ગુજરાતી બાળવાર્તા સંપદા/શ્રેષ્ઠ ભેટ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
શ્રેષ્ઠ ભેટ

રતિલાલ સાં. નાયક

વાત ઘણી પુરાણી છે. પ્રભુદાસ નામે એક ગરીબ માણસ હતો. એના ગામમાં એક મંદિર બન્યું. કદાચ જગત ઉપર બનેલું એ સર્વપ્રથમ મંદિર હશે. લોકોને કહેવામાં આવ્યું, ‘આ મંદિરમાં પ્રભુ વસશે અને સૌનાં દુઃખ દૂર ક૨શે.’ એક મધરાતે પ્રભુદાસ મંદિરના દ્વારે પહોંચી ગયો. એની ઇચ્છા પ્રભુને પોતાની વીતક વાત સુણાવી પોતાની દરિદ્રતા દૂર કરવાની હતી. મંદિરમાં દીપક હજુ બળતો હતો. એનાં તેજ બંધ બારણાંની તિરાડમાંથી બહાર રેલાતાં હતાં. પ્રભુદાસ માટે અંધારી રાતમાં આ કિરણો માર્ગદર્શક બની રહ્યાં. એ છેક અંદરના દ્વાર સુધી આવી શક્યો. પણ એ જ વખતે એક તેજસ્વી પુરુષે એને ઉંબર પર જ અટકાવ્યો. એણે કહ્યું, ‘હું દેવદૂત છું. અહીં મંદિરનો દ્વારપાળ નિમાયો છું. ખાલી હાથે પ્રભુ પાસે જવા માગનારને હું અટકાવું છું.’ પ્રભુદાસે કહ્યું, ‘મેં પૂરા મનથી ભગવાન પાસે જવાનું નક્કી કર્યું છે. બોલો, ભર્યા હાથે કેવી ભેટ લઈને ફરી આવું ?’ દેવદૂતે કહ્યું, ‘જગતની સૌથી અમૂલ્ય ભેટ ધરીને જ તમે જગતના નાથને મળી શકો – પાસે જઈ શકો.’ પ્રભુદાસ પાછો ફર્યો. જગતની સૌથી અમૂલ્ય કઈ ભેટ હોઈ શકે એ વિશે એણે વિચાર્યું. વિચારતાં વિચારતાં એને લાગ્યું કે રાજમુગટ જ જગતની સૌથી અમૂલ્ય ભેટ હોઈ શકે. સત્તાથી ચઢિયાતી બીજી ભેટ હોઈ પણ શી શકે ? વિશ્વના સર્વ સત્તાધીશ અને મહાસંપત્તિવાન એક રાજાના મુગટને એણે ચોર્યો ને એને લઈને એ મંદિરના દ્વારે હાજર થયો. દેવદૂતે એને ઉંબર ૫૨ જ અટકાવીને પૂછ્યું, ‘શી ભેટ લાવ્યા છો ?’ પ્રભુદાસે હાથમાં જતનથી જાળવેલો રાજમુગટ આગળ ધરી દેવદૂતને બતાવતાં કહ્યું, ‘કીમતી હીરામોતીથી મંડિત આ રાજમુગટ હું પ્રભુને ચરણે ધરવા માગું છું.’ દેવદૂતે કહ્યું, ‘મૂર્ખ ! આ તો સામાન્ય વસ્તુ છે, જે જગન્નાથ કૌસ્તુભ મણિ ધારણ કરે છે, રત્નોની ખાણ સમા મહાસાગરો ઉત્પન્ન કરે છે, સોના ને હીરાની ખાણોની રચના કરે છે એની આગળ એક રાજમુગટની શી ગણના હોઈ શકે ? આટલી સત્તા ને આટલી સંપત્તિવાળા પ્રભુ માટે તું બીજી કોઈ ભેટ લઈને ફરીથી આવજે.’ પ્રભુદાસ પાછો ફર્યો. એણે બીજી ભેટ વિશે વિચાર્યું. એણે સત્તા અને સંપત્તિથી પણ શૌર્યને અદકું ગણ્યું ને એક વીર નરની તલવાર ચોરી લીધી. અનેક લડાઈઓ લડી વિશ્વવિજેતા બનનાર મહાવીરની એ તલવાર હતી. પ્રભુદાસ એ તલવાર સાથે મંદિરના દ્વારે ડોકાયો કે દેવદૂતે એને અટકાવતાં કહ્યું, ‘વગર લડાઈએ બધાને જીતનાર ને સૌ પર શાશ્વત સત્તા ચલાવનાર પ્રભુ આગળ આ તલવારની શી વિસાત ? તું જેની તલવાર લઈને આવ્યો છે એ પ્રભુને હરાવી શકે ખરો ? સાધારણ વ્યક્તિની સાધારણ વસ્તુ લઈને તું સર્વજગત્રાતાને નહિ મળી શકે. પાછો જા ને જગતની અમૂલ્ય વસ્તુ લઈ આવ.’ પ્રભુદાસ પાછો ફર્યો. આ વખતે એણે ન વિચારી સત્તા, ન વિચારી સંપત્તિ, ન વિચાર્યું શૌર્ય, પણ વિદ્યાને વડી ગણી એક મહાપંડિતની જ્ઞાનપોથી ચોરી લાવીને એ પ્રભુના દ્વારે ખડો થયો. દેવદૂતે હસીને કહ્યું, ‘પામર જીવ ! મનુષ્યના જ્ઞાનનું સર્વજ્ઞાતા પ્રભુ આગળ કશું મૂલ્ય નથી. પ્રભુ પોતે મતિ, વાણી ને વિદ્યાના પ્રેરક છે. બીજી કંઈ દુર્લભ વસ્તુ લઈ આવ.’ પોતાની જાતને ખરેખર રંક માનતો પ્રભુદાસ પાછો ફર્યો. આખી રાત એણે વિચાર્યા કર્યું. જેમ જેમ વિચાર્યું એમ એને પોતે કેવો દીન ને નિર્બળ છે એની પ્રતીતિ થઈ. એણે નક્કી કર્યું કે જઈને મારી અશક્તિ જ જણાવું ને એને કારણે જ મને મંદિરમાં પ્રવેશવા દેવા દેવદૂતને વીનવું. આવું વિચારી એ પ્રભુમંદિરે આવી રહ્યો હતો ત્યાં માર્ગમાં એક ગરીબ ભિખારી કોઈની હડફેટે ફેંકાઈને ઘવાયેલો કણસતો દેખાયો. પ્રભુદાસને એ ભિખારીને જોતાં જ દયા આવી ગઈ, એની આંખ આંસુથી ભીંજાઈ. એણે એને પાટાપિંડી કરી બાજુએ મૂકતાં કહ્યું, ‘ભાઈ ! થોડી ધીરજ રાખ. હું નિર્ધન છું ને નિર્ધન જ નિર્ધનની વેદના સમજી શકે છે. હું હમણાં જ મંદિરે જઈ પ્રભુદર્શન કરીને પાછા ફરતાં ગમે તેની પાસે તારે માટે ખાવાનું માગીને તારી ભૂખ સંતોષીશ. અરે, ખુદ પ્રભુ જો મારી વાત સાંભળશે તો એમની પાસે મારે માટે કશું નહિ માગતાં તારું દુઃખ-દારિદ્ર્ય ફેડવાની વાચના કરીશ.’ આમ કહી આંખમાં આંસુ સાથે એ મંદિર તરફ ધસ્યો ને દ્વાર ૫૨ જઈ ઊભો. હજુ તો ઊભો જ છે ત્યાં ક્યાંકથી દેવદૂત એકાએક ખડો થઈ ગયો ને માથું નમાવી એને આવકારતાં કહેવા લાગ્યો, ‘મનુષ્યશ્રેષ્ઠ ! પ્રભુમંદિરમાં આપનું સ્વાગત કરતાં આનંદ અનુભવું છું ! ’ અચંબામાં પડી ગયેલા પ્રભુદાસને ભ્રમ થયો કે દેવદૂત એની હાંસી ઉડાવી રહ્યો છે. તે બોલ્યો, ‘હું તો હારીથાકીને તમારી કૃપાની ભિક્ષા માગવા આવ્યો છું. એક ક્ષણ મને અંદર જઈ પ્રભુને ચ૨ણે આળોટી લેવા દો જેથી મારા હૃદયને શાંતિ થાય. મારા જેવા ગરીબની અશક્તિ સામે ઉપહાસ નહિ પણ હમદર્દી દાખવવા મારી આપ પાસે યાચના છે.’ દેવદૂતે પૂર્ણ શ્રદ્ધા સાથે કહ્યું, ‘મહાપુરુષ ! હવે આપને રોકવાની મારી કોઈ ગુંજાશ નથી. આપ પ્રભુને સીધા જ મળી શકો છો.’ પ્રભુદાસને હજુ વિશ્વાસ ન બેઠો : ‘રખે ને હું અંદર પગ મૂકું કે એ પગને જ આ પહેરેગીર તલવારથી કાપી કાઢે !’ એણે દીનતા ઉપરાંત પૂરી નમ્રતા દાખવીને આજીજીભર્યા સ્વરે કહ્યું, ‘ભાઈ ! તમે તો ભેટ લીધા વિના કોઈને અંદર દાખલ થવા જ નથી દેતા; હું તો સાવ ખાલી હાથે આવ્યો છું. માત્ર મારા હૃદયની સચ્ચાઈરૂપી શ્રદ્ધા જ લઈને આવ્યો છું.’ દેવદૂત પહેલાં કરતાં પણ વિશેષ માનપાન દાખવતાં કહેવા લાગ્યો, ‘મનુષ્યદેવ ! એ તમારી ભ્રમણા છે. આજે તમે એવાં મહામૂલાં ઉજ્જ્વલ મોતી લઈને આવ્યા છો જે ખુદ પ્રભુ પણ એમણે પોતે બનાવેલા દરિયામાં કે એમની માલિકીની ધરતીની ખાણોમાં પેદા નથી કરી શકતા. તમારાં તો ચમકતાં મોતી છે, દુર્લભ મોતી છે જે તમારા દિલદરિયામાંથી ને હૃદયની નાનકડી ખાણમાંથી નીકળી આંખોમાં તો૨ણશાં ઝૂમી રહ્યાં છે. ‘તમારાં આ આંસુ ગમે એવા વજ્રહૃદયને પણ પિગળાવવા સમર્થ છે. આજે તમે કરુણારૂપ છો, પતિતના બંધુ છો, દીનદયાળ છો, અરે, ખુદ મારા સ્વામી છો. હું આપને કેમ રોકી શકું ? આપ પ્રભુમય ઈશ્વર સ્વરૂપ થઈ ગયા છો.’ અને પ્રભુદાસની આડેથી દેવદૂત ખસી જતાં પ્રભુદાસ સીધો જ પ્રભુના ચરણ પાસે જઈ લેટી પડ્યો. એ મીંચેલી આંખે પણ કરુણાભરી વાણીથી કરગરતો કહેવા લાગ્યો, ‘હે પ્રભુ ! મારે ખુદને કશું જો’તું નથી. મારામાં એટલું આત્મબળ મૂકો કે હું પડેલાં અન્ય જનોને ઊભાં કરી શકું. જેમના પુરુષાર્થ હરાઈ ગયા છે એમને ફરી શક્તિમંત કરી શકું.’ અને પ્રભુની ચરણ-વંદના કરી ઝડપથી એ બહાર નીકળ્યો. એની ઇચ્છા માર્ગમાં મળેલા ભિખારીની ભૂખ બને એટલી ઝડપથી દૂર કરવાની હતી. પણ જ્યાં એ જગ્યાએ આવીને જુએ તો ભિખારી અદૃશ્ય થઈ ગયેલો. આજુબાજુ શોધતાં પેલો દેવદૂત ત્યાં ઊભેલો દેખાયો. એ બોલ્યો, ‘કરુણાનિધિ ! હવે હું ભિખારી નથી રહ્યો. તમારાં ખરી સહાનુભૂતિનાં આંસુ મારા ઉપર પડેલાં ત્યારે જ મારાં દુઃખદર્દ નાસી છૂટેલાં. એકને માટે અન્યની સહાનુભૂતિથી ચઢિયાતી દુઃખી માનવી માટે બીજી દવા નથી અને ભિખારીપણું કે અત્યારે છે એ દેવદૂતપણું કે હમણાં તું જે મૂર્તિનાં ચરણોમાં લેટીને આવ્યો એ પ્રભુપણું એ બધાં મારાં જ સ્વરૂપ છે. હવે આ જગત ઉપર મારી પણ જરૂ૨ નથી. મંદિરની પણ જરૂર નથી. તારા જેવા મનુષ્યના હૃદયમંદિરમાં જ હું હોઈશ ને એ રીતે જ જગતમાં દુઃખનો નાશ ને સુખનો ફેલાવો થઈ શકશે.’ કહીને દેવદૂત અદૃશ્ય થઈ ગયો. પ્રભુસ્વરૂપ પ્રભુદાસ માનવીના રૂપે જગત ૫૨ ૨હી ગયો.