ગુજરાતી બાળવાર્તા સંપદા/મસ્તીખોર સસલો
રવજીભાઈ કાચા
એક હતું તળાવ. તળાવને કાંઠે ઘણાં વૃક્ષો હતાં. એમાં એક જાંબુડો હતો. ચોમાસાની ઋતુમાં સરસ ખટમીઠાં જાંબુડાં પાકે. પશુ-પક્ષીને ખૂબ ભાવે. તળાવની બાજુની ઝાડીમાં એક સસલી ને સસલો રહે. તેના દીકરાનું નામ ગટુ. ગટુને માતાપિતા ખૂબ લાડપ્યારથી ઉછેરતાં હતાં. વધુ પડતાં લાડપ્યારથી ગટુ સુધરવાને બદલે બગડ્યો. તે વધુ પડતો જિદ્દી, કજિયાખોર, મસ્તીખોર, અટકચાળો, એકલપેટો બનતો ગયો. ગટુની આ હરકતો માતાપિતા જાણતાં હતાં. તેમ છતાં તેમણે વિચારેલું કે, ‘હશે, બાળક છે. સમજણું થશે એટલે સુધરી જશે.’ પણ ગટુ જેનું નામ. જતે દાડે ગટુ વધુ ને વધુ મસ્તીખોર બનતો ગયો. ગટુની રોજ ફરિયાદ આવે. સસલો ને સસલી ગટુનો બચાવ કરતાં પણ ધીરે ધીરે તેમને ભાન થવા લાગ્યું કે પોતાનો જ રૂપિયો ખોટો છે એમાં કોને કહેવું. બન્ને કંટાળી ગયાં. આવા તોફાની છોકરાનું શું કરવું એની ચિંતામાં ને ચિંતામાં બિચારાં દૂબળાં પડવા લાગ્યાં. અંતે કંટાળીને બન્નેએ નક્કી કર્યું કે ગટુને કોઈ બોર્ડિંગ સ્કૂલમાં મોકલી આપવો. તળાવમાં એક કાચબો ને કાચબી રહે. તેનો દીકરો પિન્ટુ કાચબો ખૂબ બીમાર પડ્યો. ડૉક્ટરે સલાહ આપી કે, ‘તમારા દીકરાને પાણીની નહિ પણ ગ૨મીની જરૂર છે વિટામિન ‘ડી’ની. એટલે તેને આખો દિવસ પાણીની બહાર તડકામાં બેસાડી રાખો. બધું મટી જશે.’ બીજે દિવસે કાચબી મમ્મીએ પિંટુને ઘણાં સલાહ-સૂચનો આપી એક સરસ કોરી જગ્યામાં બેસાડ્યોઃ પિન્ટુ ઢીલોઢફ થઈ બેસી ગયો. માતાપિતા પાછાં ખોરાક માટે તળાવમાં ચાલ્યાં ગયાં. આમ પિન્ટુ રોજ તળાવની બહાર સૂર્યસ્નાન કરવા લાગ્યો. એક દિવસ મસ્તીખોર ગટુ સસલાની નજરે બીમાર પિન્ટુ કાચબો ચડ્યો. ગટુનું ચંચળમન ઉછાળા મારવા લાગ્યું. જમીન પર પડેલાં જાંબુ ખાતો જાય ને ઠળિયો પેલા પિન્ટુ કાચબાને મારે. ઠળિયો મારીને ઝાડ આડો સંતાઈને જુએ. પિન્ટુનો કોઈ પ્રતિભાવ ન જણાતાં ગટુને વધુ તાન ચડ્યું. તેણે પાંચ-છ જાંબુના ઠળિયા એકસાથે પિન્ટુને માર્યા. એમાંનો એક ઠળિયો પિન્ટુની આંખમાં વાગ્યો. પિન્ટુ બેબાકળો જાગી ગયો. ચારેતરફ જોવા લાગ્યો પણ કોઈ દેખાયું નહિ. થોડી પીડા તો થઈ, પણ માંદો પિન્ટુ વધુ વિચારી શક્યો નહિ. તે ફરી પાછો આંખો બંધ કરી સૂર્યસ્નાન કરવા લાગ્યો. ગટુ સસલાને મજા તો પડી પણ ખાસ તોફાન જામ્યું નહિ. કારણ કે મોટા ભાગના ઠળિયા પિન્ટુની ઢાલમાં વાગતા, જેની અસર પિન્ટુને થાય જ નહિ. સાંજ પડે એટલે પિન્ટુ પાણીમાં જતો રહેતો. દેડકાનો જીવ જાય ને કાગડાને રમત થાય એના જેવું ગટુનું હતું. ગટુને તો રમત મળી. તે રોજ પિન્ટુને હેરાન કરે. એક દિવસ તો ઠળિયો પિન્ટુની આંખમાં એવો વાગ્યો કે તેની આંખ સૂજીને દડો થઈ ગઈ. પિન્ટુ પીડાનો માર્યો ભાગ્યો ઘે૨. ગટુ તો આનંદમાં માંડ્યો નાચવા ને કૂદવા. ઘેર આવી પિન્ટુએ મમ્મી-પપ્પાને ફરિયાદ કરી, ‘મા, મને રોજ કોઈક હેરાન કરે છે. કોણ હેરાન કરે છે એ ખબર નથી પડતી. કોઈ દેખાતું પણ નથી.’ ‘બેટા, તું એક કામ કર. આવતી કાલે તારે ઘેર રહેવાનું ને હું તારે બદલે સૂર્યસ્નાન માટે જઈશ. પછી જોઉં છું કે તને કોણ હેરાન કરતું હતું.’ પિન્ટુ કાચબાને પપ્પાએ રસ્તો કાઢતાં કહ્યું. બીજે દિવસે વડીલ કાચબો તો સૂર્યસ્નાન માટે ગોઠવાઈ ગયો. આંખો બંધ હતી પણ ત્રાંસી આંખે વારંવાર ચારેબાજુ જોઈ લેતો. એવામાં એક ઠળિયો તેને પીઠ ૫૨ વાગ્યો. તેનું રૂંવાડુંય ફરક્યું નહિ. પણ કાચબો સાવધાન બની ગયો. તે યથાવત્ બેસી રહ્યો. ગટુ સસલાને મજા પડી. તેણે થોડા ઠળિયા ભેગા કરી કાચબાને માર્યા. કાચબાના માનસિક રડા૨માં એટલું પકડાયું કે ઠળિયા કઈ દિશામાંથી આવ્યા. તેણે યુક્તિ વાપરી. જે દિશામાંથી ઠળિયા આવેલ તેની વિરુદ્ધ દિશામાં ચાલ્યો. જાંબુના ઝાડ પાછળ જોયું તો મસ્તીખોર ગટુ સસલાને જોયો. કાચબો તો ઠાવકો બની તેની પાસે જઈ બોલ્યો, ‘અરે ગટુ, તું અહીં શું કરે છે ?’ પોતે પકડાઈ ગયો જાણી ગેંગે... ફેં... ફેં... કરવા લાગ્યો. પણ કાચબો ફરી બોલ્યો, ‘ગટુ, તને જમીન ૫૨ ૨મવું, દોડવું ખૂબ ગમે, ખરું ને ?’ ‘હા હોં કાચબાભાઈ. આપણે બીજું જોઈએ પણ શું ? ખાવું, પીવું ને મોજ કરવી.’ ગટુ મૂછે તાવ દેતો બોલ્યો. ‘પણ હેં ગટુ, તને ક્યારેક દરિયામાં, તળાવમાં તરવાનું કેમ મન થતું નથી ?’ ‘મન તો ઘણું થાય છે કાચબાભાઈ, પણ મને કોણ પાણીની સહેલ કરવા લઈ જાય ? હોડીમાં તો કોઈ બેસાડે નહિ. પાણીમાં ફરવાની ખૂબ ઇચ્છા થાય છે. જુઓને આ તમને ને માછલીઓને પાણીમાં તરતી જોઈ મને કંઈનું કંઈ થઈ જાય છે.’ ‘તે એમાં મૂંઝાવાની કે દુઃખી થવાની કંઈ જરૂર નથી. હું તમને સહેલ કરાવું, ચાલ.’ કાચબાએ લાગણી બતાવતાં કહ્યું. ‘તમે ! તમે કાચબાભાઈ કેવી રીતે મને સહેલ કરાવશો ? તમારી પાસે હોડી છે ?’ ગટુ ઉત્સાહથી પણ મૂંઝાઈને બોલ્યો. ‘અરે હોડીનું શું કામ છે ? આ મારી પીઠ જોઈ ? હોડીથીય મજબૂત ને વળી સલામત. આવ, બેસી જા. તને આજ પાણીની મજા ચખાડું.’ કાચબો બોલ્યો. ગટુને તો એટલું જ જોઈતું હતું. પાણીમાં સહેલ કરવાની લાયમાં ને લાલચમાં કંઈ પણ વિચાર્યા વિના ગટુ ઠેકડો મારી કાચબાની પીઠ - ઢાલ પર ચડી ગયો. કાચબો મનમાં મલકાતો મલકાતો માંડ્યો ચાલવા. ગટુને તો મજા પડી ગઈ. કાચબો પાણીમાં ગયો. કાચબો પાણીની સપાટી પર તરતો હતો. ગટુ તાળી પાડી હસવા લાગ્યો. અચાનક કાચબાએ નાની ડાઈ મારી. ગટુ અડધો પાણીમાં ડૂબી ગયો. તેની રાડ ફાટી ગઈ. બીતાં બીતાં બોલ્યો, ‘કાચબાભાઈ, તમે ઉપર તરો ને, મને બીક લાગે છે.’ ‘એલા ગટુડા, તને તરતાં આવડે છે ?’ કાચબાએ પૂછ્યું. ‘ના હોં, કાચબાભાઈ, તરતાં નથી આવડતું. મને બીક લાગે છે. મને કિનારે ઉતારી દો.’ રડવા જેવા અવાજે ગટુ બોલ્યો. ‘એવું હોતું હશે, ગટુડા ! હવે તો તને ખૂબ મજા ચખાડવાની છે. મારા દીકરા પિન્ટુને રોજ જાંબુના ઠળિયા મારી તેને હેરાન કરવાની મજા પડતી હતી, ખરું ને ?’ કાચબાએ ઓળખાણ આપતાં કહ્યું. ‘તે... તે... ઈ કાચબો તમારો દીકરો થાય ? મારી ભૂલ થઈ ગઈ. હવે તેને ક્યારેય હેરાન નહિ કરું. મને છોડી દો.’ રડતાં રડતાં ગટુ બોલ્યો. ‘બધાંની મસ્તી કરવી, નિર્દોષને હેરાન કરવા, નાનાંમોટાંની મર્યાદા જાળવવી નહિ, ભણવું ગમતું નથી ખરું ને ? આજ મનેય મસ્તી કરવાનું મન થયું છે. ચાલ, આપણે તરવાની મજા માણીએ.’ કહીને કાચબો તો ઊંડા પાણીમાં ઊતરી ગયો. જેવો કાચબો અંદર ગયો કે ગટુ સસલો માંડ્યો પાણીમાં ડૂબવા. બે હાથ ઊંચા કરી ‘બચાવો... બચાવો...!’ ની બૂમો પાડવા લાગ્યો. પણ તળાવની મધ્યમાં તેનો અવાજ કોણ સાંભળે ? દૂરથી જોનારને એમ લાગ્યું કે સસલો તરવાની મજા લઈ રહ્યો છે. ગટુ તો ઘડીમાં અંદર ને ઘડીમાં ઉ૫૨. પાણી માંડ્યો પીવા. તેના હોશકોશ ઊડી ગયા. ત્યાં નીચેથી કાચબાએ પોતાની ઢાલ પ૨ ગટુને ઊંચકી લીધો. ગટુના જીવમાં જીવ આવ્યો. તે રડતાં રડતાં બોલ્યો, ‘કાચબાભાઈ, મને બચાવો, મારે મરવું નથી. તમારે પગે પડું. તમારા દીકરાને ક્યારેય પણ પજવીશ નહિ.’ ‘મારા દીકરાને તો શું પણ જંગલનાં કોઈ પશુ-પક્ષીને આજથી હેરાન નહિ કરવાનું વચન આપ. ને ડાહ્યોડમરો થઈ રોજ નિશાળે જઈ ભણવા માંડ.’ કાચબાએ તેને ડારો આપતાં સલાહ આપી. ‘તમારે પગે પડું છું. આજ પછી કોઈને પજવીશ નહિ. મસ્તી પણ નહિ કરું. બધાં બાળકોની જેમ નિશાળે જઈ ભણવા માંડીશ બસ. તમે આજ મને ખરો પાઠ ભણાવ્યો.’ કહી ગટુએ કિનારે લઈ જવા ફરી વિનંતી કરી. ‘ઠીક છે. પણ જો ક્યારેય તારી ફરિયાદ આવી તો તારું આવી બનશે હાં.’ કહી કાચબો કિનારે આવ્યો. તળાવના કિનારે ગટુએ જ્યાં પગ મૂક્યો ત્યાં નવું કૌતુક જોયું. કાચબીએ અને તેના બીમાર પિન્ટુ દીકરાએ બધાં પશુ-પક્ષીને બોલાવી રાખેલ. બધાએ સમૂહમાં ગટુ સસલાનું સ્વાગત કરતાં કહ્યું, ‘કેમ છો ગટુભાઈ ? તળાવની સહેલગાહ કેવી રહી ?’ ગટુ તો ઊભી પૂંછડીએ જે ભાગ્યો કે પાછું વાળીને જોવા ઊભો રહ્યો નહિ. પણ તે દિવસથી ગટુ સસલાનાં મમ્મી-પપ્પા ખૂબ ખુશ થયાં. મનોમન કાચબાભાઈનો આભાર માની બોલ્યાંય ખરાં, ‘પારકી મા જ કાન વીંધે.’