ગુજરાતી બાળવાર્તા સંપદા/સિંહ અને ગધેડો
જયવતી કાજી
એક જંગલમાં સિંહ એના કુટુંબ સાથે નિરાંતે મહાલતો હતો. આખા જંગલમાં એની હાક વાગતી, ધાક લાગતી. એ વનનો રાજા હતો. એક દિવસ એ જંગલની બહાર નીકળ્યો અને માણસની કુટિલ જાળમાં ભેરવાઈ ગયો. એ માણસે સિંહને સરકસમાં મોકલી આપ્યો. સિંહને બહુ વસમું લાગ્યું. પોતે જંગલનો રાજા અને આ ફોતરા જેવો માણસ એની પાસે સરકસમાં જાતજાતના ખેલ કરાવે ? એને સાટકા મારે ? પોતે રાજા થઈને માણસની ગુલામી કરે? સિંહને બહુ જ બેચેની લાગવા માંડી. એણે નિશ્ચય કર્યો કે હવે સરકસનો માલિક ગમેતેટલા ચાબુક ફટકારે પણ ખેલ ના કરવો તે ના જ કરવો. સિંહને એનો માલિક સરકસના પિંજરામાં લાવ્યો. એની પાસે કસરત કરાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પણ સિંહે એને મચક આપી નહિ. સરકસના માલિકે એને સાટકો ફટકાર્યો. સિંહ સમસમી ગયો. સાટકો ચમચમી ગયો, પણ સિંહે માલિકના હુકમને ના જ માન્યો. માલિકે ઉપરાછાપરી સાટકા લગાવ્યા. સિંહે ગર્જના કરી, પણ કસરતના દાવ તો ના કર્યા તે ના જ કર્યા ! માલિકે એને ભૂખે મારવા માંડ્યો. એને એક મોટા તબેલામાં પૂર્યો. સિંહ ભૂખે મરવા માંડ્યો. એનું શરીર સુકાવા માંડ્યું. માલિકને થયું કે હવે સિંહ ભૂખે મર્યો એટલે સુધર્યો હશે. એણે સિંહને બહાર કાઢ્યો. એક ગધેડાને સિંહની દયા આવી. સિંહને એ કહેવા લાગ્યો : ‘અરે ભાઈ, આ માણસજાત આગળ ખોટી હઠ શા કામની ? હવે કંઈ તું જંગલમાં જઈ શકવાનો નથી. તારી આઝાદી ગઈ તે ગઈ. હવે એ તને પાછી મળવાની નથી. એના કરતાં મારી જેમ જે સંજોગ મળ્યા તે સ્વીકારી લેતાં શીખ ! માલિક તને ભૂખે મારશે. તારો જીવ તને વહાલો નથી ?’ સિંહ કહે : ‘તું ગધેડો છે અને હું સિંહ છું. આઝાદી તને ભલે વહાલી ના હોય, બે ટંક રોટલા માટે ભલે તને ગુલામી વેઠી લેવાનું ગમતું હોય, હું તો એક વાર આઝાદીની હવામાં જીવ્યો છું, ફર્યો છું. એક નાચીઝ માણસ મને ગુલામ તરીકે જુએ, મારું સ્વમાન હણાય તેવા ખેલ મારી પાસે કરાવે તો મારું સિંહપણું લજવાય. ભલે માલિક મને ભૂખે મારે, હું મારું સ્વમાન એના માટે ગીરે મૂકવા તૈયા૨ નથી.’ એમ કહી સિંહ ધીમે ટટ્ટાર પગલે ચાલવા માંડ્યો. ગધેડો હસ્યો : ‘આ સિંહ સાવ મૂરખ જ છે ને !’