ગુજરાતી બાળવાર્તા સંપદા/ગુત્સમદ ઋષિની યુક્તિ

ગુત્સમદ ઋષિની યુક્તિ

ઋષિરાજ જાની

ઘણાં વર્ષો પહેલાંની વાત છે. ગુત્સમદ નામના એક ઋષિ જંગલમાં રહીને તપકરતા હતા. તેઓ જંગલમાં આશ્રમ બનાવીને રહેતા. ઘણાં વર્ષો સુધી તેમણે યજ્ઞ તથા હોમ દ્વારા દેવતાઓને પ્રસન્ન કર્યા. ગુત્સમદ ઋષિ ખૂબ જ જ્ઞાની તથા અત્યંત ચતુર હતા. ઘણા વર્ષો સુધી તપ કર્યા પછી એકવાર ઋષિને વિચાર આવ્યો કે એક મોટા યજ્ઞનું આયોજન કરું. આ યજ્ઞમાં તેમણે મોટા-મોટા ઋષિઓને આમંત્રણ આપું. આવો યજ્ઞ આ પહેલા કોઈએ ન કર્યો હોય એવડો મોટો અને ભવ્ય હોય. યજ્ઞમાં મુખ્ય અતિથિ તરીકે દેવતાઓના રાજા ઇન્દ્રને પણ આમંત્રણ આપ્યું. આ યજ્ઞના પ્રભાવથી અસુરો તથા રાક્ષસોનો પ્રભાવ પણ ઓછો થઈ જશે. આમ વિચારી ઋષિએ સૌથી મોટા યજ્ઞની તૈયારી શરૂ કરી. ઋષિ એક પછી એક બધા ઋષિઓના આશ્રમે જઈ આવ્યા અને બધા તપસ્વીઓ તથા મોટા-મોટા ઋષિઓને યજ્ઞમાં હાજર રહેવા આમંત્રણ આપતા હતા. ઋષિ પોતે સ્વયં જઈને સ્વર્ગના રાજા ઇન્દ્રને આમંત્રણ આપવા ગયા અને બોલ્યા, ‘હે દેવરાજ ! આપને હું મારા યજ્ઞમાં આમંત્રણ આપવા આવ્યો છું. આવો ભવ્ય યજ્ઞ કોઈએ પહેલાં જોયો નહીં હોય. આપ મારા યજ્ઞમાં પધારો અને મુખ્ય અતિથિ બનો. આપના માટે મેં સોમરસની પણ વ્યવસ્થા કરી છે.’ સોમરસની વાત થતાં જ ઇન્દ્રદેવ ખૂબ જ પ્રસન્ન થઈ ગયા. ઇન્દ્રદેવ બોલ્યા, ‘હે ઋષિવર ! હું આપના યજ્ઞમાં જરૂર આવીશ અને મુખ્ય અતિથિ તરીકે બેસીશ.’ એ પછી ઋષિ પોતાના આશ્રમે પાછા આવ્યા અને યજ્ઞની તૈયારીમાં પડી ગયા. ઋષિના આશ્રમમાં બધા ઋષિઓ જોર-શોરથી તૈયારીઓ કરવા માંડ્યા. ઘી, યજ્ઞ માટેના લાકડાં, ફૂલ, ચોખા, જવ, તલ વગેરે વસ્તુઓના ઢગલાને ઢગલા આશ્રમમાં થવા લાગ્યા. આશ્રમને જુદાં જુદાં રંગનાં ફૂલોથી સજાવવામાં આવ્યો. અતિથિ માટે જાત-જાતનાં પકવાનો બનવાં માંડ્યાં અને ખાસ કરીને દેવો માટે સોમરસ બનવા માંડ્યો. આખરે યજ્ઞ પ્રારંભનો દિવસ આવી ગયો. દૂર-દૂરથી મોટા-મોટા ઋષિઓ ગૃત્સમદ ઋષિના આશ્રમે આવી