ગુજરાતી બાળવાર્તા સંપદા/હુકમ મેરે આકા
પ્રજ્ઞા પટેલ
સાંજના સમયે ડૉરબેલ વાગે ને નિરાલી દોડતી જઈ બારણું ખોલે.... ‘મારા પપ્પા આવ્યા, પપ્પા આવ્યા...’ કરતી એમને ગળે વળગી પડે. પપ્પાએ એમની ઑફિસબૅગ બાજુ ૫૨ મૂકી નિરાલીને તેડવી જ પડે. ક્યારેક વળી એ પીઠ પાછળ લટકી જાય, ક્યારેક પપ્પાની બૅગ લઈ ઘરમાં દોડાદોડી કરવા માંડે... ‘પપ્પા, મારા માટે શું લાવ્યા ?’ એ પ્રશ્ન તો અચૂક પૂછે જ. ‘રોજ રોજ બેટા શું લાવું તારા માટે ?’ પપ્પા પૂછતા. ‘અરે, કેટલી બધી વસ્તુઓ છે ! મમ્મી, જો તો ખરા, પપ્પા કેવી વાત કરે છે ? ચૉકલેટ, આઇસક્રીમ, કંપાસબૉક્સ, ટેડીબેર, દફતર, પેન, પેન્સિલ, રબ્બર, ડૉગી, ગુલાબનો છોડ, બૂટ, વાર્તા રે વાર્તા... હં, સ્ટોરી બુક, નાનો નાનો હીંચકો, ઢીંગલી, અરે મોર, પોપટ, ચકો-ચકી, લાફિંગ બુદ્ધા...’ નિરાલી એક શ્વાસે યાદી બોલવા માંડે. ‘એમ કહે ને કે આખી ને આખી દુકાન, સૉરી, ઘણી બધી દુકાનો લઈ આવવાની તારા માટે, ખરું ?... હં, વાત તો તારી સાચી... પણ બેટા, વાત જાણે એમ છે કે પૈડાંવાળી દુકાનો હજુ નથી શોધાઈ, વળી મારી પાસે એવડી મોટી ગાડી પણ નથી...’ ‘તો એક કામ કરો, રોજ રોજ કંટાળો આવતો હોય ને તો એક દિવસ બસ એક જ શૉપિંગ મૉલ લઈ આપો.... પછી કદી કશું જ નહીં માંગું.’ નિરાલી સાવ સહજ ભાવે જ બોલી ઊઠે. ‘મારી નિરાલી તો નિરાળી જ છે, એને તો આખ્ખું શૉપિંગ મૉલ પણ ઓછું પડે... એમાં કંઈ મો૨-પોપટ, ચકો-ચકી, વાદળ-પંખી, નદી ન હોય... બરાબર ને દીકરા ?’ ‘હા, એ વાત તો સાચી. તમે કેટલા સારા પપ્પા છો !’ ‘તો આપણે શું કરીશું ? શું લઈશું ?’ પપ્પા પૂછતા. ‘મારે જરા વિચારવું પડશે... કંઈક તો આઇડિયા કરવો જ પડશે.’ નિરાલી આમતેમ ચાલવા માંડે, બે હાથ કમર પાછળ હોય, લાંબા-ટૂંકા ડગ માંડે, અટકે, પાછી ચાલે... વિચારમાં છે એ. આજે ફરી એ જ વાતનું રટણ કરીને બેઠી છે નિરાલી. ‘પપ્પા, મારા માટે શું લાવ્યા ? શૉપિંગ મૉલનું કેટલે પહોંચ્યું ?’ ‘તું ચિંતા ન કર નિરાલી, મને આઇડિયા મળી ગયો છે. તારા માટે આખ્ખું મોટું અમદાવાદ જેવડું શહેર જ લઈ લઈશું. આજે જ હું તારા માટે બુક કરાવી દઉં છું.’ ‘હેં... સાચ્ચે જ પપ્પા ? હેં પપ્પા, આખ્ખું મોટ્ટું અમદાવાદ પછી મારું ? મારું ? નિરાલીનું ?’ નિરાલી તો ઘેલી ઘેલી. પપ્પાને ગાલે, માથે, ખભે, બરડે હાથ ફેરવે, ટપલીઓ માટે, ગોળ ગોળ ફરતી નાચવા લાગી. ગાવા લાગી :
‘નિરાલી નિરાળી છે
પપ્પાની નિરાલી છે
અમદાવાદ મજાનું છે
નિરાલીનું પોત્તાનું છે....
એય પપ્પા, સાંભળો સાંભળો... તમે સહુ કોઈ સાંભળો...
નાના મોઢે મોટી વાત
ના ભાઈ ના
નિરાલી ના બોલે ખોટી વાત
હા ભાઈ હા....
