્યો. બીરબલે તેને ધમકી આપી કે જો ચોરી કરી હોય તો કબૂલ કરી લે. નહિતર બાદશાહ પાંચ વરસ સુધી ભોંયરામાં ખોસી દેશે અને તારાં બૈરી-છોકરા રઝળી પડશે. રસોઇયો પોક મૂકીને રડવા માંડ્યો. બીરબલને તે હાથ જોડીને કહેવા લાગ્યો. એની જનોઈના સમ ખાવા લાગ્યો. પોતે ચોરી કરી જ નથી એ વાત ભારપૂર્વક કહેવા લાગ્યો. બીરબલે પૂછ્યું, ‘તેં ચોરી કરી નથી તો તું ભાગી જવાની તૈયારી શું કામ કરતો હતો?’ રસોઇયાએ કહ્યું, ‘મહેરબાન, મને ફટકાની સજાની બહુ બીક લાગી. એટલે હું ગભરાઈને નાસી જવા માગતો હતો. ફટકા ખાવાનું મારું ગજું નથી. મહેરબાન હું તો અદાલતમાં જ મરી જાઉં.’ બીરબલે ચારે જણાની વાત સાંભળી લીધી. એણે ચારે જણાને બીજે દિવસે બોલાવ્યા અને એક મોટા જોશીને હાજર રાખ્યો. આ જોશી ચમત્કાર કરી જાણતો હતો. હાથમાંથી કંકુ કાઢી બતાવતો હતો. લોકોને જોશીમાં બહુ શ્રદ્ધા હતી. બીરબલે ચારે જણાને ચેતવણી આપતાં કહ્યું, ‘આ મોટો જોશી છે, એ તમને ચારે જણાને એક એક મણકો આપશે. એ જાદુઈ મણકો છે. કાલે સવારે તમે ચારે જણા મણકા સાથે આવજો. મણકાનો પ્રતાપ એવો છે કે જે ખરેખર ચોર હશે તેના હાથમાંથી કંકુ નહિ નીકળે. પણ જે નિર્દોષ હશે તેમના હાથમાંથી કંકુ નીકળશે.’ ચારેજણાને જોશીએ મણકો આપ્યો. બીજે દિવસે સવારે બીરબલે વારાફરતી ચારે જણાને બોલાવ્યા. રસોઇયો તો પોક મૂકીને રડવા લાગ્યો. બીજા બે નોકરો પણ ગભરાટથી ફિક્કા પડી ગયા. એ ત્રણેના હાથમાંથી કંકુ નીકળ્યું નહિ. રસોઈઆએ હથેળીમાં સહેજ કંકુ લગાવી દીધું. બીરબલે ચારે જણાના હાથની હથેળી જોઈ. રસોઇયાની હથેળીમાં કંકુ હતું. બીરબલે તરત રસોઇયાને ધમકાવ્યો, ‘તેં જ ચોરી કરી છે. હવે સાચું નહિ બોલે તો બાદશાહ તને ફટકા તો મારશે જ પણ શૂળીએ ચડાવશે.’ રસોઇયાના મોતિયા મરી ગયા. એ કરગરી પડ્યો. રતનચંદ શેઠની વીંટી લાવી આપી. બીરબલની યુક્તિથી વીંટીનો ચોર પકડાઈ ગયો.