ગુજરાતી બાળવાર્તા સંપદા/ભોલુનો ભમરડો અને ચંપાની ચકરડી
હુંદરાજ બલવાણી
એક હતો ભમરડો. ભોલુનો ભમરડો. આખો દિવસ એક જગ્યાએ પડ્યો રહે. જ્યારે એને ભોલુ ચલાવે ત્યારે ગોળ ગોળ ફરે અને ફરતો રહે. ફરી ફરીને થાકી જાય તો પાછો આડો પડે. એક હતી ચકરડી. ચંપાની ચકરડી. આખો દિવસ એ પણ એક જગ્યાએ પડી રહે. ચંપા નવરી પડે ત્યારે તેને ચલાવે. ચકરડી પણ ભમરડાની જેમ ગોળ ગોળ ફરે. ભોલુ અને ચંપા ભાઈ-બહેન હતાં. એક દિવસ બંને ઘરની બહાર આવ્યાં. બહા૨ના મેદાનમાં ભોલુએ ભમરડાને અને ચંપાએ ચકરડીને ફરતાં મૂક્યાં. ભમરડો કહે, ‘ચક૨ડીબહેન, આજે આપણે બેઉ સાથે સાથે ફરીએ છીએ.’ ચકરડી કહે, ‘એવું તો ક્યારેક જ બને છે. આપણી સાથે રમવાના આ ભાઈ-બહેનના સમય જ જુદા હોય છે.’ ભમરડો કહે, ‘એક વાત કહું? ફરતાં ફરતાં મને ઘણી વા૨ ચક્કર આવે છે. તને ?’ ચકરડી કહે, ‘હા, મને પણ ચક્કર આવે છે.’ ભમરડો કહે, ‘બીજી વાત કહું ? મને આમ ગોળ ગોળ ફરવાનું ગમતું નથી.’ ચકરડી કહે, ‘ભાઈ, એ જ તો આપણું કામ છે. એ કામ માટે જ તો આપણને બનાવવામાં આવ્યાં છે.’ ભમરડો કહે, ‘જોને આપણે માણસ કે પ્રાણીની જેમ ચાલી શકતાં નથી. ચાલી શકીએ તો અહીંથી બીજી જગ્યાએ પણ જઈ શકીએ. ફરતાં ફરતાં આપણે એક પગ પર જ ઊભાં હોઈએ છીએ. એક પગે ઊભાં રહીને આપણે ગોળ ગોળ ફરતાં રહીએ છીએ. ચકરડી કહે, ‘એ બાબતમાં આપણે બેઉ સરખાં છીએ. બીજો પગ હોય તો કદાચ આપણે ચાલી શકીએ.’ ‘પણ તો ફરી ન શકીએ !’ ‘હા, એ વાત છે.’ ‘ફરવા માટે આપણો આ એક એક પગ બરાબર છે.’ ચકરડી કહે, ‘તને હાથ વડે ફેરવવામાં આવે છે ને ?’ ભમરડો કહે, ‘ના બહેન, મારા માથા ઉપર દોરી વીંટાળીને જોરથી મને જમીન પર પછાડવામાં આવે છે.’ ચકરડી કહે, ‘મને ફેરવવા માટે દોરીની જરૂર પડતી નથી. એ બાબતમાં હું નસીબદાર છું. મને તો ચંપા પોતાની આંગળીઓથી ફેરવે છે. તારી જેમ મને ઉપરથી પછાડવામાં આવતી નથી.’ ભમરડો કહે, ‘આપણે બેઉ કેટલા સમયથી આ બે ભાઈ-બહેન પાસે છીએ ?’ ચકરડી કહે, ‘આપણે મજબૂત લાકડામાંથી બનેલાં છીએ એટલે આટલા સમય સુધી ટકી રહ્યાં છીએ. આપણે બીજાં રમકડાં કરતાં વધારે મજબૂત છીએ.’ ચકરડી કહે, ‘જો ને, થોડા સમય પહેલાં ભોલુ અને ચંપા માટે એમના પિતાજી ઇલેક્ટ્રૉનિક રમકડાં પણ લાવ્યા હતા. પછી તો તને ખબર છે ને કે શું થયું હતું ?’ ભમરડો કહે, ‘એક દિવસમાં જ પેલો ભમરડો અને પેલી ચકરડી દીવાલ સાથે અથડાઈને તૂટી ગયાં હતાં.’ ચકરડી કહે, ‘પછી તો આપણો જાણે વટ પડી ગયો છે. હવે તો ભોલુ અને ચંપા આપણને છોડતાં જ નથી.’ ભમરડો કહે, ‘પણ એક વાતનું દુઃખ છે.’ ‘કઈ વાતનું ?’ ‘આપણા રંગ ઊડી ગયા છે તોપણ આ ભોલુ અને ચંપા કંઈ કરતાં નથી. એ તો ઊલટાનું સારું કહેવાય. જો આપણા આ ઊડી ગયેલા રંગ તરફ બેઉનું ધ્યાન જશે તો આપણને કચરાની ટોપલીમાં ફેંકી દેશે અને આપણી જગ્યાએ બીજાં રંગબેરંગી રમકડાં લાવશે.’ ‘હા, એ વાત ખરી.’ ‘એટલે આપણે જેવાં છીએ, તે બરાબર છીએ.’ ભમરડો અને ચક૨ડી વાતો કરી રહ્યાં હતાં ત્યારે ભોલુ અને ચંપા આવી ગયાં. બંનેએ પોતપોતાનાં રમકડાં હાથમાં લીધાં. ભોલુનું અચાનક ભમરડા તરફ ધ્યાન ગયું, ‘અરે! મારો ભમરડો તો હવે જૂનો થવા લાગ્યો છે.’ ચંપાએ પણ ચકરડી ત૨ફ જોતાં કહ્યું, ‘મારી ચકરડી પણ જૂની થઈ ગઈ છે.’ ‘તો પછી આપણે રમવા માટે બીજું કંઈ લાવીએ ?’ ના, ના, એના બદલે બીજું એક કામ કરીએ.’ ભોલુએ કહ્યું, ‘કાલે ધુળેટી છે. આપણે બજારે જઈએ અને ત્યાંથી રંગ લઈ આવીએ અને જુદા જુદા રંગોથી આપણે ભમરડાને અને ચક૨ડીને રંગી નાખીએ. પછી આમને ફેરવતાં આપણને બહુ મજા આવશે.’ ભોલુ અને ચંપાની આ વાત સાંભળીને ભમરડો અને ચકરડી ખુશ થવા લાગ્યાં. ભમરડો કહેવા લાગ્યો, ‘હવે આપણને ફરવામાં વધારે મજા આવશે. આપણે બેઉ નવાં જ લાગીશું.’ ચકરડી કહેવા લાગી, ‘આપણને આ બાળકો માટે જ બનાવવામાં આવ્યાં છે. બાળકો આપણને જોઈને અને આપણી સાથે રમીને ખુશ થાય છે. બીજું શું જોઈએ ! બાળકો ખુશ તો આપણે ખુશ!’