ખળખળ વહેતું સાબરમતીનું પાણી
નિરાલી તો કરશે રોજેરોજ ઉજાણી...
અરે... વાહ ભાઈ વાહ...’
પપ્પા આવાં ગીતો સાંભળી તાલી ન પાડે તો એમનું આવી જ બને. જે હાજર હોય એ બધાંએ તાળી પાડવી જ પડે. ‘હુકમ મેરે આકા...’ પપ્પા હુકમ લેવાની અદામાં માથું સહેજ નમાવી, એક હાથ છાતી પર મૂકી કેડેથી ઝૂક્યા. ‘અમદાવાદ શહેર અબઘડી બુક કરવામાં આવે.... આખ્ખેઆખ્ખું અમદાવાદ, આ છેડેથી પેલે છેડે, ઉપરથી નીચે, આ દિશાથી પેલી દિશા સુધી. તમે સાંભળ્યું, આ રાજાનો હુકમ છે, અબઘડી... હાલ ને હાલ... ‘જેવી હુજૂરની મરજી... અમારા રાજાની મરજી...’ પપ્પાએ મોબાઇલ ફોન હાથમાં લીધો ને નાનાં નાનાં બટન દબાવ્યાં. ‘બાદશાહ સલામત.... સૉરી, નિરાલી રાજાનો હુકમ છે કે અબઘડી, હાલ ને હાલ આખ્ખા અમદાવાદ શહર ઉનકે નામ બુક કીયા જાય... ક્યા ? ક્યા બોલ રહે હો ? કુછ સુનાઈ નહીં દેતા હૈ... પ્લીઝ.. ઠીક તરહ સે બોલીયે... ક્યા, બુકિંગ હો ચૂકી હૈ ?... તો... તો ફીર... વેઇટિંગ લિસ્ટ ચલ રહા હૈ ? રાજા કા નંબ૨ કૌન સા... પૈસઠવાઁ ?... યે કૈસે હો સકતા હૈ ? ....અરે ભઈ, અમદાવાદ શહેરના બુકિંગની વાત કરું છું, સિનેમાની ટિકિટની નહીં... હેં. શું કહ્યું ?’ પપ્પા ઊભા હતા ત્યાં ને ત્યાં જ નીચે બેસી પડ્યા. ‘શું થયું પપ્પા ? એમણે શું કહ્યું ?’ ‘બેટા, આપણો પાંસઠમો નંબર છે, ઘણા લોકોએ અમદાવાદ ખરીદવાનું બુકિંગ કરાવ્યું છે... મેં પૂછ્યું, એમ કઈ રીતે બને ? તો એ કહે, આ શહેરમાં તમારા જેવા ઘણા... ઘણા મૂર્ખ શિરોમણિ છે, તમે એક જ નથી હોં...’ ‘બુકિંગ કેન્સલ કરો... આમ પણ અમદાવાદ તો બહુ ધમાલિયું છે, કેટલું બધું પ્રદૂષણ છે ? જવા દો, આપણે હવે બીજું શહેર બુક કરાવીશું...’ નિરાલી પપ્પાને ઊભા કરતાં બોલી. ‘હુકમ મેરે આકા.... જૈસી આપકી મરજી મેરે આકા...’ ‘તમે ઘોડો થઈ જાવ... ઘોડો... તબડક તબડક... અબઘડી...’ ‘પણ બેટા, હું ઘોડો તો કઈ રીતે બની શકું ?’ નિરાલીએ પપ્પાને ઍક્શન કરી સમજાવ્યા. પપ્પાના બે હાથ, બે પગ નીચે... પીઠ પર નિરાલી ગોઠવાઈ... ગાવા માંડી. ‘ચલ મેરે ઘોડે રે, તબડક તબડક રે....’ ‘નિરાલી, ઓ નિરાલી ક્યાં છે તું ?’ મમ્મીની બૂમ સંભળાઈ. થોડી વારમાં મમ્મી ત્યાં આવી ને ત્યાંનું દૃશ્ય જોઈ હસી પડી. ‘નિરાલી, આ શું માંડ્યું છે ? પપ્પા થાકીને આવ્યા હશે...’ ‘પપ્પા ? કોના પપ્પા ?’ ‘હા, હા, તારા પપ્પા થાકીને આવ્યા હશે... ને તમે પણ...’ ‘અરે, આ તો કંઈ નથી, સસ્તામાં પત્યું છે. તારી લાડકીને તો આખ્ખું અમદાવાદ ખરીદવું હતું, બોલ, ક્યાંથી લાવી દઉં ?’ ‘પછી... શું થયું ?’ ‘એમાં લાંબું વેઇટિંગ લિસ્ટ છે એટલે આ તબડક તબડકથી કામ ચલાવ્યું, સમજાયું ?’ નિરાલીની સાથે મમ્મી-પપ્પા પણ ખડખડાટ હસી પડ્યાં.