પહોંચ્યા. નક્કી કરેલા સમયે બધા ઋષિઓ. તપસ્વીઓ, મુનો તથા રાજાઓ યજ્ઞમંડપમાં આવી ગયા. દેવરાજ ઇન્દ્ર પણ સમયસર ઋષિના આશ્રમે પહોંચ્યા અને યજ્ઞનો ભવ્ય રીતે પ્રારંભ થયો. યજ્ઞ શાંતિપૂર્ણ રીતે ચાલવા લાગ્યો. ગૃત્સમદ ઋષિ યજ્ઞશાળામાં પ્રમુખ પદે બેઠા હતા. દેવરાજ ઇન્દ્રને સોમરસ પીરસવામાં આવ્યો અને યજ્ઞના મુખ્ય અતિથિના આસને બેસાડવામાં આવ્યા. એટલામાં બે તપસ્વીઓ દોડતા-દોડતા યજ્ઞશાળામાં આવ્યા અને ગુત્સમદ ઋષિ પાસે પહોંચ્યા. તપસ્વીઓની વાત સાંભળીને ગૃત્સમદના હોંશ ઉડી ગયા. તપસ્વીઓએ આવીને કહ્યું, ‘હે ઋષિ ! દેવરાજ ઇન્દ્રના આવવાની વાત અસુરોને ખબર પડી ગઈ છે. એટલે અસુરોએ આખા આશ્રમને ચારેબાજુથી ઘેરી લીધો છે. તેઓ ઇન્દ્રદેવને પકડીને લઈ જવા આવ્યા છે. અસુરો પાસે ખૂબ જ મોટું સૈન્ય છે. આપણી પાસે એટલા સૈનિકો પણ નથી. આથી અસુરો સાથે યુદ્ધ કરવું અશક્ય છે. થોડી જ વારમાં તેઓ આશ્રમની અંદર આવી જશે. તેઓ ઇન્દ્રદેવને બંદી બનાવવા માગે છે. હવે આપણે શું કરવું ?’ થોડીવાર ગૃત્સમદ ઋષિ કંઈ જ ન બોલ્યા. ઇન્દ્રદેવ પોતાના આમંત્રણથી આશ્રમે આવ્યા હતા. તેમને સુરક્ષિત રીતે સ્વર્ગે પહોંચાડવા જરૂરી હતા, કારણ કે તેઓ જ દેવતાઓના નાયક હતા. ગૃત્સમદ ઋષિ પાસે ઇન્દ્રદેવ આવ્યા અને બોલ્યા, ‘હે ઋષિવર ! ભલે આપણી પાસે સૈન્ય ન હોય પણ આપણે અસુરો સામે લડીશું. હાર-જીત કંઈ આપણા હાથમાં નથી. પણ આપણે એમ જ હાર નહીં માનીએ. ચાલો સહુ તૈયાર થઈ જાવ ! હું મારા સેવકોને સ્વર્ગ તરફ રવાના કરું છું. તેઓ સ્વર્ગમાંથી સૈન્ય લઈને આવવા અગ્નિદેવ તથા વરુણદેવને સંદેશો આપશો.’ ગૃત્સમદ ઋષિ બોલ્યા, ‘હે ઇન્દ્રદેવ ! આપ મારા કારણે સંકટમાં મૂકાયા છો. આથી આપને આ સંકટમાંથી ઉગારવાની જવાબદારી પણ મારી જ છે. કંઈ પણ રસ્તો કરીને હું આપને સુરક્ષિત સ્વર્ગ તરફ મોકલી આપું છું. આપ સૈન્યને લઈને પાછા ન ફરો ત્યાં સુધી હું અસુરોને સંભાળી લઈશ.’ આટલું કહીને ગૃત્સમદ ઋષિએ કમંડળમાંથી પાણી લઈને ઇન્દ્રદેવ પર છાંટ્યું. ઇન્દ્રદેવનું રૂપ બદલાઈ ગયું અને તેઓ આબેહૂબ ગૃત્સમદ ઋષિ જેવા દેખાવા લાગ્યા. બધા ઋષિઓ ચકિત થઈ ગયા. ઇન્દ્રદેવ તથા ગૃત્સમદમાંથી કોણ સાચા ગૃત્સમદ ઋષિ છે એ કોઈ પણ કહી ન શક્યું. ઇન્દ્રદેવને ગૃત્સમદ ઋષિએ પોતાના તપોબળથી પોતાના જેવું જ રૂપ આપી દીધું. ગૃત્સમદ ઋષિ બોલ્યા, ‘હે દેવરાજ ! આપ જલદી આ આશ્રમની બહાર ચાલ્યા જાવ. આપનું આ માયાવીરૂપ અસુરો ઓળખી નહીં શકે તથા તમને ગૃત્સમદ સમજી આશ્રમની બહાર જતાં રોકશે પણ નહીં. આપ જલદીથી અહીંથી ચાલ્યા જાવ.’ ઇન્દ્રદેવ યજ્ઞશાળામાંથી જલદીથી બહાર નીકળી ગયા. જેવા તેઓ આશ્રમની બહાર નીકળવા જતા હતા ત્યાં જ અસુરોના સૈનિકોએ તેમને અટકાવ્યા. અસુરોના સૈનિકોએ પૂછ્યું, ‘અરે ! તું કોણ છે ? આમ ક્યાં જાય છે ?’ માયાવી રૂપ ધરેલા ઇન્દ્રદેવ બોલ્યા, ‘હું ગુત્સમદ ઋષિ છું. તમારે ઇન્દ્રદેવને પકડવા છે ને ? તો પછી તમે ઋષિઓને શા માટે હેરાન કરો છો ? ઇન્દ્ર અંદર છે. જાવ તેને પકડી લો.’ મૂર્ખ અસૂરોએ ઇન્દ્રની વાત સાચી માની લીધી અને માયાવીરૂપ ધરેલા ઇન્દ્રને છોડી આશ્રમમાં ઇન્દ્રને પકડવા ચાલ્યા ગયા. ઇન્દ્ર સ્વર્ગ તરફ ચાલ્યા ગયા. અસુરો આશ્રમના ખૂણે-ખૂણે ફરી વળ્યા, પણ તેમને ઇન્દ્ર ન મળ્યા. અંતે તેઓ યજ્ઞશાળામાં આવ્યા. ત્યાં તેમણે ગૃત્સમદ ઋષિને જોયા. એક સૈનિક બોલ્યો, ‘આ ઋષિ તો હમણાં આશ્રમની બહાર ચાલ્યા ગયા હતા, તો આ અહીં કેમ છે ?’ બીજો સૈનિક બોલ્યો, ‘હા, સાચી વાત છે. મને તો લાગે છે કે ઇન્દ્ર જ ઋષિનું રૂપ લઈને બેઠો છે. ચાલો એને પકડી લઈએ.’ બધા સૈનિકો ગૃત્સમદ ઋષિને પકડવા દોડ્યા. તેમને આવતા જોઈ ગૃત્સમદ ઋષિ હસવા લાગ્યા. બધા સૈનિકોએ પૂછ્યું, ‘અલ્યા ! તું કેમ હસે છે ? નક્કી તું મરવાનો થયો છે. ચાલ ઇન્દ્ર ! તું તારા અસલી રૂપમાં આવી જા.’ ગૃત્સમદ ઋષિ બોલ્યા અરે અસુરો ! તમે મને ઇન્દ્ર સમજો છો એ વાત સાંભળીને મને હસવું આવી ગયું. અરે મૂર્ખો ! જે મારું રૂપ લઈને બહાર ગયો તે જ સાચો ઇન્દ્ર હતો. સૈનિકો બોલ્યા, ‘એ બધું અમે જાણતા નથી. અમને ખબર છે કે તું જ ઇન્દ્ર છે.’ ગૃત્સમદ બોલ્યા, ‘તમે ખરેખર મૂર્ખ છો. તમે મારા જેવી તુચ્છ વ્યક્તિની દેવોના મહાન રાજા ઇન્દ્ર સાથે સરખામણી કરો છો. તમને બરોબર ખબર નથી કે ઇન્દ્રદેવ કેટલા મહાન છે. તો સાંભળો ઇન્દ્રદેવના પરાક્રમો વિશે...’ ઇન્દ્રદેવે એકલા હાથે તમારા અસુરોના રાજા શંબરના સો કિલ્લા તોડી નાખ્યા હતા. અસુરોના લાખો-કરોડો સૈનિકોને ઇન્દ્રદેવે વજ્રના એક પ્રહારથી મારી ભગાડ્યા છે. વૃત્રાસુર જેવા ભયાનક તથા માયાવી અસુરને પણ ઇન્દ્રદેવે પોતાના બળથી હરાવ્યો છે. હજારો સૂર્ય જેટલા તેઓ તેજસ્વી છે. સ્વર્ગના રાજા ઇન્દ્રની સાથે તમે મારી સરખામણી કરો છો એ ખરેખર મૂર્ખતા છે. ઋષિની વાત સાંભળીને અસુરોના રાજાને બહુ ગુસ્સો આવ્યો. તે બોલ્યા, ‘તું ઇન્દ્રના બહુ ગુણગાન કરે છે ને ? હવે જોઈએ કે તને ઇન્દ્ર બચાવે છે કે નહીં.’ એટલું બોલીને તેણે ઋષિને મારવા તલવાર ફેંકી. ઋષિએ આંખ બંધ કરી દીધી. ઋષિને લાગ્યું હમણાં જ તલવારથી તેમનાં પ્રાણ ચાલ્યા જશે, પરંતુ ત્યાં જ ચમત્કાર થયો. ભયાનક વીજળીનો કડાકો થયો. બધે ખૂબ જ પ્રકાશ ફેલાઈ ગયો. સાક્ષાત્ ઇન્દ્રદેવ ત્યાં પ્રગટ થયા. તેઓ બોલ્યા, ‘અરે મૂર્ખો ! તમે યજ્ઞ કરનારા તથા શાંતિપ્રિય ઋષિઓને પરેશાન કરો છો. આવી જાવ લડવા માટે. દેવતાઓની સેનાએ તમને ચારેતરફથી ઘેરી લીધા છે. હવે તમારો બચવાનો કોઈ ઉપાય નથી. અગ્નિદેવ, વરુણદેવ, સૂર્યદેવ... તૂટી પડો આ અસુરો પર. એક પણ બચવો ન જોઈએ.’ આટલું બોલીને ઇન્દ્રદેવે વજ્રનો પ્રહાર કર્યો. અસુરોનો રાજા ત્યાં જ મૃત્યુ પામ્યો. દેવતાઓના સૈન્યે બધા અસુરોને મારી ભગાડ્યા. ગૃત્સમદ ઋષિએ ઇન્દ્ર તથા દેવતાઓનો આભાર માન્યો. ઇન્દ્ર બોલ્યા, ‘અરે ઋષિવર ! આભાર તો મારે આપનો માનવો જોઈએ. આપની યુક્તિથી જ આજે હું બચી શક્યો છું. નહીં તો અસુરોએ મને બંદી બનાવી લીધો હોત. આપની યુક્તિથી જ આજે બધા અસુરો નાશ પામ્યા છે. હવે ચાલો આપણે યજ્ઞની પૂર્ણાહૂતિ કરીએ.’ ગૃત્સમદ ઋષિ ફરી પાછા યજ્ઞ કરવા લાગ્યા.