ગુજરાતી બાળવાર્તા સંપદા/સાત સુંઢાળો ઐરાવત

સાત સૂંઢાળો ઐરાવત

રતિલાલ સાં. નાયક

જંગલમાં વાઘજીમામા એમની નિશાળ ચલાવે. એમાં સિંહ હતો, હાથી હતો, ચિત્તો હતો, દીપડો હતો, વરુ હતું, રીંછ હતું, બધાં જંગલી પ્રાણી હતાં. એક દિવસ વર્ગ બહાર રમત-રમતમાં સિંહને અને હાથીને બરાબરનો ઝઘડો થઈ ગયો. સિંહ ગાજીને કહે, ‘છે તારામાં મારા જેવું બળ ? ક્યાં મારી ગર્જના અને ક્યાં તારી ચિંઘાડ ? હું દહાડું તો જંગલ ગાજી ઊઠે, પહાડ કંપી ઊઠે, તારી ચિંઘાડ તો સામે વડ સુધી પડઘાઈને પાછી પડે. નાહક આ એક સૂંઢનો ભાર લઈ ફુલાતો શાનો ફરે છે ?’ હાથીમાં થોડું શાણપણ આવ્યું ને એણે ઝઘડો બંધ કર્યો, પણ ઘેર જતાં જતાં આખે રસ્તે એને વિચાર આવ્યા કર્યો, ‘સિંહે મને એકસૂંઢાળો કીધો !’ સવાર થયું. એ જાગ્યો. નાહીધોઈ પાઠ તૈયાર કરી શાળાનો સમય થયો એટલે એ ભણવા નીકળ્યો. રસ્તામાં જિરાફ મળ્યું. એની ઊંચી ડોક જોઈ એને વિચાર આવ્યો, ‘આ જિરાફની ડોક માગી લઉં તો કેવું સારું ! મારે એક સૂંઢ છે પણ આ જિરાફની ડોકને એની જોડે મૂકી દઉં તો બે સૂંઢ થાય, પછી સિંહ કરતાં મારું બળ વધી જાય.’ હાથીએ એમ કર્યું. એણે જિરાફની ડોક માગી લીધી. એક પોતાની ને બીજી જિરાફની એમ બે સૂંઢ વડે બે સૂંઢાળો બની એ વર્ગમાં દાખલ થયો. એને જોયો કે સિંહે બીજાં પ્રાણીઓને પક્ષમાં લઈ હાથીને બરાબરનો ખીજવ્યો : હાથી બે સૂંઢાળો ! હાથી બે સૂંઢાળો ! એ વખતે હાથી કંઈ ન બોલ્યો, પણ સાંજે ઘેર આવી વિચારે ચઢ્યો : ‘કોઈની ત્રીજી સૂંઢ પણ માગી લઉં.’ એના સારા નસીબે બીજે દિવસે શાહમૃગનો એને ભેટો થયો. હાથીએ શાહમૃગની ડોક માગી લીધી. હાથી પાસે હવે ત્રણ સૂંઢ થઈ : એક પોતાની, બીજી જિરાફની અને ત્રીજી શાહમૃગની. હાથી ત્રણ સૂંઢાળો થયો. બીજે દિવસે શાળામાં ગયો એટલે સિંહને અને બીજાં પ્રાણીઓને ગમ્મત થઈ પડી. એ તો બધાં હાથીને ખૂબ ચીઢવવા લાગ્યાં : હાથી ત્રણ સૂંઢાળો ! હાથી ત્રણ સૂંઢાળો ! હાથી ખીજે ભરાઈ ત્રીજે દિવસે નીકળી પડ્યો જંગલમાં ને અજગરને પકડી લઈ એની સૂંઢ બનાવી દીધી હવે એની પાસે પોતાની, જિરાફની, શાહમૃગની અને અજગરની એમ ચાર સૂંઢ થઈ. પણ શાળામાં ગયો કે વળી પાછાં પ્રાણીઓ ટીખળે ચઢ્યાં અને હાથીની પાછળ ફરી બોલવા લાગ્યાં: હાથી ચાર સૂંઢાળો ! હાથી ચાર સૂંઢાળો ! હાથીએ નક્કી કર્યું, ‘તમે બોલ્યે જાઓ. કાલે પાંચમી સૂંઢ લઈ આવીશ. હું કંઈ તમારાથી બીતો નથી.’ અને એણે ચોથે દિવસે ઊંટની ડોક લઈ લીધી, ને એની પાંચમી સૂંઢ બનાવી દીધી. હવે એની પાસે પોતાની, જિરાફની, શાહમૃગની, અજગરની અને ઊંટની એમ પાંચ સૂંઢ થઈ ગઈ. પાંચ સૂંઢાળો બની એ વટભેર વર્ગમાં દાખલ થયો. સિંહ અને બીજાં પ્રાણીઓએ આજે પણ ખીજવવાનું ચાલું રાખ્યું. હાથી પાંચ સૂંઢાળો ! હાથી પાંચ સૂંઢાળો ! હાથી બોલ્યો, ‘હવે તો કાલે હું છ સૂંઢવાળો બનીને જ આવવાનો !’ અને એણે જ્યાં ત્યાં ફરીને સારસની ડોક મેળવી લીધી. એની છઠ્ઠી સૂંઢ બનાવી લીધી. હવે એની પાસે પોતાની, જિરાફની, શાહમૃગની, અજગરની, ઊંટની અને સારસની એમ છ સૂંઢ થઈ. પણ પછીના દિવસે એ વર્ગમાં ગયો કે ટેવ પડી ગઈ હોવાથી પ્રાણીઓ ખીજ પાડતાં બોલી ઊઠ્યાં : હાથી છ સૂંઢાળો ! હાથી છ સૂંઢાળો હાથી ગુસ્સો ભરાઈ બરાડ્યો : ‘કાલે જોજો. હું સાત સૂંઢાળો બનીને જ આવીશ. પછી મારા ચિંઘાડ જોઈ લેજો. તમે સૌ એક બાજુ બોલો ને તોય તમારો અવાજ જેટલો દૂર નહીં પહોંચે એથી મારો અવાજ વધુ દૂર પહોંચશે. મારી સાત સૂંઢ ઊંચી કરી ગળામાંથી ચિંઘાડ નાખીશ તે છેક આકાશ સુધી પહોંચશે ને આકાશના ઇન્દ્રરાજાને પણ નીચે ધરતી પર આણશે.’ શિયાળે કહ્યું, ‘હોવે. તમને માનભેર સ્વર્ગે લઈ જવા તેઓ આકાશમાંથી નીચે ધરતી ઉપર આવશે !’ બઘાં પ્રાણીઓ હસી પડ્યાં. પછી સિંહે બોલાવરાવ્યું : ‘હાથી છ સૂંઢાળો ! હાથી છ સૂંઢાળો !’ અને બધાં પ્રાણીઓએ ઝીલ્યું : હાથી છ સૂંઢાળો ! હાથી છ સૂંઢાળો ! બીજે દિવસે હાથી સાતમી સૂંઢની શોધમાં નીકળ્યો અને તળાવકાંઠે બગલું મળી ગયું. એની વાંકી ડોક એને ગમી ગઈ. સાતમી સૂંઢ તરીકે એણે બગલાની ડોક લઈ લીધી. હવે હાથી સાત સૂંઢાળો થયો : એક પોતાની, બીજી જિરાફની, ત્રીજી શાહમૃગની, ચોથી અજગરની, પાંચમી ઊંટની, છઠ્ઠી સારસની ને સાતમી બગલાની. બીજે દિવસે એ નિશાળે ગયો એવામાં નવી વાત બની : સ્વર્ગના ઇન્દ્રરાજા ધરતીની મુલાકાતે આવેલા. તેમનું વિમાન એક મોટા વડ પાસે ઉતારી પોતે વડ નીચે આરામ કરતા બેઠેલા દેખાયા. પ્રાણીઓએ એક તરફથી ઇન્દ્રરાજાને જોયા અને બીજી તરફથી સાત સૂંઢાળા હાથીને નિશાળે આવતો જોયો. શિયાળ બોલ્યું : ‘હું નહોતું કહેતું, સાત સૂંઢાળા હાથીને લેવા ઇન્દ્રરાજા ધરતી ઉપર આવશે ?’ સિંહે બોલવાનું શરૂ કર્યું : હાથી સાત સૂંઢાળો ! હાથી સાત સૂંઢાળો ! બધાં પ્રાણીઓ ઝીલે એ પહેલાં જ ઇન્દ્રરાજાનું ધ્યાન હાથી તરફ ગયું. ઇન્દ્રને સાત સૂંઢાળો હાથી ગમી ગયો. ઇન્દ્રે નક્કી કર્યું : આવું પ્રાણી તો મારી ઇન્દ્રપુરીમાં જ શોભે. હવેથી હું એના ઉપર સવારી કરીશ. અને ખરેખર ઇન્દ્રરાજા સાત સૂંઢાળા હાથીને ઇન્દ્રપુરીમાં લઈ ગયા. સાત સૂંઢાળા હાથીને ઇન્દ્રપુરીમાં ઐરાવત એવું નામ અપાયું. ઐરાવત હજુય ક્યારેક કહે છે, ‘પેલો સિંહ તો વન ગજાવતો હશે, પણ હું તો આકાશ ને ધરતી બેઉ ગજાવું છું.’ વરસાદની મોસમમાં વાદળાં ગાજે છે એ પેલા સાત સૂંઢાળા હાથીની ચિંઘાડની યાદ નથી આપતાં?