ગુજરાતી બાળવાર્તા સંપદા/ભટુડીની વાર્તા
ગિજુભાઈ બધેકા
એક હતી ભટુડી. તેને સાત ભટુડા હતા. એક વાર ભટુડીને ઘર બાંધવાનો વિચાર થયો એટલે તે સડક ઉપર જઈને બેઠી ને માલના ગાડાની રાહ જોવા લાગી. એટલામાં એક ગોળનું ગાડું આવ્યું. ભટુડીને રસ્તામાં બેઠેલી જોઈને ગાડાવાળાએ કહ્યું : ‘ભટુડી ભટુડી ! મારગમાંથી ઊઠ.’ ભટુડી કહે : ‘ભટુડી તારી મા, ભટુડી તારી બહેન, ભટુડીબહેન કહીને બોલાવ અને ગોળનું ગાડું ઠલવીને જા એટલે મારગમાંથી ઊઠું.’ ગાડાવાળાએ તો ભટુડીને ભટુડીબહેન કહીને બોલાવી ને ગોળનું ગાડું ઠલવી નાખ્યું એટલે ભટુડી મારગમાંથી ઊઠી. ભટુડી ગોળની ભેલીઓને પછી જંગલમાં લઈ ગઈ. પાછી ભટુડી તો સડક પર જઈને બેઠી ને માલના ગાડાની વાટ જોવા લાગી. એટલામાં એક શેરડીનું ગાડું આવ્યું. ભટુડીને રસ્તામાં બેઠેલી જોઈને ગાડાવાળાએ કહ્યું : ‘ભટુડી, ભટુડી ! મારગમાંથી ઊઠ.’ ભટુડી કહે : ‘ભટુડી તારી મા, ભટુડી તારી બહેન ! ભટુડીબહેન કહીને બોલાવ અને શેરડીનું ગાડું ઠલવીને જા એટલે મારગમાંથી ઊઠું.’ ગાડાવાળાએ તો ભટુડીને ભટુડીબહેન કહીને બોલાવી અને શેરડીનું ગાડું ઠલવી નાખ્યું એટલે ભટુડી મારગમાંથી ઊઠી. ભટુડી શેરડીના સાંઠાનેય તે જંગલમાં જઈ મૂકી આવી. પાછી ભટુડી તો સડક ઉપર જઈને બેઠી એટલામાં એક કાચરીનું ગાડું આવ્યું. ભટુડીને રસ્તામાં બેઠેલી જોઈને કાચરીના ગાડાવાળાએ કહ્યું : ‘ભટુડી, ભટુડી ! મારગમાંથી ઊઠ.’ ભટુડી કહે : ‘ભટુડી તારી મા, ભટુડી તારી બહેન ! ભટુડીબહેન કહીને બોલાવ અને કાચરીનું ગાડું ઠલવતો જા એટલે મારગમાંથી ઊઠું.’ ગાડાવાળાએ ભટુડીને ભટુડીબહેન કહીને બોલાવીને કાચરીનું ગાડું ઠલવી નાખ્યું એટલે ભટુડી મારગમાંથી ઊઠી. ભટુડી કાચરીને જંગલમાં લઈ ગઈ. પછી ભટુડીએ ગોળની ભેલીની ભીંતો બાંધી. શેરડીના સાંઠાનું છાપરું બનાવ્યું ને કાચરીઓથી ઢાંકી દીધું. પછી ભટુડી પાણી ભરવા ચાલી. ભટુડાંને કહેતી ગઈ : ‘હું જ્યારે બોલું કે –
‘ગોળ કેરી ભીંતરડી
ને શેરડી કેરા ડાંડા;
કાચરીએ ઘર છાયાં,
ભટુડા ! કમાડ ઉઘાડો.’
ત્યારે બારણાં ઉઘાડજો.’
વળી ભટુડી ફળિયામાં પડેલી રાખને, સૂંડલાને અને પીપળાને પણ ભટુડાંની ભલામણ કરતી ગઈ. આ બધી વાત એક વાઘ ઘરની ભીંત પાછળ ઊભો ઊભો સાંભળતો હતો. ભટુડી પાણી ભરવા ગઈ પછી તે બારણા પાસે આવીને ઊભો રહ્યો ને બોલ્યો :
‘ગોળ કેરી ભીંતરડી
ને શેરડી કેરા ડાંડા;
કાચરીએ ઘર છાયાં,
ભટુડા ! કમાડ ઉઘાડો.’
ફળિયામાં બેઠી હતી તે રાખ કહે : ‘એલા ભટુડાં ! બારણાં ઉઘાડશો મા, હો કે? એ તો વાઘ છે.’ પછી વાઘ રાખને દૂર નાખી આવ્યો અને વળી બોલ્યો :
‘ગોળ કેરી ભીંતરડી
ને શેરડી કેરા ડાંડા;
કાચરીએ ઘર છાયાં
ભટુડા ! કમાડ ઉઘાડો.’
ત્યાં તો સૂંડલો કહે : ‘ભટુડાં, ભટુડાં ! કમાડ ઉઘાડશો મા. એ તમારી મા નથી, એ તો વાઘ છે.’ ત્યાં તો વાઘ પાછો સૂંડલાનેય દૂર મૂકી આવ્યો ને વળી બોલ્યો :
‘ગોળ કેરી ભીંત૨ડી
ને શેરડી કેરા ડાંડા;
કાચરીએ ઘર છાયાં,
ભટુડા ! કમાડ ઉઘાડો.’
ત્યાં તો પીપળો બોલ્યો : ‘ભટુડાં, ભટુડાં ! તમે બારણું ઉઘાડશો મા. એ તો વાઘ છે. તમારી મા નથી, હો !’ વાઘ તો વળી પાછો પીપળાને પણ દૂર નાખી આવ્યો ને ફરી વાર બોલ્યો,
‘ગોળ કેરી ભીંતરડી
ને શેરડી કેરા ડાંડા;
કાચરીએ ઘર છાયાં
ભટુડા ! કમાડ ઉઘાડો.’
ભટુડાંએ જ્યાં કમાડ ઉઘાડ્યાં ત્યાં તો મોટો બધો વાઘ ! વાઘ તો એકદમ ભટુડાંને ખાવા લાગ્યો. પણ એક બાંડું ભટુડું કોઠીમાં સંતાઈ ગયું તે બચી ગયું. પછી વાઘ લાંબો થઈને ઘર વચ્ચે સૂતો. વાઘને જરા ઊંઘ આવી ત્યાં તો બાંડું ભટુડું કોઠીમાંથી નીકળી મા પાસે પહોંચી ગયું ને તેને બધી વાત કહી. મા તો ખૂબ ખૂબ ખિજાઈ ગઈ. પછી તે ઘર પાસે આવીને બોલી :
‘ઢોરો ચઢતાં ઢીંચણ ભાંગે,
પાણી પીતાં પેટ ફાટે,
મારાં ભટુડાં મારી પાસે આવે.’
ત્યાં તો વાઘનું પેટ ફાટ્યું ને બધાં ભટુડાં બહાર આવ્યાં, માને વળગી પડ્યાં ને ધાવવા લાગ્યાં.